આપણને એક એવા સમાજની જરૂર છે જ્યાં સેક્સ ઇજા ન પહોંચાડે અને સત્તા શોષણ ન કરે, પણ પિતૃસત્તાક સમાજમાં આવું શક્ય થઇ શકે?
દિલ્હીની જ્યોતીને મળ્યું હતું નિર્ભયા નામ, અને હવે હાથરસની મનીષાનું નામ ચર્ચાઇ રહ્યું છે. બળાત્કાર છે કે બળાત્કાર નથી? ઉત્તર પ્રદેશની પોલીસ જે રીતે આખો મામલો સંભાળે છે એ જોતાં લાગે છે કે ‘કાયદો અને વ્યવસ્થા’નાં અગ્નિસંસ્કાર એવી રીતે થયા છે, જાણે એમાં કાળું ચકલું ય નહોતું ફરક્યું એમ લાગે. રાજકારણ હોય, જાતિવાદ હોય કે કુટુંબનો વિખવાદ હોય વાસ્તવિકતા એ છે કે એક જુવાનજોધ છોકરી રાખ થઇ ગઇ. વાત ઉત્તર પ્રદેશના કેસની કે નિર્ભયા સાથેની સરખામણીને કે સરકાર તરફી કે વિરોધીઓનાં ઘોંઘાટની કરવાની જ નથી. વાત છે ક્રૂરતા, દ્વેષ, સત્તા, શોષણ તમામનો ભોગ બનનારી સ્ત્રીની યોનીની … રવિવારની સવારે ચિંતાઓ નેવે મુકવાની હોય, ત્યારે આવું શું વાંચવાનું એવું ય તમને લાગી શકે છે પણ જે સાફસૂથરો શબ્દ વાંચીને નાકનું ટીચકું ચઢી ગયું હશે, એ માત્ર શબ્દ નથી, શરીર છે એને ય કંઇ કહેવું હોય એમ બની શકે છે. એક પ્રયત્ન કરીએ, કદાચ કંઇ જાણી શકાય.
“પહેલાં મને નિર્ભયાને નામે ચર્ચવામાં આવી અને હવે મનીષાનું રટણ લીધું છે. નામ ગમે તે આપે, હું બધી સ્ત્રીઓમાં છું, એક સરખી. ધનાઢ્ય ઉદ્યોગપતિની દીકરીને પણ અને રસ્તે રઝળતી બાઇમાં પણ, ફુલન દેવીમાં પણ અને ડૉ. પ્રિયંકા રેડ્ડીના શરીરમાં પણ .. ગામડામાં તો અમને જાગીર ગણાય છે, જેને જેમ મન ફાવે તેમ એમાં પાછા જાતને આધારે કેટલાં ચુંથાઇશું એ ય બધા જાતે જ નક્કી કરી લેતા હોય. આમ તો મને ચિત્ર-વિચિત્ર નામોથી બોલાવાય છે, બોલાવાય છે નહીં ભાંડવામાં આવે છે, જેથી બીજાને નીચા દેખાડી શકાય. બીજી તરફ ઘરની આબરુ સાચવવાની જવાબદારી પણ મારી. આ તે કેવો વિરોધાભાસ? હશે! મારી સાથે ચેડાં કરીને કે મને ઇજા પહોંચાડીને પુરુષ પોતાની સત્તા સાબિત કરે છે એ વિકૃતિ બદલાશે ખરી? શરીર સંબંધ એ સત્તાનો દેખાડો છે, અથવા તો જાતીય શોષણ એ સત્તા સાબિત કરવાનું એક બેહૂદું હથિયાર છે એવું સાંભળ્યું છે, જાણ્યું છે. એટલે જ કદાચ મંટોની વાર્તાઓમાં જેને માથે ઝનૂન ધૂણતું હતું તેવા પાત્રો મારી સાથે બળાત્કાર કરી શક્યા, સબંધ બાંધી શક્યા. વાર્તાઓ જ છે એમ રખે માની લેતા કારણ કે જે લખાય, બતાડાય એ બધું જ અંતે તો સમાજનું જ પ્રતિબિંબ હોય છે.
“આ મી ટૂ મુવમેન્ટ ચાલી હતી એમાં શું હતું? જેની પાસે સત્તા હતી એની ડાર્ક સાઇડને પોષવા એમણે મારો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો. સત્તા એ લોકો પાસે જ હોય છે જે તેનો દુરુપયોગ કરી જાણતા હોય છે, છીનવી લેવાય તો જ ખરો પાવર કહેવાય, ખરું બળ દેખાડાયું એમ કહેવાય. અસંતુલિત સત્તા એટલે બળનો દેખાડો કરવા હેરાનગતિ કરાય એવું માની બેઠેલા માણસો. હું માણસના શરીરનું અંગ છું પણ મારી સાથે માણસાઇ દર્શાવવી જોઇએ એવું કોઇને ય લાગતું નથી. કેમ? મારી સાથે બળજબરી થાય, અને મને ફાવે એ રીતે લોહીલુહાણ કરી દેવાય અને પછી મારી શી વલે થઇ રહી છે, મને શું પીડા થઇ રહી છે એ બધું ય બાજુમાં રહી જાય અને આસપાસ એવા ઘોંઘાટ ઊઠે તેમાંથી કોઇ નિષ્કર્ષ પણ ન આવે અને અંતે હું સાવ કરમાઇને મરી જાઉં, સળગાવી દેવાય મને, મારો ખાત્મો બોલાવી દેવાય. મારી પીડાની ટીસ કોઇના ય કાને નથી પડતી. મારી સાથે થતી જાતીય હિંસા કરનારાઓને પાશવી આનંદ તો એ વાતનો મળે છે કે હું મારા ઘા પર માથું ઊંચું રાખીને મલમ પટ્ટા કરાવવા નહીં જાઉં. મારા લોહીના ટશિયા જોઇને કોઇ એમ નહીં પૂછે કે અરે શું વાગ્યું? મટી જશે, હં એવું ય કોઇ નથી કહેવાનું, બસ વાતો થશે, ડિબેટ થશે કે કેવી રીતે મને ઇજા કરાઇ, કેટલી કરાઇ, ક્યાં ક્યાં કરાઇ વગેરે અને મારા તો ઘા ના પણ ધજાગરા ઉડાડી દેવાશે.
“મારા જેવી તો આપણા દેશમાં રોજની ૮૭ ઘવાય છે અને હણાય છે. રમખાણ જેવું થાય તો ય ખુલ્લી તલવાર હાથમાં લઇને દોડતા માણસનું પાશેર લોહી મને ગોદા મારવા ખળભળી જ ઊઠે. મને નથી ખબર આ બોલવાનો કંઇ અર્થ વળશે ખરો? મારો વાંક કાઢવાને બદલે, જે મને બેહાલ કરે છે એને કોઇ કશું શીખવશે ખરું? દર મહિને લોહી વહેવડાવવું, શૃંગાર રસની મહેક બનવું, બાળકને જન્મ આપવું આ બધું મારે માટે સાહજિક છે પણ તમને બધાને એ સાહજિકતાઓ કરતાં તમારા મનની બેહુદગીઓ સંતોષવી છે. મને ત્રાસ, રોષ, જુગુપ્સાની લાગણીઓ મળશે અને પછી ભેટમાં મળશે નિરર્થક ચર્ચાઓ, ઘોંઘાટ, કાવાદાવા અને રાજકારણ, ફાંસીના માંચડા. ફરી એકવાર મારા આત્માનો અગ્નિસંસ્કાર થશે.”
યોની સ્ત્રીની ઓળખ છે, તેના વતી વાત કરવા ચાહે તો કદાચ આમ જ કંઇક કહેશે. ભારતમાં બળાત્કાર, સ્ત્રી સાથેની હિંસાની ખબર, અફવા, સાચું-ખોટું બધાંનો કોલાહલ ચાલ્યો છે. જો કે નિર્દયતા બધે સરખી જ હોય છે કારણ કે જે દેશોમાં સૌથી વધુ બળાત્કાર થાય છે તેમાં સાઉથ આફ્રિકા, બોત્સવાના, લેસોથો, સ્વાઝિલેન્ડ, બરમ્યુડા, સ્વિડન, સુરીનેમ, કોસ્ટા રિકા, નિકારાગુઆ અને ગ્રેનેડા એમ આ દસ દેશોનો સમાવેશ થાય છે. જો કે સ્ત્રીઓ માટે સાધારણ રીતે જોખમી ગણાતા દેશમાં ભારત, અફઘાનિસ્તાન, સીરિયા, સોમાલિયા, પાકિસ્તાન જેવા દેશ પણ છે. હા બધે બધું જ થાય છે, કાગડા બધે જ કાળા પણ એટલે શું આ હિંસા માન્ય રાખવાની? સેક્સ, સત્તા, વાડાબંધી, વાસના આ બધાંનો ઉકરડો સેકરેડ ગેઇમ્સ વેબ સિરીઝમાં ગાયતોંડેએ સળગાવી નાખેલા ડમ્પયાર્ડની જેમ વિસ્તરતો જ રહેશે? આપણને એક એવા સમાજની જરૂર છે જ્યાં સેક્સ ઇજા ન પહોંચાડે અને સત્તા શોષણ ન કરે, પણ પિતૃસત્તાક સમાજમાં આવું શક્ય થઇ શકે?
બાય ધી વેઃ
કોઇ તારણને બદલે પ્રશ્નાર્થ પર લેખ પૂરો થાય તો કંઇક ખૂંચે પણ શું થાય આ પ્રશ્નો જ એવા છે જેના જવાબો મળતા જ નથી. માત્ર આઘાત મળે છે. બળાત્કારીઓને ફાંસીને માંચડે હજી તો ફેબ્રુઆરીમાં જ લટકાવાયા હતા પણ તો ય બીજી એક ઘટના ઘટી. હા ફોરેન્સિક રિપોર્ટ અનુસાર એમાં ગેંગરેપ નહોતો એવા સમાચાર આવ્યા છે, પણ એટલે શું ક્રૂરતાથી થયેલી હત્યા પણ ચલાવી લેવી જોઇએ? ઝીણો લોટ ચાળવાની ચારણીની જાળીમાં જેવું ધ્રુવીકરણ હોય એવું આપણા સમાજના બંધારણમાં છે. એક આખી પેઢી ગુનાને સમાજનો સ્વાભાવિક હિસ્સો સમજીને ઉછરી રહી છે જે ભયજનક છે. ઇન્ફર્મેશન ઓવરલોડના વખતમાં આ સારું છે એ શીખવવા કરતાં આ ખોટું છે આનાથી દૂર રહેવુંની શિખામણ વધુ આપવી પડે છે. ખરાબથી બચવામાં, બદી સમજવામાં સારપ સરી જાય છે જે અંગે વહેલાસર ચેતવું જરૂરી છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ઑક્ટોબર 2020