ગાંધીજીએ પહેલું રાજકીય નિવેદન કર્યું ૧૯૧૬ની છઠ્ઠી ફેબ્રુઆરીએ બનારસમાં બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં. એ નિવેદન નહોતું, દમદાર માણસના દમદારપણાનો અને એ સાથે આપણા કામનો નહીં હોવાની જાહેરાતનો બુંગિયો હતો. સમારંભમાં ભભકાનો પાર નહોતો. ઉદ્ઘાટન માટે આવેલા ગવર્નરની સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. શહેરમાં ચારે બાજુ પોલીસ હતી. સમારંભમાં ભાષણોની ધાણી ફૂટતી હતી અને બધા જ વક્તાઓ અંગ્રેજીમાં બોલતા હતા. સમારંભમાં કિંમતી આભૂષણો પહેરીને રાજા-મહારાજો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીજી આની વચ્ચે અકળામણ અનુભવતા હતા.
ગાંધીજીનો જ્યારે બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ભારતે જો સ્વરાજ મેળવવું હશે તો ભારતની પ્રજા જે ભાષામાં બોલે છે, સમજે છે અને વિચારે છે એ ભાષામાં બોલવું પડશે. એના સિવાય રાષ્ટ્રીય સ્તરે એકવાક્યતા ન સ્થપાઈ શકે. એ પછી તેમણે ગવર્નર માટેની સલામતી વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આટલા ભય હેઠળ જીવવું એ જીવતર નથી. જો તેમને ભય લાગતો હોય તો તેમણે તેમના વતન પાછા જતા રહેવું જોઈએ. તેમણે શ્રોતાઓ દ્વારા ભારતીય પ્રજાને ઉદ્દેશીને કહ્યું હતું કે જો ગવર્નર આપણા કારણે ભય અનુભવતા હોય તો એ આપણા માટે શરમજનક છે. આપણને ગવર્નરની આંખમાં આંખ નાખીને આત્મવિશ્વાસ સાથે આપણી વાત કહેતા આવડવું જોઈએ. નથી ડરવાની જરૂર કે નથી ડરાવવાની જરૂર. આગળ જતા ગાંધીજીએ રાજા-મહારાજાઓનાં આભૂષણનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ તમે પ્રાપ્ત કરેલાં ઐશ્વર્યનું પ્રદર્શન નથી, પરંતુ તમે કરેલા પ્રજાનાં શોષણનું પ્રદર્શન છે.
આવું જાહેરમાં મંચ ઉપરથી મોઢામોઢ ગાંધીજી બોલ્યા હતા. એ બેઠકની અધ્યક્ષતા દરભંગાના મહારાજા કરતા હતા અને બીજા કેટલાક રાજવીઓ મંચ ઉપર અને મંચની સામે પહેલી હરોળમાં બેઠા હતા. ગાંધીજીને આ રીતે મોઢામોઢ બોલતા જોઇને મંચ ઉપર ઉપસ્થિત એની બેસન્ટે ગાંધીજીને તેમનું પ્રવચન પૂરું કરવાની સલાહ આપી હતી. સામે પ્રેક્ષકો ગાંધીજી ભાષણ ચાલુ રાખે એવો આગ્રહ રાખતા હતા. એની બેસન્ટે બીજી વાર ગાંધીજીને બેસી જવા કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘જો અધ્યક્ષ મને ભાષણ ટૂંકાવીને બેસી જવા કહેશે તો હું બેસી જઈશ.’ સામેથી લોકોનો હર્ષનાદ એટલો હતો કે ગાંધીજીને બેસી જવા માટે કહેવાની અધ્યક્ષની હિંમત ચાલી નહોતી. થોડી વારે એની બેસન્ટ વિરોધના ભાગરૂપે મંચ ઉપરથી ઊતરી ગયાં હતાં અને એ પછી રાજવીઓ મંચ છોડીને જતા રહ્યા હતા.
ગાંધીજી વિષે જે વાયકાઓ સાંભળવા મળતી હતી એની ભારતની પ્રજાને પ્રતીતિ થઈ. આ માણસ પ્રજા સાથે એકાકાર થઈ શકે છે. આ માણસ સામાન્ય માણસની ભાષામાં સામાન્ય માણસના હિતની વાત કરે છે. આ માણસ જે વિચારે છે એ જ બોલે છે અને કરે પણ છે. આ માણસ નિર્ભીક છે, પણ અભિમાની કે તોછડો નથી. આ માણસ નાની કે કોઈ ખાસ વર્ગ વિશેષના સ્વાર્થની વાત કરતો નથી, પણ સઘળાનો વિચાર કરે છે. ભારતની પ્રજાને લાગ્યું કે આ દમદાર માણસ આપણા કામનો છે. બીજા શબ્દોમાં કહીએ તો દમદાર હોવા છતાં જે માણસ પ્રસ્થાપિત નેતાઓને કામનો નહોતો લાગ્યો એ ભારતની સામાન્ય પ્રજાને કામનો લાગ્યો હતો. એ ઘટના પછી ગાંધીજી ભારતના એકમેવ નેતા તરીકે સ્થાપિત થવા લાગ્યા અને એમ પણ કહી શકાય કે એ ઘટના પછીથી ગાંધીજીને સતાવવાની પણ શરૂઆત થઈ.
ગાંધીજીના એ ભાષણના દેશભરમાં પડઘા પડ્યા હતા. ખરી તાકાત જીગરમાં રહેલી છે, સંખ્યામાં કે સમૂહમાં નથી એ તેમણે બતાવી આપ્યું. ગાંધીજીનાં એ ભાષણ પછી બીજા મહિને વિનોબા ભાવે શાસ્ત્રોનો અભ્યાસ કરવા કાશી ગયા હતા. કાશીમાં સર્વત્ર ગાંધીજીનાં ભાષણની ચર્ચા ચાલતી હતી. ત્યારે વિનોબાજી હજુ ગડમથલમાં હતા કે દેશને મુક્ત કરવા ક્રાંતિનો માર્ગ અપનાવવો કે પછી જીવનને સંસારના બંધનોથી મુક્ત કરવા સંન્યાસ લેવો. તેમણે જ્યારે ગાંધીજીનું આખું ભાષણ વાંચ્યું ત્યારે તેમને સમજાઈ ગયું કે આમાં તો બન્ને સમાહિત છે. દરેક અર્થમાં મુક્ત માણસ જ આવાં વચન જાહેરમાં બોલી શકે. આ માણસ મારા દેશને પણ મુક્ત કરી શકે એમ છે અને મારા જીવનને પણ બંધનમુક્ત કરીને જીવન સાર્થક કરી શકે એમ છે. ક્રાંતિ અને શાંતિનો સમન્વય જોવા મળે એમ છે. વિનોબા ભાવેએ ગાંધીજીને પત્ર લખ્યો, મળવાની ઈચ્છા બતાવી અને જૂન ૧૯૧૬માં કાયમ માટે ગાંધીજીના થઈ બેઠા. પાછળથી ગાંધીજીએ વિનોબાને પોતાના આધ્યાત્મિક વારસ જાહેર કર્યા હતા.
બેરિસ્ટર વલ્લભભાઇ પટેલ ગુજરાત ક્લબમાં ગાંધીજીની કાયમ ઠઠ્ઠા કરતા. એક વાર ક્લબમાં ગાંધીજીનું ભાષણ હતું. વલ્લભભાઇ અને તેમના મિત્ર ગણેશ વાસુદેવ માવલંકર ક્લબમાં પત્તા રમતા હતા. ગાંધીજી આવ્યા ત્યારે માવલંકરે વલ્લભભાઇને કહ્યું કે ગાંધીજી આવી ગયા છે, ચાલો અંદર ભાષણ સાંભળવા નથી જવું? વલ્લભભાઇએ તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું કે, ‘તમે જાવ મારે નથી આવવું. તેઓ શું બોલવાના છે એ હું તમને જણાવી દઉં. ઘઉંમાંથી કાંકરા વીણવાથી સ્વરાજ મળવાનું છે.’ અને પછી તેઓ હસવા લાગ્યા. એ જ વલ્લભભાઇએ ગાંધીજીના બનારસના ભાષણના સમાચાર વાંચ્યા ત્યારે તેઓ બોલી ઉઠ્યા હતા કે, ‘માવલંકર, આ માણસ સ્વરાજ અપાવશે.’
ઘનશ્યામદાસ બિરલા કલકત્તાના ઊગતા ઉદ્યોગપતિ હતા. આગલા વરસે ૧૯૧૫માં ગાંધીજી કલકત્તા ગયા હતા ત્યારે મારવાડી યુવક સંઘના યુવકોએ ગાંધીજીની ઘોડાગાડીના ઘોડા છોડી નાખીને ગાડી જાતે ખેંચી હતી. એ યુવકોમાં એક ઘનશ્યામદાસ બિરલા પણ હતા. તેમણે પણ ગાંધીજીનું બનારસનું ભાષણ વાંચીને મિત્રોને કહ્યું હતું કે બસ, તૈયારી કરો આઝાદી મળવાની છે.
પણ પ્રસ્થાપિત નેતાઓને તો હજુ પણ આ માણસ કામનો નહોતો લાગતો. સમસ્યા એ હતી કે માણસ દમદાર હતો અને હવે તો પ્રજાને પણ કામનો લાગવા માંડ્યો હતો. યાદ રહે, વિનોબા ભાવે, વલ્લભભાઇ પટેલ, ઘનશ્યામ દાસ બિરલાએ આ માણસ અનોખો છે એવા ઉદ્ગાર કાઢ્યા ત્યારે તેઓ પણ પ્રજાનો હિસ્સો હતા, નેતા નહોતા. લગભગ આવા જ પ્રતિભાવો બીજા અનેક જણે આપ્યા હતા જે આગળ જતા રાજકીય નેતા કે ગાંધીજીના સહકારી કે પ્રતિષ્ઠિત મહાનુભાવો નીવડ્યા હતા. પ્રસ્થાપિત નેતાઓ માટે સમસ્યા હતી કે આ માણસનું કરવું શું? આ આપણી ભાષા બોલતો નથી અને આપણે જે રાજકારણ કરીએ છીએ એ નકારે છે. આ માણસને નકારી શકાય એમ પણ નથી, કારણ કે પ્રજા સ્વીકારે છે.
૧૯૧૬-૧૯૨૦. ભારતના પ્રત્યેક નેતાએ, ફરી કહું છું અપવાદ વિના, પ્રત્યેક નેતાએ ગાંધી નામની કવરાવતી વાસ્તવિકતાનું કરવું શું એનો નિર્ણય લેવો પડ્યો હતો.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 નવેમ્બર 2020