અમેરિકાએ છબી બદલવી પડશે અને એ માટે બાઇડનના શાસનમાં ધ્રુવીકરણ અટકે, જેટલું થયું છે તે ફરી થાળે પડે, લોકોને અહીં ફરી એકવાર સલામતી લાગે એ જરૂરી છે. અમેરિકન લોકશાહી હવે મહાન, ખાસ કે અસાધારણ નથી રહી એ સ્પષ્ટ છે.
રાજા, વાજા અને વાંદરા વાળી કહેવત અમેરિકાના કિસ્સામાં બંધ બેસે છે. એક સમયે દેશની ગાદી સાચવનારા ટ્રમ્પને માનવું જ નથી કે એ હવે યુ.એસ.એ.ના રાષ્ટૃપ્રમુખ રહ્યા નથી અને પાછા તેમના અંધ ભક્તોએ પણ પરિણામની ઐસીતૈસી કરીને કેપિટલ હિલ પર હલ્લો બોલાવ્યો. જાન માલને નુકસાન પણ થયું, ગોળીબારી, ધક્કામુક્કી બધું જ થયું. જ્યારે ટ્રમ્પના ટેકેદારો કેપિટલ હિલ પર ધસી ગયા હતા ત્યારે જે તસવીરો જોવા મળી, જે નજારા સમાચારોમાં જોવા મળ્યા તે જોઇને આપણે ત્યાં થતી બેહૂદગી આટલી ખરાબ નથી હોતી, એવો વિચાર કદાચ મોટાભાગનાં લોકોનાં મનમાં આવ્યો હશે. યુ.એસ. કાઁગ્રેસ જે લોકશાહીના પ્રતીક સમી ઇમારત છે, તેની પર આ પહેલાં પણ ચારેક વાર રાજકીય કારણોસર હુમલો થયો છે પણ આ વખતે જે ઘટના ઘટી એ અમેરિકન સત્તાની વૈશ્વિક સ્તરે જે પણ મહત્તા છે તેને ખળભળાવી નાખશે એ ચોક્કસ.
લોકશાહીની મશાલ ઝાલીને, કૉલર ઉપર કરનારા યુ.એસ.એ. માટે કેપિટલ હિલ પર ફરી વળેલાં ટોળાં નકરી નાલેશી સાબિત થયાં. વળી, યુ.એસ.એ.ના ઇતિહાસમાં ટ્રમ્પ એવા પહેલા પ્રેસિડન્ટ છે જેમને અમેરિકાની સંસંદે બીજી વાર ટ્રાયલ માટે ગૃહમાં બોલાવ્યા છે. ટ્રમ્પનું ઇમ્પિચમેન્ટ – મહાભિયોગ ફરી થશે. ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની મંજૂરી આપવા માટે 10 રિપબ્લિકને પણ ડેમોક્રેટ્સને સમર્થન આપ્યું. સમાચાર એજન્સી AFP અનુસાર અમેરિકન ગૃહના મોટા ભાગના સભ્યો ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની તરફેણમાં હતા. એવું પણ બને કે ટ્રમ્પને ફરી વાર અમેરિકન પ્રમુખ તરીકે ચૂંટાવાનો મોકો ફરી મળે જ નહીં, જો કે ટ્રમ્પને તો એવા ઘણા ય અભરખા છે અને તેણે પોતે ફરી ૨૦૨૪માં ચૂંટણી લડશે એવા સંકેત પણ આપ્યા છે. હવે આ ઇમ્પિચમેન્ટનું શું થાય છે તે તો અમેરિકન સેનેટના હાઉસમાં છે, અને તેનો કાર્યકાળ પૂરો થવામાં છ દિવસ બાકી રહ્યા છે. આ આખી પ્રક્રિયા થતાં પહેલાં જ બાઇડેન અમેરિકન પ્રમુખ તરીકે શપથ લઇ લેશે તેવું પણ બની શકે.
ટ્રમ્પને કારણે જે રીતે અમેરિકાની છબી ખરડાઇ તેની વાત કરીએ તો ટ્રમ્પના રાજમાં બિલકુલ ‘અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં’ જેવો હાલ થયો અને છ જાન્યુઆરીની ઘટના એ લોકશાહીના પોલા થઇ ગયેલા પાયાનો પુરાવો સાબિત થઇ. વાઇરસના સપાટાએ યુ.એસ.એ.માં સંજોગો બહુ બગાડ્યા, લોકો માનસિક, શારીરિક અને આર્થિક રીતે ભાંગી પડ્યા હતા. લોકોની હાલત આ હતી પણ દેશના વડાને માટે નવેમ્બરની ચૂંટણીમાં મળેલી હાર સૌથી મોટો મુદ્દો હતી. માસ્ક ફગાવનારા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે તું તું મેં મેં કરનારા, ચીનને કંઇપણ કહી દેનારા આ પ્રેસિડન્ટને પોતે હાર્યા છેની ખબર પડી પછી તેમણે જાતભાતના ગતકડાં કર્યા અને એ બધું ય તે બે મહિના સુધી ચાલ્યું, જેમાં લોકશાહી પર સૌથી મોટો ફટકો હતો એ દિવસ જ્યારે ટ્રમ્પના ટેકેદારોએ કેપિટલ હિલને ઝબ્બે કરી લીધી. ટ્રમ્પે ટોળેટોળાં વ્હાઇટ હાઉસ પર ભેગાં કર્યાં અને પછી તેમને કેપિટલ હિલ તરફ મોકલ્યાં. ટ્રમ્પનું એકએક પગલું લોકશાહીના નિયમોની ઠેકડી ઉડાડનારું હતું, એના આખા શાસન કાળ દરમિયાન કંઇને કંઇ થયા કરતું હતું. પરંતુ સત્તા પરિવર્તનની પ્રક્રિયા અત્યંત શાંતિ પૂર્વક થાય તે પણ લોકશાહીની એક બહુ ઘેરી ઓળખ છે પણ ટ્રમ્પના રાજમાં એ પણ ન થયું. ટ્રમ્પના ટેકેદારો ચૂંટણીના મતની લડાઇને જાણે મધ્ય યુગમાં થતી શારીરિક લડાઇથી લડવા માગતા હતા. વળી ટ્રમ્પે પોતાના કાળ દરમિયાન મન ફાવે એ રીતે નિયમોને અને લોકશાહીના મૂળભૂત સિદ્ધાન્તોને નેવે મૂક્યા છે.
અહીં ફરી એકવાર પોપ્યુલિસ્ટ રાજકીય નેતા કેટલો નુકસાનકારક હોઇ શકે છે તે સાબિત થાય છે. પક્ષ, દેશ અને બંધારણની ઉપર ક્યારે ય કોઇ પણ ન હોઇ શકે પણ યુ.એસ.એ.માં તો એ જ થયું. ટ્રમ્પવાદીઓમાં ક્યાં ય રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનું સન્માન, બંધારણનાં મૂલ્યોની અગત્યતા જેવું કશું ય લગીરેક ન દેખાયું. ટ્રમ્પનું અળવિતરાપણું પ્રેસિડન્ટ બનીને ઘટવાને બદલે ફાટી ફાટીને ધુમાડે ગયું. ટ્રમ્પની તાસિરથી વાકેફ લોકોને હતું કે સત્તા આવશે તો શાણપણ પણ આવશે પણ અહીં તો સત્તા સામે અને સત્તામાં બે ય રીતે શાણપણ નકામું જ સાબિત થયું. વૈશ્વિક સ્તરે ઇન્ફર્મેશન સિસ્ટમ પણ પાંગળી છે એ પણ કેપિટલ હિલ પર થયેલી દુર્ઘટનાએ સાબિત કર્યું. અમેરિકાના રાજકારણમાં બાઇડન અને ટ્રમ્પ વચ્ચે રસાકસી કરતાં વાસ્તવિકતા અને કલ્પનાની વચ્ચેની લડાઇ રાજકારણને ડહોળી રહી છે. ટ્રમ્પ પર કરાયેલા જે પણ કેસિઝ છે એ બધાં ય બોખા સાબિત થશે જો ટ્રમ્પ પોતાની હાર માનવા માટે તૈયાર થશે જ નહીં, સત્તા સોંપવાને મામલે આડોડાઇ જ કર્યા કરશે, પણ બીજી વારનું ઇમ્પિચમેન્ટ લોકશાહીની ધાર તૂટી છે બુઠ્ઠી નથી થઇ એવું સાબિત કરે તો કંઇ વાત બને. ટ્રમ્પે અમેરિકાના બંધારણની ઘોર ખોદી છે, બાઇડન શપથ લેશે પછી ટ્રમ્પે કરેલું થાળે પાડવામાં પણ તેમનો સારો એવો સમય જશે. યુ.એસ.એ. હજી પણ એક મજબૂત લોકશાહી રાષ્ટ્ર છે જેની પાસે સૈન્યનું ઉત્તમ બળ છે એવું સાબિત થઇ શકે છે, પણ માત્ર લોકશાહી રાષ્ટ્ર તરીકે જોઇએ તો અમેરિકા અન્ય કોઇ પણ બીજા લોકશાહી રાષ્ટ્ર જેમ જ ઊણું ઉતર્યું છે એ વાસ્તવિકતા છે.
બાય ધી વેઃ
અમેરિકાએ છબી બદલવી પડશે અને એ માટે બાઇડનના શાસનમાં ધ્રુવીકરણ અટકે, જેટલું થયું છે તે ફરી થાળે પડે, લોકોને અહીં ફરી એકવાર સલામતી લાગે એ જરૂરી છે. અમેરિકન લોકશાહી હવે મહાન, ખાસ કે અસાધારણ નથી રહી એ સ્પષ્ટ છે. ટ્રમ્પને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની નાલેશી થઇ છે એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી પણ આ રાષ્ટ્રો ઉછેર લોકશાહી જમીનમાંથી થયો હતો, ટ્રમ્પકાળના ચાર વર્ષે તમામ લોકશાહી રાષ્ટ્રને એક બોધ આપ્યો છે કે લોકશાહી પર સૌથી મોટું જોખમ બહારથી નહીં પણ અંદરથી જ, પોતાના જ માણસોથી, પોપ્યુલિસ્ટ નેતાઓથી અને ધ્રુવીકરણ કોટે વળગાડીને ફરનારા નેતાઓથી હોય છે. ( આપણે સાચવજો, હં કે!)
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 જાન્યુઆરી 2021