ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ, ઍસોસિયેટ અને પ્રોફેસર પદ માટેના ઇન્ટર્વ્યૂમાં ઇન્ટર્વ્યૂ લેનારે કઈ કઈ બાબતો વિશે પૂછવું અને ઉમેદવારે જવાબો માટે કેવી કેવી બાબતો અંગે સજ્જ રહેવું તે વિશેની કેટલીક વાતો, અલબત્ત મારા મન્તવ્ય અનુસારની, અહીં રજૂ કરું છું :
નામ દઇ બોલાવાય ત્યારે ઉમેદવારે તે રૂમમાં પ્રવેશવું પણ જ્યાંલગી ‘બેસો’ ન કહેવાય ત્યાં લગી ઊભા રહેવું. બેઠા પછી સૌને નમસ્કાર કરવા.
ઉમેદવારે ગભરાઈ ન જવું. શું થશે શું થશે-ની અકળામણ ન અનુભવવી. વધુમાં વધુ શું થશે? પસંદ નહીં કરે, બીજું શું ! નરવસ થવાશે પણ જાતને કહેવું કે મને ખબર છે કે હું નરવસ થઈ રહ્યો છું / રહી છું. નરવસતા ચાલી જશે. ઉમેદવારે યાદ રાખવું કે પોતે કોઈ ગુનેગાર નથી અને કશી કબૂલાત માટે નથી આવ્યો. મનમાં એમ ભાવ રાખવો કે સાહિત્યનો શિક્ષક થઈને ગુજરાતી સાહિત્ય જગતમાં સાહિત્ય સમાજમાં અને સાહિત્યિક સંસ્કૃતિ માં જોડાવા ને સહભાગી થવા આવ્યો છું.
સાહેબોએ પણ પોલીસ તપાસ કરતા હોય એમ ઉમેદવારની જડતી ન લેવી. ઉમેદવારને એક વડીલ મિત્રની જેમ જવાબ આપવાનું ગમે, એમ સંકોરવો. એને વિશ્વાસમાં લેવો ને જે કંઇ પૂછવું હોય એ પ્રેમથી પૂછવું. ઉમેદવારને હૂંફનો અનુભવ થવો જોઈએ, એ ખીલવો જોઈએ. ઇન્ટર્વ્યૂ ગમ્ભીર હોઈ શકે પણ વાતાવરણ હળવું રાખવું – થોડી હસીમજાક પણ ભલે થતી હોય.
ઉમેદવારે પ્રસંગોચિત કપડાં પ્હૅરવાં. વર્ગમાં બધાં યુવા વયનાં હશે. તેઓ કહેશે નહીં પણ પાછળ મશ્કરી કરશે.
ઇન્ટર્વ્યૂ
Picture Courtesy : Product Coalition
ઉમેદવાર ઘરમાં કે મિત્રો જોડે ભલે કશી બોલીમાં વ્યવહાર કરતો હોય પણ ઇન્ટર્વ્યૂમાં એણે શુદ્ધ ગુજરાતી બોલવું. વાત વાતમાં ‘ઓકે’ ‘ફાઇન’ જેવા અંગ્રેજી શબ્દો બોલવાની આપણને ભણેલાંઓને આદત પડી હોય છે પણ ઇન્ટર્વ્યૂમાં અનિવાર્યતા સિવાયનો એક પણ અંગ્રેજી શબ્દ ન આવે તેની સાવધાની રાખવી. કેમ કે તમે ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપકપદ માટે લાયક ઠરવા ગયા હોવ છો.
ઉમેદવારે પ્રશ્ન સમજીને ઉત્તર આપવો. પ્રશ્ન સમજાયો ન હોય તો કહેવું દિલગીર છું, આપ ફરી કહેશો -? ઉત્તર ન આવડતો હોય તો ગપ્પું ન મારવું. નહિતર એ જૂઠને સંભાળવું મુશ્કેલ થઈ જશે. કેમ કે સાહેબોને તો ખબર પડી જ ગઈ હશે કે તમે હાંકો છો. કહેવું કે મને ખબર નથી પણ એ વિશે જાણવાની ભરપૂર કોશિશ કરીશ.
સાહેબોએ પહેલો સવાલ આ કરવો : પીએચ.ડી. માટે તમે આ વિષય કેમ પસંદ કર્યો? એ જાણવાનો યત્ન કરવો કે ઉમેદવારે સ્વરુચિથી વિષયપસંદગી કરી છે કે કોઈના કહેવાથી. ‘ગુજરાતી કાવ્ય સાહિત્યમાં નારીજીવન : સમસ્યાઓ અને ઉકેલો’ જેવો અતિ વ્યાપક વિષય હોય તો પૂછી શકાય કે કેમનો પાર પાડ્યો. વિષયમાં ગોવર્ધનરામ હોય તો પણ્ડિતયુગના બીજા નૉંધપાત્ર સાહિત્યકારોની મહત્તા વિશે પૂછી શકાય.
બીજો સવાલ : આ વિષય માટે તમે શું વાંચેલું? પહેલાં વાંચેલું કે રજિસ્ટ્રેશન થયા પછી?
ત્રીજો સવાલ : આ વિષય પર અન્ય વિદ્વાનોએ લખ્યું હોય, એ તમે કેટલું વાંચેલું?
ચૉથો સવાલ : શોધનિબન્ધનું લેખન કઈ પદ્ધતિએ કરતા હતા? નૉંધો? કાચું કામ? બીજીવાર કે ત્રીજી વાર લખવું પડતું હતું?
પાંચમો સવાલ : શોધનિબન્ધના લેખનમાં કેટલીક શિસ્ત અનિવાર્ય છે : વિષયસંલગ્ન કર્તાનાં બધાં જ પુસ્તકની સૂચિ, એને વિશે લખાયું હોય એ અન્યોનાં લેખનની સૂચિ; ઉપરાન્ત, શોધનિબન્ધના લેખન અન્તર્ગત પાદટીપ, પરિશિષ્ટ, અને સૂચિઓ – કર્તાસૂચિ, કૃતિસૂચિ, વિભાવસૂચિ. વગેરે. પ્રશ્નો એવા કરવા કે જેથી જાણી શકાય કે આ શાસ્ત્રશિસ્ત ઉમેદવારે કેટલી જાળવી હતી.
છઠ્ઠો સવાલ : તમારું લેખન તમે તમારા માર્ગદર્શકને ક્યારે બતાવતા હતા? પ્રકરણ થાય પછી? એમની પાસે સમય નથી એમ લાગે તો મુલાકાતની કોઈ પદ્ધતિ ગોઠવેલી? સાહેબોએ જાણવું જરૂરી છે કે ઉમેદવાર પોતાના માર્ગદર્શક પાસેથી પર્યાપ્ત માર્ગદર્શન મેળવી શકેલો કે કેમ.
સાતમો સવાલ : તમે સંશોધનથી એવું કંઈક તારવી શક્યા જેને તમારી શોધ કહેવાય? તમારા સંશોધનનો અર્ક એકદમ ટૂંકમાં કહો. આના ઉત્તરથી ખબર પડશે કે ઉમેદવારે ખરેખરનું કશુંક શોધી કાઢ્યું છે કે કેમ.
આઠમો સવાલ : તમારા સંશોધનવિષયમાં અધ્યાપક થયા પછી કારકિર્દી દરમ્યાન આગળ કંઈ કર્યું કે ત્યાં જ પૂર્ણવિરામ આણી દીધું? ખરેખર તો સંશોધક પોતાના એ કાર્યની ભૂમિકા પર સંલગ્ન એવી વાતો કરતો હોય, લેખો લખતો હોય, જે અધિકૃત ગણાય, સર્વસ્વીકાર્ય લાગે. એ વિષયનો એ નિષ્ણાત ગણાવા લાગે.
ઉમેદવારને થશે કે આ આઠ સવાલ વખતે અમારે શું કરવું તે તો મેં કહ્યું જ નહીં. એમ થવું સ્વાભાવિક છે. દરેક સવાલ પર જાતે વિચારશો તો જવાબ રૂપે શું કહેવું તે જડી આવશે.
ઉમેદવાર પસંદ થઈને અધ્યાપનમાં જોડાશે એટલે રોજ એ વ્યાખ્યાનો કરતો હશે. જો એણે વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લીધેલો હશે તો વર્ગમાં બોલવું એને સહજ લાગશે. જો એમ ન હોય તો રોજ ઘરના અરીસા સામે નાનું વ્યાખ્યાન કરવું. એ કસરતથી થોડા જ દિવસોમાં આત્મવિશ્વાસ ઊભો થશે ને વર્ગમાં વ્યાખ્યાન કરવાનું સરળ લાગવા માંડશે.
હાથ પર નોટ્સ રાખવી, પણ વારંવાર એમાં જોઈ જોઈને બોલવું કઢંગું લાગશે. નોટ્સને ટેબલ પર રાખવી અને એવી કળા હસ્તગત કરવી કે માત્ર નજર ફેરવી લેવાથી આખો મુદ્દો ઉકલવા માંડે. ક્રમે ક્રમે નોટ્સ છોડી દેવી, પણ મનમાં તો રાખવી જ. મુદ્દાસર વ્યાખ્યાન નહીં કરનારો અધ્યાપક સામાન્ય વિદ્યાર્થીને પણ કંટાળો આપી શકે છે. કદી દિલચોરીથી ન ભણાવવું.
જો વિદ્યાર્થી ઝોકાં ખાતો દેખાય તો તેને કશા રોષ વગર કહેવું કે તું નિદ્રાવશ થઈ જા, મને ગમશે. કેમ કે નિદ્રા નિર્દોષ પ્રવૃત્તિ છે. પણ, અધ્યાપકે હમેશાં જોવું કે એનું એકે એક વાક્ય વિદ્યાર્થીના કાને થઈને ચિત્તમાં બરાબ્બર પ્હૉંચે છે. સંક્રમણ થવું જ જોઈએ. એવું ન બનવું જોઈએ કે અધ્યાપક બોલ્યા કરે ને વિદ્યાર્થીઓ પણ અંદરોઅંદર બોલ્યા કરતા હોય. આ વ્યવસાયમાં એથી મોટી કોઈ હોનારત છે નહીં.
નૉટો ઉતરાવનારા અને ગાઈડો વાપરનારા અધ્યાપકો વ્યવસાયદ્રોહી છે. હા, વિદ્યાર્થીઓ જેને ‘મટિરિયલ’ કહે છે એ અધ્યયન-સામગ્રી તો તેઓ જરૂર માગશે, ત્યારે અધ્યાપકનું કર્તવ્ય બને છે કે એ દિશામાં એને સક્રિય કરે. પુસ્તકાલયમાં પડેલી સામગ્રી સૂચવશે ને તેનો વિનિયોગ કરવા કહેશે. છેલ્લો અને ઉત્તમ ઇલાજ તો એ છે કે વિદ્યાર્થીને કહેવું કે તું લખી લાવ, હું તને તપાસી આપીશ. હા, એ પણ અધ્યાપકનું કર્તવ્ય છે.
વર્ગમાં અધ્યાપક અભ્યાસક્રમ-નિયત પુસ્તક લઈ જાય ને આગ્રહ રાખે કે વિદ્યાર્થીઓ પણ લાવે જ લાવે. ‘સોરઠ તારાં વહેતાં પાણી’ ન હોય અધ્યાપક પાસે કે ન હોય વિદ્યાર્થી પાસે, એવી જગ્યાને વર્ગ શી રીતે કહેવાય? મારી દૃષ્ટિએ યુનિવર્સિટી વિદ્યા-પીઠ છે, જ્ઞાન-પીઠ છે, અને વર્ગ એવું અધિષ્ઠાન છે જ્યાં જ્ઞાન જન્મે છે, વિકસે છે. પણ મૂળ નહીં હોય તો શાખાઓે પણ નહીં હશે.
અધ્યાપકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવાની છૂટ આપવી જોઈએ કેમ કે એ એનો અધિકાર છે. તમે બોલ્યા જ કરો ને એને પલ્લે પડતું જ ન હોય એ કેમ ચાલે? વર્ગ કે કોઈ પણ જ્ઞાનસભા હમેશાં ઇન્ટર-ઍક્ટિવ જ હોઈ શકે. બને કે પ્રશ્નકાર પાસે પ્રશ્ન ઉપરાન્તની કશીક ઉપકારક વાત પણ હોય. એ લાભથી વર્ગને વંચિત ન રખાય.
અધ્યાપક થયા એટલે પરીક્ષક પણ થવાના. પ્રશ્નપત્ર કાઢવાં અને ઉત્તરપોથીઓ તપાસવી એ બે પરીક્ષાનાં કામોમાં મુખ્ય છે. એટલે, યુનિવર્સિટી પરિણામો જણાવી શકે છે. પરીક્ષા ભલે વિદ્યાર્થીની છે પણ સાથોસાથ અધ્યાપક માટે પણ એ જાણવું જરૂરી છે કે પોતે જે શીખવ્યું તેનું આ ફળ આટલું સરસ છે અથવા કેટલું ના-સરસ છે. પરીક્ષાઓ અધ્યાપકને આત્મનિરીક્ષણની મોટામાં મોટી તક આપે છે. એણે એથી ભાગવું નહીં કે નામક્કર ન જવું.
ઇન્ટર્વ્યૂ લેનારે એ પણ જાણવું અને પૂછવું જોઈશે કે અધ્યાપક સમકાલિક સાહિત્ય સાથે સમ્પર્ક ધરાવે છે કે કેમ. એ સાહિત્યિક કાર્યક્રમોમાં જાય છે? સાહિત્યનાં સામયિકો જુએ પણ છે કે કેમ. એને પુસ્તકાલયમાં જવાની ટેવ છે? આજે તો ગૂગલ મા’રાજ મસમોટું પુસ્તકાલય છે, એનો એ લાભ લે છે? સોશ્યલ મીડિયામાં બ્લૉગ્સ પર જે સરજાઇ રહ્યું છે એથી એ વાકેફ છે કે કેમ. ટૂંકમાં, પ્રવર્તમાન સાહિત્યિક પરિદૃશ્ય સાથે, પોતાના સમયના સાહિત્ય સાથે, એ જોડાયેલો રહે છે કે કેમ.
એ જ રીતે, એ સાહિત્યના ઇતિહાસ સાથે કેવોક સમ્બન્ધ ધરાવે છે એ પણ ઇન્ટર્વ્યૂ લેનાર સાહેબોએ જાણવું જોઈશે. હું તો એટલે લગી કહું કે ગુજરાતી સાહિત્યના સમગ્ર ઇતિહાસની એક આછી રૂપરેખા અધ્યાપકના મનમાં હોવી જોઈએ. ટ્રેનમાં સાથી મુસાફર પૂછે કે આ તમારા બ.ક.ઠા. શું છે તો અધ્યાપક એને પણ્ડિતયુગની જરા ઝાંખી કરાવી શકવો જોઇએ. અઘરો સવાલ કરી બેસે – આજે મોટા, મહાન, કહી શકાય એવા કોણ છે? અધ્યાપક કહી શકવો જોઈએ કે કોણ છે, અથવા એકે ય નથી. જે સાહિત્યકારોનાં જન્મદિવસો જન્મશતાબ્દીઓ ઉજવાય છે, એની ઉમેદવારને ખબર હોય તો જાણી શકાય કે એ દિવંગત સાહિત્યકારોનું ઇતિહાસમાં શું પ્રદાન હતું. સાહિત્યને ઘડવામાં એમના વિચારોએ શો ભાગ ભજવેલો.
સાહેબોએ છેલ્લે ઉમેદવારને પૂછવું કે એ પોતે કશું લખે છે ખરો – કાવ્ય વાર્તા એકાંકી? કેમ કે સવાર પડે ને વર્ગમાં જઈ અન્યોનાં સર્જન અને લેખન વિશે વાત કરનારો જાતે સર્જક હશે કે થવા મથતો હશે તો એના વ્યાખ્યાનનો અને એની કોઈ પણ સાહિત્યપરક વાતનો રંગ જ જુદો હશે.
વિચારો કે સાહિત્યકલાના અધ્યયન-અધ્યાપનને બહાને શું આપણે માનવીય સર્ગશક્તિનાં જ ઓવારણાં નથી ઉતારતા? સર્જકતાનો જય હો !
= = =
(September 17, 2021: USA)