મારાં સ્વપ્નાંઓ
બહુ જીદ્દી બની ગયાં છે,
આવતાં જ નથી આંખોમાં.
હવે તું બહુ જ
ઉદાસ થઈ ગયો છે,
તારી પર હવે પ્રેમ નહિ
પણ, દયા આવે છે.
એક દિવસ તો તે જ કહ્યું હતું ને,
'હું સંવેદનાઓને છોડું,
દુનિયાને દુનિયાની નજરથી જોઉં.'
આ દુનિયામાં તું પણ રહે છે.
મારી નજરથી જ્યારે જ્યારે જોયો છે તને
મારી જ દુનિયા તું હતો,
આજે મેં દુનિયાની નજરથી તને જોયો,
સાવ સામાન્ય,
પ્રેમ ન કરી શકાય એવો,
જમીન પર લાચાર ઊભેલો,
પ્રેમની ભીખ માંગતો …
હવે હું તને પ્રેમથી નહિ,
દયાની દૃષ્ટિથી જોઉં છું.
તે આપેલી નજરથી જોને તું જ મપાય ગયો છે.
આમ છતાં,
આજે પણ જ્યારે તું મને મળે છે
ત્યારે દુનિયાની નજરથી તને દૂર લઈ જવાનું
અને દુનિયાથી છુપાવવાનું ઘણું મન થઈ આવે છે
એ જ સાંજના રંગોમાં
તારો હાથ થામી હું ફરી દુનિયાથી દૂર
તારા પ્રેમના પ્રદેશમાં આવું છું,
તું પણ અજીબ છે,
તારી લાચારી અહીં ખુમારી બની જાય છે
અને તારા પરની દયા પ્રેમ બની જાય છે.
હું મારી આંખોને બંદ કરી દઉં છું
અને દુનિયાથી દૂર આવી લાગું છું
તારી બાહોમાં.
તારો પ્રેમ એટલો પણ સામાન્ય નથી હો
કે દુનિયા મને તારાથી દૂર લઈ જાય
અલવિદા, દુનિયાની નજર …..
Email : navyadarsh67@outlook.com
![]()




તેમના એક પુત્ર દિવંગત વિનોદ મેઘાણી ‘માણસાઈના દીવા’ અને ‘સોરઠ તારાં વહેતાં પાણી’ ઉપરાંત ‘સૌરાષ્ટ્રની રસધાર’ની એકત્રીસ વાર્તાઓને અંગ્રેજીમાં લઈ ગયા છે. વિનોદભાઈના અમેરિકામાં રહેતા સગા નાના ભાઈ અશોક મેઘાણીએ જીવનકથા ‘સંત દેવીદાસ’ અને નવલકથા ‘વેવિશાળ’નો અંગ્રેજી અનુવાદ આપ્યો છે. તે પછી ‘દાદાજીની વાતો’ની તમામ પાંચ અને ‘રંગ છે બારોટ’ની દસમાંથી ચૂંટેલી પાંચ લોકવાર્તાઓનો અશોકભાઈનો અનુવાદ Folk Tales From the Bard’s Mouth પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયો છે. તેનું પ્રકાશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકોટ ખાતે આવેલા શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય
કેન્દ્ર અને દિલ્હીના ડી.કે. પ્રિન્ટવર્લ્ડે 2016 માં કર્યું છે. અહીં મેઘાણીભાઈએ જેને ‘નાના દોસ્તો’ માટેની 'રૂપકકથાઓ અથવા પરીકથાઓ’ તરીકે પણ ઓળખાવી છે તે અદ્દભુત રસથી છલકાતી વાર્તાઓ મળે છે. મૌખિક પરંપરાની આ કથાઓ તેમણે જેમની પાસેથી સાંભળી તે કથાકારોની માહિતી ‘લોકસાહિત્યની નવી દુનિયા’ મથાળાવાળા પ્રવેશકમાં આપી છે. આ પ્રવેશક પોતાની રીતે એક લાંબો અભ્યાસલેખ છે એટલે અનુવાદક તેને Treatise તરીકે મૂકે છે. ‘રંગ છે બારોટ’નું આવું જ ટ્રિટાઇઝ બાવીસ પાનાંનું છે. તેમાં લોકવિદ્યાવિદ મેઘાણીએ લોકવાર્તાના સ્વરૂપનું અને ‘મોટિફ’નું (એટલે કે વારંવાર આવતાં વિષયો તેમ જ નુસખાઓનું) વિશ્લેષણ કર્યું છે. દેશવિદેશની લોકકથાઓની તુલનાત્મક સમીક્ષા કરી છે. અનુવાદકની નોંધમાં પંચોતેર વર્ષના અશોકભાઈ કહે છે કે આ પ્રવેશકો લખવાંનું કામ, સંદર્ભ સામગ્રીની દુર્લભતાના એ જમાનામાં, મેઘાણી માટે વાર્તાઓ એકઠી કરવા કરતાં ય વધુ પડકારરૂપ હશે; જ્યારે તેમણે પોતે ઇન્ટરનેટ પરથી ઘણી સામગ્રી મેળવી છે ! નોંધના ત્રીજા જ ફકરામાં તે નિખાલસતાથી કહે છે કે બાળકો માટેની આ વાર્તાઓમાં ‘હિંસકતા અને અફીણના સેવન તરફનો સહજતાનો ભાવ વાંધાજનક બાબતો ગણાઈ શકે’. કંઠસ્થ સાહિત્યની આ વાર્તાઓ અંગ્રેજીમાં લઈ જવી દેખીતી રીતે અશક્ય લાગે. ‘વાલીયા ગાબુના વાડાની બજર / અછોટિયા વાડનો ગળ / મછુની કાંકરી /અને ઊંડું પાણી’ – આ પંક્તિઓ અંગ્રેજીમાં કેમ મૂકાય ? અને આવા શબ્દપ્રયોગો તો ડગલે ને પગલે આવે છે.
સૌ
રાષ્ટ્રના લોકસંતોની કથાઓનાં પુસ્તકોમાંથી ‘સંત દેવીદાસ’ના અશોકભાઈએ એ જ નામે કરેલા અનુવાદ(પ્રસાર પ્રકાશન, 2000)નું પેટાશીર્ષક છે The Story of a Saintly Life સમાજકથા ‘વેવિશાળ’ અંગ્રેજી વાચકને The Promised Hand (સાહિત્ય અકાદમી, 2002) નામે મળે છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે આ જ નવલકથાનો ફ્રેન્ચ અનુવાદ Fiancailles ((ફિયાંસાઈ) નામે 2004માં પેરિસથી બહાર પડ્યો છે. અત્યારે એંશી વટાવી ચૂકેલા તેના અનુવાદક મોઇઝ રસીવાલા ઍસ્ટ્રોફિઝિક્સના સંશોધક છે અને અરધી સદીથી પેરિસમાં વસે છે.


‘રસધાર’ની વાર્તાઓના અનુવાદક વિનોદ મેઘાણી (1935-2009) મળતા મળે એવા માણસ હતા. તેમના જીવન અને વ્યક્તિત્વમાં, તેમ જ અનુવાદ અને સંપાદનનાં તેમણે કરેલા વ્યાપક કામમાં ‘વિરલ’ વિશેષણની સાર્થકતા સચવાઈ રહે છે. તેમણે ‘રસધાર’ની વાર્તાઓને ત્રણ પુસ્તકોમાં મૂકી છે : A Noble Heritage, The Shade Crimson, A Ruby Shattered (ભારતીય વિદ્યાભવન, મુંબઈ, 2003). પહેલાંમાં તેર વાર્તાઓ છે. અનુવાદકની નોંધ જણાવે છે કે ‘મૂલ્યનિષ્ઠ સાદગી અને ધીંગું કથાતત્ત્વ’ ધરાવતી આ વાર્તાઓ ‘બધાં વયજૂથના વાચકોને’ રસ પડે તેવી છે. તેમાં ‘જટો હલકારો’ (Jatashankar, the Village Courier) ‘દુશ્મનોની ખાનદાની’ (Magnanimous Foes), ‘તેગે અને દેગે’ (The Intrepid) જેવી વાર્તાઓ છે. બીજા સંગ્રહ ‘ધ્ શેડ ક્રિમ્ઝન’માં ‘થોડીક મોટી ઉંમરના વાચકો’ માટેની વાર્તાઓ છે. જેમ કે, ‘બહારવટિયો’ (An Outlaw), ‘ઓળિપો’ (Redemption), ‘ભીમો ગરણિયો’ (Tall as a Palm Tree), ‘અણનમ માથાં’ (The Indomitable Twelve), ‘કાનિયો ઝાંપડો’ (The Bearer of Burden). આ સંગ્રહમાં ‘ચમારને બોલે’ વાર્તાનો A Word of Honour નામનો અનુવાદ છે. તે ભારતીય સાહિત્યની વાર્તાઓના અનુવાદની ‘કથા’ નામની પુસ્તક શ્રેણીના ‘કથા પ્રાઇઝ સ્ટોરિઝ વોલ્યૂમ’ (2000)માં સ્થાન પામ્યો છે. ‘કથા’નું એ વર્ષ માટેનું મૌખિક પરંપરાના વિભાગનું પારિતોષિક મૂળ વાર્તાકારને, અનુવાદ માટેનું પારિતોષિક વિનોદભાઈને અને કથનશૈલી માટેનું પારિતોષિક કથાકાર પૂંજા વાળાને મળ્યું હતું.

ગોલ્ડા માયર, ઇઝરાયેલનાં પ્રથમ અને એકમાત્ર મહિલા વડાંપ્રધાન અને વડાપ્રધાન પદ સુધી પહોંચનાર વિશ્વની ત્રીજી મહિલા. વિશ્વ ઇતિહાસમાં ગોલ્ડા માયરનું નામ એક સન્માનનીય નેતા તરીકે સોનેરી અક્ષરે અંકિત થયેલું છે. આવતી કાલે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઊજવાશે. યુવતીઓ-મહિલાઓ માટે પ્રેરણાદાયક અને રોલમૉડલ સમી મહિલાઓને યાદ કરવામાં આવશે, જેમાં ગોલ્ડા માયરનું નામ પણ ચોક્કસ લેવાશે. જો કે, આજે તેમને યાદ કરવાનું નિમિત્ત મહિલા દિવસ ઉપરાંત તેમના જીવનનો મહત્ત્વપૂર્ણ પ્રસંગ પણ છે.
ઈ.સ. 1969માં 7મી માર્ચના રોજ લેબર પાર્ટીની સેન્ટ્રલ કમિટીના 70 સભ્યોએ એક સૂરે ગોલ્ડા માયરને નવા વડાંપ્રધાન તરીકે ચૂંટ્યાં હતાં. ઇઝરાયેલના ત્રીજા વડાપ્રધાન લેવી એસ્કોલના નિધન બાદ સ્થિતિ એવી હતી કે સામાન્ય ચૂંટણીને માત્ર આઠ જ મહિનાની વાર હતી. શાસક પક્ષ માટે વડાપ્રધાન પદ કોને સોંપવું, એ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો. વડાપ્રધાન પદના દાવેદારો એકથી વધારે હતા, પરંતુ પક્ષને સત્તાનું સુકાન 71 વર્ષનાં ગોલ્ડા માયરને સોંપવું જ મુનાસિબ લાગ્યું હતું. ગોલ્ડા માયરે 17મી માર્ચ, 1969ના રોજ વિધિવત્ રીતે ઇઝરાયેલનું વડાંપ્રધાન પદ સંભાળ્યું હતું.
વડાપ્રધાન બન્યાં પહેલાં ગોલ્ડા માયર અગાઉની સરકારોમાં શ્રમ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને આંતરિક બાબતોનું મંત્રાલય સંભાળી ચૂક્યાં હતાં, એ તો ખરું જ, પરંતુ ઇઝરાયેલની સ્થાપનામાં તેમની કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી, એ જાણવા જેવું છે. ઇઝરાયેલની આઝાદીનું જે જાહેરનામું બહાર પડ્યું, તેમાં કુલ 24 લોકોના હસ્તાક્ષર હતા, જેમાં માત્ર બે મહિલા હતી, એમાંનાં એક હતાં ગોલ્ડા માયર. આમ, તેઓ ઇઝરાયેલના અસ્તિત્વ કરતાં પહેલાં પણ એક નેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યાં હતાં.
યુક્રેનમાં (તે વખતે રશિયાના તાબા હેઠળનો પ્રદેશ) 3 મે, 1898ના રોજ જન્મેલાં અને અમેરિકામાં ઉછરેલાં-ભણેલાં ગોલ્ડા માયર 20 વર્ષની વયથી જ જાહેરજીવનમાં સક્રિય બની ગયાં હતાં. કરિયાણાની દુકાન ધરાવતા પિતાની દીકરી તરીકે દુકાન સંભાળનારાં ગોલ્ડા માયરે પોતાના દેશને એટલી સારી રીતે સંભાળેલો કે આજે પણ તેમનું નેતૃત્વ જાહેરજીવનમાં આવનારી દુનિયાભરની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. દૃઢ મનોબળ ધરાવતાં તથા એક ઘા ને બે કટકામાં માનનારાં આ સ્પષ્ટવક્તા નેતા ઇઝરાયેલનાં ‘આયર્ન લેડી’ તરીકે પણ જાણીતાં છે. ગોલ્ડા માયર પરના લોકોના અતૂટ વિશ્વાસને કારણે તેમના નેતૃત્વમાં તેમનો પક્ષ એક નહિ, બે બે સામાન્ય ચૂંટણીઓ જીતી શક્યો હતો.