આજે કવિશ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ છે. એમનાં 'સમયરંગ'-નાં લેખનો ઘણાં સૂચક છે અને વર્તમાનની નુક્તેચિની બાબતે ખાસ્સી પ્રેરણા આપી શકે એવાં સારગર્ભ છે
નેરુદા કહેતા -મારી કવિતા શું છે એમ પૂછશો તો એટલું જ કહીશ -નથી ખબર; પણ મારી કવિતાને પૂછશો તો કહેશે તમને, હું કોણ છું
ટ્રમ્પની ચૂંટણીના વખતથી એક શબ્દ ચલણી બન્યો છે અને તે છે, રેઝિસ્ટન્સ -પ્રતિકાર અથવા પ્રતિરોધ
આપણે ત્યાં સાહિત્યકારની પ્રતિબદ્ધતા વિશે – ખાસ તો ઈનામ-અવૉર્ડ મેળવી ચૂકેલા સાહિત્યકારોની પ્રતિબદ્ધતા વિશે – જાતજાતની ફરિયાદો થતી હોય છે. મુખ્ય એ કે દેશના રાજકારણની સમીક્ષા તો તેઓ કરતા જ નથી. પ્રકાશ ન. શાહ-ના 'નિરીક્ષક'-માં એવી સમીક્ષાઓ થાય છે પણ એમાં કોઇ મોવડી સાહિત્યકાર ભાગ્યે જ દેખા દે છે. જો કે આ પરત્વે એક ભય ભાગ ભજવતો હોય છે – એમ કે પ્રતિબદ્ધ થવા નીકળીશ તો મારી સ્વાયત્તતા જોખમમાં આવી જશે, સર્જકતા ડુલ થઇ જશે બલકે જતે દિવસે ચર્ચાખોર રાજકારણીમાં ગણાઇ જઇશ. વાત સાચી છે. જો કે સાચી નથી. કેમ કે પ્રતિબદ્ધતા અને સર્જકતા બન્ને જો સમ્યક્ હોય તો એવું દુ:ખદ પરિણામ નથી આવતું. ખરો સર્જક એના ઉત્તમોત્તમ અર્થમાં પ્રતિબદ્ધ હોય છે અને સાચી પ્રતિબદ્ધતા સર્જકતાને કદી રંજાડી શકતી નથી. શરૂઆતમાં બન્ને દ્વૈત-સમ્બન્ધે જોડાયેલાં રહે છે પણ છેલ્લે અદ્વૈતરૂપે એક થઇ જાય છે. સાહિત્યસંસારમાં એનાં દૃષ્ટાન્ત મળવાં મુશ્કેલ ખરાં પણ નથી મળતાં એમ પણ નથી. વ્યાસ-વાલ્મીકિમાં, રવીન્દ્રનાથમાં, નોબેલ-પ્રાઇઝ પામેલા અનેક સાહિત્યકારોમાં, આ અદ્વૈત જોવા મળ્યું છે. જો કે વાત ઘણી સંકુલ અને લાંબી છે…
આજે કવિશ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ છે અને આ સંદર્ભે મને એમનાં 'સમયરંગ'-નાં લેખનો યાદ આવે છે. એ ઘણાં સૂચક છે અને વર્તમાનની નુક્તેચિની બાબતે આજના સાહિત્યકારને ખાસ્સી પ્રેરણા આપી શકે એવાં સારગર્ભ છે. પરન્તુ સાઉથ અમેરિકાના ચિલીના કવિ પાબ્લો નેરુદાનું દૃષ્ટાન્ત આ પરત્વે જગજાણીતું છે. એમનો જીવનકાળ, 1904-1973. સ્પૅનિશમાં લખતા કવિઓમાં નેરુદા શ્રેષ્ઠ મનાયેલા; ચિલીના રાષ્ટ્રકવિ હતા. એમની સામ્યવાદતરફી પ્રતિબદ્ધતા પણ એટલી જ સાચી હતી. ૧૯૭૧-માં એમને નોબેલ અપાયું. જો કે લેખન તો ૧૩વર્ષની વયથી ચાલુ થઇ ગયેલું. "ટ્વૅન્ટિ લવ પોએમ્સ ઍન્ડ સૉન્ગ ઑફ ડિસ્પૅર” – સંગ્રહનાં કાવ્યોથી એમની એક આકર્ષક કવિરૂપે સ્થાપના થઇ. ત્યારે ઉમ્મર માત્ર ૨૦ હતી. નિબન્ધો, પ્રબન્ધો, રાજકારણી ઢંઢેરા, આત્મકથન એમ વિવિધ લેખનપ્રકારો અજમાવેલા. ચિલીયન કૉમ્યુિનસ્ટ પાર્ટીના સૅનેટરપદે એમણે અનેક રાજદ્વારી કાર્ય આદરેલાં અને સમ્પન્ન કરેલાં. પણ એમનો અવાજ સત્તાધીશોને પરવડેલો નહીં. કવિને જેલ થયેલી. ત્યાંથી નાસભાગ જેવી એમને કઠિન કારવાઇઓ કરવી પડેલી. પછી તો, ચિલીના સમાજવાદી પ્રમુખના મિત્રરૂપે અને વિશ્વના અનેક દેશોમાં એલચી આદિ રાજદ્વારી સેવક રૂપે એમણે કીર્તિ હાંસલ કરેલી. કહેવાય છે કે એમનું મૃત્યુ રાજકીય કાવતરાથી થયેલી હત્યા હતી. કર્ફ્યુ નાખીને શબયાત્રાને સીમિત રાખવાની કોશિશ થયેલી પણ કવિના લાખ્ખો ચાહકોની મેદનીએ કર્ફ્યુને નિષ્ફળ બનાવી દીધેલો.
નેરુદા મારા પ્રિય કવિ છે. અગાઉ મેં એમનાં અનેક કાવ્યોના અનુવાદ પ્રકાશિત કર્યા છે. અહીં પણ એક અનુવાદ રજૂ કરું છું :
આજે રાતે લખી શકું નર્યાં વિષાદમય પદ્ય.
દાખલા તરીકે, લખું "તારાભરી નિરભ્ર રાત્રિ ઝગમગે છે દૂર."
રાતનો પવન ઘુમરાય છે આકાશે, ગાય છે કશુંક.
રાતે આજે લખી શકું નર્યાં વિષાદમય પદ્ય. મેં ચાહી હતી એને, અને ક્યારેક એણેય મને ચાહ્યો હતો.
આવી રાત્રિઓમાં સાહી હતી મેં એને બાહુઓમાં. અસીમ આકાશ નીચે કેટલાંય મેં એને ચુમ્બન કરેલાં.
એણે મને ચાહ્યો હતો, મેં પણ એને ક્યારેક ક્યારેક ચાહી હતી. અમીટ એનાં નયન સામે એને ભરપૂરે ન ચાહવું તો કેવું !
લખી શકું નર્યાં વિષાદમય પદ્ય આજે રાતે. વિચારવું કે મારી એ નથી હવે. વિચારવું કે મેં એને ગુમાવી છે.
નિ:સીમ રાત્રિને સાંભળવી, પણ એના સાથ વિના સાંભળવી એ તો અતિ નિ:સીમ. ઘાસ પરે ઝાકળબિન્દુ સરે એમ સરે પદ્ય મારા આત્મા પરે.
એ તે કેવું કે પ્રેમ મારો સાચવી ન શક્યો એને. રાત્રિ છે તારાભરી, અને એ નથી પાસ મારી.
બસ એટલું જ. દૂર કોઇક ગાય છે… દૂર… મને નથી કશું ચૅન એને ગુમાવ્યા પછી.
એને જાણે મારી સમીપે આણવા નજર મારી ભટકે છે. હૃદય મારું શોધે છે એને, અને એ નથી પાસ મારી.
એ જ વૃક્ષોને અજવાળતી એ જ રાત્રિ. એ પછી, અમે, જે હતાં, તે હવે નથી.
હું હવે એને નથી ચાહતો, ખરું છે, પણ કેટલું ચાહતો હતો…
મારો અવાજ એવા પવનને શોધે જે એના કાનને અડે.
હવે એ અન્યની. થશે અન્યની. જેમ મારાં ચુમ્બનો પૂર્વે. એનો અવાજ, એની દીપ્તિમય કાયા. એનાં અનિમેષ નયન.
હું હવે એને નથી ચાહતો, ખરું છે, પણ બને કે ચાહું…
પ્રેમ ટૂંકજીવી હોય છે, અને વીસરી જવું તો ઘણું જ લાંબું.
કેમ કે આવી રાત્રિઓમાં મેં એને સાહી હતી બાહુઓમાં. ગુમાવ્યા પછી એને નથી મને ચૅન કશું.
એનાથી સાંપડેલી વ્યથા, હવે તો છેલ્લી, અને એને માટે લખેલાં પદ્ય પણ છેલ્લાં…
(Poem XX: "ધ ઍસેન્શ્યલ નેરુદા: સિલેક્ટેડ પોએમ્સ", સિટી લાઇટ્સ બુક્સ, 2004).
ઘણા અમેરિકન વિદ્વાનોને નેરુદાની સર્જકતા અને પ્રતિબદ્ધતા વચ્ચેનું દ્વૈત અને એ પછીનું અદ્વૈત સમજાયેલાં નહીં. વિદ્વાનોને એમનાં કાવ્યોના અનુવાદ અશક્ય જેવા લાગેલા; જે થયેલા તે સુખપ્રદ નહીં લાગેલા. ટૂંકમાં, નેરુદાની સાચી ઓળખ ઘણા સમય લગી અટવાયા કરેલી. કદાચ એટલે જ ૧૯૪૩-માં એકવાર નેરુદાએ કહેલું : મારી કવિતા શું છે એમ પૂછશો તો એટલું જ કહીશ – નથી ખબર; પણ મારી કવિતાને પૂછશો તો કહેશે તમને, હું કોણ છું.
આ લેખ નેરુદા વિશે કર્યો એનું એક બીજું કારણ પણ છે. અહીંની પબ્લિક લાઇબ્રેરીમાંથી મને ૨૦૧૮-માં પ્રકાશિત "નેરુદા – ધ પોએટ્સ કૉલિન્ગ" નામની નેરુદાની ૬૨૮ પાનની જીવનકથા મળી આવી. એના લેખક મુખ્ય અનુવાદક અને સમ્પાદક માર્ક આઇઝનર છે. આઇઝનર કહે છે કે ટ્રમ્પના પ્રમુખપદને ૧૦૦ દિવસ પૂરા થયા એ અરસામાં પોતે આ જીવનકથાનું લેખન પૂરું કરેલું. આઇઝનર જણાવે છે કે ટ્રમ્પની ચૂંટણીના વખતથી નવ્ય રાજકારણ તેમ જ કવિઓ પરત્વે એક શબ્દ ચલણી બન્યો છે અને તે છે, રેઝિસ્ટન્સ – પ્રતિકાર અથવા પ્રતિરોધ. દાખલા તરીકે, ઍપ્રિલ ૨૧, ૨૦૧૭-ના રોજ 'ન્યૂ યૉર્ક ટાઇમ્સે' પહેલા પાને લેખ મૂકેલો, "American Poets, Refusing to Go Gentle, Rage against the Right". પ્રતિકાર બાબતે આઇઝનરે જે પ્રશ્નો કર્યા છે એમાંના કેટલાક આવા છે : ગઇ સદીના કયા કવિ પાસેથી આપણને સૂચક અને અતિ અગત્યનો પ્રતિકાર મળી શકે એમ છે? કેવા પ્રકારે એના શબ્દો પ્રજાને 'ઍક્શન' માટે ઢંઢોળી શકે એમ છે? ચિન્તન પ્રેરી શકે કે રૂઝ લાવી શકે એમ છે? આપણા આ અભૂતપૂર્વ વર્તમાનમાં સાહિત્ય રાજકારણ કલાકારો અને સામાજિક પરિવર્તન વચ્ચે કેવાક સમ્બન્ધો છે? આઇઝનર ઉમેરે છે : આ પુસ્તક નેરુદાના જીવન અને સર્જનની વિવિધ વીગતોની સાથોસાથ આવા પ્રશ્નો કરવાની તક પૂરી પાડશે અને તેથી રોજેરોજ આપણને નવા હેતુઓ અને નવી જ પ્રાસંગિકતાઓ જડી આવશે : અભૂતપૂર્વ વર્તમાનમાં તો આપણે ય જીવીએ છીએ પણ આપણી આજકાલમાં એકે ય ગુજરાતી નેરુદા દેખાતો નથી…રાહ જોઇએ…
[તારીખ ૨૧/૭/૨૦૧૮ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ અહીં પ્રેસના સૌજન્યથી મૂક્યો છે]
https://www.facebook.com/suman.shah.94/posts/2018498901514346
![]()


અહીં જે અવતરણ ટાંકવામાં આવ્યું છે એ પંડિત સુખલાલજીનું છે. બહુ મોટા મેધાવી પ્રજ્ઞાચક્ષુ દાર્શનિક હતા. પાછળથી ભારતના રાષ્ટ્રપતિ બનેલા ડૉ. રાધાકૃષ્ણન જ્યારે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ હતા, ત્યારે પંડિતજી એ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. ડૉ. રાધાકૃષ્ણને પોતે કહ્યું છે કે તેઓ પંડિતજીના લેક્ચર્સનું ટાઈમ ટેબલ પોતાની પાસે રાખતા અને બને ત્યાં સુધી વખત કાઢીને તેઓ પંડિતજીના વર્ગમાં પાછલી બેંચ પર બેસી જતા. ડૉ. રાધાકૃષ્ણ જેમને સાંભળવાનું ચુકતા નહીં એવા મેધાવી વિદ્વાન આપણી ભાષામાં ઘણું વિશાળ, ઘણું ઊંડું, તુલનાત્મક ધર્મચિંતન કરતા ગયા છે, અને આપણા માટે મુકતા ગયા છે.
તેમાંથી સમજાય છે કે ઉમાશંકરનો કેળવણીવિચાર સમાજકેન્દ્રી અને નક્કર હતો, કારણ કે તેમને શિક્ષણક્ષેત્રનો ઠીક પ્રત્યક્ષ અનુભવ હતો. ‘કેળવણી શબ્દ મારે મન ધર્મનો ઘરગથ્થુ પર્યાય છે’ એમ લખનાર ઉમાશંકરે ‘વર્ગ એ સ્વર્ગ’ નામના નાનકડા નિબંધમાં ખુદની ઓળખ ‘ગુજરાતનો આપ-નિયુક્ત ફરતો શિક્ષક’ એમ આપી છે. આવા શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત મુંબઈના વિલેપાર્લેની ગોકળીબાઈ શાળાથી થઈ. પછી 1938માં સિડનહામ વિજ્ઞાન અને વાણિજ્ય કૉલેજમાં ગુજરાતી ભાષાના ખંડ સમયના અધ્યાપક બન્યા. તેના પછીનાં જ વર્ષે આનંદશંકર ધ્રુવના આમંત્રણથી તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાએ શરૂ કરેલાં અનુસ્નાતક અધ્યયન-સંશોધન કેન્દ્રમાં જોડાયા. અહીં તેમણે પુષ્કળ સંશોધન કરીને ‘પુરાણોમાં ગુજરાત’ પુસ્તક ઉપરાંત ‘હિંદ છોડો’ ચળવળની ભૂગર્ભ પત્રિકાઓ લખી. સપ્ટેમ્બર 1946માં વિદ્યાસભામાંથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું. તે પછીનાં બાર વર્ષ કોઈ પણ પ્રકારની નોકરીથી દૂર રહી તેમણે ‘સંસ્કૃિત’ના સંપાદન અને લેખન-વાચન માટે આપ્યાં. ઉપરાંત ‘સેલ્ફ-અપૉઇન્ટેડ ટ્રાવેલિન્ગ ટીચર ઑફ ગુજરાત’ તરીકે ‘દક્ષિણમાં વાંસદા, ઉત્તરમાં રાધનપુર, પશ્ચિમમાં પોરબંદર એમ જુદે જુદે સ્થળે અવારનાર’ વ્યાખ્યાનો માટે જતા. સણોસરાની લોકભારતી સાથે વૈચારિક અને આયોજનની ભૂમિકાથી સંકળાયા. તેઓ જૂન 1954માં ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી ભાષાભવનમાં અધ્યાપક-અધ્યક્ષ નિમાયા. ચીમનભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને ઠાકોરભાઈ દેસાઈ થકી ઉચ્ચ શિક્ષણમાં કૉન્ગ્રેસે વર્ચસ જમાવવાની શરૂઆત કરી હતી. ‘રાજકારણને શિક્ષણમાંથી દૂર રાખવા’ ઉમાશંકર 1966ના નવેમ્બરમાં કુલપતિ માટેની ચૂંટણી જીત્યા અને વાઇસ-ચાન્સલર બન્યા. એ જ રીતે 1969માં ત્રણ વર્ષની મુદત પૂરી થતાં ફરી એકવાર તેઓ વાઇસ-ચાન્સલર બન્યા. 1972માં તેમની મુદત પૂરી થવામાં હતી ત્યારે અધ્યાપકોએ આગામી કુલપતિપદની ચૂંટણી રોકવા માટે હડતાળ પાડી. હિંસાચારની સંભાવના છતાં યુનિવર્સિટી પ્રાંગણમાં બંદોબસ્ત માટે પોલીસ બોલાવવાનો તેમણે ઇન્કાર કર્યો, ત્રણ દિવસના ઉપવાસ પર ઊતર્યા અને રાજીનામું આપ્યું. તેનાં સાત વર્ષ બાદ, 1979થી ત્રણ વર્ષ માટે ઉમાશંકરે પશ્ચિમ બંગાળની વિશ્વવિખ્યાત વિશ્વભારતી-શાન્તિનિકેતનનું માનાર્હ આચાર્યપદ શોભાવ્યું.
ઉમાશંકરને મન શિક્ષકનું સ્થાન ખૂબ આદર અને જવાબદારીભર્યું છે. તેમણે શિક્ષકને ‘ચેતનાનો માળી’ કહ્યો છે, અને વર્ગને સ્વર્ગ. વર્ગમાં સામી પાટલીએ બેસનારમાં ‘ભવિષ્યના ગોવર્ધનરામ કે આનંદશંકર’ હોઈ શકે એવી શ્રદ્ધા શિક્ષકમાં હોય. ‘વિદ્યાર્થીમાં વિદ્યાપ્રીતિના તાર ઝણઝણાટી ઊઠે’, તેને આખી જિંદગી માટે ‘એકાદ પણ યાદગાર ક્ષણ’ આપી શકાય તે રીતે ભણાવવાનું છે. ‘શિક્ષક પોતે લેસન કર્યા વગર વર્ગમાં પગ મૂકતો નથી’. ‘કેળવણીની હરિયાળીઓ’ ઊગાડનાર નાનાભાઈ, જુગતરામભાઈ, મોતીભાઈ, કરુણાશંકર, કલ્યાણજીભાઈ જેવા કેટલા ય માટે ઉમાશંકરે ભારોભાર આદરથી લખ્યું છે.એ કહે છે : ‘શિક્ષકે સુખી’ એવા ગુજરાતને ઘડવામાં માત્ર પ્રોફેસરોનો જ નહીં, માધ્યમિક શિક્ષકોનો પણ મોટો ફાળો છે, ‘ગુજરાત તેમનાથી ઉજળું છે’. માણસ જેમ માતાની સેવાનું પૂરું વળતર આપી નથી શકતો તેવું શિક્ષકની સેવાઓનું પણ છે – ‘સમાજ હંમેશાં શિક્ષકનો દેવાદાર રહેશે’. જો કે માત્ર ‘ભણાવી ખાનારા’, ‘ભાષણો ઝાડ્યે રાખનારા’, ‘બૌદ્ધિક પારતંત્ર્ય’ જાળવી રાખનારા અને ‘પ્રજાજીવનથી અતડાપણું કેળવનાર’ અધ્યાપકો ઉમાશંકરને ખસૂસ મંજૂર નથી.