આ રહેંટ ઝેરી ચાલતું, અટકાવ તું,
ને ચાલકોને ચાકડે સલવાવ તું..
આ દેશ એના લોકને પૂછે નહીં,
કે લોકનાં જો આંસુને લૂછે નહીં;
તો થપથપાવી પીઠને સમજાવ તું..
આ તંત્ર આખું છે સડેલું ફળ પછી,
ને ગંધ, માણસ ખેડતું છે હળ પછી;
લે આ કલમને સોંસરી હુલ્લાવ તું..
છે આખરે માણસકથા એ કાળની,
તૂટી જતી દોરી બધીયે જાળની;
એ સ્વપ્ન કાજે રાતને સળગાવ તું..
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 14
![]()


આસામના સિલ્ચર પ્રાંતમાં ‘એશો બોલી’ સંસ્થા દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત બંગાળી કવિશ્રી બંદોપાધ્યાય સાથે કેટલાંક સ્થાપિત હિતો ધરાવતાં, અસામાજિક તત્ત્વો દ્વારા જે દુર્વ્યવહાર થયો, તેમના હાથમાંથી માઇક ખેંચી લેવામાં આવ્યું. તોડફોડ કરવામાં આવી, ધમકી આપવામાં આવી, તે ઘટનાને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’(જાન્યુઆરી ૧૪)માં આવરી લેતી અખબારી નોંધ આપણે આપણી મહામૂલી જણસ જેવા કવિને કેટલા સાચવીએ (!) છીએ તે અંગે ઘણું કહી જાય છે. ભગતસાહેબ કહેતા હતા ‘સમાજમાં કવિનું હોવું અને કવિતાનું થવું મનુષ્યજાતિનું સદ્ભાગ્ય છે.’ આ સદ્ભાગ્યની આપણને કદાચ પડી નથી.