હમણાં હમણાં
શું થયું છે આપણા આ ટી.વી.ને?
એકાએક મજૂરો જ બતાવવા માંડયા છે?
ટોળેટોળાં મજૂરો, કરગરતાં મજૂરો
રમણે ચઢેલાં મજૂરો
144 અને સોશિયલ ડિસ્ટન્સીંગની
ઐસીતૈસી કરી,
ખભે મેલાઘેલાં છોકરાં,
બચીખૂચી ઘરવખરી લૈ
ચાલવા જ માંડયા છે!
ગોધરિયાં અને ભૈયાઓ બધાં ય …..
ફાડ્યાં, સમજતાં જ નથી,
શું દાટ્યું છે ત્યાં ઘરોમાં?
અહીં મફ્ફતનું ખાવાનું તો
દાનેશ્રીઓ આલે છે!
ટી.વી.ની એન્કર, સરકારી પ્રતિનિધિ
માસ્ક સાથે મૅચિંગ સાડી-ડ્રેસ પહેરીને
મજૂરોને પ્રધાનમંત્રીએ આપેલો
'આત્મનિર્ભર બનો'નો સંદેશ આપી રહ્યાં છે!
હીરાની ઘંટીઓ સૂની પડી છે,
સૂની પડી છે મકાનો બનાવતી ક્રેઈન
સૂની પડી છે પાવરલૂમ્સના
સાંચાઓની ઘરઘરાટી!
નથી ખુલતા ટાઢા છાંયે ટિફિન રિક્ષાવાળાનાં!
આ તો ચાલી નીકળ્યા છે
કીડીની વણઝારની જેમ
'હમ મહેનતકશ દુનિયાવાલોંસે' જેવી
ફૈઝની ગઝલની એને ખબર જ નથી!
અરે! એને એ ય ખબર નથી કે
આજે તો એનો જ દિવસ છે!
એને તો એટલી જ ખબર છે કે
એનો તો દિવસ ક્યારે ય ઊગ્યો જ નથી!
એના ભાગે તો આવી છે
કાળીડિબાંગ રાત જ!
લૉક ડાઉનના તાળાનું વજન
પેટની હોજરી પર વધતું જાય છે
ને એમ જ ચલાતું જાય છે,
દૂર દૂર સુધી!
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 મે 2020