છેવટે ગૃહ મંત્રાલય તરફથી લૉક ડાઉનમાં ફસાયેલા હજારો શ્રમિકોને પોતાના વતન પરત જવાની મંજૂરી આપવામાં આવી છે. ગઈ કાલે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસે તે સૌના વળતા પ્રવાસની વ્યવસ્થાની શરૂઆત થઈ.
સમાચારપત્રો નોધે છે કે ભા.જ.પ.ની અંદરથી જ ગૃહ મંત્રાલય ઉપર દબાણ ઊભું થયું હતું કારણ કે, સ્થળાંતરિત શ્રમિકોની જે કટોકટી ઊભી થઈ, તેનાથી પક્ષને રાજકીય નુકસાન જવાનો ભય જાગ્યો. માનવીય સંવેદના કરતાં તેમનું મતદાતા તરીકેનું વજૂદ વધુ કામ કરી ગયું. લોકશાહીનો આટલો ફાયદો ખરો.
પ્રવાસી શ્રમિકોની હાલત અને તેમાંથી ઊભો થયેલો અજંપો કટોકટી સુધી કેમ પહોંચ્યો, એ સવાલ પૂછવો અગત્યનો છે. લૉક ડાઉનની જાહેરાત વખતે સરકારે કહ્યું કે જે જ્યાં છે ત્યાં જ રોકાઈ જાય, સરકાર તેમની દૈનિક જરૂરિયાતની સંભાળ લેશે. પણ, જેમણે સરકારી મદદ માટે આજીવન ધક્કા જ ખાધા હોય અને જેમને હાલાકી સિવાય કશું મળ્યું ન હોય એ વર્ગને સરકારનાં વચન બોદાં જ લાગે. એમાંય વળી, અઠવાડિયા – દસ દિવસ સુધી રેશન વિતરણની વ્યવસ્થા ન સ્થપાય ત્યારે રોજનું રળીને રોજ ખાનાર વર્ગ સામે ભૂખમરો મોઢું ફાડીને ઊભો હોય.
અલબત્ત, નાગરિક સમાજે અન્નસુરક્ષાની ઘણી જવાબદારી ઉપાડી લીધી અને ઘણા લોકોને ભૂખમરાથી બચાવ્યા. પણ, શ્રમિકોને જે એમના હકના ધોરણે મળવું જોઈતું હતું એ દયાભાવે ઉપકાર તરીકે મળ્યું. આત્મસન્માનની તો એમાં વાત જ ક્યાં કરવાની? સમાનતાના મૂળભૂત અધિકાર સાથે સામાજિક સુરક્ષાનો આધિકાર વણાયેલો છે. પણ સામાજિક સુરક્ષા આપતી મોટા ભાગની સંસ્થાઓ સાવ પડી ભાંગી છે – મોટા ભાગે આજ સુધીની સરકારોની ઉપેક્ષાને કારણે અને બાકી હતું તે ખદબદતા ભ્રષ્ટાચારના કારણે.
આ સંસ્થાઓની ભૂમિકા બજારની વ્યવસ્થા ક્યારે ય નિભાવી ન શકી. હાલાકીની જિંદગીને કારણે શ્રમિકોના મનમાં વર્ષોથી સરકાર અને સરકારી વ્યવસ્થા પ્રત્યે અવિશ્વાસની લાગણી ઊભી થયેલી છે એ માટે કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ. કટોકટીના સમયે આ અવિશ્વાસ અજંપો બનીને સામે આવ્યા છે ત્યારે સામાજિક વિતરણની વ્યવસ્થાને ‘સમાજવાદી’ છોગું માનીને અવહેલના કરતા પહેલાં એની ભૂમિકાની અગત્યતા અંગે નવેસરથી વિચારવું રહ્યું.
e.mail : nehakabir00@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 મે 2020
![]()


જડ સમાજવ્યવસ્થા અને તેની રુઢિઓ સામે બંડખોર ફુલે દંપતી ભારોભાર કરુણા અને માનવીય સંવેદનાથી સભર હતું. ૧૮૯૦માં મહાત્મા ફુલેના અવસાન પછી તેમણે સ્થાપેલ “સત્યશોધક સમાજ” મારફત સાવિત્રી ફુલેએ તેમના સમાજસુધારણાના કાર્યોને આગળ વધાર્યા હતા. ૧૮૯૭માં મુંબઈ અને પુણેમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. અનેક લોકો તેમાં ટપોટપ મરવા માંડયાં હતાં. સાવિત્રીબાઈ ફુલેએ પ્લેગગ્રસ્તોની સારવાર અને સેવાનું કામ આરંભ્યું. તેમના ડોકટર દીકરા યશવંતે પુણેમાં દવાખાનું શરૂ કરી મરકીના ચેપગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. ચેપ લાગવાની પૂરેપૂરી શક્યતા છતાં પ્લેગગ્રસ્તોને શોધી શોધીને સાવિત્રીબાઈ તેમને પુત્રના દવાખાને લઈ આવતાં હતાં. તેમની સેવાશુશ્રૂષાથી દરદી સાજા પણ થતાં હતાં. પુણેની સડક પર પડેલા એક પ્લેગગ્રસ્ત અસ્પૃશ્ય બાળકનો ઈલાજ કરવો તો દૂર, કોઈ તેની નજીક પણ ફરકતું નહોતું. સાવિત્રીબાઈને તેની ભાળ મળતાં તેઓ તે બાળકને ખભે ઊંચકી દવાખાને લાવ્યા. ઘણા વખતથી મરકીગ્રસ્તોની સેવા કરતાં સાવિત્રીબાઈને આખરે ચેપ લાગ્યો અને ૧૦મી માર્ચ ૧૮૯૭ના રોજ પ્લેગને કારણે તેમનું અવસાન થયું હતું. તે પછી સેનામાં ડોકટર તરીકે જોડાયેલા યશવંત ફુલેએ ૧૯૦૫ના પ્લેગ વખતે પુણે આવી ફરી પ્લેગગ્રસ્તોની સારવાર કરી હતી. એક દિવસ તેમને પણ ચેપ લાગ્યો અને મૃત્યુ પામ્યા. આજના કોરોના વોરિયર્સના સમયમાં ફુલે માતા-પુત્રનું આ બલિદાન પણ સંભારવાની જરૂર છે.
ગાંધીજીના જીવનમાં આવેલા મરકીના મુકાબલાના એકાધિક પ્રસંગો પણ આજે પ્રાસંગિક છે. વિલાયતમાં બેરિસ્ટર થઈ સ્વદેશ આવેલા મોહનદાસ કરમચંદ ગાંધીનું પ્રામાણિકતાથી સત્યની વકીલાત કરવાનું વલણ રોટલા રળી આપે તેવું નહોતું. એ દરમિયાન દક્ષિણ આફ્રિકાથી દાદા અબ્દુલાનું કહેણ આવ્યું એટલે તે દક્ષિણ આફિકા ગયા. ત્યાં કુલીપણાનો અનુભવ થયો, તો ગિરમીટિયાની સમસ્યા સમજાઈ, તેની વિરુદ્ધમાં સત્યાગ્રહ કર્યો અને સફળતા મેળવી. મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકામાં ન માત્ર વકીલ રહ્યા, જાહેર કામ કરતા પણ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં ગરીબ ગિરમીટમુક્ત હિંદીઓને ત્યાંના લોકો ‘કુલી’ તરીકે ઓળખતા અને તેમને શહેરોમાં નોખા રાખવામાં આવતા હતા. આવી જગ્યા “કુલી લોકેશન” કહેવાતી હતી. જોહાનિસબર્ગના હિદીઓ નવ્વાણું વરસના જમીનના ભાડાપટ્ટે ગંદકી અને ગીચતાથી ભરેલા કુલી લોકેશનમાં રહેતા હતા. એ વસાહતમાં ન સડક હતી, ન વીજળી હતી અને ગંદકીથી ભરેલાં પાયખાનાં હતાં. આ વસાહતમાં ગંદકી અને ખરાબી વધી તો સ્થાનિક મ્યુનિસિપાલિટીએ તેનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરી. બેરિસ્ટર મોહનદાસ ગાંધી તેમાં વસતા હિંદીઓનો માલિકી હક અને વળતરનો કેસ “હાર થાય કે જીત, પટ્ટાદીઠ દસ પાઉન્ડ”ના હિસાબે લડ્યા અને જીત્યા.