Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375713
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દૈવી કૃપા કે ચમત્કાર નહીં, વિચક્ષણ અને ખંતીલી માણસાઈ

દુર્ગેશ મોદી|Opinion - Opinion|3 May 2020

મહામારીના આ કપરા કાળમાં જ્યારે ખરેખરા સુખદ સમાચાર જવલ્લે જ સાંભળવા મળે છે, ત્યારે રણમાં મીઠી વીરડી જેવા બે સમાચાર તબીબી વિજ્ઞાનની અટારીએથી આવ્યાં છે. SARS-CoV-2 વિષાણુ સામે રોગપ્રતિકારકતા આપતી રસી માટે સમસ્ત વિશ્વ તલસી રહ્યું છે. જગત આખાના રસીકરણ શાસ્ત્રના વિજ્ઞાનીઓ આ રસીની શોધ માટેની મૅરેથોન દોડ જાણે ૧૦૦ મીટરની સ્પ્રિન્ટની ઝડપે દોડી રહ્યાં છે. સામાન્યત: એક રસીના સંશોધન માટે ૧૦ થી ૧૫ વર્ષ તો ઓછામાં ઓછાં લાગી જાય છે. HIV, મેલેરિયા, ડેંગ્યૂ જેવા કેટલા ય રોગો માટેની રસી તો વર્ષોનાં સંશોધન બાદ હજી સુધી પૂર્ણપણે વિકસાવી શકાઈ નથી. Covid-19 વિરુદ્ધ હાલમાં ૧૦૦થી પણ વધુ સંભવિત રસીઓ સંશોધનના અલગ અલગ તબક્કામાં છે. તે પૈકી ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયની જૅનર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવેલ રસી સૌથી પ્રબળ દાવેદાર છે. આ એડવર્ડ જૅનર એ જ અંગ્રેજ તબીબ જેમણે smallpox-શીતળા-ની રસી, એ જ વિષાણુના પિતરાઈ એવા cowpox-ગાયમાં થતો અછબડા જેવા રોગ-માંથી શોધી કાઢી હતી. રસીકરણની શોધથી તબીબી ક્ષેત્રે નવો જ આયામ આલેખનાર એડવર્ડ જૅનરના માનસ-વારસદાર જેવા આ સંસ્થાના સંશોધકોએ આજે આ નવા દૈત્ય સામે બાંયો ચઢાવી છે. પ્રો. એડ્રીઅન હિલ અને પ્રો. સારાહ ગિલ્બર્ટના માર્ગદર્શન હેઠળ પાછલા બે-ત્રણ દશકમાં મેલેરિયા, MERS, ઇબોલા સામેની રસીની શોધ ક્ષેત્રે આ સંસ્થાનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે.

પરંપરાગત રીતે રસી બનાવવા માટે જે તે વિષાણુના નબળા પાડવામાં આવેલ સંસ્કરણનો ઉપયોગ કરવામાં આવે છે. શરીરમાં આવી રસી દાખલ થતાંની સાથે જ તે વિષાણુ વિરુદ્ધના રોગપ્રતિકારક પ્રતિસાદની ચાંપ ચાલુ કરી દે છે. એ પછી જો સબળો વિષાણુ પણ શરીર પર હુમલો કરે તો, પહેલેથી સુસજ્જ પ્રતિદ્રવ્યો(antibodies)નું દળકટક તેમને ઊગતા જ ડામી દે. જો કે હાલમાં રસી બનાવવા સારુ નવીન અભિગમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચિમ્પાન્ઝીના શ્વસનતંત્રમાં જોવા મળતા બીજી જાતના વિષાણુને અલગ તારવીને નિષ્ક્રિય કરવામાં આવ્યો. ત્યાર બાદ આ વિષાણુને SARS-CoV-2ના વાઘા પહેરાવાયાં છે. મૂળે તો આ રસી SARSના પિતરાઇ એવા MERS —મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ — સામે લડવા માટે વિકસાવાઈ હતી, જેનાથી ૨૦૧૨માં અખાતી દેશોમાં રોગચાળો ફેલાયો હતો. ૨૦૧૯ના અંત ભાગથી શરૂ થઈને ચીનમાં નવતર (novel) કોરોના વાઇરસ અને તેનાથી થતો શ્વસન તંત્રનો ગંભીર રોગ કૂદકે ને ભૂસકે ફેલાતાં ત્યાંના સંશોધકોએ ૨૦૨૦ના ફેબ્રુઆરી માસમાં તેના જનીનિક બંધારણને અનુક્રમિત કરી વિશ્વ સમક્ષ જાહેર કર્યું. જૅનર સંસ્થાના સંશોધકોએ ત્યારથી જ MERS સામેની રસીમાં જરૂરી સુધારાવધારા કરી covid-19 માટેની રસી બનાવવાની પરિયોજના હાથ ધરી. તે સમયે પારકા દેશમાં માત્ર સ્થાનિક સ્તરે ફેલાયેલા આ નવીન રોગ માટેની રસી વિકસાવવાનું નાના પાયે શરૂ થયેલું કામ આજે માત્ર બે મહિના બાદ ભયંકર મહામારીના કાળમાં વિશ્વ આખાને આશા આપી રહ્યું છે.

જનીનિક દ્રષ્ટિએ માનવીના સૌથી નજીકના સગા એવા રહીસસ મકાક વાંદરા પરના પ્રયોગોમાં આ રસીએ એકધારાં પરિણામ આપ્યાં છે. રસી અપાયા બાદ મોટી માત્રામાં વિષાણુના સંસર્ગમાં આવવા છતાં આ વાંદરાઓને Covid-19નો ચેપ લાગુ ન પડતાં તેનાં મનુષ્યપરીક્ષણ ચાલુ કરવામાં આવ્યા છે. પહેલા તબક્કામાં ૧,૧૦૦ મનુષ્યો પર 'ડબલ બ્લાઇન્ડેડ, રેન્ડમાઇઝ્ડ, પ્લસીબો કંટ્રોલ્લ્ડ' ઢબે તપાસ ચાલી રહી છે. આ ઢબે થતાં પરીક્ષણોથી મળતાં પરિણામ તબીબી વિજ્ઞાનમાં સૌથી વધુ માન્ય ગણાય છે. આ તબક્કામાં રસીની વિષાણુ સામે રોગપ્રતિકારકતા આપવાની એટલે કે પ્રતિદ્રવ્યોનું ઉત્પાદનચક્ર ફરતું કરવાની શક્તિ ઉપરાંત રસીની સલામતી અને સહ્યતા પણ માપવામાં આવે છે. અમેરિકાના FDA-ખાદ્ય અને ઔષધ નિયામકતંત્ર-એ મહામારીના કાળમાં સમયની કિંમત અને રસીના મહત્ત્વને ધ્યાનમાં રાખીને ત્વરિત ગતિએ આગળ વધારવા મંજૂરી પણ આપી દીધી છે. બહુરાષ્ટ્રીય સહયોગમાં સંશોધનનો આ આગામી તબક્કો પાંચ હજારથી પણ વધુ મનુષ્યો પર મે મહિનાના અંત પહેલા શરૂ થવાનો છે. જો એ તબક્કો પણ સફળ નીવડે તો સપ્ટેમ્બર મહિના સુધી આ રસીના વ્યાપક જાહેર ઉપયોગ માટેની મંજૂરી મળી શકે છે. જૅનર સંસ્થાએ પહેલેથી જ ચોખવટ કરી છે કે વિકટ સમયમાં નફાખોરી રોકવા તે આ રસી બનાવવાના અને વેચવાના વિશિષ્ટ અધિકારો કે પેટન્ટ કોઈ એક કંપનીને વેચશે નહીં. એશિયા અને યુરોપની કુલ ૬ કંપની અત્યારથી આ 'સંભવિત' રસીના ઉત્પાદન માટે કમર કસી ચૂકી છે. વિશ્વમાં રસીઓની સૌથી મોટી ઉત્પાદક અને નિકાસકર્તા એવી સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા પણ તે પૈકીની એક છે. ઊલટું, આ સંસ્થાએ તો જાહેર કર્યું છે કે તે કેટલીક માત્રામાં આ રસીનું આગોતરું ઉત્પાદન પણ કરશે, જેથી જો સપ્ટેમ્બરમાં રસીના ઉપયોગની મંજૂરી મળી જાય તો વિના વિલંબે જરૂરતમંદ લોકો સુધી રસી પહોંચતી કરવાનું શરૂ કરી શકાય. આ ‘જો’ અને ‘તો’ની મારામારી ખૂબ મોટા પ્રમાણમાં પૈસા અને સંસાધનોનું રોકાણ માંગી લેશે.

કોરોના વાઈરસની બીમારીને રોકવાની રસીની વાત તો જાણી, પરંતુ સાથોસાથ આ રોગ જેમણે લાગુ પડ્યો હોય તેમની સારવાર સારુ એક સંભવિત દવા 'રેમડેસીવીર' માટે પણ હાલમાં જ શુભંકર સમાચાર પ્રારંભિક પરીક્ષણોમાં બહાર આવ્યા છે. મૂળે ઇબોલા વિષાણુ સામે લડવા માટે વિકસાવવામાં આવેલી આ દવા કોરોના વાઇરસના અતિ ગંભીર ચેપમાં પણ આ વાઈરસને શરીરમાં વિનાશક અસર કરતા અમુક હદે રોકી શકે છે, એવાં સ્પષ્ટ હકારાત્મક પરિણામ મળ્યાં છે. થોડા જ સમયમાં તે અંગેની વિગતવાર માહિતી જાણવા મળશે. અત્યાર સુધી અભેદ્ય મનાતા કોરોના વાઈરસ સામેનો રામબાણ ઇલાજ તો તેને ન કહી શકાય, પરંતુ તેની સામે ઝઝૂમતાં દરદી અને ડૉક્ટર બેયના ભાથામાં એક તીર આથી ખસૂસ ઉમેરાયું છે. સઘન તબીબી પરીક્ષણો પછી કદાચ એમ પણ જાણવા મળે આ રસી કે આ દવા SARS-CoV-2 વાઈરસ સામે સંપૂર્ણ રક્ષણ આપવા પૂરતાં નથી. પરંતુ એથી કાંઈ વૈજ્ઞાનિકો હથિયાર હેઠાં નહીં મૂકી દે. બલકે ભવિષ્યના હથિયાર વધુ ને વધુ તીક્ષ્ણ બનાવવાના પ્રયત્નો બીજા જ દિવસથી આદરી દેશે.

માણસાઈની વ્યાખ્યા બીજાં જીવો પ્રત્યેની અનુકંપા સુધી સીમિત હોય એમ હું નથી માનતો. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી પણ પોતાના બુદ્ધિચાતુર્ય વડે મારગ કાઢવો અને મારગ ના નીકળે ત્યાં સુધી અથાક ઝઝૂમતા રહેવું એ ગુણધર્મો ઉત્ક્રાંતિ દ્વારા જૈવિક પિરામિડમાં કાળક્રમે ઉત્તરોત્તર ઉપર ચઢેલી માણસજાતના હાડમાં ઊતર્યા છે. આ વાઇરસ સામે જરૂર જીતાશે, કોઈ દૈવી કૃપા કે ચમત્કારથી નહીં, પરંતુ આવી 'વિચક્ષણ અને ખંતીલી માણસાઈ'થી જ. અને તેથી જ તેના અનેક દોષ-નબળાઈ છતાં આ મનુષ્યત્વ પ્રત્યેનો મારો આશાવાદ અકબંધ છે.

e.mail : durgeshmodi@yahoo.in

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 મે 2020

Loading

3 May 2020 દુર્ગેશ મોદી
← જીવતાં વૃક્ષ અને મરતાં વૃક્ષ
કુંદનિકા કાપડિયાઃ પરમ સમીપેની યાત્રા પહેલાં અસંખ્ય જિંદગીઓને પરમનો માર્ગ દર્શાવનારાં →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved