આજે [રવિવાર, 03 નવેમ્બર 2019] ગૃહિણી દિન છે. House wife Day. એ નિમિત્તે આ કાવ્ય :
વર્ષોથી કહેવાતું આવ્યું છે કે
गृहिणी गृहम्युचते।।
ધર્મ,અર્થ,કામ અને મોક્ષની
કર્તવ્યયાત્રા પર
સપ્તપદીના વચનોની ભૂલભુલામણીમાં
કયાં ખોવાઈ જવાયું
તેનો અહેસાસ જ ન રહ્યો!
ગયાં વર્ષો, રહ્યાં વર્ષોની
એ દડમજલમાં
પત્ની, મા,ભાભી, કાકી, મામી, દાદી અને
બીજી પણ કંઈકેટલી ભૂમિકાની
વૈતરણી પાર જ કયાં થઈ?
કોઈકે કહ્યું કે
આજનો દિવસ : ત્રણ નવેમ્બર
House Wife Day છે!
ગૃહિણીના પ્રદાનની કદરદાનીનો દિન!
ગૃહિણી દિન કે ગૃહિણી દીન!
એ દીનતા મટે ક્યારે?
જ્યારે એણે ભરેલાં
હજારો પાણીના બેડાં
વણેલી લાખો રોટલીઓ
ને ઘડેલા રોટલા!
વાળેલાં વાસીદાં ને
કરેલી બાળકો, ઘરડાંવરડાં ને માંદાની માવજત
જેવાં
અઢળક કામની ગણના થાય !
અને
મળે જો ઘરકામનું વેતન!
સાથે
પતિ પરમેશ્વર બની રહે ‘ગૃહસ્થ’!