Opinion Magazine
Number of visits: 9733620
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વગ અને સમૃદ્ધિનાં બે કેન્દ્રો વચ્ચેનાં આ ઝઘડામાં ધર્મનો વિવેક ખરો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|15 September 2019

ગુજરાતમાં હિંદુઓ ઝઘડી પડ્યા છે. જી હા, હિંદુઓ ઝઘડી પડ્યા છે. આપણા કવિ જયંત પાઠકની જેમ એમ નહીં કહેતા કે ‘રમતા રમતા લડી પડે ભૈ, માણસ છે.’ કારણ કે માણસને ઝઘડી પડવાનો અધિકાર છે, પણ જે જન્મ સાથે જ શ્રેષ્ઠત્વ લઈને આવે તેને ઝઘડવાનો અધિકાર નથી અને ધર્માભિમાનીઓ તો દાવો કરે છે કે તેઓ જે તે ચોક્કસ ધર્મના છે માટે આપોઆપ શ્રેષ્ઠ છે. બીજું માણસ હોવામાં બહુ જોખમ છે. માણસ હોવાપણામાં આપણામાં રહેલી ઊણપનો સ્વીકાર કરવો પડે, ખૂબ નમ્ર બનવું પડે, તે ઊણપને દૂર કરવા માટે મહેનત કરવી પડે વગેરે વગેરે. આટલી પળોજણ કરતાં હિંદુ જાહેર કરી દીધા કે પત્યું. હિંદુ માત્ર શ્રેષ્ઠ કે મુસલમાન માત્ર શ્રેષ્ઠ કે પછી જે ધર્મના અનુયાયી હો એ ધર્મના અનુયાયી અનિવાર્યપણે શ્રેષ્ઠ એમ કહી દીધું એટલે કેટલી બધી બલા ટળી! આખે આખી માણસ બનવાની જવાબદારીથી ધર્માભિમાન મુક્તિ આપે છે. જવાબદારીથી છટકવાનું છીંડુ કોને નથી ગમતું!

વાત એવી છે કે મોરારીબાપુએ તેમની એક કથામાં કહ્યું હતું કે નીલકંઠ તો ભગવાન શંકર એક જ છે. જે ઝેર પીવે એ નીલકંઠ, બાકી કોઈ લાડુડી ખાઈને નીલકંઠ ન બની શકે. આ કથન સાંભળીને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ અને મહારાજોને લાગ્યું કે આ કથન સહજાનંદ સ્વામી વિષે છે. સહજાનંદ સ્વામીએ હિમાલયમાં તપશ્ચર્યા કરી હતી અને માટે તેમને નીલકંઠવર્ણી તરીકે ઓળખવામાં આવે છે. લાડુ તો સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખ છે. આ માથે ઓઢી લીધેલી પાઘડી છે કે પછી ખરેખર ટોણો હતો એ તો મોરારીબાપુ જાણે. તેમણે સંવત્સરીના દિવસે કોઈનું દિલ દુભાયું હોય તો મિચ્છામી દુકડમ્‌ પણ કરી લીધું હતું, પણ વિવાદ શાંત થતો નથી. 

વિવાદ શાંત થાય કેવી રીતે? અને શા માટે થાય? વાસ્તવમાં આ જે ઝઘડો ચાલી રહ્યો છે એ હિંદુઓ વચ્ચેનો નથી. ગુજરાતના ૯૦ ટકા હિંદુઓને તો આ ઝઘડાની જાણ પણ નહીં હોય. ઝઘડો બે મઠ વચ્ચેનો છે. આ વગ અને સમૃદ્ધિનાં બે કેન્દ્રો વચ્ચેનો ઝઘડો છે. ધાર્મિક સામ્રાજ્યના (રિલિજિયસ એસ્ટાબ્લીશમેન્ટના) આશ્રિતો વચ્ચેનો ઝઘડો છે. ખીચડિયા ભક્તો કોઈ અર્ણવ ગોસ્વામીઓના ન્યુઝ સ્ટુડિયોઓમાં જ હોય છે એવું નથી, જે જે લોકો મફતની ખીચડી આરોગે છે એ બધાએ વફાદારી બતાવવી પડે છે. આમાં કોઈ જગ્યાએ આધ્યાત્મિકતા નથી. આધ્યાત્મિકતાનો પ્રદેશ જુદો છે. બાકી આધ્યાત્મિકતાનો પ્રવાસ અધૂરા માણસ હોવાના સ્વીકારથી અને માણસ બનવાથી શરૂ થાય છે.

જગત આખામાં બધા ધર્મ અને સંપ્રદાયોના ધર્મગુરુઓએ, ધર્મઝનૂનીઓએ, તેનો રાજકીય ઉપયોગ કરનારાઓએ અને ખીચડિયા ભક્તોએ; ધર્મને ‘અસલ ધર્મ’ કરતાં ક્યાં ય દૂર ફગાવી દીધો છે. દરેક ધર્મે તેનો મૂળ ચહેરો ગુમાવી દીધો છે. આમ સામાન્ય હિંદુએ ચાલી રહેલા ઝઘડા વિષે શરમાવાની જરૂર નથી. પણ હા, સાવધાન થવાની જરૂર છે.

અહીં એક પક્ષ સ્વામિનારાયણ સંપ્રદાય છે એટલે ૨૩મી જાન્યુઆરી ૧૯૨૧ના રોજ ગાંધીજીએ વડતાલમાં સ્વામિનારાયણના સાધુઓ સમક્ષ જે પ્રવચન કર્યું હતું તે ટાંકવાની જરૂરિયાત સમજું છું. ગાંધીજીએ કહ્યું હતું:

“હું હંમેશાં સાધુઓને મળવા ઈચ્છા કરતો રહું છું. હરિદ્વારના કુંભમેળામાં હું ગયો ત્યારે મનને ઠારે એવા સાધુને ખોળવા મેં એકેએક સાધુના અખાડામાં ભળવાનો પ્રયત્ન કર્યો. જેટલા કાંઈ પણ જાણીતા સાધુ હતા તેમને મળ્યો. પણ મારે કહેવું જોઈએ કે હું નિરાશ થયો. મારી ખાતરી છે કે સાધુ એ હિન્દુસ્તાનનું ભૂષણ છે અને એના વડે જ હિન્દુસ્તાન ટકી રહેશે; પણ એ સાધુતા આજ હું ઘણી ઓછી જોઉં છું. …

મને કેટલાક લોકોએ સૂચવ્યું કે મારે સંન્યાસી થવું જોઈએ. પણ હું સંન્યાસી નથી થયો. તે દિવસે પણ મારા અંતરાત્માએ કબૂલ ન કર્યું; આજે પણ નથી કરતું. તેનું કારણ કાંઈ મારે ભોગ ભોગવવા છે એવું તો નહીં જ માનો. તેનો ત્યાગ કરવા હું યથાશક્તિ પ્રયોગ કરતો જ રહું છું. પણ એ પ્રયત્નમાં હું જોઉં છું કે હું ભગવા પહેરવાને લાયક નથી. હું કાયા, વાચા અને મન ત્રણેથી સત્ય, અહિંસા કે બ્રહ્મચર્ય પાળું છું એમ મારાથી ન કહી શકાય. મને કરીને મને રાગદ્વેષ આવે, વાસનાઓ ઊઠે, તેને હું વિચાર કરીને રોકવાનો પ્રયત્ન કરું છું, અને શરીરે દાબી દઉં છું. જો સંપૂર્ણ રીતે હું આ પાળી શકતો હોઉં, તો તો આજ હું સર્વે વિભૂનો સ્વામી હોઉં; હું નમ્ર છતાં જગત મારે ચરણે હોય; કોઈ મને હસી કાઢવા કે મારો તિરસ્કાર કરવા ઈચ્છે જ નહીં. 

પણ હું તમને તમારો વેષ ઉતરાવવા નથી આવ્યો.” (ગાંધીજીનો અક્ષરદેહ ભાગ-૧૯, પૃષ્ઠ, ૨૨૮)

ગાંધીજી કહે છે કે હજુ સુધી તેમને સાધુત્વ ધરાવનારો સાધુ મળ્યો નથી. જે માણસ સવાયો સાધુ હતો કે કહે છે; “હું ભગવા (કે સફેદ) પહેરવાને લાયક નથી. હું કાયા, વાચા અને મન ત્રણેથી સત્ય, અહિંસા કે બ્રહ્મચર્ય પાળું છું એમ મારાથી ન કહી શકાય." તેઓ પાછા સાચા સાધુની શક્તિ બતાવતા કહે છે; “જો સંપૂર્ણ રીતે હું આ (વ્રત) પાળી શકતો હોઉં, તો તો આજ હું સર્વે વિભૂનો સ્વામી હોઉં; હું નમ્ર છતાં જગત મારે ચરણે હોય; કોઈ મને હસી કાઢવા કે મારો તિરસ્કાર કરવા ઈચ્છે જ નહીં.”

અહીં સ્વામિનારાયણ સંપ્રદાય વિષે પણ મારે એક વાત કહેવી જોઈએ. મૂળમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સરળતા હતી એ આભુષણરૂપ હતી. એ જ તેની ઓળખ હતી અને એ જ તેની સફળતાનું કારણ હતું. ગાંધીજીએ પણ તેનો સ્વીકાર કર્યો છે.

આજે સરળતાની જગ્યા સમૃદ્ધિજન્ય આડંબરે લીધી છે. ધર્મપ્રચારમાં આક્રમકતાએ લીધી છે. પોતાની ઉપસ્થિતિની હાજરી પૂરાવવામાં વધારે પડતી આક્રમકતા અણગમો પેદા કરે છે. જ્યારે મોકો મળે ત્યારે તે પ્રગટ થાય છે. ગુજરાતમાં અત્યારે થોડુંક આવું પણ બની રહ્યું છે. આ જગતમાં સેંકડો ધર્મ અને સંપ્રદાયો છે. એની વચ્ચે સમાન સ્તરે અને આદરપૂર્વકનું સહઅસ્તિત્વ જરૂરી છે. કોણી મારીને દરેક જગ્યા બનાવવાનો પ્રયત્ન કરે અને બીજાની જગ્યા નકારવાનો પ્રયત્ન કરે ત્યારે સમસ્યાઓ પેદા થતી હોય છે અને વખત આવ્યે પ્રગટ થતી હોય છે. સોશિયલ મીડિયામાં ફરતી એક ક્લીપમાં મોરારીબાપુનો આ વિશેનો પુણ્યપ્રકોપ જોવા મળે છે. આજકાલ સંપ્રદાયો, પેટા સંપ્રદાયો અને ધર્મગુરુઓ સનાતન ધર્મને, તેનાં દેવી-દેવતાઓને નકારી રહ્યા છે અને પોતાના સંપ્રદાયના અધિષ્ઠાતાને અથવા ધર્મગુરુ પોતે તેની જગ્યા લેવા માંડ્યા છે.

સાનમાં સમજવા માટે આ પ્રસંગ ખપનો છે.

12 સપ્ટેમ્બર 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2019

Loading

15 September 2019 admin
← એન.આર.સી. : છીંડે ચડ્યો તે ચોર!
ગાંધીજીનું ‘નવજીવન’: ગુજરાતી પત્રકારત્વનું સીમાચિહ્ન →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved