“દેશમાં સ્વરાજ્ય આવશે ત્યારે મારું શું થશે એ સવાલ નિરર્થક છે, કારણ કે માત્ર બેવકૂફ અને કાયર જ એવા હશે જે રાજ્યને ભરોસે જીવતા હશે. જો રાજ્ય વ્યક્તિના અધિકારો પર આક્રમણ કરશે તો પ્રત્યેક વ્યક્તિ પોતાની સ્વતંત્રતાની રક્ષા કરવા સ્વયં આગળ આવશે. જ્યાં સુધી મોટાભાગના ભારતીયોમાં આવી શક્તિ નહીં આવે ત્યાં સુધી ભારતવર્ષ સાચી સ્વતંત્રતા હાંસિલ નહીં કરી શકે.”
— મહાત્મા ગાંધી
(૨૨-૧૦-૧૯૨૫. ‘યંગ ઇન્ડિયા’.)
તમને ખબર છે અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં શું બન્યું? અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની હાર થઈ અને ડેમોક્રેટિક પાર્ટીનો વિજય થયો, એ ન્યુઝ નથી, ન્યુઝ એ છે કે રિપબ્લિકન પક્ષના સમર્થક મતદાતાઓને “અમેરિકા સર્વશ્રેષ્ઠ”ના નામે પોરસાવાની અને “અમેરિકાના દુ:શ્મનો અમેરિકાની સફળતા જોઈ શકતા નથી અને ધરતી પરના બોજ જેવા વિદેશીઓ અમેરિકામાં ઘૂસી ગયા છે”-ના નામે ડરવાની નિરર્થકતા સમજાઈ ગઈ છે. તેમને સમજાઈ ગયું કે ડોનાલ્ડ ટ્રમ્પ આપણને એટલા માટે પોરસાવીને રાષ્ટ્રવાદના નશામાં રાખે છે અને કહેવાતા દુ:શ્મનોથી ડરાવે છે કે જેથી તેઓ મનમાની કરી શકે અને પોતાનાં તેમ જ પોતાનાંઓનાં ખિસ્સા ભરી શકે.
ઉપરનાં અવતરણમાં ગાંધીજીએ કહ્યું છે એમ માત્ર બેવકૂફો અને કાયરોને છોડીને બાકીના બધા ખુલ્લી આંખે જીવે છે અને નીરક્ષીર વિવેક કરી લેતા હોય છે. બેવકૂફો પોરસાય અને કાયરો ડરે. ગાંધીજીનું કથન એમ કહે છે કે તેમની પાસેથી અપેક્ષા રાખવી નકામી છે.
આ વખતે રિપબ્લિકન પાર્ટીના સમર્થક મતદાતાઓમાંથી ખુલ્લી આંખે જીવનારા મતદાતાઓએ રિપબ્લિકન પાર્ટીનો સાથ છોડ્યો તેને પરિણામે અમેરિકામાં શું બન્યું એ જોઈએ:
· કેન્સાસ, ઓહિયો, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના, આયોવા અને મેને જેવા પરંપરાગત રીતે રિપબ્લિકન પક્ષનું સમર્થન કરનારાં રાજ્યોમાં પણ મતદાતાઓએ રિપબ્લિકન પાર્ટીનો સાથ છોડીને ડેમોક્રેટિક પાર્ટીને સાથ આપ્યો.
· અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર જ્યોર્જીયાના ગવર્નરપદે કિશા લાન્સ બૉટમ્સ નામની એક અશ્વેત (કાળી) મહિલા આવશે, જેણે રિપબ્લિકન પાર્ટીના ધનાઢ્ય ઉમેદવાર રિક જેક્સનને હરાવ્યાં હતા.
· અમેરિકન સિનેટમાં પહેલીવાર અબ્દુલ અલ સૈયદ નામના મુસ્લિમે મીશીગનમાંથી ચૂંટાઈને પ્રવેશ મેળવ્યો છે. સૈયદને મુસ્લિમ છે માટે ડોનાલ્ડ ટ્રમ્પે નિશાન બનાવ્યા હતા અને નિંદા કરવામાં કશું બાકી નહોતું રાખ્યું.
· કેલીફોર્નિયાના ગવર્નરપદે પહેલીવાર એક લેટિનો એટલે કે ઉત્તર અમેરિકામાં આવીને વસેલા લેટિન અમેરિકાના મૂળ વતની ઝેવિયર બિસેર્રા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે.
· ટેક્સાસમાં પણ પહેલીવાર મતદાતાઓએ ગીના હિનોજોસા નામની એક લેટિનો મહિલાને ગવર્નરપદે ચૂંટ્યાં છે. તેમણે ત્રણ મુદત માટે ગવર્નર રહી ચૂકેલા ગ્રેગ એબોટ્ટને પરાજિત કર્યાં હતા.
· ન્યુ મેક્સિકોમાં મૂળ અમેરિકન દેબ હાલાન્ડને મતદાતાઓએ વિજયી બનાવ્યાં છે જે હવે ગવર્નર બનશે.
· ફલોરિડામાં મતદાતાઓએ કાળા ઉમેદવાર બાયરન ડોનાલ્ડને વિજયી બનાવ્યા જે ગવર્નર બનશે.
· ક્રીસ પાપ્પા ઘોષિત સમલિંગી છે જેનો ન્યુ હેમ્પશાયરમાં સિનેટની ચૂંટણીમાં વિજય થયો છે.
· મિનસોટા(Minnesota)માં પહેલીવાર મતદાતાઓએ ડેમોક્રેટિક પાર્ટીનાં પેગ્ગી ફ્લેનાગનને સિનેટની ચૂંટણીમાં વિજયી બનાવ્યાં છે જે મૂળ અમેરિકન છે અને મહિલા છે.
· વિસ્કોસીનને તેના ઇતિહાસમાં પહેલીવાર ડેવિડ ક્રાઉલી નામના એક કાળા ગવર્નર મળશે.
· નવાદાને પણ તેના ઇતિહાસમાં પહેલીવાર આરોન ફોર્ડ નામના એક કાળા રંગના ગવર્નર મળશે.
· ઓહિયો, મિનસોટા અને ટેનેસી નામનાં ત્રણ રાજ્યોમાં પહેલીવાર ગવર્નરપદ માટે મહિલાઓનો વિજય થયો છે.
આ શું સૂચવે છે?
જ્યારે લોકકલ્યાણની કોઈ યોજના ન હોય, કોઈ નિસ્બત ન હોય, શાસકો લાગણીહીન હોય, નિર્લજ્જ હોય, આત્મમુગ્ધ હોય, મનમાની કરતા હોય, લોકોને ખોટી મહાનતાના નામે પોરસાવતા હોય, દુ:શ્મનનો ડર બતાવીને ડરાવતા હોય, રડાવતા હોય ત્યારે ગાંધીજીએ ઉક્ત અવતરણમાં કહ્યું છે એમ બેવકૂફ અને કાયરને છોડીને બાકીના મતદાતાઓ સાવધાન થઈ જતા હોય છે. અમેરિકામાં ટ્રમ્પે મનમાની કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. યુદ્ધ માથે માર્યું, પરિણામે બળતણનાં ભાવ વધ્યા અને ઉપરથી અમેરિકાની નાલેશી થઈ. બુદ્ધિ, સંસ્કાર અને આવડત એમ ત્રણેય બાબતે આ માણસ મીંડું છે એની રિપબ્લિક પાર્ટીના કેટલાક મતદાતાઓને ખાતરી થઈ ગઈ. તેમને સમજાઈ ગયું કે આપણને મૂરખ બનાવવામાં આવી રહ્યા છે.
અહીં ટ્રમ્પ જેવા શાસકો માટે એક ધડો પણ છે. જો લોકશાહીનું કાસળ કાઢી નાખવું હોય તો પૂરું કાઢી નાખવું. અધમૂઈ લોકશાહી ભારે પડી જાય. જગતનો ઇતિહાસ એમ કહે છે કે લોકશાહીનું કાસળ કાઢીને લોકલાગણીની ઐસીતૈસી કરીને ક્રૂરતાપૂર્વક પ્રજાને કચડી રાખનારા શાસકો લાંબો સમય રાજ કરી શકે છે. સાંપ્રત દુનિયામાં ચીન, રશિયા, ઉત્તર કોરિયા વગેરે આનાં ઉદાહરણ છે. પ્રજાની લાગણીની પરવા નહીં કરનારા તાનાશાહો સફળ નીવડ્યા હોય એવું પણ બન્યું છે. પાકિસ્તાનમાં અયૂબ ખાન આનું ઉદાહરણ છે. તેમના સમયમાં પાકિસ્તાનનો આર્થિક વિકાસદર ભારત કરતાં વધુ હતો. તાનાશાહો સફળ નીવડે કે ન નીવડે, લાંબો સમય રાજ કરી શકે છે એ તો ચોક્કસ.
તેનાથી ઊલટો ઇતિહાસ અધમૂઆ લોકતંત્રનો છે. વિરોધીઓને મેનેજ કરવામાં અને સમર્થકોને નશામાં રાખવામાં જ શક્તિ અને સાધનો ખર્ચાઈ જાય અને ઉપરથી ઇચ્છો એ રીતે વિરોધીઓ અને સમર્થકો મેનેજ થતા નથી. સમર્થકો આરતી ઉતારવામાં અતિરેક કરે અને વિરોધીઓ ટીકા કરવામાં ઠેકડી ઉડાડવા સુધી પહોંચી જાય. બને છે એવું કે આરતી ઉતારનારાઓ પણ અતિરેક કરીને શાસકને મજાકનું પાત્ર બનાવી દે છે. કોઈ વળી શાસકોને રાજી કરવા સવાયો અમેરિકન કે સવાયો મુસલમાન કે પછી સવાયો હિંદુ બની જાય અને તે રીતે શાસકોને ફાયદા કરતાં નુકસાન વધુ પહોંચાડે. લોકતંત્રને પ્રચારતંત્રમાં ફેરવવું પડે અને એ મોંઘી ખર્ચાળ કવાયત છે. પૈસા માટે બગલબચ્ચા ઉદ્યોગપતિઓને પાળવા પડે જે સરકારી સંસાધનો પાણીના ભાવે પડાવીને શાસકની પ્રતિષ્ઠાને હજુ વધુ ઝાંખી પાડે. એક દિવસ એવો આવે કે કોણ કોના હાથમાં છે એ જ ન સમજાય.
યાદ રહે, આ વિવેચન હું ભારતનું નથી કરતો, અમેરિકાનું કરું છું. ટ્રમ્પબાબા એક શાસકને શોભે એવી માનમર્યાદા, સભ્યતા, વિવેક ત્યજીને તેમ જ લોકતંત્રની અવગણના કરીને મનમાની કરવા ગયા અને અડધે રસ્તે ફસાઈ ગયા. ઇઝરાયેલમાં બેન્જામિન નેતાન્યાહૂના પણ એવા જ હાલ થયા છે. તાનાશાહ થવું તો શરમ છોડીને પૂરા થવું, અડધીપડધી તાનાશાહી મોંઘી પડી જાય. એ તો સારું છે કે અમેરિકામાં અને ઇઝરાયેલમાં હજુ ચૂંટણીતંત્રને અભડાવવામાં આવ્યું નથી એટલે અનુક્રમે ટ્રમ્પને અને નેતાન્યાહૂને મતદાતાઓએ મત નહીં આપીને તમાચો માર્યો. જે દેશોમાં શાસકોએ ચૂંટણી હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો છે એવા દેશોમાં વિકલ્પરહિત નાગરિકોએ શાસકોને દેશમાંથી તગેડી મુક્યા છે. શ્રીલંકા, બંગલાદેશ અને નેપાળ આનાં ઉદાહરણ છે. તો વાતનો સાર એ કે કાં લોકતંત્રનું સંપૂર્ણપણે કાસળ કાઢો અને કાં લોકતંત્રની મર્યાદામાં રહો. અડધાપડધા લોકતંત્રનો ખેલ એક દિવસ ઉથમો પડે છે અને નાક કપાવીને વિદાય લેવી પડે છે. સન્માનજનક વિદાય મતપત્રક દ્વારા મળે છે.
ઘણા શાસકોને એમ લાગે છે કે તેની પાસે વિરોધીઓને અને સમર્થકોને મેનેજ કરવાની એક વિલક્ષણ આવડત છે જે તેમની પહેલાંના કે બીજા દેશોના શાસકોમાં નથી કે નહોતી. લોકતંત્રનું કાસળ કાઢ્યા વિના લોકતંત્રનું કલેવર ટકાવી રાખીને દુનિયામાં ઉજળા દેખાવાનું અને મનમાની કરવાની, બસ મેનેજ કરવાની આવડત હોવી જોઈએ અને તેઓ એ ધરાવે છે.
આ એક ભ્રમ છે. મીઠો ગળચટ્ટો ભ્રમ છે. આ જગતમાં સૌથી છેતરામણી કોઈ ચીજ હોય તો એ આમ જનતા છે. માનસશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ માટે પણ એ કોયડો છે. એ ભોળા કબૂતરની જેમ હાથમાં આવી જાય અને પારાની જેમ હાથમાંથી સરકી જાય. આમ જનતા છેતરાય અને પછી છેતરનારને જ છેતરે. આમ જનતા પાસે વાચા હોતી નથી, પરંતુ જ્યારે બોલે ત્યારે ભૈરવનાદનો અનુભવ થાય. ધરતીકંપ અને જ્વાળામુખી એકાએક થાય છે એમ આપણને લાગે છે, પણ ધરતીની સપાટીની નીચે તેની શરૂઆત ક્યારે થઈ હતી એ કોઈ જાણતું નથી. આમ જનતા પહેલાં તમને સાંભળે, તમારી વાત કાને ધરે, વિચારે, સ્વીકારે, આંગળી પણ પકડે અને પછી તમને જુએ. આ બારીક નજરે જોનારી જનતા શાસકોને નજરે પડતી નથી. આમ જનતાને જીતનાર એમ નથી વિચારતો કે તેણે (આમ જનતાએ) આગળવાળાઓની આંગળી છોડી શા માટે?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 નવેમ્બર 2026
![]()

