સૌ પ્રથમ તો આજથી શરૂ થતાં વિક્રમ સંવત 208૩ને આવકાર અને સૌને નૂતન વર્ષનાં અનંત અભિનંદનો ને અઢળક શુભેચ્છાઓ. આજથી શરૂ થતું નૂતન વર્ષ સૌને કલ્યાણકારી નીવડે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના. પ્રકાશનું આ પર્વ આપણે વર્ષોવર્ષ ઉજવીએ છીએ. દર વર્ષે દિવાળીના લાખો દીવડાઓ આ પૃથ્વીને ઝગમગતી કરી દે છે. પૃથ્વી પણ આકાશના તારાઓ જોડે સ્પર્ધામાં એટલા દીવાઓ પ્રગટાવે છે કે તારાઓ ઝાંખા પડી જાય. આમ તો કોઈ અમાસ આટલી ઝળહળતી નથી, પણ દિવાળી નાના નાના દીવડાઓથી આ પ્રકાશોત્સવને સ્મૃતિપર્વ બનાવી દે છે.
વીતેલાં વર્ષોનું આ સ્મૃતિપર્વ પણ છે. અનેક સારીમાઠી યાદો દરેકને વત્તે ઓછે અંશે ઘેરી વળે છે ને હર્ષની હોય કે શોકની, સ્મૃતિ તો આંખો વાટે જ પ્રગટ થાય છે. આમ જોઈએ તો આંખો પણ બે નાનકડી દીવીઓ જ છે ને ! દીવામાં તેલ છે, તો આંખોમાં આંસુ છે. બહાર દીવો બળે છે, તો ભીતર હૈયું બળે છે. દીવો પ્રકાશ આપે છે, જ્યારે આંખો આંસુઓથી છલકે છે.
આમ જોવા જઈએ તો અનેક વૈજ્ઞાનિક ઉપકરણો તીવ્ર પ્રકાશ આપતાં ઉપલબ્ધ છે. દિવાળીએ પણ અનેક રંગ, પ્રકારના પ્રકાશ વેરતાં ઉપકરણો આંગણું ચમકાવે છે. અનેકગણો ઝળહળાટ બારણે બારણે જોવા મળે છે, પણ એ બધું છતાં આપણે દીવો કે આરતી પ્રગટાવીએ છીએ. કેમ? આટલો પ્રકાશજ્યોત હોવા છતાં દીવો કેમ? એ ના સળગાવીએ તો પણ પ્રકાશમાં ઘટ પડતી નથી. રોશનીના અનેક પ્રકાર હોવા છતાં આપણે દીવો સળગાવીએ છીએ, આરતી કરીએ છીએ. તેની સાથે ધાર્મિક આસ્થા જોડાયેલી છે, છતાં એ આસ્થામાં દીવો જ કેમ? આરતી જ કેમ? દીવાને બદલે ઇલેક્ટ્રિક બલ્બ ચાલેને ! તેમાં પણ જ્યોત થાય છે, છતાં આપણે દીવો કરીએ છીએ. ઘણીવાર તો તેનું કોઈ તેજ નથી જણાતું, છતાં સૂર્યપૂજા વખતે પણ દીવો કે આરતી કરીએ છીએ. દીવો લગભગ ઝાંખો પડી જાય છે, સૂર્યના પ્રચંડ તેજ સામે, છતાં તે નામશેષ થતો નથી. સૂર્ય પણ તેનું તેજ ઢાંકી શકતો નથી. દીવાનું જે તેજ અંધકારમાં પ્રગટે છે, તેમાં જે સોનેરી રેશમી પ્રકાશ પ્રગટે છે, એની તોલે કૈં આવે એમ નથી. ગરીબની ઝૂંપડીમાં સળગતો દીવો જ ગરીબ માટે દિવસરાતનો સૂર્ય છે. આમ પણ રાત્રે સૂર્ય હોતો નથી ને ત્યારે દીવો જ સૂર્યની ગરજ સારે છે.
દિવાળીની જ વાત કરીએ તો અનેક બલ્બ ને આકર્ષક રોશની છતાં લોકો બારણામાં અને લોબીની બહાર ને બીજી ઘણી જગ્યાએ કોડિયું પ્રગટાવે છે. એ કોડિયું આપણે ન ખરીદ્યું હોત તો એક ગરીબને ઘરે ચૂલો ના સળગ્યો હોત. કોડિયાં વેચનારા કંઇ બહુ કમાઈ જતાં નથી, પણ કોડિયાં વેચીને તે એક ઉપકાર આપણા પર કરે છે. કોડિયાંની સાથે જ થોડું અદીઠ અજવાળું પણ આપણને વેચે છે, જે દિવેટ, તેલ ઉમેરાતાં પૂર્ણ સ્વરૂપે પ્રગટે છે ને અંધકારને દૂર કરે છે. દીવાનું એટલું છે કે છે ત્યાં સુધી તે અંધકારને નજીક ફરકવા નથી દેતો.
કોડિયું ખરીદાય છે, પછી જાણે કે એક છાનું અજવાળું દુકાનમાંથી ઘરોમાં પ્રવેશે છે. દિવાળીને એટલે જ દીપોત્સવની ઓળખ પણ મળી છે. દીપોત્સવમાં દીપનો મહિમા છે. બીજી અનેક લાઈટ્સ હોવા છતાં દીવાનો મહિમા થાય છે. દીવાની એક વિશેષતા એ પણ છે કે એની સ્થિર જ્યોત જોનારની દૃષ્ટિને પણ સ્થિર ને દૃઢ કરે છે. એની સ્થિતપ્રજ્ઞ જ્યોત વ્યક્તિના ચિત્તને પણ અજવાળું આપે છે ને એ સ્થિર દૃષ્ટિએ જે તે વસ્તુને મૂલવી શકાય એવી સ્થિતિ ઊભી થાય છે. એની ધ્રૂજતી જ્યોત વ્યક્તિની અસ્થિર ચિત્તાવસ્થાનો પડઘો પાડે છે. એ સ્થિતિ કેવળ દીપ કે આરતી દ્વારા જ અનુભવાય છે. એ બીજાં અજવાળામાં અનુભવાતું નથી.
આમ તો આ પ્રકાશપર્વ ચારપાંચ દિવસ ચાલે છે, પણ એકેય દિવસ આ પર્વને દીવડાંઓ વગર ચાલ્યું નથી. એટલે જ તો એ દીપોત્સવ તરીકે પ્રચલિત છે. દીપોત્સવમાં ધનતેરસ, વાક્બારસ, કાળીચૌદસમાં કોઈ દેવનો મહિમા નથી થયો. વાફ, વાણીની દેવી સરસ્વતી છે. ધનતેરસ એ લક્ષ્મીનો મહિમા કરે છે તો કાળીચૌદસે મહાકાળીની આરાધના થાય છે. આમાં કોઈ દેવ નથી, બધી જ મહાદેવીઓ છે. મનુષ્યને જ્ઞાન વગર ચાલ્યું નથી ને તે વિદ્યાની દેવી સરસ્વતી પૂરું પાડે છે. એ જ રીતે તન, મન, ધનની જરૂર લક્ષ્મી પૂરી કરે છે. મહાકાળી નકારાત્મક શક્તિથી આપણને દૂર રાખે છે. તે શક્તિનું આક્રમક સ્વરૂપ છે. તે મનુષ્યને નિર્ભય રાખે છે ને પછી આવતી દિવાળી અયોધ્યાનો ને પછી જગત આખાનો ઉત્સવ છે. ભગવાન રામ લંકા વિજય પછી લક્ષ્મણ અને જાનકી સાથે વનવાસ પૂરો કરી અયોધ્યા પધારે છે ને તેના ઉલ્લાસ રૂપે અયોધ્યા નગરી દીવડાંઓથી ઝગમગી ઊઠે છે. આજે અતિરેક એ પણ થયો છે કે આ દિવાળીએ 36 લાખ દીવા પ્રગટાવવાનો રેકર્ડ થયો છે. એમાં ઉત્સવ કરતાં પણ ઐશ્વર્યનો મહિમા વધારે છે. આ બધા જ દીવા હોલવાવાના છે, તો ય આપણે તે સળગાવીએ છીએ. દીવાનું પણ કેવું છે. તે હવા વગર સળગતો નથી ને હવાથી જ તે હોલવાઈ પણ જાય છે.
ઉત્સવના ઉલ્લાસમાં ફટાકડા, કનકતારા વગેરેનો પણ મહિમા છે. જો કે, કેટલાક ચોખાલિયાઓ ફટાકડા ફૂટવા સંદર્ભે પર્યાવરણ, પ્રદૂષણને નામે વાંધા પાડે છે. એમને કંઇ પણ થાય તે ગમતું નથી. હોળી હોય તો રંગોનો વાંધો, મકરસંક્રાંતિ હોય તો ઘસેલી દોરીનો વાંધો, એમ જાહેર ઘણા તહેવારો સામે કેટલાક સજ્જનો વાંધા પાડતાં રહે છે. આ ઉત્સવો મોટે ભાગે યુવાનો મનાવતા હોય છે, ને જે યુવા નથી રહ્યા તે આવા આનંદ ઉલ્લાસનો વાંધો લે છે. એ ખરું કે વરિષ્ઠોને અનેક તકલીફો હોય છે ને તેમને કોઈ પણ ઉત્સવ નડતર રૂપ જ લાગે છે ને તેનો જોરશોરથી વાંધો પણ ઉઠાવતાં રહે છે. વૃદ્ધો રંગાવા તૈયાર નથી, એ જ રીતે કોઈ મકરસંક્રાંતિએ પતંગ ચગાવવા તૂટી પડતાં નથી, એકાદ ફટાકડો પણ ફોડતા નથી, પણ ધ્વનિ પ્રદૂષણ ને ઘોંઘાટને નામે કાગારોળ મચાવી મૂકે છે. વર્ષમાં બેત્રણ દિવસ હોળી રમાય કે પતંગ ચગે કે ફટાકડા ફૂટે તો ચલાવી ના લેવાય? સિનિયર્સ માટે કોઈ એવો દુર્ભાવ નથી. અપેક્ષિત એટલું જ છે કે તેમની અનુદારતા થોડી ઘટે.
એ પણ છે કે ગમે એટલી મોંઘવારી હોય, ખરીદશક્તિમાં ફેર પડતો નથી. વતન જઈને ઉત્સવો ઉજવવાનો પણ સાધારણ કારીગરોને જુદો જ આનંદ હોય છે. એને માટે બસ કે રેલવેની મોંઘી ટિકિટ ખરીદીને, ગમે તેવી ભીડમાં પણ ગામ પહોંચવાનું કોઈ ચૂકતું નથી. દિવાળીની મજા એ પણ છે કે વેકેશનમાં ઘણાં કુટુંબો હિલસ્ટેશન પહોંચીને ફ્રેશ થઈ આવે છે. આ બધું ઉત્સવોને આભારી છે, તેમાં દિવાળી સૌથી મોટો તહેવાર છે ને ઘણાં તો નૂતન વર્ષે જ બહાર ફરવા નીકળી જાય છે જેથી ફરવાનો સમય વધુ મળે.
આમ જોવા જઈએ તો દીવાના અજવાળાંમાં કેટલીક સ્થાનિક, રાજકીય, રાષ્ટ્રીય, વૈશ્વિક સ્તરે સાચી પરિસ્થિતિ પણ સ્પષ્ટ થાય છે. સૂરતની વાત કરીએ તો તેની વિકાસની ઝડપ રકાસની ઝડપ તો નહીં બનેને એવી ચિંતા થાય છે. આમ તો ગુજરાતના મુખ્ય મંત્રી નૂતનવર્ષે શુભેચ્છાઓ પાઠવે જ છે, પણ આ વખતે એમણે આગોતરી વર્દી ધોકાને દિવસે એ રીતે નોંધાવી છે કે મુખ્ય મંત્રી નૂતન વર્ષે શુભેચ્છા સંદેશ પાઠવશે. રાષ્ટ્રને સંબંધ છે ત્યાં સુધી ઈકોનોમી વિષે સ્પષ્ટતા નથી. બહુ વિકાસ થયો છે એની ના નથી, પણ 6 રાજ્યોમાં દુષ્કાળના ડાકલાં વાગે છે, એ પણ નોંધવું ઘટે. કોણ જાણે કેમ, પણ વિશ્વને યુદ્ધો ખેલીને આત્મહત્યા કરવાનો ગજબનો શોખ છે. આંતરરાષ્ટ્રીય નેતાઓ પછડાટ ખાઈ રહ્યા છે, પણ બોધપાઠ બીજા જ લઈ રહ્યા છે. આપણે વિશ્વ ગુરુ તો થવું છે, પણ ઘરનાં ઘંટી ચાટે એવી યાદ સતત આવ્યા કરે છે …
આ સ્થિતિમાં બહુ જરૂર શુભેચ્છાઓની હોય છે, તો ફરી એક વાર નૂતન વર્ષનાં અનંત અભિનંદનો અને અઢળક શુભેચ્છાઓ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 નવેમ્બર 2026
![]()

