ગુજરાતના શિક્ષણ વિભાગમાં અફીણીઓ ભરેલા છે. ત્યાં પરિપત્રોની ફેકટરીઓ ચાલે છે. કોઈ નવરો ભૂત રોજને હિસાબે પરિપત્રો બહાર પાડ્યા જ કરે છે ને તેનો બધો બોજ સ્કૂલોને માથે નાખી દેવામાં આવે છે. ગુજરાત સરકારે માસ્તરોને કારકૂનની બઢતી આપી હોય તેમ તેમનો દિવસ પરિપત્રોના જવાબો અને ડેટાઓમાં જ પૂરો થઈ જાય છે. સરકારમાં ક્યાંક સારા ને પ્રમાણિક માણસો પણ હશે, પણ શિક્ષણ વિભાગ તળિયાઝાટક ફેરફાર માંગે છે. રહી રહીને શિક્ષણ વિભાગને પરિપત્રોના એટેક આવે છે. માસ્તરો એક પરિપત્રનો જવાબ તૈયાર કરે ત્યાં તો બીજાનો જવાબ રાહ જોતો જ હોય છે. ખરેખર તો શિક્ષણ વિભાગનું નામ બદલીને ‘પરિપત્ર વિભાગ’ કરી દેવા જેવું છે. એમાં મોંકાણ એ થાય છે કે પરિપત્રોના વેપલામાં કોઈ સ્કૂલ સરખી રીતે સંચાલન જ કરી શકતી નથી. દુ:ખદ વાત એ છે કે આ બધું જેને માટે થાય છે તે બાળકો તો પ્રાયોરિટીમાં છેલ્લે પણ નથી. વર્ગ શિક્ષણ, શિક્ષકોની ઈતર પ્રવૃત્તિઓને લીધે લગભગ થતું જ નથી. શિક્ષક પરિપત્રમાં અને વિદ્યાર્થી, વગર ભણ્યે પરીક્ષામાં વ્યસ્ત હોય છે. આમ જોવા જઈએ તો શિક્ષકો, આચાર્યો ને યુનિયનોનાં બે ભાગ પડી ગયા છે. એક ભાગ સરકારની આરતી ઉતારે છે ને બીજો ટીકા જ કર્યા કરે છે. કોઈ તટસ્થતાથી, સચ્ચાઈથી પ્રશ્નોને જોતું જ નથી.
તાજેતરમાં ‘જંતરમંતર’ કરતો હોય તેમ એક પરિપત્ર 21 ઓક્ટોબરે બહાર પડ્યો છે, જેમાં બાળકોની સુરક્ષા, ગોપનીયતા, શૈક્ષણિક વાતાવરણની જાળવણી અને આચાર્યો સામે થતી ખોટી ફરિયાદોની વાત છે. બાળકોની ગોપનીયતા એટલે શું એની સ્પષ્ટતા નથી, પણ તે શબ્દ વારંવાર એમ જ ખપમાં લેવાયો છે. ગોપનીયતા જાતીય સંદર્ભે હોઈ શકે, પણ એમાં તો ત્રાહિત વ્યક્તિ જવાબદાર હોય, તો એમાં બાળકોની ગોપનીયતાનો અર્થ કેટલોક સરે? સરકારને ભય છે કે ક્યાંક, કોઈ, સ્કૂલોમાં અનધિકાર પ્રવેશને મુદ્દે તોફાની પરિબળો ઘૂસી ગયાં હોય ને તોડફોડ કરી હોય તો ગુજરાતમાં એવું ન થાય એટલે આવો પરિપત્ર બહાર પડાયો છે. સરકારને એકાએક બહારની વ્યક્તિના પ્રવેશ સામે વાંધો પડ્યો છે, એટલે પરિપત્ર એવો બહાર પાડ્યો છે કે બહારની કોઈ પણ વ્યક્તિ સ્કૂલમાં પ્રવેશી શકે જ નહીં. આ પ્રતિબંધ વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી, ઇન્ટરવ્યૂ વગેરે ને પણ લાગુ પડે છે ને તેની પરવાનગી પણ લેવી અનિવાર્ય છે. એમાંથી અધિકારીઓ, રાજકારણીઓ જેવા થોડાકને અપવાદમાં મૂક્યા છે.
આ અપવાદમાં વાલીઓ નથી. વાલીઓ કે અન્ય વ્યક્તિઓએ શાળા પ્રવેશ માટે આચાર્યની લેખિત પરવાનગી લેવી પડશે ને એમાં ચૂક થશે તો પોક્સો હેઠળ કામ ચલાવવામાં આવશે. કોઈ વ્યક્તિ મંજૂરી વિના શાળામાં પ્રવેશે ને શાળા ન છોડવા કટિબદ્ધ હોય તો આચાર્યે તાત્કાલિક સ્થાનિક પોલીસ તથા જિલ્લા શૈક્ષણિક અધિકારીઓને જાણ કરવી અને લાગુ પડતા કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરવી એવો નિર્દેશ છે.
આચાર્યને એ અધિકાર છે કે તે કોઈ પણ મુલાકાતીને શાળા પરિસરમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરી શકે અથવા તો પરિસર છોડવાનો આદેશ આપી શકે. કેસનાં તથ્યો અને પરિસ્થિતિ અનુસાર ભારતીય ન્યાય સંહિતા, 202૩, બાળકોને જાતીય ગુનાઓથી રક્ષણ અધિનિયમ, 2012 / (POCSO), કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ 2015, ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ, 2023 તથા અન્ય પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરી શકાશે.
પરિપત્રમાં લખાયું છે કે ‘રાજ્ય સરકાર ‘In LOCO PARENTIS’(વાલી સમાન જવાબદારી)નાં સિદ્ધાંત હેઠળ રાજ્ય/સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં તમામ બાળકોની સુરક્ષા, ગરિમા, ગોપનીયતા અને કલ્યાણની વિશેષ જવાબદારી અદા કરે છે. તેમ જ માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે કે.એસ. પુત્તુસ્વામી (નિવૃત્ત) વિરુદ્ધ ભારત સંઘના ચુકાદામાં ગોપનીયતાના અધિકારને બંધારણની કલમ-21 હેઠળના મૂળભૂત અધિકારી તરીકે માન્યતા આપી છે. તદુપરાંત રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ(એન.સી.પી.સી.આર.)ની શાળા સુરક્ષા નીતિ તથા માર્ગદર્શિકાઓમાં ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રવેશબંધીનાં પરિપત્ર મુજબ શાળામાં પ્રવેશનાર દરેક વ્યક્તિએ રજિસ્ટરમાં પોતાની સંપૂર્ણ વિગતો અને આવવાનું કારણ જણાવવું પડશે. મોટે ભાગે તો શાળામાં પ્રવેશ વાલીઓનો જ થતો હોય છે ને તે બાળકનાં શિક્ષણ સંદર્ભે હોય છે. જે વાલીઓ સંતાનની ફી કે અન્ય ઉઘરાણીઓ પૂરી કરતા હોય એમને પ્રવેશબંધીનો ફંદો ગળે ઉતરતો નથી. એ વાલી છે, અપરાધી નથી કે રજિસ્ટરમાં દર વખતે નોંધ કરવી પડે. બાળકોની સુરક્ષાને મુદ્દે પરિપત્ર બહાર પડે એનો વાંધો નથી. વાંધો નિર્દોષોને અપરાધીની જેમ ટ્રીટ કરવાનો છે. આમ તો પ્રવેશોત્સવ ઉજવાતો હોય છે ને એની સમાંતરે પ્રવેશબંધી ચિંતા ઉપજાવનારી છે. એ તો સમજ્યા, બાળકોની એમના જ ઉત્સવમાં રાજકીય મહેમાનોને સાચવવામાં થતી અવહેલના અંગે સરકારે કંઇ કહેવાનું નથી? રાજકીય સભાઓમાં ભીડ બતાવવા બાળકોનો ઉપયોગ થાય છે, તેની સુરક્ષા અંગે સરકારે કેટલી વ્યવસ્થા કરી છે તે નથી ખબર.
‘શાળા પરિસરમાં બિનઅધિકૃત વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ લગાવવા બાબત’ નામક આ પરિપત્ર વિદ્યાર્થીઓની સેફટી અને પ્રાઈવસી માટે બહાર પડ્યો છે. એમાં સેફટીની વાત તો સમજ્યા, પણ બાળકોની પ્રાઈવસી એટલે શું? સ્કૂલમાં તેની પ્રાઈવસી કેમ અને કેવી હોય? પ્રાઈવસી શબ્દ ગેરસમજ કરનારો છે, છતાં પરિપત્રમાં એમ કહેવાયું છે કે શાળા સત્તાધિકારીઓએ સુનિશ્ચિત કરવું કે વિદ્યાર્થીઓનો ફોટો, વીડિયો અને અથવા વ્યક્તિગત માહિતીનો સંગ્રહ, પ્રકાશન અથવા પ્રસાર ન થાય. આ પરિપત્રમાં રાજ્યમાં આવેલી શાળાઓમાં ‘પ્રવેશ, પ્રવેશ મેળવ્યા બાદની પ્રવૃત્તિઓ’ અંગે વિગતે સૂચનાઓ અપાઈ છે.
પરિપત્ર જાહેર થતા જ સંગઠનો, વિપક્ષ અને શિક્ષણવિદો તરફથી જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોઈ પણ બાહ્ય વ્યક્તિએ પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતનું મેદાન, શૌચાલય અથવા વિદ્યાર્થીઓની કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય તેવા વિસ્તારમાં આચાર્ય/ સંસ્થાના વડાની લેખિત પૂર્વ મંજૂરીથી જ પ્રવેશ કરવાનો રહેશે.
સાચું તો એ છે કે આખો પરિપત્ર ધમકીની ભાષામાં થયો છે. પરિપત્રની ભાષા, પોક્સો હેઠળ કાર્યવાહીની ધમકી વગેરે સહજ નથી. બાળકોની જાતીય સતામણી સંદર્ભે પોક્સો હેઠળ કાર્યવાહી થઈ શકે, તો સવાલ એ થાય કે શાળામાં અનાધિકૃત પ્રવેશ પોક્સો લાગુ થાય એટલો ગંભીર ગુનો છે? શિક્ષણ વિભાગનું ટાર્ગેટ શું અને કોણ છે તે નથી સમજાતું, પણ ક્યાંક કંઇ થયું હોય ને પોતાની સલામતીની આડમાં સરકારે આ પરિપત્ર કર્યો હોય એમ બને. વારુ, આ પ્રવેશબંધી સ્કૂલો અપ ટુ ડેટ હોય ને લાગુ થાય તો ધૂળ નાખી, પણ સ્થિતિ ખાળે ડૂચા ને દરવાજા મોકળા-જેવી હોય તો આવા પરિપત્રોનો કોઈ અર્થ નથી.
એટલું સારું છે કે સરકારના આંકડાઓ મુજબ એક પણ સરકારી સ્કૂલ ઝાડ નીચે ચાલતી નથી, પણ 2024ના મીડિયા મુજબ શાળાઓ ક્યાંક કન્ટેનર તો ક્યાંક પતરાના શેડ નીચે ચાલે છે. 2026 સુધીમાં 2,936 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે. દેશમાં દશેક વર્ષમાં 98 હજાર સ્કૂલો બંધ થઈ છે. દેશમાં રોજની 25 સ્કૂલો બંધ થાય છે ને તેનાં કારણોમાં એક કારણ વિદ્યાર્થીઓ મળતા નથી એ છે. એ પણ કમાલ જ છે ને કે દેશની વસ્તી વધે છે, બાળકોનો જન્મદર પણ નીચો નથી, તો વિદ્યાર્થીઓ મળતા નથી એ વાત ગળે કેમ ઊતરે? એ ઉપરાંત શાળાઓની કમી, શિક્ષકોની કમી, પીવાના પાણીની કમી, રમત ગમતનું મેદાન ના હોય, ટોઇલેટ ના હોય એવી ઢગલો સ્કૂલો રાજ્યમાં છે. 327 જેટલી સ્કૂલોને એક જ ઓરડો છે. 20,899 ઓરડાઓનું સમારકામ ચાલે છે. આ સરખું કરવાને બદલે પરિપત્રોનું નાટક ચાલ્યા કરે એથી ફેર શું પડે? આવામાં કોઈ, સ્કૂલમાં પરવાનગી વગર પ્રવેશ કરે તો આ બધી પોલ ખુલ્લી પડી જાય એટલે સરકારે પ્રવેશબંધીનો પરિપત્ર કર્યો છે?
સ્કૂલોમાં કોઈ ઘૂસી ન જાય એટલે આચાર્યની મંજૂરી વગર કોઈ પણ ત્રાહિતને પ્રવેશ ન આપવાના કડક નિયમો એવી તોછડાઈથી સરકારે અમલમાં મૂક્યા છે કે આવનાર ત્રાહિત કોઈ આતંકવાદી હોવાનો વહેમ પડે. સવાલોનો સવાલ એ છે કે ગુજરાતની સ્કૂલોમાં એવા કેટલા લોકો ઘૂસી આવ્યા છે? એમણે સ્કૂલને શું નુકસાન કર્યું છે? એના આવવાથી બાળકોનાં સુરક્ષાના ગોપનીયતાના કેટલા પ્રશ્નો ઊભા થયા છે? અરે, ગુજરાતમાં આતંકવાદી હુમલાઓ પણ છેલ્લાં થોડાં વર્ષમાં ખાસ થયા નથી, તો એકાએક સરકાર કોનાથી ભયભીત થઈ છે કે આવો લશ્કરી હુકમ જેવો ફતવો બહાર પાડે છે?
એક રીતે તો આ પરિપત્ર નથી, ઢાંકપિછોડો છે. સ્કૂલની અંદરનું વાતાવરણ અનેક રીતે જોખમી છે. વર્ગમાં વિદ્યાર્થીઓની મારામારી, ભૂમિતિનું પરિકર ભોંકી દેવું, ચપ્પુ મારી દેવો, છોકરીઓની છેડતી, શિક્ષકો પર હુમલો જેવી અનેક ઘટનાઓ સ્કૂલનું વાતાવરણ કેવું છે તેની ચાડી ખાય છે. શિક્ષકો, આચાર્યો અને શિક્ષિકાઓ વચ્ચેના જાતીય સંબંધો, શિક્ષકોના, આચાર્યના વિદ્યાર્થિનીઓ સાથે જાતીય શોષણની, દુષ્કર્મની ઘટનાઓ, શિક્ષકોના શરાબ પીવાના બનાવો, સ્કૂલના મેદાનમાંથી મળી આવતી શરાબની બોટલો … જેવી ઘણી ઘટનાઓ સ્કૂલનું ચરિત્ર છતું કરે છે.
હવે કોઈ ચેનલ કે અખબારનો પ્રતિનિધિ સ્કૂલની કોઈ દુર્ઘટના કવર કરવા નીકળે ને તેને માટે પ્રવેશબંધી હોય અને તેણે આચાર્યની મંજૂરી જોઈતી હોય તો આચાર્ય તે આપશે ને પોતાની જાંઘ ખુલ્લી થવા દેશે? આચાર્ય મંજૂરી ન આપે ને મીડિયાકર્મી કોઈ શૈક્ષણિક અધિકારીની મંજૂરી માટે પ્રયત્ન કરશે, તો તે અધિકારી મંજૂરી આપશે? કોઈ શુભ હેતુ પણ હશે જ, પણ પરિપત્ર બહારના ત્રાહિતને રોકવા કરતાં, સ્કૂલની અંદરના પાપને છાવરવા થયો હોય એવું વધારે લાગે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 ઑક્ટોબર 2026
![]()

