સદીઓથી એવું જ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા.
સખી એને જોવા તું ચાહી રહી છે,
જે સપનું રહે છે હંમેશાં અધૂરું.
પ્રીતમનો પરિચય તું માગી રહી છે,
વિષય તારો સુંદર, કુતૂહલ મધુરું.
લે સાંભળ, એ સામાન્ય એક આદમી છે, હૃદય એનું ભોળું, જીવન એનું સાદું.
ન ચહેરો રૂપાળો, ન વસ્ત્રોમાં ઠસ્સો,
ન આંખોમાં ઓજસ ન વાતોમાં જાદુ.
કવિતાના પણ એ નથી ખાસ રસિયા,
ન સંગીતમાં કંઇ ગતાગમ છે એને.
પસંદ એ નથી કરતા કિસ્સાકહાણી,
કલાથી ન કોઇ સમાગમ છે એને.
એ મૂંગા જ મહેફિલમાં બેસી રહે છે,
છે ચુપકિદી એની સદંતર નિખાલસ.
નથી એની પાસે દલીલોની શકિત,
કદી પણ નથી કરતાં ચર્ચાનું સાહસ.
જુએ કોઇ એને તો હરગિઝ ન માને,
કે આ માનવીમાં મહોબ્બત ભરી છે.
કોઇના બુરામાં ન નિંદા કોઇની,
નસેનસમાં એની શરાફત ભરી છે.
જગતની ધમાલોથી એ પર રહે છે,
છે પોતાના રસ્તે જ સૂરજની માફક.
સખી તારા પ્રીતમની છે એ જ ઓળખ,
છે સૌ સ્ત્રીઓ માટે જીવન એનું લાયક.
ભિખારણની પાસે કે રાણીના પડખે, પરંતુ સખી! આવી દુનિયાની અંદર,
ભલા એવા માણસને કોણ ઓળખે છે. સદીઓથી એવું જ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતાં.
– ‘મરીઝ’
ખાસ જાણીતી ન હોય, એવી આ નઝમ આ અવલોકન માટે ખાસ પસંદ કરી છે. પ્લેટોનિક પ્રેમની, શૂરાતનની, શહીદીની, જાન ફેસાનીની, સખી દાતારની, પરાક્રમી સમ્રાટની કે વળી મેધાવી વિદ્વાનની કે અનેક વિશિષ્ઠતાઓ વાળા નાયકને માટે કથાઓ લખવાનો સામાન્ય નિયમ હોય છે!
વીર પ્રશસ્તિ કાવ્ય
બે સખીઓ વચ્ચેનો આ સંવાદ એક સખીનું એના પતિ વિશે વર્ણન છે. ગુજરાતી પદ્ય સાહિત્યમાં અનેક વિષયો પર બહુ મધુર અને ઉચ્ચ કક્ષાની રચનાઓ સર્જાઈ છે. પણ આ રચનાની વિશેષતા એ છે કે, એ કોઈ વિશેષ વ્યક્તિ કે વિચારનું જતન નથી કરતી. એ માત્ર એક સામાન્ય માણસની ગરિમાને ઉજાગર કરે છે.
અલબત્ત, જીવનસાથી હોવાના નાતે એની પત્નીનો એના માટેનો આદર જરૂર ઉપસી આવે છે. પણ એ તો કોઈનું પણ સ્વાભાવિક વલણ હોય જ ને? એના થોડાક સાથી મિત્રો કે સગાં સંબંધીઓ પણ એ જણ માટે એવો ભાવ જરૂર રાખતા હોય છે.
આવા સાવ સામાન્ય માણસ – રસ્તાની ફૂટપાથ પર ચાલતાં આવા સેંકડો, અજાણ્યા માણસો – આપણી સામેથી, આજુબાજુથી પસાર થતા હોય છે. અરે! આપણા જાણીતા સંપર્કોમાં પણ ઘણી બધી આવી વ્યક્તિઓ હોય જ છે. એમની કોઈ કવિતા નથી લખાતી, એમના જીવનમાં એવી કોઈ ઘટના નથી ઘટેલી હોતી, જેમાંથી કોઈ વાર્તાકારને કથાબીજ મળી જાય. પાણીમાં આંગળી સરી જાય, એમ જીવનના અંતે એનું અસ્તિત્વ ઓગળી જાય છે.
કોઈ ખાસ વસ્તુ વિનાનો સાવ સામાન્ય માણસ !
પણ એ જ તો પાયાની ઈંટ છે. આકાશની ટોચને અડવા મથતા મહાલયો અને પિરામીડો વિશે તો દરેકને માહિતી હોય જ. પણ એ મહાલયોની પાયાની ઈંટ એણે નાંખી હોય છે. એ મહાલયને ચણવા એણે જહેમત કરી હોય છે. એના પસીનાની સુવાસ આપણને એ મહાલયોમાં કદી આવતી નથી. આપણી ચારેબાજુ શ્વસી રહેલી આવી સામાન્ય હસ્તિઓનાં જીવન વનફૂલની જેમ આકાર લે છે, થોડીક સુવાસ આજુબાજુ ફેલાવે છે અને કરમાઈ જાય છે.
એને કેન્દ્રમાં રાખીને જ તો સમાજવાદ અને સામ્યવાદની ફિલસૂફીઓ રચાઈ છે. એનું પોત વાપરીને જ એમનાં પણ સામ્રાજ્યો ગઈ સદીથી ઝૂમી રહ્યાં છે! પણ ત્યાં ય એ માણસ ક્યાં ય દેખાતો નથી !
કવિએ છેલ્લી પંક્તિમા આ સવાલ યથોચિત પૂછ્યો છે –
ભલા એવા માણસને કોણ ઓળખે છે?
પણ…..
તમે, હું, સૌ એ અદના માણસને કે, એ વર્ગીકરણ વાળા માણસને બહુ સારી રીતે જાણતા હોઈએ છીએ. એ જ તો કોઈ પણ સમાજનું પાયાનું પોત હોય છે. એનાં સ્વજનો માટે એ સર્વસ્વ હોય છે. તમારા, મારા, સૌના જેવો એ ધબકતો માણસ છે – માણસ જેવો માણસ. આ નાના માણસની મોટી વાત છે. ભલે એમ કહેવાની ફેશન હોય કે, ‘એવા માણસને કોણ ઓળખે છે?’ પણ અમે એવા માણસનો આદર કરીએ છીએ.
બહુ ઓછા જાણીતા – એ સામાન્ય માણસને સલામ.
e.mail : surpad2017@gmail.com
![]()

