· ૧૨મી ઓક્ટોબરે (સોમવારે કામકાજના દિવસે) રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધને જે વિરાટ મોરચો કાઢ્યો અને એમાં જે માનવમહેરામણ ઉમટ્યો હતો એવી ઘટના મેં આજ સુધી જોઈ નથી. ૧૯૬૯થી રાજકારણને જોઈ રહ્યો છું, અનેક આંદોલનો જોયાં છે, કેટલાકમાં ભાગ લીધો છે, જેલ ભોગવી છે, પણ આટલો પ્રતિસાદ ક્યારે ય જોયો નથી. ૧૯૭૪-૭૫માં ઇન્દિરા ગાંધી વિરુદ્ધ લોકોનો રોષ પેદા થયો હતો ત્યારે પણ નહીં અને ૧૯૭૭માં ઈમરજન્સી ઊઠી ત્યારે પણ નહીં. લોકોને ટ્રક કે બસમાં નહોતા લાવવામાં આવ્યા. પૈસા આપીને લાવવામાં નહોતા આવ્યા. સ્વ-પ્રેરણાથી પોતાની કલ્પનાના ભારતને બચાવવા જોખમ ઉઠાવીને લોકો આવ્યા હતા. દિલ્હીમાં પોલીસનો આતંક જોઇને લોકોએ ડરવું જોઈતું હતું અને એવી જ શાસકોની અપેક્ષા હતી.
· મેં મારા જીવનમાં આટલી નિર્ભયતા ક્યારે ય જોઈ નથી. ગાંધીજીના યુગમાં અશિક્ષિત ગરીબ સામાન્ય લોકોમાં નિર્ભયતા જોવા મળતી હતી એમ સાંભળ્યું છે, પણ અહીં પ્રત્યક્ષ જોવા મળ્યું. ઈમરજન્સી સામે અને બીજી લડતો જોઈ છે, ભાગ પણ લીધો છે, પણ આટલી નિર્ભયતા ક્યારે ય જોઈ નથી.
· મેં મારા જીવનમાં આટલા ડરેલા શાસકો ક્યારે ય જોયા નથી. ભારતમાં નહીં, દુનિયામાં પણ આટલા ડરેલા શાસકો ભાગ્યે જ જોવા મળશે. આંદોલન રોકવા માટે કેટલી હદે નીચે ગયા અને જઇ રહ્યા છે. માનસશાસ્ત્ર કહે છે કે ડરાવવાનો પ્રયાસ એ કરે જે પોતે ડરેલા હોય. જો કે કાયરતા તેમના ફૂળલક્ષણ છે.
· જેને કાયમ માટે રાજકીય રીતે ખતમ કરી દેવા અબજો રૂપિયા ખર્ચીને “પપ્પુ”ની ઈમેજ બનાવવામાં આવી હતી એ પપ્પુનું અર્થાત્ રાહુલ ગાંધીનું વિરાટદર્શન હેરાન કરી મુકનારું છે.
· રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામે તેનાં શતાબ્દી વર્ષમાં અભૂતપૂર્વ સંકટ પેદા થયું છે અને એ પણ જેવું તેવું નહીં. એ સંકટ પ્રતિષ્ઠાનું છે અને એનાથી વધારે અસ્તિત્વનું છે, પ્રાસંગિકતાનું છે. સો વરસની મહેનત પછી માંડ ભારત દેશ હાથમાં આવ્યો અને તેને તેઓ પોતાની રીતે ઘડવા જતા હતા ત્યાં લોકો (હિંદુઓ કહો) સાવધાન થઈ ગયા, રસ્તા પર ઉતરી પડ્યા અને તેને પાછો છીનવી રહ્યા છે. ૧૯૨૫ની સાલમાં દશેરાના દિવસે નાગપુરમાં સંઘની સ્થાપના થઈ હતી. ૨૦૨૫-૨૬નું વર્ષ સંઘની શતાબ્દીનું વર્ષ છે જેની પૂર્ણાહુતિ આ દશેરાના દિવસે થશે.
આપણે આજે સંઘની શતાબ્દી અવસરે સંઘની સો વરસની યાત્રાની વાત કરીએ.
*****
અત્યારે દેશમાં જે પરિસ્થિતિ આકાર પામી છે એ જોઇને જે લોકો વેદોથી લઈને વિનોબા ભાવે સુધીના દાર્શનિકોએ વિકસાવેલી ભારતની કલ્પના(Indea of India)ને વરેલા છે તેમના માટે અત્યંત સુખદ ઘડી છે અને જે લોકો વિનાયક દામોદર સાવરકરે વિકસાવેલી હિંદુરાષ્ટ્રની કલ્પનાને વરેલા છે એ લોકો માટે અત્યંત દુઃખદ ઘડી છે.
ભારત વિશેની એ બે કલ્પના શી છે એ હું અહીં અનેકવાર લખી ગયો છું એટલે તેને વિસ્તારથી કહેવાની જરૂર નથી. પહેલી કલ્પનાના પાયામાં હિંદુ દર્શનને સુસંગત સહિયારાપણું છે, વસુંધરા કુટુમ્બકમ્ છે, સહિષ્ણુતા છે, ન્યાય છે, સર્વધર્મ સમભાવ છે અને બંધારણ દ્વારા સુરક્ષિત કાયદાનું રાજ છે. હિંદુ રાષ્ટ્રવાદીઓની કલ્પનાના ભારતમાં હિંદુઓનું વર્ચસ અને સર્વોપરિતા છે. આ દેશ માત્ર હિંદુઓના હાથમાં સુરક્ષિત રહી શકે છે, કારણ કે હિંદુઓની જન્મભૂમિ અને પવિત્રભૂમિ ભારત છે. ભારત સિવાય અન્યત્ર બીજા કોઈ દેશ માટે હિંદુઓની વફાદારી શક્ય નથી, જ્યારે કે મુસલમાન(જેમાં ખ્રિસ્તી અને યહૂદીનો સમાવેશ થાય છે)ની પવિત્ર ભૂમિ અન્યત્ર હોવાને કારણે તેમ જ તેના સ્વધર્મિય અન્યત્ર રહેતા હોવાને કારણે તે ધર્મથી દોરવાઈને પોતાની જન્મભૂમિ સાથે વિશ્વાસઘાત કરી શકે છે. આનો અર્થ એ થયો કે જો તમારે તમારા દેશને સુરક્ષિત રાખવો હોય તો દેશની અંદર રહેલા અને તમારી આસપાસ રહેતા દુ:શ્મનને ઓળખવો જોઈએ, તેનાથી સાવધાન રહેવું જોઈએ, તેને અંકુશમાં રાખવા જોઈએ.
પણ આ ક્યારે થાય? બે જરૂરિયાત છે : પહેલી જરૂરિયાત એ છે કે હિંદુ હિંદુ તરીકે સંગઠિત થાય અને બીજી જરૂરિયાત એ છે કે હિંદુ હિંદુ હોવાપણાને વિકસાવે. વી.ડી. સાવરકરે તેને ‘હિન્દુત્વ’ તરીકે ઓળખાવ્યું છે.
૧૯૨૩ની સાલમાં વિનાયક દામોદર સાવરકરે હિન્દુત્વની ઉક્ત થીસિસ વિકસાવી અને ૧૯૨૫ની સાલમાં દશેરાના દિવસે નાગપુરમાં ઉક્ત થીસીસને સાકાર કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી. સ્થાપના કરનારાઓમાં ડૉ કેશવ બલિરામ હેડગેવાર સાથે સાવરકરના મોટાભાઈ ગણેશ દામોદર સાવરકર પણ હતા. દર્શન સામે હતું અને હવે તેને સાકાર કરવાનું હતું અને તેને લઈને એક યાત્રા શરૂ થાય છે. એ યાત્રાને આ દશેરાના દિવસે સો વરસ પૂરાં થાય છે. ૨૦૨૫-૨૬નું વર્ષ સ્થૂળ અર્થમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દીનું વર્ષ માત્ર નથી, એ યાત્રાની શતાબ્દીનું વર્ષ છે. એવી યાત્રા જે વેદો, ઉપનિષદો, મધ્યકાલીન સંતો અને સૂફીઓ, આધુનિક સંતો વગેરેએ મળીને જે હિંદુ પીંડ ઘડ્યો છે તેને નકારનારી સામેના છેડાની યાત્રા. એવી યાત્રા જે રાજા રામમોહન રોયથી લઈને વાયા ગાંધી જવાહરલાલ નેહરુ સુધીના લોકોએ વિકસાવેલી ભારતની કલ્પનાની યાત્રાથી બિલકુલ સામેના છેડાની યાત્રા. એવી યાત્રા જે બંધારણસ્વીકૃત ભારતની કલ્પનાને નકારનારી સામેના છેડાની યાત્રા.
બિલકુલ સામેના છેડાની એ યાત્રા હતી અને સો વરસ સુધી એ નિરંતર ચાલતી રહી. પ્રતિકૂળતાઓનાં અંબર વચ્ચે એ ચાલતી રહી. હાર્યા વિના, થાક્યા વિના, ક્ષણવાર પણ થોભ્યા વિના એ ચાલતી રહી. યાત્રાના ૯૦માં વરસે પૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા કબજે કરી ત્યારે તમને લાગ્યું કે હવે ભારતીય રાષ્ટ્રને હિંદુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરી શકાશે અને યાત્રા જ્યારે શતાબ્દીએ પહોંચશે ત્યારે ભારત લગભગ હિંદુ રાષ્ટ્ર બની ચુક્યું હશે. કમ સે કમ ફાઉન્ડેશન થઈ ચુક્યું હશે અને પછી ઈમારત બંધાતી જશે.
વિધિનો ખેલ જુઓ! હિંદુ રાષ્ટ્ર નિર્માણ યાત્રાના શતાબ્દી વર્ષે વિનાયક દામોદર સાવરકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બન્નેની પ્રતિષ્ઠા (માત્ર વિચારધારા નહીં, પ્રતિષ્ઠા) ધૂળમાં મળી રહી છે. દસ વરસ પહેલાં બહુ ઓછા લોકો જાણતા હતા કે સાવરકર કેટલા કાયર હતા, જ્યારે આજે આખો દેશ જાણે છે. દસ વરસ પહેલાં બહુ ઓછા લોકો જાણતા હતા કે સાવરકરે અંગ્રેજોને ઊભા પગે મદદ કરી હતી, આજે આખો દેશ જાણે છે. સંઘનો પણ એ જ ઇતિહાસ છે અને આજે લોકો જાણતા થયા છે. દસ વરસ પહેલાં સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોની શિસ્ત, ચારિત્ર્ય, દેશપ્રેમ અને સાદગીપૂર્ણ જીવન જીવનારાઓની જમાત એવી એક પ્રતિષ્ઠા હતી જે આજે ધૂળમાં મળી છે. સંઘ-ભા.જ.પ.(પૂર્વાશ્રમનો જનસંઘ)ની ભાગીદારી તો ૧૯૫૧થી હતી, પણ સંઘ તેને નજરે નહોતો પડવા દેતો એ આજે નજરે પડી રહી છે. સંઘ સત્તામાં ભાગીદાર છે, સત્તાના લાભ લે છે અને સત્તાના ભોગ ભોગવે પણ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકીય પ્રવૃત્તિ નથી કરતો, તે એક સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતું સંગઠન છે તે માત્ર હિંદુહિતને વરેલો છે અને હિંદુ હિતને ધ્યાનમાં રાખીને ક્વચિત જે તે રાજકીય પક્ષને ટેકો આપે છે કે વિરોધ કરે છે એવી જે વાતો કરવામાં આવતી હતી એ આજે સંઘના નેતાઓએ કરવાનું છોડી દીધું છે. મૂળમાં ભા.જ.પ./જનસંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હતા આજે સંઘ ભા.જ.પ.નો છે. ઝેડ ગ્રેડ સિક્યુરિટી, કમાન્ડોઝ, ફાઈવસ્ટાર કલ્ચર, એક્ઝીક્યુટીવ ક્લાસમાં વિમાન પ્રવાસ, સંઘના ફાઈવસ્ટાર હોટેલ જેવા આલીશાન ભવનો, હજારો કરોડ રૂપિયાનું સી.એસ.આર. (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી) ફંડ, અંબાણીઓની મહેમાનગતી, જે તે સમિતિઓ કે પંચોમાં બિરાજીને મળતી પ્રધાનો જેવી સુખસુવિધા વગેરે તેઓ ભોગવી રહ્યા છે. દિલ્હીના તેમના પોતાના શાસકોએ સંઘને જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું સંઘના દુ:શ્મનોએ પણ નથી પહોંચાડ્યું. પહેલા સંઘના સરસંઘચાલકને સાંભળવામાં આવતા, આજે મોહન ભાગવતના નિવેદનને કોઈ રાજકીય નેતાના નિવેદન તરીકે જોવામાં આવે છે. સંઘ ઉપર ભા.જ.પ.નો વરખ ચડી ગયો છે. ઓછામાં પૂરું રાહુલ ગાંધી લોકતાંત્રિક ભારતના હત્યારા તરીકે મોદી-શાહ-ભાગવત એમ ત્રણ નામ એકશ્વાસે લે છે.
પણ આમ કેમ બન્યું? શા માટે તપ ઝાંખું પડ્યું અને છેવટે તપ રોળાઈ ગયું?
મારી સમજ મને એમ કહે છે કે તેમનો આખો મદાર સત્તા પર હતો અને સત્તા એવી ચીજ છે જે શિખરે પહોંચાડે અને પછાડે. યેનકેન પ્રકારેણ સત્તા મેળવો અને સત્તા હશે તો હિંદુ રાષ્ટ્ર સ્થાપિત કરી શકાશે. બીજા શબ્દોમાં કહીએ તો હિંદુ રાષ્ટ્ર તેઓ સત્તા દ્વારા સ્થાપિત કરવા માગતા હતા, પ્રજાકીય સ્વીકૃતિને તેમણે ખાસ મહત્ત્વ આપ્યું નહોતું. સાવરકરે વિકસાવેલા (આમ તો આયાત કરેલા) મૂળ હિન્દુત્વવાદી દર્શનમાં પણ કેન્દ્ર સ્થાને હિંદુઓની સત્તા છે. ગમે તે માર્ગે સત્તા મેળવો, રાજ્ય પર કબજો કરો અને પછી રાજ્યને હિંદુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરો. સાવરકર કહે છે કે શિવાજી મહારાજે હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરી હતી અને તેને તેઓ હજુ વધુ મજબૂત કરી શક્યા હોત, પણ તેમની ઉદારતા અને માણસાઈ તેમાં વચ્ચે આવી. સમજાય છે આ વાક્યનો શું અર્થ થાય છે?
સત્તાનો નશો ભોગવ્યા વિના અને સત્તાનો લાભ લીધા વિના કેવળ ઇષ્ટ હેતુને સાકાર કરવા માટે સત્તાનો માત્ર સાધન તરીકે ઉપયોગ કર્યો હોય, એવો વીરલો સત્તાધીશ ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળશે. એ શક્ય નથી. અત્યારના હિન્દુત્વવાદી શાસકો પર એક નજર કરો. દરેકે હિંદુનું કલ્યાણ કરતાં પહેલાં પોતાનાં પુત્રનું કલ્યાણ પહેલા કરી લીધું છે. વળી સત્તા જ્યારે છળકપટ, અસંખ્ય સમાધાનો અને પ્રજાને ગુમરાહ કરનારાં વિરોધાભાસી વક્તવ્યો કરીને મેળવી હોય ત્યારે તો એ બિલકુલ શક્ય નથી. ટૂંકમાં સત્તા પર તેમનો મદાર હતો અને સત્તા તેઓ પચાવી શક્યા નહીં. સત્તાને સાધન તરીકે વાપરવાની હતી જે આજે તેમના માટે સાધ્ય બની ગઈ છે અને હવે તો અસલામત ભવિષ્યથી બચવા માટેની ઢાલ બની ગઈ છે.
અહીં એક પ્રશ્ન થવો જોઈએ કે શા માટે તેમણે હિંદુ રાષ્ટ્રની કલ્પનાને પ્રજાકીય સ્વીકૃતિ અપાવવા પ્રયત્ન ન કર્યો? સત્તા પર મદાર રાખવાની જગ્યાએ પ્રજાનું પ્રબોધન કરવું જોઈતું હતું અને પ્રજાને પોતાનાં તરફ વાળવી જોઈતી હતી. ગાંધીજીએ અને કાઁગ્રેસે આ માર્ગ અપનાવ્યો હતો. એવું નહોતું કે સો ટકા પ્રજાકીય સ્વીકૃતિ મળી હતી, પરંતુ મહદ્દઅંશે સ્વીકૃતિ મળી હતી. હિન્દુત્વવાદીઓ પણ આ કરી શક્યા હોત.
કરી તો શક્યા હોત, પણ એમ કરવામાં જોખમ હતું. સ્વીકાર નહીં કરનારાઓ સાથે વિમર્શ કરવો પડે, તેના આળા પ્રશ્નોના જવાબ આપવા પડે, તેમનું સમાધાન કરવું પડે અને પોતાનો પક્ષ તાર્કિક રીતે રજૂ કરવો પડે. બીજું તેઓ એ પણ જાણતા હતા કે આ અઘરું કામ છે. અઘરું શું અસંભવ કામ છે. ઇતિહાસમાં કોઈ સંકીર્ણતાને સ્વીકૃત કરાવી શક્યા નથી. વ્યાપક પ્રજાકીય સ્વીકૃતિ અને સંકીર્ણતા પરસ્પર વિરોધી છે. એનું સહઅસ્તિત્વ શક્ય નથી.
તો બન્યું એવું કે સંવાદના પારદર્શક માર્ગે પ્રજાકીય સ્વીકાર તેઓ કરાવી શક્યા નહીં અને શક્ય પણ નહોતું. આ સ્થિતિમાં તેમની પાસે બે જ વિકલ્પ હતા : એક દુષ્પ્રચારનો, પોતાને અનુકૂળ ન હોય એવા મોટા માણસોને નાના ચીતરવાનો અને બીજો સત્તા. યેનકેન પ્રકારેણ સત્તા મેળવો. સો વરસની યાત્રા પછી તેઓ મંજિલે પહોંચી તો ગયા પણ તેનો પહેલો શિકાર પણ તેઓ જ થયા! તેમની સત્તા માટેની ચાહ વાસના સમાન હતી, કારણ એ જ એક માત્ર માર્ગ હતો હિંદુ રાષ્ટ્ર રચવાનો અને વિરોધીઓથી બચવાનો.
આજે શતાબ્દી વર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામે માત્ર પ્રતિષ્ઠાનું નહીં, અસ્તિત્વનું પણ સંકટ પેદા થયું છે. ચારિત્ર્ય, સંયમ, સાદગીની મૂડી ધોવાઇ રહી છે અને વૈચારિક નાદારી ઉઘાડી પડી ગઈ છે. લેખના પ્રારંભમાં કહ્યું એમ જે લોકો સહિયારા ભારતને વરેલા છે એ લોકો માટે રાજીપાનો અવસર છે કારણ કે મૂળિયાં ઉખડી રહ્યાં છે અને અને જે લોકો ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માગે છે એ લોકો દુઃખી છે કારણ કે ફેલાયેલાં મૂળિયાં ઊંડા નથી તેની પ્રતીતિ તેમને થઈ રહી છે. મૂળ વિચારપુરુષ વિનાયક દામોદર સાવરકર અને વિચારને વાચા આપનાર મહાસંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બન્ને વિરોધીઓના કરતાં તેમનાં પોતાનાં શાસકોના શાસનના શિકાર બની રહ્યા છે.
આને કહેવાય શોકાંતિકા!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઑક્ટોબર 2026
![]()

