
સંજય ભાવે
નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંનો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કરનારાં અને મધ્યયુગીન ગુજરાતી સાહિત્યકૃતિ ‘સતી-ગીતા’ પર ફ્રેન્ચ ભાષામાં પી.એચડી. મહાનિબંધ લખનારાં પેરિસનાં વિદુષી Francoise Mallison(ફ્રૉન્ઝ્વૉઝ મૅલિસન)નું 30 સપ્ટેમ્બરના બુધવારની રાત્રે અઢી વાગ્યે ફ્રાન્ઝના Anduze ગામમાં છ્યાંશી વર્ષની વયે અવસાન થયું.
મૅલિસન ફ્રેન્ચ ભારતવિદ્યાવિદ્દ (Indologist) હતાં. ગુજરાતનો ઇતિહાસ અને ધાર્મિક પરંપરાઓ તેમના વિશેષ અભ્યાસનો વિષય હતો. તેઓ ફ્રાન્સની વિશ્વવિખ્યાત Sorbonne Universityમાં History and Philology of Medieval Western India વિષયના પ્રોફેસર હતાં. ઉપરાંત તેઓ યુનિવર્સિટીના École pratique des hautes études નામના ભવનનાં પ્રમુખ હતાં. આ ભવન Life and Earth Sciences, Historical and Philological Sciences, and Religious Sciencesના અભ્યાસ માટે જાણીતું છે.
મૅલિસનનાં દસથી વધુ પુસ્તકો અને એટલા લેખોની યાદી વિકિપીડિયામાં મળે છે. તેમાં આવરી લેવાયેલા વિષયોનો વ્યાપ અચંબો પમાડે તેવો છે. તેમાંથી કેટલાક આ મુજબ છે : સ્વામિનારાયણ અને વૈષ્ણવ પંથના વિવિધ પાસાં, દક્ષિણ એશિયાના ઇસ્માઈલી ભજનો, સિંધ-કચ્છ-સૌરાષ્ટ્રનો બારમતી પંથ, ગુજરાતી પુષ્ટિમાર્ગી કવિતા, ગુજરાતમાં વૈષ્ણવ-જૈન-પારસી-તાંત્રિક-ઇસ્લામિક ભજનો, ઈસ્લામ અને ભક્તિ પરંપરા, શમસુદ્દિન પીરની ગરબીઓ, વિષ્ણુ-રણછોડ-કૃષ્ણ, સુદામા-પોરબંદર-દ્વારકાપુરી, નરસિંહ મહેતાનું જીવન અને પ્રભાતિયાં. તેમણે ફ્રેન્ચ વિશ્વકોશમાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસ પરનું અધિકરણ પણ લખ્યું છે. પ્રભાતિયાંના ગદ્ય અનુવાદનું શીર્ષક છે Au point du jour les Prabhātiyāṃ de Narasiṃha Maheta : poète et saint vishnouite du Gujarat (XVe siècle ), ‘સતી ગીતા’ પરના તેમના સંશોધનનું શીર્ષક છે : Satî-Gîtâ, le chant de la femme fidèle, traduction de la version gujarati (Sati-Gita: the song of the faithful woman; translated from the Gujarati).
મૅલિસનની વિશાળ સાંસ્કૃતિક દૃષ્ટિ, તેમનાં વિદ્વત્તા અને વ્યાસંગ માટે યોગ્ય આદર સાથે એવો સવાલ તેમણે જે વિષયોમાં કામ કર્યું તેમાંથી ઘણાં વિષયોની પ્રતિગામિતા અને મતજીર્ણતાના પાસાંને તેમણે સંશોધનમાં સમાવ્યાં હશે ખરાં.
+ + + + +
ચાર સંતાનોનાં માતા મૅલિસનને 1995ના આખરી મહિનાઓમાં છપ્પન વર્ષની ઉંમરે ગુજરાતની વધુ એક મુલાકાત લીધી હતી. તેઓ મધ્યયુગના હરિજન [મૅલિસને વાપરેલો શબ્દ] કવિઓ પરના સંશોધન માટે ક્ષેત્રકાર્ય કરી અભ્યાસસામગ્રી એકઠી કરવા માટે આવ્યાં હતાં. અમદાવાદમાં તેઓ તેમના ગુરુ અને ભાષાવિજ્ઞાની હરિવલ્લભ ભાયાણીને ત્યાં રોકાયાં હતાં. એ વખતે આ લખનારે તેમની મુલાકાત લીધી હતી, જે 05 ડિસેમ્બર 1995માં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લગભગ અરધા પાના પર પ્રસિદ્ધ થઈ હતી. તેની ઇમેજ કોલાજમાં જોઈ શકાશે.
ઈમેજમાં દેખાય છે કે મૅલિસન ભાયાણીસાહેબના ઘરના બગીચામાં હીંચકા પર બેઠાં છે. ગુજરાતના પ્રવાસમાં તેઓ ઘણી વખત સાડી પહેરતાં. લેવેન્ડર રંગની સાડીમાં તેઓ નાગરાણી જેવાં ઠસ્સાદાર લાગતાં હતાં. તેમણે આ લખનારને કહ્યું કે ‘મારા માટે અંગ્રેજી એટલી જ વિદેશી ભાષા છે જેટલી તમારા માટે’ છે. ‘મને ગુજરાતી થોડું થોડું જ આવડે છે’, કેમ કે ગુજરાતી સાથેનો તેમનો પરિચય મધ્યયુગના ગ્રંથો અને વિદ્યાકીય લેખન પૂરતો મર્યાદિત છે. તેમની મુલાકાત અહીં ગુજરાતીમાં રજૂ કરી છે.
+ + + + +

સવાલ : છેક પેરિસમાં ગુજરાતી સાહિત્ય કેવી રીતે ?
જવાબ : સહેજ કહી દઉં કે, મધ્યયુગનું ગુજરાતી સાહિત્ય, પ્રાચીન કે અર્વાચીનનું નહીં. મને મધ્યયુગની સંસ્કૃતિમાં ઊંડો રસ છે. મારો પી.એચડી.નો વિષય મધ્યયુગના લૅટિન સાહિત્યને લગતો હતો. ત્યાર બાદ મારે યુરોપની બહાર નીકળવું હતું. તે માટે પહેલાં તો હું સંસ્કૃત અને હિન્દી શીખી. મારા સંશોધન માર્ગદર્શક Chralotte Vaudeville અગ્રણી ઈન્ડોલૉજિસ્ટ છે. તેમણે મને મધ્યયુગના ગુજરાતી સાહિત્ય પર સંશોધન કરવાનું સૂચવ્યું. તેઓ પૂનાની ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજિના વડાં હતાં અને ત્યાં હું એમની સાથે કામ કરતી હતી.
સ. : તમે ગુજરાતી કેવી રીતે શીખ્યાં ?
જ.: પૂનાની ડેક્કન કૉલેજમાં ગુજરાતી સાહિત્યના ઘણાં વિદ્યાર્થીઓ હતા. તેમણે શરૂઆત કરાવી અને પછી મેં જાતે ઘણી મહેનત કરી. હું સ્વામિનારાયણ સંપ્રદાયનો અભ્યાસ કરી હતી અને મુક્તાનંદ એ પંથના હતા. મુક્તાનંદનું સાહિત્ય, એમના સમયના મોટા ભાગના સાહિત્યની સરખામણીએ, પ્રગતિશીલ હતું. પત્નીની ફરજો વિશેનાં એમનાં મંતવ્યો પણ પ્રગતિશીલ હતાં. એમણે વિધવાઓ માટે પણ સુખી જીવનની હિમાયત કરી હતી.
સ. : નરસિંહ મહેતા કેમ ?
જ. : મારું સંશોધનક્ષેત્ર મધ્યયુગીન ગુજરાતી સાહિત્ય છે અને નરસિંહ એ કાળના સહુથી મહત્ત્વના કવિ છે. એમનાં જીવન, વિષયો, શૈલી અને સંસ્કૃતિ પરનો તેમનો પ્રભાવ મને પ્રભાવિત કરતાં રહ્યાં છે.
સ.: તમે અનુવાદ કઈ રીતે કરો છો ?
જ. મારા માટે નરસિંહ એવી પરંપરા છે કે જે આધુનિક સમયમાં પણ જીવંત હોય. પ્રભાતિયાએ અમર બનાવેલો નરસિંહ મને પ્રસ્તુત લાગે છે. એટલે મેં એવાં પ્રભાતિયાં પસંદ કર્યાં જે સહુથી વધુ ગવાતાં હોય. કેટલાંક પુસ્તકોમાંથી લીધાં અને કેટલાંક તળપદના લોકો પાસેથી ગવડાવીને રેકૉર્ડ કરી લીધાં. અનુવાદમાં મુશ્કેલીઓ ઘણી હતી. નરસિંહના છંદોનો અભ્યાસ મેં ભલે કર્યો, પણ અનુવાદ પદ્યમાં કર્યો નથી. બિલકુલ બંધબેસતાં સાંકૃતિક સમાંતરો શોધવાનું દર વખતે શક્ય હોતું નથી. એટલે અર્થની શક્ય એટલા વધુ પહોંચતો હોય તેવો અનુવાદ મેં કર્યો છે અને તે ગદ્યમાં છે.
સ.: ગઈ કાલે એલ.ડી. સ્કૂલ ઑફ ઇન્ડોલૉજિમાં તમે જે વ્યાખ્યાન આપ્યું તેમાં મુસ્લિમ સંતોનો ઉલ્લેખ હતો..
જ.: હા, ખોજા સંતોની ‘જ્ઞાન’ પરંપરા અને હરિજન સંતકવિઓના ‘મહાપંથ’માં કેટલાક એક સરખા વિષયો મળે છે, જે વૈષ્ણવ અને હિંદુ પરંપરાના છે.
સ.: તમે સ્થાનિક અને જનપદના પરિવેશનો નજીકથી અનુભવ લીધો છે ?
જ.: મારા ક્ષેત્રકાર્ય માટે હું ગામડાં અને કસબામાં ફરી છું. રાજકોટ, પોરબંદર, ગઢડા, રાંધેજા જેવી જગ્યાઓ પર હું ગઈ છું. મેં પરિવારોમાં રાત્રિરોકાણ કર્યું છે, ઘરના લોકો સાથે તેમની જુબાનમાં વાત કરવાની કોશિશ કરી છે. પણ મારે કહેવું જોઈએ કે મને હિન્દીમાં વધુ ફાવે છે. હું ગુજરાતી કપડાં પહેરું છું અને પેરિસના મારા ઘરમાં હિંચકો પણ છે. હમણાં કેશોદમાં મને એક યાદગાર અનુભવ થયો. ત્યાં હું કાઠિયાવાડના હરિજન અને મુસ્લિમ કવિઓ પરના કામ માટે ગઈ હતી. પ્રોફેસર બળવંત જાનીને ત્યાં ભજન અને લોકગીતોનો કાર્યક્રમ મને સાંભળવા મળ્યો !
સ.: ભવિષ્યની યોજના ?
જ.: ગુજરાતી સાહિત્યનો સમાવેશક ઇતિહાસ ફ્રેન્ચ ભાષામાં લખવાની મારી ઇચ્છા છે. તદુપરાંત, હરિજન સંતકવિઓ પરનું મારું કામ લાંબુ ચાલે એમ લાગે છે.
+ + + + +
ફ્રેન્ચ વિદુષીના અવસાનની માહિતી સાહિત્યકાર બળવંત જાનીની ગઈ કાલની ફેસબુક પોસ્ટ પરથી મળી. એમાં એવો પણ ઉલ્લેખ કે તેમને સમાચાર મુંબઈના સાહિત્યકાર પ્રબોધ પરીખે આપ્યા. પ્રબોધભાઈની સાથે ફોન પરની વાતમાં તેમનાં મૉલિસન સાથેના સ્નેહસંબંધનાં સંભારણાં હતાં. પ્રબોધભાઈ અને પરિવાર ફ્રાન્સ જાય ત્યારે મૅલિસન દંપતીને ત્યાં રોકાતાં. તેઓની સાથે પત્રાચાર અને ફોનાચાર પણ હતો. ફ્રૉન્ઝ્વૉઝબહેનના અવસાનના થોડા જ કલાકો બાદ શ્રીમાન મૉલિસને પ્રબોધભાઈને સંદેશો મોકલ્યો : My wife Françoise expired today wednesday september 30, 2026, at 2.30 am. May she rest in peace! We were staying for the last two years and half in the old age retirement home at Anduze where already François’s mother had finished her life. And are surrounded by three of our children and even by an old Uncle on my father’s side.
_ _ _ _ _ _ _ _ _ _ _
કોલાજ સૌજન્ય : પરીક્ષિત મેઘના મુકેશ ∙ આભાર : પ્રબોધ પરીખ અને બળવંત જાની
02 ઑક્ટોબર 2026
e.mail : sanjaysbhave@yahoo.com
![]()

