
આશા બૂચ
ગાંધીજી વિશે અઢળક સાહિત્ય રચાયું. વિવિધ ભાષાઓમાં એમની જીવન કથા લખાઈ. ગાંધીજીનાં સ્મારક રચાયાં, એમનાં પૂતળાં મુકાયાં, હારતોરા પહેરાવેલા ફોટાઓનો તો કોઈ પાર નથી. અરે, જે સરકારી નેતાઓ તેમનાં કાર્યો અને સિદ્ધાંતોને વખોડીને તેનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં દેશનો વહીવટ કરે છે તેમની ઓફિસમાં પણ હજુ ગાંધીજી છબિ શોભે છે. બસ, એક તેમની મૂર્તિ સ્થાપીને મંદિર બનાવવાનું બાકી છે. (ભગવાન આપણને એવાં કૃત્ય કરતાં બચાવે!)
એક રીતે જોઈએ તો ગાંધીજીની પૂજા આપણે શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ. વિદેશોમાં પણ એમના પ્રત્યેનો પૂજ્યભાવ દોઢસો વર્ષ વીત્યાં પછી પણ અકબંધ રહ્યો છે. કારણ? કોઈ વ્યક્તિની અસાધારણ શક્તિ જોઈએ તો તેનાથી અંજાઈ જઈને તેને અનુસરી ન શકાય (કે અનુસરવા જેટલી હિંમત અને શક્તિ ન હોય) તો તેમને પૂજીને આપણું ઋણ અદા કર્યાનો સંતોષ લેવાનું માનવ જાતને ફાવે છે. એની આ આદત જૂની પુરાણી છે. સતયુગમાં પેદા થયેલા રામ અને કૃષ્ણ જેવા અવતારો (એ આપણી કલ્પના માત્ર છે, જેનો કોઈ પુરાવો હાથવગો નથી), અને ત્યારબાદ અવનિ પર વિચરી ગયેલા જીસસ અને બુદ્ધ જેવાને પણ આપણે પૂજ્યા ખરા, પણ એમના ઉપદેશોને સમજ્યા મુઠ્ઠીભર લોકો અને અનુસર્યા તો તેથી પણ ઓછા. આમ કેમ?
ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું, એમની સ્વાતંત્ર્યની લડતમાં હજારો-લાખો લોકો જોડાયા. પણ એમની બહુમુખી પ્રતિભાના એકેએક પાસાને સમજ્યા કેટલા? ગાંધીજી જીવનને અખિલાઈથી જોનારા, અલગ અલગ ખંડમાં વિભાજીત થયેલું નહીં. આથી જ તો જીવનનું એક પણ પાસું એમના વિચારો અને પ્રયોગોથી અસ્પૃશ્ય નથી રહ્યું.
એમને સમજવા મુશ્કેલ છે તેનાં ઘણાં કારણો હોઈ શકે. એક તો, તેમણે નીતિમત્તાનાં ધોરણોને વ્યક્તિગતથી માંડીને વૈશ્વિક તખ્તા સુધી વિસ્તાર્યાં. રાજકારણના સિદ્ધાંતોને ગ્રામ્ય વિસ્તાર જેવા સૂક્ષ્મ કે નાના ક્ષેત્રથી સમગ્ર દેશ જેવા બૃહદ્દ અથવા વ્યાપક ક્ષેત્ર સુધી અમલમાં મુક્યા, જેનો અનુબંધ કદાચ બધાને ન સમજાયો હોય. ગાંધીજીના ધાર્મિક પાસાનો વિચાર કરીએ તો એક તરફ એમના જ શબ્દોમાં ‘સનાતની હિન્દુ’ તરીકે એમની પ્રતિભા ઉપસી આવે, તો બીજી બાજુ તેઓ તદ્દન ક્રાંતિકારી, સુધારાવાદી દૃષ્ટિકોણ ધરાવતા હતા. ઈશ્વર પર ઊંડી શ્રદ્ધા ધરાવનારા, છતાં મૂર્તિ પૂજક નહીં. આદિ પરંપરાને જાળવી રાખનારા, છતાં આપણા ગ્રંથોના અપ્રસ્તુત ભાગને નકારી કાઢનારા. શ્રમવિભાજનની વ્યવસ્થાના ભાગ રૂપે વર્ણવ્યવસ્થાને સ્વીકારનાર, પરંતુ જ્ઞાતિના સ્તરીકરણથી પેદા થતી અન્યાયી વ્યવસ્થાના એકદમ વિરોધી.
ઉપર ઉલ્લેખ કર્યો છે તેવા પરસ્પર વિરોધી લાગતા વિચારોનું અનુસરણ કરવાને કારણે જ ગાંધીજીએ તેમના ચાહકો તેમ જ નિંદકો પાસેથી ‘મૂર્ખાઈ ભરેલા’થી માંડીને ‘બંડખોર’, ‘મહાત્મા’થી માંડીને ‘બાપુ’ જેવા માન (અને અપમાન) સૂચક સંબોધનો ઉપાર્જિત કર્યા હશે. કોઈ એક કાર્ય કરવા માટે તેમણે જેટલો વિચાર, આયોજન અને પ્રયુક્તિઓનો ખ્યાલ કર્યો હતો એટલો કદાચ કોઈ સૈન્યના વડાએ પણ નહીં કર્યો હોય. આમ છતાં તેમના ખ્યાલો અવારનવાર બદલાતા એ પણ જાણીતું છે. તેઓ પોતે જ કહેતા કે મારા આખરી વિધાનને જ પ્રમાણિત ગણવા. પણ એનું કારણ એ હતું કે તેઓ હંમેશ સત્યની શોધ કરતા રહેતા, તેથી સંયોગો અને હકીકતો બદલાતાં તેમના વિચારો પણ બદલાય તે સ્વાભાવિક છે. એનો અર્થ એ કે ગાંધીજી હરહંમેશ વિકાસશીલ રહેતા. પોતાની ભૂલો સ્વીકારી, તેને સુધારવા તત્પર રહેતા, જે આપણામાંના કેટલા કરી શકે?
હવે રહી વાત ગાંધીજીને અનુસરવાની. કોઈ કહેશે, એમનો યુગ અલગ હતો, આપણે વિદેશી સત્તાના જુલમ સામે લડવાનું હતું. શું હાલની સરકારો પ્રજાને અન્યાય નથી કરતી? શું આજે અસમાનતા, શોષણ અને ભેદભાવ નથી પ્રવર્તતા? તો ગાંધીજીએ ચીંધેલા માર્ગે એનો ઉકેલ લાવવા કેમ ચપટીભર લોકો જ આગળ આવે છે? હા, સત્તા સામે સાઠમારી કરવા હિંમત અને બલિદાનની તાકાત જોઈએ. આપણે ભૂલવું ન જોઈએ કે મોહન એક ડરપોક અને સાધારણ બાળક હતા, જે સમય જતાં એટલા નિર્ભીક બન્યા કે બ્રિટિશ સામ્રાજ્યના વફાદાર તાબેદાર પ્રજાજનમાંથી સામ્રાજ્યને શાંતિથી, પણ મક્ક્મતાથી તડીપાર કરનારા સૈનિક બનવા જેટલી હિંમત દાખવી શક્યા. તો શું આપણા સહુમાં આવી હિંમત નથી? ન્યાય માટે લડવા જતાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત નથી? ગાંધીજીને પોતાની અંદર રહેલી સત્યનિષ્ઠા અને હિંમત પૂર્વક અન્યાયનો સામનો કરવાની તાકાતની જેવી ભાળ મળી કે તરત તેનો પ્રસાર દમનનો ભોગ બનેલા હજારો સામાન્ય ગણાતા મજદૂરો, ખેડૂતો અને મહિલાઓમાં કર્યો અને તેમનું સશક્તિકરણ કર્યું, જેના પરિણામે દક્ષિણ આફ્રિકામાં અન્યાયી કાયદાઓનો અંત આવ્યો અને ભારતમાં વિદેશી શાસનનો અંત આવ્યો.
આપણને કદાચ નાના કે મોટા પાયા પર સત્યને પગલે ડગ માંડતાં ભય લાગે છે; નિષ્ફ્ળ થશું તો? કોઈ સાથ નહીં આપે તો? આપણા સાથીદારોથી અલગ પડી જઈશું તો? ગાંધીજીનું ઉદાહરણ લઈએ. તેમણે અસંખ્ય પ્રયોગો કર્યા, પડ્યા, આખડ્યા, ભૂલો કરી, પણ અંતે દરેક વખતે તેમાંથી પાઠ શીખ્યા. એટલે જ તો મોહનમાંથી મહાત્મા બન્યા. આપણે મહાત્મા ક્યાં બનવું છે? પણ માનવ તરીકેની ગરિમા જળવાય એ ખાતર પણ શક્ય તેટલા ગાંધી વિચારોને તો અપનાવીએ!
ગાંધીજીની માનવજાત પ્રત્યેની અનુકંપા અને તેની ભલાઈ કરવા વેઠવી પડેલી પીડા બુદ્ધ કે ભગવાન કૃષ્ણથી જરા પણ ઉતરતી નહોતી એ આપણે જાણીએ છીએ. તેમને કબીર અને નાનક જેવા વિચારકોની હરોળમાં મૂકી શકાય. એમના જેવી વિભૂતિઓ હજારો વર્ષ પછી જન્મતી હોય છે. બે વિશ્વયુદ્ધોનો માર ખાઈને બેઠા થયેલા દુનિયાના બીજા દેશોને અપેક્ષા હતી કે ગાંધીજીની પ્રેરણા લીધેલ ભારત હવે અલગ જીવન રાહ અનુસરશે અને આપણને સહુને સાચો માર્ગ બતાવશે. પરંતુ, ભારતે એ જ રાહ લીધો જે માનવ જાતને કદી અમનથી જીવવા ન દે. એનું એક કારણ એ છે કે આપણે ગાંધીજીને પૂજ્યા ઘણા, સમજ્યા ઓછું અને અનુસર્યા માત્ર તલ માત્ર. ગાંધીનો દેહ તો નશ્વર હતો જ. પણ એમના જીવનમાં વણાઈ ગયેલી ઊંડી આધ્યાત્મિક ફિલસૂફી અવિનાશી છે. ઉત્ક્રાંતિના કાળક્રમે આપણે પ્રાજ્ઞ માનવી બન્યા, હવે રોબોટિક માનવ બનવું છે કે અનુકંપા પ્રેરિત માનવ બનવું છે એ પસંદ કરવાનો સમય આવ્યો છે. ગાંધીના વિચારોને યતકિંચિત યથાશક્તિ અનુસરવાથી જરૂર ઉત્તમ વ્યક્તિ બનીને સમાજ, દેશ અને પૂરી દુનિયાને વધુ સારા બનાવી શકશું.
e.mail : 71abuch@gmail.com
![]()

