Opinion Magazine
Number of visits: 10,221,243
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?

રમેશ ઓઝા|Opinion - Opinion|27 September 2026

રમેશ ઓઝા

લોહીમાં બેઈમાની હોય, બેઈમાનીનો સો વરસ જૂનો વારસો અને સંસ્કાર હોય, હાથમાં અમર્યાદિત સત્તા હોય, કોઈ પણ ખોટું કામ કરતાં શરમ નહીં અનુભવતી લાખો સમર્પિત કાર્યકરો અને સ્વયંસેવકોની ફોજ હોય, અઢળક પૈસા હોય, લોકતાંત્રિક સંસ્થાઓ પર કબજો જમાવ્યો હોય, વિરોધ પક્ષ નિર્બળ હોય કે નિર્બળ કરી નાખવામાં આવ્યા હોય, દસેક હજાર જેટલા કરોડરજ્જુ વિનાના બીકાઉ લોકો જયનાદ કરતા હોય અને એક પછી એક ચૂંટણી જીતતા હો ત્યારે સ્વાભાવિક છે કે ઉતાવળ અને સાહસવૃત્તિ વધી જાય. એવું લાગવા માંડે કે હવે આપણો કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી. 

ઉતાવળ અને સાહસ વધવાનું બીજું પણ એક કારણ છે અને એ મદનો આફરો ચડવાથી ઊલટું જરૂરી અને અનિવાર્ય બની જાય છે. અનીતિનો માર્ગ વન વે સ્ટ્રીટ જેવો હોય છે, એમાં પ્રવેશો તો બહાર ન નીકળી શકો. બીજા શબ્દોમાં કહીએ તો વાઘસવારી હોય છે. જો સત્તામાંથી બહાર ફેંકાઈ ગયા તો કેવા હાલ થાય છે એ પાકિસ્તાન, બંગલાદેશ, નેપાળ અને શ્રીલંકામાં જોવા મળ્યું છે. આમ ઉતાવળ અને સાહસ માત્ર મદનું પરિણામ નથી, સત્તાનું કેન્દ્રીકરણ કરવા ઇચ્છનારા શાસકોની જરૂરિયાત પણ છે. વધુમાં વધુ ઉતાવળ અને વધુમાં વધુ સાહસ કરવાં જ પડે. આ વન વે સ્ટ્રીટ એવી છે જ્યાં ઊભા રહેવાની અને પોરો ખાવાની પણ છૂટ નથી.  

આ હું નથી કહેતો, આ હજારો વરસના માનવ સભ્યતાના ઇતિહાસનો નીચોડ છે. જ્યારથી માનવીએ શાસનવ્યવસ્થા વિકસાવી છે ત્યારથી આ જોવા મળી રહ્યું છે. કોઈક આત્મકેન્દ્રી સત્તાભૂખ્યા હોય છે અને કોઈક સમાજ કે દેશને ખાસ પ્રકારનો બનાવવા માગે છે. આત્મકેન્દ્રી અને સત્તાભૂખ્યા લોકો પોતાને પરાજિત અવસ્થામાં જોઈ શકતા નથી અને જે દેશને ખાસ પ્રકારના ચોકઠામાં ફીટ કરવા માગે છે એ હાથ લાગેલી તક ગુમાવવા માગતા નથી. અત્યારે આપણા દેશમાં આ બન્ને ચીજ એક સાથે જોવા મળી રહી છે. આત્મકેન્દ્રી સત્તાભૂખ અને ખાસ પ્રકારના દેશની રચનાનો એજન્ડા એ બેમાંથી કોણ કોને ધકેલી રહ્યું છે, કોણ કોને મજબૂર કરી રહ્યું છે કે પછી બન્ને સરખી ભાગીદારી ધરાવે છે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. એની વાત પણ એક દિવસ બહાર આવવાની છે, રાહ જુઓ. 

તો વાતનો સાર એ કે કોઈ શાસક પોતે પોતાને દેશ ઉપર લાદે કે પછી ચોક્કસ વિચારધારા લાદે, પણ જો તેનો પ્રજાકીય સ્વીકાર ન હોય તો અનૈતિક રીતે બળજબરી કરવી પડે છે અને એમાં ઉતાવળ અને સાહસ બન્ને ઉમેરાય છે. ઉતાવળ અને સાહસ વૃત્તિજન્ય છે કે મજબૂરીજન્ય એ ગૌણ છે. એ થોભી પણ ન શકાય એવી વનવે સ્ટ્રીટ છે જેમાંથી કોઈ નીકળી શક્યું નથી. અંતિમ પરિણામ એ જ આવે છે જે અત્યાર સુધી આવતું રહ્યું છે. 

બને છે એવું કે શાસક અને તેની શાસનશૈલી, શાસક અને તેની શાસકીય આવડત અને શાસક અને તેનો શાસકીય એજન્ડા છૂપાવ્યા છૂપાતા નથી. એ પ્રજાની સામે આવે જ છે, કારણ કે તેના લાભ કે ગેરલાભ શાશિતને ભોગવવા પડે છે. આવડત અને સફળતાના ગમે એટલા ઢોલનગારાં વગાડવામાં આવે એક દિવસ લોકોની આંખ ખૂલે છે. આ શાસકો પ્રત્યેની પ્રજાની નિરાશાને અંગ્રેજીમાં એન્ટી ઇન્કમબન્સી કહે છે. લોકશાહી દેશોમાં એન્ટી ઇન્કમબન્સીથી બચી શકાતું નથી. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને વિજય અપાવનારા વિન્સ્ટ ચર્ચિલ અને બંગલાદેશ યુદ્ધ જીતીને પાકિસ્તાનનાં બે ફાડિયાં કરી નાખનારા ઇન્દિરા ગાંધી પણ આનાથી બચી નહોતા શક્યાં. પણ જો કોઈ સત્તાથી નીચે ઉતરવા જ ન માગતું હોય તો? ખાસ વિચારધારા આધારિત રાષ્ટ્રરચના જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ વિચારધારાને વરેલા શાસકો સત્તા છોડવા જ ન માગતા હોય તો? 

તો વિકલ્પ એક જ બચે છે અને તે છે રાજ્ય પર કબજો. ખાસ કરીને બે સંસ્થા પર કબજો કરવો જરૂરી છે; એક છે ન્યાયતંત્ર અને બીજી સંસ્થા છે ચૂંટણી પંચ. ચૂંટણી મુક્ત અને ન્યાયી ધોરણે ન થાય અને તેને કોઈ પડકારે તો અદાલતમાં ન્યાય જ ન મળે તો વિકલ્પ શું બચે છે? ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી વખતે, ચૂંટણીના પહેલા રાઉન્ડના મતદાન પહેલાં જ નરેન્દ્ર મોદી અને અમિત શાહને સમજાઈ ગયું કે એન્ટી ઇન્કમબન્સી આપણી કલ્પના કરતાં વધુ છે. બી.જે.પી.ને જે ૨૪૦ બેઠકો મળી તેમાંથી કમ સે કમ ૨૦ બેઠકો ચૂંટણી પંચે જીતી આપી છે અને તેમાં નરેન્દ્ર મોદીની વારાણસી બેઠકનો પણ સમાવેશ થાય છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી જો શુદ્ધ અર્થમાં મુક્ત અને ન્યાયી હોત તો બી.જે.પી.ને ૨૦૦ બેઠકો પણ ન મળી હોત. 

૨૦૨૪માં માંડમાંડ જાન બચાવ્યા પછી નવો ખેલ શરૂ થાય છે. ૨૦૨૫ના ફેબ્રુઆરી મહિનામાં જ્ઞાનેશ કુમારની મુખ્ય ચૂંટણી આયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવે છે અને તેને કહેવામાં આવે છે કે છેલ્લા બે દાયકામાં થયેલા મતદાનની પેટર્નના આધારે પ્રત્યેક મતદાર ક્ષેત્રમાં મતદાર યાદી એવી બનાવવામાં આવે જેમાં બી.જે.પી.ને ફાયદો થાય. ભા.જ.પ.નો પરંપરાગત વિરોધ કરનારા મતદાતાઓને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવે અને ભા.જ.પ.ને મત આપનારા મતદાતાઓને બચાવી લેવામાં આવે. જો મત ઓછા પડતા હોય તો ફર્જી મતદાતાઓનાં નામ મતદારયાદીમાં ઉમેરવામાં આવે. એવા જે ગુજરી ગયા હોય અને એવા જેનું કોઈ સરનામું જ ન હોય. જ્ઞાનેશ કુમારને એક યાદી પણ આપવામાં આવી હતી જેમાં વિરોધ પક્ષોના થોડાક કદાવર નેતાઓનાં નામ હતાં. મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, સ્તાલીન, ઉદ્ધવ ઠાકરે જેવા સોએક નેતાઓનાં એ યાદીમાં નામ હતાં. જ્ઞાનેશ કુમારને કહેવામાં આવ્યું હતું કે આ નેતાઓના મતદારક્ષેત્રમાં કાટછાટની મોટી સર્જરી કરવામાં આવે. વિરોધ પક્ષના નેતાઓના સરેરાશ પચીસથી પચાસ હજાર સમર્થક મતદાતાઓનાં નામ ગૂમ કરવામાં આવ્યાં હતાં અને ભા.જ.પ.સમર્થક ફર્જી મતદાતાઓનાં નામ મતદારયાદીમાં ઉમેરવામાં આવ્યા હતા. આ બધું એસ.આઈ.આર.(સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝન)ના નામે કરવામાં આવતું હતું. રાહુલ ગાંધીએ વોટ ચોરીના જડબેસલાક પ્રમાણો આપ્યા પછી પણ કોઈ ફરક નહોતો પડ્યો. આ નવા ખેલ દ્વારા એન્ટી ઇન્કમબન્સીના પ્રભાવનો છેદ ઉડાડી દેવામાં આવ્યો હતો અને હરિયાણા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં બી.જે.પી.એ વિજય મેળવ્યો હતો.

યોગેન્દ્ર યાદવે સર્વોચ્ચ અદાલતમાં પ્રશ્ન કર્યો હતો કે મતદાતા શાસકને ચૂંટે કે શાસક મતદાતાને ચૂંટે? અહીં તો ઊલટું થઈ રહ્યું છે, પરંતુ સર્વોચ્ચ અદાલતે યોગેન્દ્ર યાદવનાં વખાણ કર્યાં હતાં, પણ ભારતીય લોકતંત્રને અને ભારતીય મતદાતાને ન્યાય નહોતો આપ્યો. જ્યારે લોકતંત્રની બન્ને સંસ્થાએ ભારતીય નાગરિક, લોકતંત્ર અને બંધારણનો વિશ્વાસઘાત કર્યો ત્યારે એન્ટી ઇન્કમબન્સી રસ્તા પર ઉતરી. જન્તરમન્તર અને દેશભરમાં તરુણોએ કરેલું આંદોલન એ રસ્તા પર ઉતરેલી એન્ટી ઇન્કમબન્સી છે અને એન્ટી ઇન્કમબન્સી જ્યારે રસ્તા પર ઉતરે ત્યારે એ ખતરનાક સાબિત થતી હોય છે. નરેન્દ્ર મોદીની એટલી અને એવી ઠેકડી ઉડાડવામાં આવી કે જેનો જગતમાં કોઈ જોટો નથી. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની ઈમાનદારી પર પણ તરુણોએ વ્યંગ કર્યો. માટે જ ડાહ્યા શાસકો એન્ટી ઇન્કમબન્સીને સંસદીય લોકતંત્રના માર્ગે વાચા આપવા દેતા હોય છે કે જેથી બંગલાદેશ કે નેપાળવાળી ન થાય. માટે લોકતાંત્રિક સંસ્થાઓમાં મહત્ત્વની જગ્યાએ બેસેલા લોકો બંધારણીય મર્યાદામાં રહીને કામ કરતા હોય છે કે જેથી તેની આબરૂ કોડીની ન થઈ જાય. દુર્ભાગ્યે ભારતનાં ન્યાયતંત્રની આબરૂ પણ બચી નથી. 

જ્યારે એન્ટી ઇન્કમબન્સી રસ્તા પર ઉતરે ત્યારે ડરેલા લોકો પણ ડર છોડીને બોલવા લાગે છે. ચૂંટણી પંચના બીજા બે આયુક્તોએ જ્ઞાનેશ કુમારનો ભાંડો ફોડી નાખ્યો. જ્ઞાનેશ કુમારે કરેલા પાપની વિગતો મીડિયામાં ચર્ચાઈ રહી છે એટલે તેની વિગતોમાં જવાની જરૂર નથી. એ સમય દૂર નથી જ્યારે સર્વોચ્ચ અને વડી અદાલતોના ન્યાયમૂર્તિઓ પણ તેમના સાથી ન્યાયમૂર્તિઓની બેઈમાની વિષે બોલતા થશે. અને એ સમય પણ દૂર નથી જ્યારે એન્ટી ઇન્કમબન્સી વધારે તાકાત અને આક્રમકતા સાથે રસ્તા પર ઉતરશે. 

દરમ્યાન પ્રારંભમાં ઉપસ્થિત કરેલ મુદ્દો ફરીવાર તપાસીએ. દરેક ગુનેગારને એમ લાગે છે કે તે સફાઈપૂર્વક પૂરાવાનો કોઈ સગડ પણ છોડ્યા વિના ગુનો કરવાની આવડત ધરાવે છે અને ગુનાશાસ્ત્ર એમ કહે છે કે પરફેક્ટ ક્રાઈમ એક મીથ છે. એ જ ન્યાયે દરેક તાનાશાહ અને ફાસીવાદીઓને એમ લાગે છે કે પ્રજાને રમાડી શકાય છે, રાજકીય વિરોધીઓને ખરીદી શકાય છે, બંધારણીય સંસ્થાઓ અને તેના કર્ણધારોને લાલચ કે ધમકી આપીને મેનેજ કરી શકાય છે અને પછી તો પૂછવું જ શું? સત્તા આપણા હાથમાં, દેશ આપણા હાથમાં, રાજ્ય હાથમાં અને પ્રજા પણ હાથમાં. ખુશી ખુશી કે જખ મારીને શું ફરક પડે છે? પણ તેઓ એ સમજતા નથી કે આ વનવે સ્ટ્રીટ છે. એ સ્ટ્રીટમાં નથી થોભી શકાતું કે નથી પાછા ફરી શકાતું. 

ચિનગારી ક્યાંથી પ્રગટે છે અને કેવો ભડકો થાય છે એનું કોઈ શાસ્ત્ર નથી અને તેની પૂર્વસૂચના મળતી નથી. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 સપ્ટેમ્બર 2026

Loading

27 September 2026 Vipool Kalyani
← કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે  →

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?
  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved