Opinion Magazine
Number of visits:
10154207
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ ગાંધીનું મનુસ્મૃતિ વિમર્શ

રમેશ ઓઝા|Opinion - Opinion|30 August 2026

રમેશ ઓઝા

‘છાત્રોં કી ગૂંજ’ના પૂનાના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ મનુસ્મૃતિનો ઉલ્લેખ કરીને ટીકા કરી. તેમણે કહ્યું કે મનુસ્મૃતિના આદેશો હિંદુઓના એક વર્ગને કાયમ માટે હાંસિયામાં રાખવાનું અને હાંસિયામાંથી બહાર નહીં નીકળવા દેવાનું કામ કરે છે કે જેથી સવર્ણ હિંદુઓની સર્વોપરિતા જળવાઈ રહે. જેને હાંસિયામાં રાખી છે એવી હિંદુ પ્રજામાં સ્ત્રીઓ, દલિતો, શુદ્રો, આદિવાસીઓ વગેરેનો સમાવેશ થાય છે. 

આ બહુ મોટી ઘટના છે. બહુજન સમાજ પક્ષ અને બીજા કેટલાક દલિત અને દ્રવિડ પક્ષોને છોડીને બીજા રાજકીય પક્ષોના નેતાઓ મનુસ્મૃતિનો ઉલ્લેખ કરતા ડરતા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી માયાવતીએ પણ મનુસ્મૃતિ અને બ્રાહ્મણોનાં વર્ચસ વિષે બોલવાનું બંધ કરી દીધું છે. ખાસ કરીને ૧૯૯૦ પછીથી ભારતીય જનતા પક્ષની તાકાત વધવા માંડી ત્યારે સેક્યુલર રાજકીય પક્ષોના નેતાઓને એમ લાગવા માંડ્યું કે સરેરાશ મધ્યમવર્ગીય હિંદુઓ એકંદરે માનવતાવાદી હોવા છતાં ય ધાર્મિક છે. હિંદુઓનાં શાસ્ત્રવચનોની ટીકા કરીને હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવવાની આપણે ભૂલ કરી તેનો લાભ હિન્દુત્વવાદીઓને મળી રહ્યો છે. બીજી બાજુ આપણે ઇસ્લામ ધર્મની ચિકિત્સા નથી કરતા એટલે પણ સરેરાશ હિંદુઓ નારાજ છે. 

આમ માત્ર રાજકીય પક્ષોના નેતાઓ માનતા થયા હતા અને હિંદુઓ અને હિંદુ ધર્મ વિષે બોલતા બંધ થયા હતા એવું નથી, સામાજિક-રાજકીય સમિક્ષકો અને વિચારકો પણ આ વાત કહેવા લાગ્યા હતા. સમાજપ્રબોધન કરનારા અને સમાજપરિવર્તન ઇચ્છનારા આંદોલનકારીઓ હિંદુઓની અને હિંદુ ધર્મની આકરી ચિકિત્સા કરતા રહ્યા છે, એને કારણે સરેરાશ હિંદુઓ સમાજ સુધારક પરિવર્તનોને સદ્દભાવથી લેતા બંધ થયા છે, એવું તેમનું માનવું હતું. એવો ડર બેસી ગયો હતો કે જો તમે હિંદુ ધર્મની, હિંદુ ધર્મગ્રંથોની કે હિંદુ સમાજવ્યવસ્થાની ટીકા કરશો તો મધ્યમવર્ગીય હિંદુઓ તમારાથી દૂર થઈ જશે. ભા.જ.પ.ની સફળતા આનું પ્રમાણ છે. 

રાજકીય નેતાઓ, રાજકીય સમીક્ષકો અને સમાજશાસ્ત્રીઓનું આ તારણ માત્ર અનુમાન આધારિત નહોતું, વાસ્તવિક હતું. મધ્યમવર્ગીય હિંદુઓ આમ માનવા લાગ્યા હતા. અનેક અભ્યાસો અને સર્વેક્ષણો આમ કહેતા હતા. સરેરાશ મધ્યમવર્ગીય હિંદુઓને એમ લાગવા માંડ્યું હતું કે પ્રગતિશીલો હિંદુઓને અને હિંદુ ધર્મને પસંદગીનું નિશાન બનાવી રહ્યા છે અને ઇસ્લામ તેમ જ મુસલમાનો વિષે બોલતા નથી. આને પરિણામે પાશ્ચાત્ય સેક્યુલરિઝમ અને ભારતીય સેકયુલરિઝમ વચ્ચે વિદ્વાનો ભેદ કરવા લાગ્યા હતા. ૧૯૯૦ પછીની હિંદુ ધર્મચિકિત્સા વધારે ઉદાર અને સૌમ્ય બનવા લાગી હતી. ખૂદ રાહુલ ગાંધી ૨૦૧૯ સુધી ચૂંટણી પ્રચાર વખતે મંદિરોમાં જતા હતા, ટીલાંટપકાં કરતા હતા, જનોઈ પણ બતાવતા હતા. તેમને એમ લાગતું હતું કે કાઁગ્રેસથી નારાજ થયેલા ધાર્મિક હિંદુઓ પાછા ફરશે અને ચૂંટણી જીતી શકાશે. પરિવર્તનકારી આદોલનકર્તાઓ પણ સામાજિક સમાનતા વિશેનો વિમર્શ સૌમ્યભાષામાં કરવા લાગ્યા હતા. ખોજ  એ વાતની હતી કે હિંદુઓની ધાર્મિકતાને ઠેસ પહોંચાડ્યા વિના સેક્યુલર હિંદુનું ઘડતર કરીને સેક્યુલર ભારત કેવી રીતે બનાવવું. 

રાહુલ ગાંધી

અને અચાનક રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે પૂનામાં મધ્યમવર્ગીય હિંદુ ભાવનાની પરવા કર્યા વિના સાવધાની ફગાવીને મનુસ્મૃતિની ટીકા કરી. શું એ રાહુલ ગાંધીની બેવકૂફી છે કે પછી કશુંક બીજું છે? ૨૦૨૨ની ભારતજોડો પદયાત્રા વખતે રાહુલ ગાંધીએ વિનાયક દામોદર સાવરકરના માફીનામાઓનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે હિન્દુત્વવાદી જમાત કાયર છે ત્યારે કેટલાક રાજકીય પક્ષોના અને ખાસ કરીને મહારાષ્ટ્રના નેતાઓએ રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે કમ સે કમ સાવરકરની ટીકા કરવામાં ન આવે, હિંદુઓનો એક વર્ગ નારાજ થશે. રાહુલ ગાંધીએ ત્યારે તેની પરવા નહોતી કરી અને સાવરકરની ટીકા કરતા રહ્યા હતા. તેઓ કહેતા આવ્યા છે કે ભારત વિષેની બે કલ્પના (આઈડિયા ઓફ ઇન્ડિયા) છે. એક ગાંધીજીની ઉદારમતવાદી સહિયારા ભારતની અને બીજી સાવરકરની હિંદુ ભારતની. સહિયારું ભારત સહિયારું હોવા છતાં ય હિંદુ હિતકારી છે અને હિંદુ ભારત હિંદુઓ માટેનું હોવા પછી પણ હિંદુઓ માટે અનર્થકારી છે. જવાહરલાલ નેહરુ જે ભાષામાં બોલતા હતા અને નેહરુયુગીન સમાજશાસ્ત્રીઓ જે ભાષામાં બોલતા હતા એ ભાષામાં એ જ વાત રાહુલ ગાંધીએ કહેવાનું શરૂ કર્યું. 

શા માટે? 

(અહીં મારી ભલામણ છે કે ગયા સપ્તાહે પાકિસ્તાન વિષે અને તેમાં ત્યાંના દિમાગી નક્સલો હવે જે બોલતા થયા છે એ લેખ વાંચી જાઓ. કાઁગ્રેસે સહિયારા ભારત વિશેની જે કલ્પના પચાસ વરસ દરમ્યાન કરી હતી અને જે પદાર્થ અને રસાયણ વિકસાવ્યાં હતાં તેની પણ તેમાં વિગતો છે.) 

શા માટેનો ઉત્તર એ છે કે જે રીતે પાકિસ્તાનના નિર્મતાઓ પાસે ઇસ્લામ અને મહાન મુસ્લિમ પ્રજાના નામે ભારતીય મુસલમાનોને પોરસાવવા અને હિંદુઓથી ડરાવવા સિવાય પાકિસ્તાનની કોઈ કલ્પના જ નહોતી એમ હિન્દુત્વવાદીઓ પાસે પણ હિંદુભારતની કોઈ કલ્પના નથી. હિંદુ ભારત માટે જરૂરી પદાર્થ અને રસાયણ તેઓ વિકસાવી જ શક્યા નથી. સત્તાનો દુરુપયોગ કરીને કે સંખ્યાની તાકાત બતાવીને કરવામાં આવતી દાદાગીરી અને માથાભારેપણું એ હિંદુપૌરુષ નથી. વીર્યવાન હિંદુ અલગ છે અને માથાભારે હિંદુ અલગ છે. આઝાદી પહેલાં કાઠિયાવાડમાં ભાયાતોનું માથાભારેપણું એ પ્રજાનું પૌરુષત્વ નહોતું, પ્રજા તો ભાયાતોના માથાભારેપણાથી ત્રાહિમામ થઈ ગઈ હતી. એટલે તો તેને ભાયાતોના રંજાડ તરીકે ઓળખાવવામાં આવતો હતો. બીજું દાદાગીરી અને માથાભારેપણાવાળી છીછરી બહાદુરી માત્ર એ જ બતાવી શકે જે સત્તાપક્ષમાં હોય જેમ ભાયાતો હતા. પ્રજાને એમાં શું મળે છે? ઉત્તર પ્રદેશમાં મુસલમાનો કરતાં હિંદુ ઘરો પર વધારે માત્રામાં બુલડોઝર ચાલ્યાં છે. 

એ વાત ખરી છે કે મુસ્લિમ લીગના નેતાઓને પાકિસ્તાનની કલ્પના વિકસાવવા માટે કાઁગ્રેસના નેતાઓને જેટલો સમય મળ્યો હતો એટલો નહોતો મળ્યો. પણ એક દાયકાનો સમય પણ ઓછો તો નહોતો! કમ સે કમ પ્રયાસ તો કરવો જોઈતો હતો. શરૂઆત તો કરવી જોઈતી હતી. આઝાદી નિશ્ચિત થઈ અને બંધારણ ઘડવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે કાઁગ્રેસના નેતાઓએ ઝીણાને કહ્યું હતું કે મુસ્લિમ બહુમતી પ્રાંતોના સ્વરૂપ વિશેની તમારી કલ્પના રજૂ કરો, પણ ઝીણા એ નહોતા કરી શક્યા. આટલો મોટો બાહોશ ધારાશાસ્ત્રી નહોતો કરી શક્યો. જો કરે તો પાકિસ્તાનની રચના માટેનાં આંદોલનમાં જોડાયેલા કેટલાક મુસલમાનો નારાજ થઈને બહાર નીકળી જાય અને મુસલમાનોના હાથે જ પાકિસ્તાન રચાય એ પહેલાં જ પાકિસ્તાનનો ફિયાસ્કો થઈ જાય. અને એની જરૂરત પણ ક્યાં છે? સ્વાર્થ તો સત્તાનો છે એટલે ફોડ પાડ્યા વિના મભમ બોલો. બસ, મુસલમાનોને પોરસાવો અને ડરાવો.

મુસ્લિમ લીગના નેતાઓથી ઊલટું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓને તો દાયકાઓનો સમય મળ્યો હતો. કાઁગ્રેસના નેતાઓને સમય મળ્યો હતો તેનાથી પણ વધુ. દુનિયામાં કદાચ આ એક માત્ર જમાત છે જેને રાષ્ટ્ર વિશેની પોતાની કલ્પના વિકસાવવા માટે આટલો સમય મળ્યો હોય! ૨૦૧૪માં ભારતમાં પહેલીવાર હિંદુત્વ (હિન્દુત્વ હિંદુ નહીં) બહુમતીવાળી સરકાર આવી ત્યારે સંઘ ૯૦ વરસનો થયો હતો. 

પણ જોવા શું મળ્યું? સત્તાધારી અને શાસકવર્ગના હિંદુઓની દાદાગીરી અને તેમનું માથાભારેપણું જે કાઠિયાવાડમાં જોવા મળ્યું હતું, જે અન્ય રિયાસતોમાં જોવા મળ્યું હતું, જે પાકિસ્તાનમાં જોવા મળ્યું હતું. આવું જગતના અન્ય બહુમતી રાષ્ટ્રવાદી દેશોમાં પણ જોવા મળ્યું હતું. પોરસાવવા અને ડરાવવા સિવાય પ્રજાને આપવા માટે તેમની પાસે કશું જ નથી. અને આની સૌથી મોટી કિંમત બહુમતી પ્રજા જ ચૂકવે છે જેના ખભા પર ચડીને તેઓ સત્તા સુધી પહોંચ્યા છે. 

રાહુલ ગાંધીને એક વાત સમજાઈ ગઈ કે ગાંધી, નેહરુ અને અન્ય તેજસ્વી લોકો દ્વારા વિકસાવાયેલા સહિયારા ભારતની કલ્પનાનો મુકાબલો કરી શકે એવી હિંદુ ભારતની આ લોકો પાસે કોઈ કલ્પના જ નથી. તેમની હિંદુરાષ્ટ્રની કલ્પના વાંઝણી છે. માથાભારેપણા સિવાય  એમાં કશું જ નથી. સામાન્ય હિંદુ માટે છે ભય અને વરખ ચડાવેલો હિંદુગર્વ. તકલાદી રાષ્ટ્રવાદ ટકાઉ રાષ્ટ્રવાદ સામે ટકી શકે એમ નથી એટલે તેને સીધું નિશાન બનાવવામાં કશું જોખમ નથી. આ બાજુ હિંદુ પ્રજાને, ખાસ કરીને હવે પછી જેને પાંચથી છ દાયકા ભારતમાં જીવવાનું છે તેમને સમજાઈ ગયું કે આમાં આપણને કશું જ મળવાનું નથી. હિંદુ ઘરનો મોભી ઘરની સુરક્ષાના નામે છાતી પર ચડીને ગૂંગળાવે એના કરતાં વિધર્મી સાથે ખુલ્લી હવામાં વિહરવામાં વધારે મોજ છે. 

ટૂંકમાં હિંદુ રાષ્ટ્રવાદનું વારણ સહિયારો રાષ્ટ્રવાદ છે જેમાં લોકતંત્ર, સેકયુલરિઝમ, ન્યાય, નાગરિક અધિકારો, કાયદાનું રાજ, ભૌતિક અને માનસિક વિકાસ કેન્દ્રમાં છે. હિંદુઓને પણ સમજાવા લાગ્યું છે કે ધાર્મિક અને અન્ય લાગણીઓને લઈને આળા થવાની જરૂર નથી. જો આપણાં ઘરમાં કચરો હોય અને એ કચરા તરફ કોઈ ધ્યાન દોરતું હોય તો નારાજ થવાની જગ્યાએ કચરો સાફ કરવો જોઈએ. હા, કચરા તરફ ધ્યાન દોરનારે એ કામ સૌમ્ય ભાષામાં વિવેકપૂર્વક કરવું જોઈએ અને ધર્મ કે જાત જોયા વિના દરેકનું ધ્યાન દોરવું જોઈએ જે રીતે ગાંધીજી કરતા હતા. આઝાદી પછીના ભારતના રાજકારણનું અને અત્યારે ભોગવવા પડતા પરિણામોનું આ લેસન છે.

રાહુલ ગાંધીએ ફરીવાર એ જગ્યાએ ગોલ સેટ કર્યો છે જ્યાં ૧૯૧૫ પછી ગાંધીજીએ અને કાઁગ્રેસે અને ૧૯૪૬થી ૧૯૪૯ વચ્ચે ભારતનું બંધારણ ઘડનારાઓએ બંધારણ ઘડીને ગોલ સેટ કર્યો હતો. એમણે તાત્કાલિક સત્તાના રાજકારણને બાજુએ મૂકી દીધું છે. આ કાચાપોચા માણસનું કામ નથી અને રાહુલ ગાંધી પાસે યુવાખેલાડીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. 

દરમ્યાન બે પ્રશ્ન મનમાં સતાવે છે. 

એક, શું તંદુરસ્ત નરવો નીર્વિરોધી અને વિકાસલક્ષી (અંગ્રેજીમાં કહીએ તો bening) બહુમતી રાષ્ટ્રવાદ અસંભવ છે?  

બે, કે પછી એ સંભવ તો છે, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વિકસાવવામાં નિષ્ફળ નીવડ્યો છે અથવા તો તેને તેવા બહુમતી રાષ્ટ્રનું નિર્માણ કરવું જ નહોતું?

વિચારો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઑગસ્ટ 2026

Loading

30 August 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—356
ઇથેનોલની મહત્ત્વાકાંક્ષા અને ચૂંટણીનું ગણિતઃ ખાંડની કડવાશની જવાબદારી કોની? →

Search by

Opinion

  • ઇથેનોલની મહત્ત્વાકાંક્ષા અને ચૂંટણીનું ગણિતઃ ખાંડની કડવાશની જવાબદારી કોની?
  • ચલ મન મુંબઈ નગરી—356
  • કારણ ગમે તે હોય, ખાંડ, ગોળ, ડુંગળી … મોંઘી થઈ રહી છે …
  • વીર પસલી
  • જેન ઝી, રાહુલ ગાંધી ને બીજાઃ સત્તાપક્ષ આંતરબાહ્ય કટોકટીમાં

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved