Opinion Magazine
Number of visits: 10121733
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ પણ જંતુ જ છે, તો તે જંતુનાશકને લાયક છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 August 2026

રવીન્દ્ર પારેખ

માણસને જ મોંઘવારી નડે છે ને એ જ પ્રયત્ન કરતો રહે છે કે કશું સસ્તું થાય જ નહીં ! કોણ જાણે કેમ પણ અગાઉ કરતાં માણસ સૌથી વધુ લોભી, મતલબી અને નિષ્ઠુર થઈ ગયો છે. તેનામાં દયામાયા જેવું ખાસ રહ્યું નથી. એક માણસ સૌથી વધુ ત્રાસ બીજા માણસને જ આપતો હોય છે. લોભ એ રીતે વધ્યો છે કે માણસ ગણતરી વગર કંઇ કરતો નથી. કેવી રીતે સામેનાને પછાડીને તેનો લાભ લેવો કે છેતરવો તેની જ વેતરણમાં માણસ હોય છે. તેના જીવથી કશું છૂટતું નથી ને બીજાનું હડપી લેવાનું તે ચૂકતો નથી. તેને કોઈનો ડર કે શરમ સંકોચ રહ્યાં નથી. જગતમાં સારા માણસો પણ છે જ, તેટલું સારું થતું પણ હશે, પણ બાકીનાને સારાઈ જોડે ખાસ લેવાદેવા નથી. ઘણી વાર તો માણસ અત્યંત ક્રૂર, ઘાતકી ને શોષણખોર છે ને પોતાનાં સિવાય તેને કશામાં રસ નથી. તે સ્વાર્થ વગર કંઇ સારું પણ કરતો નથી. તેને પોતાને સસ્તું ખરીદવું છે ને બીજાને મોંઘું વેચવું છે. આમ તેનાં બેવડાં ધોરણો છે. આજના માણસની ખાસિયત વધુમાં વધુ શોષણ ને વધુ ને વધુ નફો છે. તેને માટે તે કોઈ પણ હદે જઈ શકે છે. એ દુ:ખદ છે કે તેને બધું શુદ્ધ અને ચોખ્ખું જોઈએ છે, પણ બીજાને ગમે તેવું આપવાનો તેને વાંધો નથી. કુદરત તો બધું શુદ્ધ અને નિસ્વાર્થ ભાવે આપે છે, પણ લાભ ખાટવા માણસ કોઈ પણ હદે જઈ શકે છે.

એક તો બધું મોંઘું વેચાતું હોય તે પણ ચોખ્ખું નહીં. શુદ્ધ નહીં. મોં માંગ્યા દામ ચૂકવ્યા પછી, પણ વસ્તુ સસ્તી તો ધૂળ નાખી, ચોખ્ખી પણ મળતી નથી. ચોખ્ખી ના મળે ને છેતરાવાનું થાય તો પીડા થાય છે. આજકાલ તો હવાથી લઈને દવા સુધી બધું જ ભેળસેળવાળું છે. મોંઘું ને ભેળસેળિયું એ વર્તમાન સમયની ઓળખ છે. દરેકમાં મિલાવટ ચાલે છે. દૂધ, ઘી, તેલ બધાંમાં ચોખ્ખું તરત શોધાય એવું હોતું નથી. નકલી દૂધ અને નકલી ઘીની તો આખી ફેક્ટરીઓ ચાલે છે ને દર ત્રીજે ચોથે દિવસે નકલી દૂધ, ઘીના સમાચારો પ્રગટ થતા જ રહે છે. હળદરમાં પીળી માટી, મરચાંની ભૂકીમાં ઈંટનો ભૂકો, અનાજમાં કાંકરી એમ બધાંમાં જ કંઈને કંઇ ભેળવેલું હોય છે. આ શેને માટે થાય છે, તો કે નફા માટે. આ નફા માટે માણસનાં આરોગ્ય જોડે ચેડાં થાય છે. નફો કોઈની જિંદગી સાથે ચેડાં કરે એટલો હાવિ થઇ જાય તો જોખમ ગમે તેને માથે તોળાતું રહે છે. જિંદગી કરતાં પણ નફો વધારે મહત્ત્વનો થઈ પડે તો તે ચલાવી શકાય નહીં, પણ આ પણ કહેવા પૂરતું જ હોય છે. કારણ આટલું જ મહત્ત્વ હોય તો આટલી ભેળસેળ થાય જ નહીં ને ! હોટેલોમાં પણ વાસી ખોરાક કે સસ્તી સામગ્રીને કારણે ખોરાકી ઝેરની કેટલી બધી ઘટનાઓ છાશવારે બનતી રહે છે. નકલી ચીજ વસ્તુઓને કારણે જે તે હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ થતું હોય છે કે બે પાંચ હજારનો દંડ થાય છે ને થોડા દિવસમાં બધું હતું તેમનું તેમ થઈ રહે છે.

શાકભાજી આરોગ્યને માટે જરૂરી ગણાઈ છે. શાકભાજીમાં ઘણાં પોષક તત્ત્વો હોય છે એટલે તેના વપરાશમાં મોકળાશ હોય છે, પણ એ જ શાકભાજી હાનિકર્તા બની રહે તો ક્યાં જવું ને શું કરવું તે સમજાતું નથી. શાકભાજી જ ઝેરની ગરજ સારતી હોય એવું હવે ઘણી મોટી માત્રામાં બનતું આવે છે.

શાકભાજીમાં જંતુનાશક દવાઓનો છંટકાવ નવી વાત નથી. જંતુ દૂર કરવા જતાં માણસ દૂર થઇ જાય એ હદે તો જંતુનાશક હાવિ ન થવા દેવાય ને ! જંતુ નાશક જંતુ દૂર કરવા વપરાય, પણ તે એ હદે તો ખપમાં કેમ લેવાય કે જન્તુઓના નાશને બદલે માણસની જિંદગીદાવ પર લાગે? કોઈ લિમિટ તો હોવી જોઈએ ને ! જંતુ ન રહે ને માણસ રહે એ હદે જ દવાઓનો ઉપયોગ ક્ષમ્ય ગણાય. એવું થાય છે? કેન્દ્રના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકસભામાં રાજ્યોના આંકડા આપ્યા. તેમાં ગુજરાતની સ્થિતિ આવી હતી. ગુજરાતમાંથી શાકભાજીના નમૂના લીધા. તેમાં 170 નમૂનામાં પેસ્ટિસાઈડ/જંતુનાશકનું પ્રમાણ વધારે હતું. આપણી થાળીની શાકભાજીમાં કેટલું ઝેર છે ને તેની આપણા આરોગ્ય પર શી અસર થાય છે તે જાણવા જેવું છે.

શાકભાજીમાં થતી જીવાતો પણ એવી રીઢી થઈ ગઈ છે કે તે દેશી ઈલાજોથી જતી નથી. એટલે જંતુનાશકોનો છંટકાવ અનિવાર્ય થઈ પડ્યો છે. જો કે, માણસ માટે જીવાતો એટલી ખતરનાક નથી, જેટલી જંતુનાશક દવાઓ છે. કેન્દ્ર સરકારે જે આંકડાઓ આપ્યા તે એટલું સ્પષ્ટ કરે છે કે મોટે ભાગની શાકભાજીમાં જંતુનાશકનાં ઝેરી તત્ત્વો છે. ભારતનાં 23 રાજ્યોનાં શાકભાજી અને ફળના 70,652 નમૂનાઓમાંથી 68,429માં પેન્ટિસાઈડનું પ્રમાણ વધારે મળ્યું. એમાં ગુજરાતના 6,035માંથી 170માં વધુ ઝેરી જન્તુનાશકોનું પ્રમાણ મળ્યું. એવરેજ જાણીએ તો 100માંથી ૩માં વધારે ઝેરી દવાઓ મળી, એનો અર્થ એવો નહીં જ કે બાકીના 97માં ઝેરી દવાઓ નથી. ઝેરી તો છે જ, હા પ્રમાણ ઓછું છે એટલું જ. આમ તો 6,035માંથી 170નું પ્રમાણ ઓછું જ ગણાય, પણ ગુજરાતમાં શાકભાજી, ફળો નાસિક, જલંધર, બેંગ્લોર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કાશ્મીર, હિમાચલ પ્રદેશમાંથી આવે છે ને એ ગુજરાતમાં ન ગણાય એટલે પણ 170 નમૂનાઓ ઓછા લાગે એ શક્ય છે.

વારુ, જંતુનાશકો પણ અલગ અલગ પ્રકારના છે. 372 પ્રકારનાં જંતુનાશકો બજારમાં મળે છે. એમાં કેટલીક દવાઓ વધારે ઝેરી છે તો કેટલીક ઓછી ઝેરી છે. બીજા દેશોમાં પેસ્ટિસાઈડના નિયમો કડક છે, પણ ભારતમાં નિયમોનું પાલન કડકાઈથી થતું નથી. એને કારણે અન્ય દેશો ભારતીય શાકભાજી કે ફળ ખરીદતા નથી. બે વર્ષ પર ચીને ભારતનાં મરચાં અને જાપાને કેરી પરત મોકલેલાં. એ જ રીતે હોંગકોંગ, સિંગાપોર જેવા પાંચેક દેશોએ ભારતીય બ્રાન્ડના મસાલા, ચોખા જેવી ભારતીય વસ્તુઓ નકારી દીધેલી. એનું સાદું કારણ ભારતીય જંતુનાશકનું વધારે ઝેરી પ્રમાણ હતું. આમ તો જે માલ એક્સપોર્ટ થતો હોય, તે કવોલિટીમાં સારો જ હોય, છતાં વિદેશી માપદંડમાં ખરો ના ઊતર્યો ને માલ રિજેક્ટ થયો, તો દેશમાં વેચાતાં શાકભાજી કે ફળોમાં સ્થિતિ કેવી ગંભીર હશે તે સમજી શકાય એવું છે.

છોડ પર શાક ન ઊગે તો ઉગાડવા જંતુનાશકો છાંટવામાં આવે છે ને ઊગી જાય તો જીવાતોથી બચાવવા પણ દવા છાંટવામાં આવે છે. આમ એક શાકભાજી બબ્બે વખત દવા છાંટવામાંથી આપણા સુધી પહોંચતી હોય તો એ કેટલી જોખમી હશે એ કહેવાની જરૂર છે?

આમ તો દરેક દવામાં ઝેરી કેમિકલનું પ્રમાણ નક્કી છે. છતાં શાકભાજી પર દવા ચોંટી રહે છે. એનું પ્રમાણ વધુ હોય તો તે આરોગ્ય માટે જોખમી છે. જંતુનાશક માઈલ્ડ હોય તો પેટની બીમારી થાય. આ ઉપયોગ ચાલુ જ રહે તો લીવર અને કિડની ડેમેજ કરે. 90 ટકા બીમારીઓ એવી છે કે તેના મૂળમાં જાવ તો તેનો છેડો પેસ્ટિસાઈડમાં જ ખૂલે. આ દવા જીવાતો માટે છે એથી વધુ જોખમી માણસો માટે છે. શાકભાજીનાં જંતુનાશકો આટલાં ઘાતક હોય તો સરકારે તેના પર પ્રતિબંધ મૂકવા જેવો છે. આ જંતુનાશકો કેન્સર સુધીની બીમારી ફેલાવી શકતા હોય તો તેના વપરાશ પર રોક લાગવી જ જોઈએ. કેટલાં જોખમો આપણે પેટ ચોળીને ઊભાં કર્યાં છે. એક તો ભેળસેળથી બચવાનું ને તેમાંથી છટકીએ તો જંતુનાશકોમાં ફસાવાનું ને તે ય મોંઘું ખરીદીને ! એ ખરું કે એકથી વધુ વખત ધોવાથી જંતુનાશકની અસર ઓછી કરી શકાય, પણ તે બકરું કાઢવા જતાં ઊંટ ઘૂસાડવા જેવું જ થાય.

શાકભાજી બચાવવા જતાં માણસ ન બચે એમ હોય તો એ ધંધો કરવા જેવો ખરો?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ઑગસ્ટ 202

Loading

17 August 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—354

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—354
  • મોંઘવારીને મામલે સામાન્ય માણસ અસામાન્ય રીતે ચૂપ છે …
  • કૃત્રિમ બુદ્ધિમતાથી સર્જાઈ શકે છે અસલી જળસંકટ
  • જંતરમંતર અને ઝારખંડથી હઠીને બે શબ્દ રચનાત્મક કૉંગ્રેસને મિષે    
  • ભેરવાયા

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved