Opinion Magazine
Number of visits: 10109510
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—354

દીપક મહેતા|Opinion - Opinion|15 August 2026

ટોળામાં ઊભેલી એક નાનકડી છોકરી બોલી ઊઠી : સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાં હમારા  

“चंद मिनट में यह एसेम्बली एक आझाद खुदमुख्तार एसेम्बली होगी. और ये एसेम्बली नुमाइन्दगी करेगी एक आझाद खुदमुख्तार मुल्क की”.

૧૪–૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની રાતે બંધારણ સભામાં ઐતિહાસિક ભાષણ કરતા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ 

રાતના બાર વાગવાને થોડી જ વાર હતી. એ રાતે મુંબઈમાં જેટલાં ઘરોમાં રેડિયો હતો એ બધામાંથી આ એક જ અવાજ આવી રહ્યો હતો. કેટલાક ઉત્સાહીઓએ ઘરની બહાર મોટા ભૂંગળા જેવાં લાઉડ સ્પીકર ગોઠવીને આ ભાષણના શબ્દો રસ્તે ચાલતા લોકો સુધી પહોંચાડવાની તસ્દી લીધી હતી. સરકારી આદેશ વગર પણ લગભગ દરેક ઘરની બહાર આઝાદ હિન્દુસ્તાનનો ત્રિરંગો ફરફરતો હતો. ઘણાં ઘરોની બહાર વીજળીના દીવા ઝબૂકતા હતા. સરકારી મકાનો પર રોશની કરવામાં આવી હતી. સરકારે અગાઉથી જાહેરાત કરી હતી કે ૧૪-૧૫-૧૬ ઓગસ્ટના ત્રણ દિવસ માટે લોકો મુંબઈનાં ટ્રામ-બસ અને લોકલ ટ્રેન જેવાં જાહેર વાહનોમાં મફતમાં મુસાફરી કરી શકશે. એટલે ત્રણે દિવસ રોશની અને બીજા કાર્યક્રમો જોવા જનારા લોકોથી કોટ વિસ્તાર તરફ જતી ટ્રામ-બસ ખીચોખીચ ભરેલી જતી હતી. તો ઘણા લોકો ટહેલતા ટહેલતા જવાનું પસંદ કરતા હતા. રસ્તે જતાં પીપૂડાં વગાડતા હતા. રાતના બરાબર બારને ટકોરે, કોઈ નેતાએ લોકોને અપીલ કરી નહોતી છતાં ય દરેક ઘરમાંથી નાના-મોટા સૌ કોઈ થાળી વગાડી રહ્યા હતા. આ લખનારને બરાબર યાદ છે : મોટા ભાઈએ ઘરની કાંસાની થાળી લાકડાના વેલણથી એટલી તો જોરથી અને એટલી વાર સુધી વગાડી કે એ થાળીના બે કટકા થઈ ગયા હતા! એ રાત હતી ૧૯૪૭ના ઓગસ્ટ મહિનાની ૧૪મી તારીખની. તે દિવસની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. चंद मिनट में માત્ર તારીખ બદલાવાની નહોતી, તવારીખ બદલાવાની હતી. આખા દેશની, દેશના લોકોની. 

રાજાબાઈ ટાવરની ઘડિયાળમાં રાતના બારના ડંકા વાગ્યા. બારમો ડંકો વાગ્યો એ સાથે જ એ ટાવરની ટોચ પરથી હવાઈઓ છોડવામાં આવી. અને એ જ વખતે બેલાર્ડ પિયર, ગેટ વે ઓફ ઇન્ડિયા, અને બીજી ગોદીઓમાં લંગર નાખીને પડેલાં હર કોઈ દેશનાં જહાજોએ ભૂંગળાં વગાડ્યાં. ગિરણગાંવ કહેતાં પરળની કોટન મિલોએ પાળી શરૂ અને પૂરી થતાં રોજ જેમ ભૂંગળાં વગાડે તેમ રાતે બાર વાગે વગાડ્યાં. ભૂલેશ્વર, ગીરગાંવ, તાંબાકાંટા, ઝવેરી બજાર અને બીજી ઘણી બજારોમાં દુકાનદારોએ પોતાની જણસોની રસ્તા પર કમાન બનાવી તેના પર રોશની કરી હતી. મરીન ડ્રાઈવ, ચોપાટી, જેવાં સ્થળોએ લોકો ઊભરાતા હતા. ઘણાએ માથે વિદૂષક જેવી કાગળની ટોપી પહેરી હતી. ઘણાંખરાં બાળકો અને કેટલાંક મોટેરાના હાથમાં પીપૂડાં હતાં તે જોર જોરથી વગાડતા હતા. ચર્ચોમાંથી ઘંટનાદ સંભળાતા હતા અને દેશની આઝાદી અને આબાદી માટે ખાસ યોજાયેલ ‘મિડ-નાઈટ માસ’માં શ્રદ્ધાળુ લોકો દેશને માટે દુઆઓ માંગી રહ્યા હતા. એ જ વખતે રસ્તા પરથી પસાર થતી હતી ધીમી ચાલે ચાલતી BESTની ત્રિરંગી રોશનીથી શણગારેલી ટ્રામ અને બસ. અને બાર વાગ્યા પછી રસ્તા પર કે દરિયા કિનારે હતા તે બધા લોકો એક બીજાને કહી રહ્યા હતા : ‘જય હિન્દ’, વંદે માતરમ્’, મહાત્મા ગાંધી કી જય.’ ‘પંડિત નેહરુ કી જય.’ 

મુંબઈમાં તો અજવાળું, અજવાળું

એક બાજુ લોકોનો આ સ્વયંભૂ ઓચ્છવ ચાલી રહ્યો હતો ત્યારે બીજી બાજુ સરકારી કાર્યક્રમ શરૂ થયો હતો બોમ્બે સિવિલ સેકરેટરિયેટમાં. આજે એ મકાનમાં સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટનાં બેસણાં છે. તે રાતે આખી ઇમારતને કેસરી, સફેદ, અને લીલા રંગની રોશનીથી શણગારવામાં આવી હતી. એ વખતે હજી રાજ્ય અને શહેર, બંનેનું સત્તાવાર નામ હતું બોમ્બે અને બોમ્બે પ્રેસિડન્સી. એ મકાનમાં તો ધારાસભ્યો અને બીજા આમંત્રિતો જ દાખલ થઈ શકે. પણ થોડે દૂર આવેલા ઓવલના મેદાનમાં હજારોની મેદની આ ઐતિહાસિક ઘટનાની સાક્ષી બનવા ઊભી હતી. બધાની આંખો એ મકાનની ટોચ પરની કાઠી પર ખોડાયેલી હતી. સરકારી સમારંભની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી. પ્રાઈમ મિનિસ્ટર (એ વખતે દરેક પ્રેસિડન્સીના સરકારી વડા ‘પ્રાઈમ મિનિસ્ટર’ તરીકે ઓળખાતા. (પછીથી અપનાવાયેલા બંધારણમાં એ પદ ‘ચીફ મિનિસ્ટર’ બન્યું.) બાળાસાહેબ ગંગાધર ખેરને હાથે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો. બ્રિટિશ હકૂમતનો યુનિયન જેક એક લશ્કરી અધિકારીએ ધીમે ધીમે ઉતારી લીધો. અને થોડી જ ક્ષણોમાં એની જગ્યાએ આઝાદ ભારતનો ત્રિરંગો ફરફરવા લાગ્યો. ત્રિરંગો ફરકાવ્યા પછીના ભાષણમાં તેઓ આટલું જ બોલ્યા હતા : ‘આઝાદ ભારતના નાગરિકો! આજથી તમે સૌ આઝાદ છો!’ 

શ્વેતવસ્ત્રાવૃતા રાજાબાઈ (ટાવર)

સરકારી મકાનો, નગરપાલિકાની મુખ્ય ઓફીસ, રેલવે સ્ટેશનો, બેંકો અને વેપારી પેઢીઓની ઇમારતો, બલકે કોટ વિસ્તારની લગભગ એકેએક ઈમારત ઝળાંહળાં થઈ રહી હતી. રાજાબાઈ ટાવર સફેદ બત્તીઓના પ્રકાશમાં ઝળહળી રહ્યો હતો. પણ આ રાજાબાઈ ટાવર પરની રોશનીને કારણે મરાઠીભાષીઓની રીતે કહીએ તો એક ‘મોઠી ગમ્મત ઝાલી.’ રોશની જોવા આવનાર લોકોનાં ટોળાં ક્યારે વિખરાશે એનો અંદાજ કોઈ બાંધી શકતું નહોતું. એટલે ઠરાવાયું એવું કે લોકો વિખરાઈ જાય પછી રાજાબાઈ ટાવરની રોશની બંધ થશે, અને તે પછી બીજી બધી ઈમારતોની રોશની બંધ કરવી. પણ ગમ્મત કાય ઝાલી કે રાજાબાઈ ટાવરની રોશની બંધ કરવાનું કામ જેને સોંપવામાં આવેલું તે મિકેનિકની મળી ગઈ આંખ. સવારે ત્રણેક વાગ્યે ઝબકીને જાગ્યો. જુએ છે તો આસપાસ બધું સૂમસામ. ઝપાટાબંધ ટાવરની લાઈટ બંધ કરી. અને પછી સૂમસામ રસ્તાઓ પરની ઈમારતોની રોશની પણ ટપોટપ બંધ થઈ ગઈ!

બીજે દિવસે, ૧૫મીની સવારે આખા શહેરમાં લોકોએ સ્વેચ્છાએ સરઘસો કાઢ્યાં. પાલવા બંદર, ફ્લોરા ફાઉન્ટન, કાલબાદેવી રોડ, ગીરગામ રોડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, ઝવેરી બજાર, મરીન ડ્રાઈવ કે ચોપાટી, જ્યાં જુઓ ત્યાં લોકોનાં ટોળેટોળાં. હાથમાં તિરંગો, આંખોમાં નવું અજવાળું, હોઠો પર ‘જય હિન્દ!’ અને દિલમાંથી ઊઠતી એક જ અરજ : ‘હે ભારત ભાગ્ય વિધાતા! અમારી ધરતીને સુજલામ્, સુફલામ્ રાખજો’. લોકોનાં ટોળાંમાં કોઈ નાચતા હતા, કોઈ ગાતા હતા, કોઈ મીઠાઈ વહેંચતા હતા. આઝાદી માટેની લડત વખતનાં ગીતો હજી લોકજીભે રમતાં હતાં: ‘યહ સર જાવે તો જાવે, પર આઝાદી ઘર આવે.’  

પણ હવે આઝાદી ઘર આવી ગઈ હતી. ગઈ કાલ સુધી બોમ્બે પોલીસના ગોરા સાર્જન્ટો લોકોના હાથમાંથી ત્રિરંગો ઝૂંટવી લેતા, અને બદલામાં પગ પર કે વાંસામાં લાકડીઓનો માર આપતા હતા. આજે એ જ ત્રિરંગો પોલીસનાં વાહનો પર ફરફરી રહ્યો હતો. ૧૫મીએ સવારે સાડા નવ વાગે બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે એક ખાસ સમારંભ યોજાયો હતો. તેમાં બી.જી. ખેરને હાથે બોમ્બે હોમ ગાર્ડઝને નવા ‘કલર્સ’ (એટલે કે નિશાન-ચિહ્ન) આપવામાં આવ્યા. સાંજે છ વાગે લશ્કર અને પોલીસના જવાનોએ ધ્વજ વંદન કરીને પરેડ કાઢી હતી. 

કદમ કદમ બઢાયે જા: ૧૫મી ઓગસ્ટની સવારે સરઘસ 

પહેલવહેલા આઝાદી દિવસ પહેલાં તેની ઉજવણી અંગે સરકાર તરફથી જે આદેશો બહાર પાડવામાં આવ્યા હતા તેમાંના કેટલાક આજે આપણને આશ્ચર્ય કે રમૂજ ઉપજાવે તેવા છે. ૧૯૪૭ના જુલાઈની ૨૯મીએ એક આદેશ બહાર પાડીને સરકારે દરેક સ્કૂલમાં ૧૫મીની સવારે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવાનો આદેશ આપ્યો હતો. એ વખતે એકઠા થયેલા વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી મીઠાઈ વહેંચવા જણાવાયું હતું. પણ તે પાછળ વિદ્યાર્થી દીઠ છ આના (આજના ૩૭ પૈસા) કરતાં વધુ ખરચ ન કરવા પણ જણાવ્યું હતું. 

પાંચમી ઓગસ્ટે બહાર પાડવામાં આવેલી એક સરકારી યાદીમાં જણાવાયું હતું કે દેશનો ત્રિરંગો ખાદીનો જ હોવો જોઈએ એવી માગણી કેટલાક લોકોએ સરકાર સમક્ષ રજૂ કરી છે. સરકાર સૈદ્ધાંતિક રીતે તેનો સ્વીકાર કરે છે. પણ ત્રિરંગા બનાવવા માટે જરૂરી હોય તેટલી ખાદી તાબડતોબ મળવી મુશ્કેલ છે. એટલે બને ત્યાં સુધી ઝંડા ખાદીના બનાવવા, પણ ખાદી ન મળે તો બીજા સુતરાઉ કાપડના બનાવવા માટે કલેકટર આદેશ આપી શકે છે.

સરકારના ધ્યાનમાં એક વાત છેક ૧૧મી ઓગસ્ટે આવી અને તે જ દિવસે તેણે એક આદેશ બહાર પાડ્યો. અગાઉના આદેશો પ્રમાણે દરેક સરકારી સમારંભમાં ‘ગોડ સેવ ધ કિંગ’ ગાવા કે વગાડવાનું ફરજિયાત હતું. ૧૪મી ઓગસ્ટે કે તે પછી કોઈ પણ સરકારી સમાંરભમાં ‘ગોડ સેવ ધ કિંગ’ ગાવું/વગાડવું નહિ એમ આદેશમાં જણાવાયું. એ વખતે હજી દેશનું બંધારણ ઘડાયું નહોતું, અને એટલે ‘રાષ્ટ્રગીત’ નક્કી થયું નહોતું. એટલે સરકારી આદેશમાં જણાવાયું હતું કે જો સ્થાનિક લોકોની ઇચ્છા કે માગણી હોય તો ‘જન ગણ મન’ કે ‘વંદે માતરમ્’ ગાઈ કે વગાડી શકાય. 

એ વખતે આજના જેવાં સંચારમાધ્યમો નહોતાં. સમાચારનો મુખ્ય આધાર રેડિયો અને છાપાં. એ વખતે ઘણાંખરાં છાપાંની કિંમત બે આના (આજના બાર પૈસા). બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારથી દેશમાં કાળાબજારે પગ પેસારો કર્યો હતો. એટલે કેટલાંક અખબારોએ ૧૪-૧૫-૧૬મી ઓગસ્ટના અંકમાં કિંમત છાપીને નીચે મોટા અક્ષરે છાપ્યું હતું : ‘Do NOT pay more.’ ઓગસ્ટની શરૂઆતથી દરેક છાપામાં સૌથી વધુ જોવા મળતી જો કોઈ જાહેર ખબર હોય તો તે રેડિયોની. ત્યારે સૌથી સસ્તા રેડિયો સેટની કિંમત હતી રૂપિયા પંચાણું. 

બેલાર્ડપિયર પરથી વિદાય લેતી બ્રિટિશ લશ્કરની પહેલી ટુકડી

પછી આવ્યો ૧૭મી ઓગસ્ટનો દિવસ. આખા દેશમાં અંગ્રેજોનું લશ્કર સૌથી પહેલાં ઊતર્યું હતું મુંબઈને કિનારે, ૧૬૬૫માં. અને એ જ મુંબઈના કિનારે આવેલા બેલાર્ડ પિયરથી બ્રિટિશ લશ્કરની પહેલી ટુકડીએ વિદાય લીધી. તેમને વળાવવા માટે ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન દિલ્હીથી મુંબઈ આવ્યા હતા. વિદાય પહેલાં તેમણે કરેલા ભાષણમાં સૈનિકોની બહાદુરી અને ફરજપરસ્તીની પ્રશંસા કરીને તેઓ સુખરૂપ સ્વદેશ પહોંચે એવી શુભેચ્છા પાઠવી. પછી સૈનિકોની સાથે લોર્ડ અને લેડી માઉન્ટબેટન સ્ટીમર પર ગયાં અને થોડો વખત સૈનિકો સાથે ગાળીને પાછાં કિનારે આવી ગયાં હતાં. 

બ્રિટિશ સૈન્યની પહેલી ટુકડીને જતી જોવા માટે લોકોની ખાસ્સી મેદની એકઠી થઈ હતી. પાંચ-સાત વરસની એક ગરીબ અને ગરીબડી છોકરી પણ ત્યાં ઊભી હતી. વિદાય લઈ રહેલા સૈનિકો તેની બાજુમાંથી જ કૂચ કરી રહ્યા હતા. ટોળામાંથી કોઈએ એક સૈનિકના હાથમાં ખાદીનો નાનકડો ત્રિરંગો પકડાવી દીધો હતો. છોકરીને જોઈને એ સૈનિક ઘડીભર ઊભો રહ્યો અને છોકરીનો ખભો થાબડીને પોતાના હાથમાંનો ત્રિરંગો તેને આપી દીધો. અને એ જ ક્ષણે પેલી છોકરીની આંખોમાં કોઈ અજબની ચમક આવી. આસપાસનાં બધાં સાંભળે તેમ તે બોલી ઊઠી : ‘સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાં હમારા’. 

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 15 ઓગસ્ટ 2026

Loading

15 August 2026 Vipool Kalyani
← મોંઘવારીને મામલે સામાન્ય માણસ અસામાન્ય રીતે ચૂપ છે …

Search by

Opinion

  • મોંઘવારીને મામલે સામાન્ય માણસ અસામાન્ય રીતે ચૂપ છે …
  • કૃત્રિમ બુદ્ધિમતાથી સર્જાઈ શકે છે અસલી જળસંકટ
  • જંતરમંતર અને ઝારખંડથી હઠીને બે શબ્દ રચનાત્મક કૉંગ્રેસને મિષે    
  • ભેરવાયા
  • દાવાનળ થયો અને તેની ગરમીમાં ફુગ્ગો ફૂટી ગયો. 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved