
રવીન્દ્ર પારેખ
એમ લાગે છે, મોંઘવારી મીડિયાને જ લાગે છે ને તે જ ચેનલો, વર્તમાનપત્રોમાં રડારોળ કર્યા કરે છે, બાકી, સામાન્ય માણસને તે કંઇ લાગુ પડતી હોય એવું લાગતું નથી. ખૂણેખાંચરે મોંઘવારીની પંચાત થતી હશે, પણ તેનો અવાજ સપાટી પર આવતો નથી. ક્યાં તો લોકોને મોંઘવારી લાગતી નથી અથવા તો કોઈ ડરને કારણે તેઓ ચૂપ છે. એટલું તો છે ને કે મોંઘવારી આખા દેશને સ્પર્શતો મુદ્દો છે ને તેમાં જન સામાન્યનો અવાજ ન ભળે એ તો ચાલે જ કેમ? એક વાત બહુ સ્પષ્ટ છે કે મોંઘવારી રાષ્ટ્રીય સમસ્યા છે ને તે ઉકેલવા બાબતે સરકાર બહુ બેધ્યાન છે. મોંઘવારી હોય જ નહીં તેમ પ્રજા અને સરકાર શાંત છે. એ પણ દુ:ખદ છે કે આ સામાન્ય લોકોને સ્પર્શતો પ્રશ્ન છે, પણ સામાન્ય અવાજ પણ ઊઠતો નથી. પ્રજાનું આ ખંધું મૌન દુ:ખદ અને ઘાતક છે.
રિઝર્વ બેંક પણ મોંઘવારી વધે છે તો વધામણાં ખાય છે ને આંકડાઓ જાહેર કરે છે. આ વખતે ખાદ્ય સામગ્રીઓમાં થયેલા ભાવ વધારાને કારણે જુલાઈ મહિનામાં રિટેલ ફુગાવો વધીને 4.45 ટકા પર પહોંચ્યો છે. જુલાઈનો આંકડો અત્યાર સુધીમાં સૌથી ઊંચો છે. ખાસ કરીને ડુંગળી અને આદુના ભાવમાં થયેલો વધારો એને માટે જવાબદાર છે. ડુંગળીની મોંઘવારી 4.73 ટકાથી વધીને 22.54 ટકા થઈ છે. જ્યારે આદુમાં 83.62 ટકાનો ઉછાળો જોવાયો છે. લસણના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
સરકારી આંકડાઓ અનુસાર જૂનનો રિટેલ ફુગાવો, કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (CPI) આધારિત 4.38 ટકા હતો. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ જુલાઈ મહિનામાં ખાદ્ય ફુગાવો વધીને 5.52 ટકા પર પહોંચ્યો છે. આ આંકડો જૂન મહિનામાં 5.32 ટકા હતો. આમ મોંઘવારીમાં થયેલા વધારામાં ખાદ્ય સામગ્રીમાં થયેલ ભાવ વધારો જવાબદાર છે. એ નોંધનીય છે કે સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેન્કને કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (CPI) આધારિત મોંઘવારી દરને 4 ટકા પર રાખવાની જવાબદારી સોંપાઈ છે. જેમાં બંને તરફ 2 ટકાની છૂટછાટ રાખવામાં આવી છે. જો કે, તહેવારોની સીઝનમાં મોંઘવારી દર ઊંચો રહે એમ બને.
આ તો રાષ્ટ્રીય મોંઘવારીની વાત થઈ, તેમાં ગ્રામીણ મોંઘવારી દર 4.84 ટકા અને શહેરી મોંઘવારી દર ૩.96 ટકા હતો. તેલંગાણામાં સૌથી વધુ મોંઘવારી દર 6.32 ટકા નોંધાયો છે ને મિઝોરમમાં સૌથી ઓછો 1.84 ટકા નોંધાયો છે. રિઝર્વ બેન્કને હિસાબે ઇંધણના ભાવમાં થયેલ વધારાને કારણે મોંઘવારી વધી છે. RBIએ 2026-’27માં CPI આધારિત મોંઘવારીનું અનુમાન 5 ટકાનું રાખ્યું છે. આગામી મહિનાઓમાં ખાદ્ય તેલ મોંઘુ થવાનું છે. આ ઉપરાંત પરિવહન ખર્ચ અને ભૌગોલિક રાજકીય તનાવ મોંઘવારી વધારે એમ બને. ક્રૂડ ઓઈલ આવતા વીકમાં 80-85 ડોલરની આસપાસ રહેવાની શક્યતા છે, એટલે એ પણ મોંઘવારીમાં વધારો કરે એ શક્ય છે.
આ તો થઈ સરકારી આંકડાઓની રમત. એ સામાન્ય માણસને સીધી અસર ઓછી જ કરે છે. એ તો બજારમાં કિલો-બે કિલો ખરીદે છે ને તેમાં ભાવ વધે છે તો ખિસ્સું કપાતું હોય તેવું અનુભવે છે. એ મોંઘવારી કેવીક છે? રિઝર્વ બેન્કના આંકડાઓ કરતાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો ભાવ વધે છે તો સામાન્ય અને મધ્યમ વર્ગને બહુ ત્રાસદાયક વીતે છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યપદાર્થોમાં 10 ટકા સુધીનો ભાવવધારો નોંધાયો છે. આ વખતે ચોમાસું વધારે અને અનિયમિત રહ્યું છે, તે ઉપરાંત ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે તહેવારોમાં આર્થિક તનાવ વધવાની શક્યતાઓ છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોમાં બધું જ મોંઘું ખરીદવાનું બધાંને ન પરવડે એમ બને ને એમનો તહેવાર ફિક્કો થઈ જાય એમ પણ બને.
સાચું તો એ છે કે મોંઘવારીએ માઝા મૂકીને તમામ હદો પાર કરી દીધી છે. તેને લીધે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને રોજિંદું જીવન જીવવાનું જીવ પર આવ્યું છે. બજારમાં જરૂરી ચીજવસ્તુઓ પર હાથ ન મુકાય એ હદે ભાવ આસમાને પહોંચ્યા છે. એક તરફ સામાન્ય પરિવારોની આવક નક્કી અને મર્યાદિત છે, તો બીજી તરફ દૈનિક ખર્ચ અમર્યાદિત રીતે વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોની ખરીદ શક્તિ નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે, એમાં સામાન્ય ને મધ્યમવર્ગની હાલત તો બદથી બદતર થઈ રહી છે. સામાન્ય માણસ સાધારણ ખર્ચમાં સાદું ભોજન ન મેળવી શકે તો એ ક્યે મોઢે ભારત માતાકી જય બોલશે? આઝાદીને લગભગ 80 વર્ષ થવાનાં. આટલાં વર્ષમાં આ દેશનો નાગરિક દાળ-રોટલા પણ ન પામી શકે તો તે કઈ રીતે સ્વતંત્ર નાગરિક હોવાનો દાવો કરી શકશે?
40 રૂપિયે મણ ચોખા હતા, ત્યારે પણ કેટલાક તો ખાઈ શકતા ન હતા ને હવે અનેક ગણા મોંઘા છે ત્યારે પણ એ જ સ્થિતિ છે. મધ્યમ વર્ગને આવક, મોંઘવારી વધે એમ વધતી નથી એટલે એણે પણ પેટ કાપીને જ ચલાવવું પડે છે.
બધું જ પહોંચ બહાર જઈ રહ્યું છે. કઠોળ, ચોખા, લોટ, દૂધ જેવી જરૂરી ચીજ વસ્તુઓ ઘરની બહાર રહી જાય એટલી બધી મોંઘી છે. ડુંગળી પણ ઘરમાં ન આવી શકે એટલી મોંઘી થઈ છે. શાકભાજી પણ લક્ઝરી થઇ ગઈ છે. શ્રાવણમાં તહેવારો આવી રહ્યા છે ને ચીજ વસ્તુઓ ઘરમાં આવે જ નહીં, એટલી મોંઘી થઇ ગઈ છે. તહેવારોમાં વહેવારો ના સચવાય એટલી મોંઘવારી ક્યાં જઈને અટકશે તે નથી ખબર. એ પણ નથી સમજાતું કે યુદ્ધને કારણે મોંઘવારી છે કે મોંઘવારીને કારણે યુદ્ધ છે? યુદ્ધ ન હતું ત્યારે પણ સોંઘવારી હતી એવું તો ન હતું. યુદ્ધને કારણે વૈશ્વિક બજાર અને સપ્લાય ચેઈન પ્રભાવિત થાય એ ખરું, પણ આમાં કેટલું સાચું ને કેટલું ઉપજાવેલું એ નક્કી કરવાનું મુશ્કેલ છે. એટલું નક્કી છે કે ચોમાસું નબળું ન હોય કે યુદ્ધ ન હોય, ત્યારે પણ ભાવો, ખાસ કરીને તહેવારોમાં વધ્યા જ છે. મોંઘવારી માટે આપણે કારણની રાહ જોતાં નથી. આ વખતે પાક ઓછો છે, સંગ્રહખોરી વધી છે … વગેરે મોંઘવારી ચાલુ રાખવાની યુક્તિઓ છે. સાચી વાત એ છે કે ભાવ વધારામાં પારદર્શિતા પહેલેથી જ ઓછી છે ને એનો ભોગ સામાન્ય તથા મધ્યમ વર્ગ બને છે.
છેલ્લા એક વર્ષમાં તુવર દાળ 119.50 પરથી ૩.24 ટકા મોંઘવારી સાથે 123.37 પર પહોંચી છે. અડદ દાળ 5.52 ટકા મોંઘી થઈ છે. સનફલાવર ઓઈલ 160.51 પરથી 189.37 પર પહોંચ્યું છે. આ ટકાવારી 17.98 ટકા છે. સિંગતેલ 9.25 ટકા મોંઘું થયું છે, જ્યારે ડુંગળી 28.24 પરથી 24.18 ટકા મોંઘવારી સાથે 35.07 પર પહોંચી છે. આમ જ દૂધ, તેલ, કઠોળ, ચોખા જેવી આઇટેમો મોંઘી થઈ છે. ટૂંકમાં, આમાંની કોઈ એવી લક્ઝરી આઇટેમ નથી, જે મોંઘી થાય તો પરવડે. અહીં લીધી તે તમામ ચીજવસ્તુઓ જીવન જરૂરી છે. જીવવા માટે જે જરૂરી જ છે, તે પણ સસ્તી ન મળે તો સામાન્ય ને મધ્યમવર્ગીય લોકોએ કેમ ટકવું તે પ્રશ્ન જ છે. હવે તો કહેવાતો ઉચ્ચ મધ્યમવર્ગ પણ મોંઘવારીનું રડતો થઈ ગયો છે.
સાચી વાત એટલી છે કે જે જીવન જીવવા જરૂરી જ છે, એવી ઓછામાં ઓછી ચીજવસ્તુઓ પણ સામાન્ય વર્ગ ખરીદી ન શકે, તો જીવન વ્યવહાર ચલાવવા તેણે શું કરવું એના ઉપાયો શોધવા જોઈએ. તેમને જીવવાનો હક નથી શું? આ દેશ જીવવા માટે ઓછામાં ઓછી ચીજ વસ્તુઓ સામાન્ય વર્ગને ન આપી શકે, તો શેનો વિકાસ કરી રહ્યા છીએ આપણે? ગરીબીનો કે ભૂખમરાનો તે પ્રશ્ન દરેકે દરેકને પૂછવા જેવો છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ઑગસ્ટ 2026
![]()

