ગૅપ યર એટલે પ્રોફેશન અને કારકિર્દીમાં કશુંક નવું શરૂ કરતાં પહેલા લેવાતો સમય. ભારતમાં તેજસ્વી વિદ્યાર્થીઓ સતત ભયાનક તાણમાં જીવતા હોય છે અને માબાપો બેબાકળાં ફરતાં દેખાય છે ત્યારે જરા હટ કે, આઉટ ઑફ ધ બૉક્સ વિચારવાની જરૂર જણાય છે. પરંપરા અને ડરના ઘેરામાંથી બહાર નીકળીએ તો એ ઘેરાની બહાર પણ એક દુનિયા છે અને એ દુનિયા સુંદર છે તે ચોક્કસ સમજાય.

સોનલ પરીખ
ત્રણ વર્ષથી હું ફોન કરું ત્યારે ઉત્સાહ વગર ટૂંકમાં પતાવતી વંદનાનો સામેથી ફોન આવ્યો એ જ ઊમળકા અને આનંદથી છલકતો સ્વર. મેં મજાક કરતાં કહ્યું, ‘નોકરી છૂટી ગઈ? તારો આ મૂડ તો તને નોકરી મળી તે પહેલાનો છે.’ ત્યારે એ હસી પડી, ‘મેં એક વર્ષનો ગૅપ લીધો છે.’ ‘શું કરવાની?’ ‘મઝા. પોતાની સાથે, પરિવાર સાથે અને જિંદગી સાથે નવેસરથી દોસ્તી.’ ‘તેને માટે વરસના વીસ લાખનું નુકસાન ખમીશ?’ ‘તાજી થઈશ પછી તેનું સાટું પણ વાળી દઇશ ને!’
મને મારો કઝીન મુકેશ યાદ આવી ગયો. ચાલીસ વર્ષ પહેલા એ એન્જિન્યરિંગનો આશાસ્પદ ઉમેદવાર હતો. બોર્ડની પરીક્ષા પહેલા તેણે તેના પપ્પાને કહ્યું, ‘મારે ડ્રોપ લેવો છે, આવતા વર્ષે વધારે સારી તૈયારી સાથે પરીક્ષા આપીશ જેથી બેસ્ટ કૉલેજમાં એડમિશન મળે.’ પિતા આખેઆખા હલી ગયા, ‘જેમાં મળે તેમાં જજે, ડ્રોપ નહીં લેવા દઉં.’ તેમને ડર હતો કે ડ્રોપ લેવા દીધો તો એનું વર્ષ બગડશે. તૈયારી ખબર નહીં કેવી કરશે, ભણવાનું છોડી જ દેશે તો – વગેરે. ત્યારે એડમિશન એટલાં મુશ્કેલ નહીં એટલે મુકેશની કારકિર્દી સચવાઈ ગઈ. થોડાં વર્ષ પછી તેની દીકરી માન્યાએ મેડિકલ માટે પ્રવેશપરીક્ષા આપી. ધાર્યા માર્કસ આવ્યા નહીં. માન્યા કહે, ‘ડેડી, મારે ફરી ટેસ્ટ આપવી છે.’ ‘એ માટે એક વર્ષ રાહ જોવી પડે. વર્ષ બગાડીશ?’ ‘બગાડીશ નહીં, વધારે સારી તૈયારી કરીશ.’ મુકેશને પોતાનો અનુભવ યાદ આવ્યો અને તેણે માન્યાને એક વર્ષ આપ્યું. આજે એ મનગમતી બ્રાન્ચમાં ડૉક્ટર થઈ ચૂકી છે, પણ તેને યાદ છે કે તેણે લીધેલા એક વર્ષના ગૅપ માટે તેણે અને તેનાં મમ્મીડેડીને બીજા લોકો સમક્ષ કેટકેટલા ખુલાસા કરવા પડ્યા હતા.
આઈ.આઈ.ટી. એંજિનિયર મહેને દુબઈમાં મળેલી મોટા પગારની નોકરી ‘હું મશીન જેવો થઈ ગયો છું’ એવું કહીને છોડી ત્યારે તેનાં માતાપિતાએ તો થોડી અવઢવ પછી એ સ્વીકારી લીધું, પણ બીજા બધાંને લાગ્યું કે તેનું ચસકી ગયું છે. તેમાં પણ તેણે એક વર્ષ કઈં જ ન કર્યું, ફક્ત એ વિચાર્યું કે હવે શું કરવું ત્યારે તો સગાંસંબંધીઓએ તેનો કાંકરો જ કાઢી નાખ્યો. આ બધાથી અલિપ્ત રહી તેણે પોતાનો સમય લીધો અને મનગમતું ક્ષેત્ર શોધી કાઢ્યું. અત્યારે તે એમાં ટોચ પર છે, ખુશ પણ છે.
દુનિયાભરમાં પ્રચલિત ડ્રોપ, બ્રેક, ગૅપ યર જેવા શબ્દો ઇન્ટરનેટની મહેરબાનીથી હવે ભારતીયોની જીભે પણ ચડવા માંડ્યા છે. ગૅપ યર એટલે પ્રોફેશન અને કારકિર્દીમાં કશુંક નવું શરૂ કરતાં પહેલા લેવાતો સમય. મોટેભાગે આવો ગૅપ હાઇસ્કૂલ છોડી કૉલેજ જતા પહેલા કે ગ્રેજ્યુએશન કર્યા પછી કામ કે આગળનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં લેવાતો હોય છે. આજથી થોડાં વર્ષ પહેલાં ગૅપ યર શબ્દ સાંભળી પશ્ચિમમાં પણ લોકોનાં ભવાં ચડી જતાં હતાં. હવે ત્યાં ગૅપ યર પ્લાનનાં પુસ્તકો મળે છે, શાળા-કૉલેજોમાં ગૅપ યર પ્લાનિંગનું માર્ગદર્શન મળે છે. તેની સામે ‘ડોન્ટ ગેટ કોટ અપ ઇન ધ ગ્લેમર ઑફ ગૅપ યર’ એવી પુસ્તિકાઓ પણ વેચાય છે. પણ સરવાળે 2010થી ગૅપ યરને કારકિર્દી-વિકાસના એક તબક્કા તરીકે સ્વીકૃતિ મળી છે.
ગૅપ યર દરમ્યાન વિદ્યાર્થીઓ એડવાન્સ્ડ કૉર્સ કે અભ્યાસેતર પ્રવૃત્તિઓ કરે છે, નવાં કૌશલ્યો વિકસાવે છે, પ્રવાસે જાય છે, કમાણી કરે છે કે પછી કલા, સેવા કે રમતગમતમાં ઊંડા ઊતરે છે. આ સમયમાં કઈં પણ પ્રવૃત્તિ કરવાની મોકળાશ હોય છે. ગૅપ યર લેવું કે નહીં અને લેવું તો એમાં શું કરવું તેના કોઈ નિયમ નથી હોતા, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રવાસ અને કમાણી આ બેમાંથી એક વિકલ્પ પસંદ કરતા હોય છે. ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલૅન્ડમાં સોલો ટ્રાવેલ એટલે કે એકલા પ્રવાસ કરવાનો મહિમા છે. તેઓ કહે છે, ‘ઓ.ઈ. પર છું.’ ‘ઓ.ઈ.’ એટલે ઓવરસીઝ એક્સપિરિયન્સ. આ ગાળા દરમિયાન તેઓ દુનિયાના, વાસ્તવિકતાના અને પોતાની જાતના સીધા સંપર્કમાં આવે છે. આ અનુભવ તેમને ત્યાર પછીને નિર્ણયોમાં કામ લાગે છે. એક વર્ષ કમાણી કરીને પછી ભણનાર વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ જુદાં જ હોય છે. ભારતની શિક્ષણપ્રણાલીમાં આ રીતે વિચારવાનું અઘરું છે, છતાં એવાં વિદ્યાર્થીઓ નીકળે છે જેમને ગૅપ યર લેવું હોય છે. અમેરિકા-યુરોપની યુનિવર્સિટીઓ કહે છે કે ગૅપ યર લીધા બાદ આવેલા વિદ્યાર્થીઓ પોતાના વિષે વધારે સ્પષ્ટ, સંતુલિત અને એકાગ્ર હોય છે.
તો શું દરેક વિદ્યાર્થીએ ગૅપ યર લેવું જોઈએ? ભારત જેવા દેશમાં ગૅપ યર કલ્ચર કેટલું વ્યાવહારિક છે? ખરું જોતાં ગૅપ યર એક તક છે. તરુણ, બિનઅનુભવી માનસને વાસ્તવ જગત પાસેથી ઘણુંબધું શીખવાની એવી તક જે તેમને તેમના ભાવિ જીવનને આકાર આપવામાં કામ લાગે છે. તો પણ ભારતમાં આ વિભાવનાનો વ્યાપક સ્વીકાર થતાં ઘણી વાર લાગશે. ભારતમાં તરુણો સતત સારું પરિણામ લાવવાના વધારેપડતા દબાણ હેઠળ જીવતા હોય છે. માતાપિતાને ડર હોય છે કે શાળા અને કૉલેજ વચ્ચે એક વર્ષનો ગૅપ લેશે તો શું થશે? શાળા અને કૉલેજ વચ્ચેનો એક વર્ષનો ગૅપ – પછી એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે હોય, કમાણી માટે હોય કે મનગમતી પ્રવૃત્તિ માટે – પોતાના સંતાનને ધ્યેયથી વિમુખ કરી દેશે. જો કે હવે સમય ધીમી પણ ચોક્કસ ગતિથી બદલાઈ રહ્યો છે. દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં દસમા-બારમાના વિદ્યાર્થીઓ જરૂર લાગે તો ગૅપ લેવા તૈયાર હોય છે, એ ગાળા દરમિયાન શું શું થઈ શકે એ જાણવા તત્પર હોય છે અને માબાપો પણ એકવાર આ વિષે વિચારવા જેટલા કૂણાં પડ્યાં છે. 17 વર્ષનો અંશુમાન કહે છે, ‘મને જરૂર લાગશે તો ગૅપ યર લેતાં હું નહીં અચકાઉં. મારાં માતાપિતા પણ સમજશે કે માર્કસ ઉપરાંત એ ગાળો વ્યક્તિત્વવિકાસ, આત્મવિશ્વાસ અને સંગીત-ચિત્ર જેવી કોઈ કલાના અભ્યાસ માટે મહત્ત્વનો છે, અને આ બધું એક સારા સી.વી. (કરિક્યુલમ વાઈટા) માટે કામનું છે.’ તેની વાત વિચારવા જેવી છે. આવો રસ સાયન્સ, કોમર્સ કે આર્ટ્સના વિદ્યાર્થીઓમાં સમાનપણે જોવા મળ્યો છે.
ભારતમાં કોર્પોરેટ વિશ્વમાં હવે લોંગ બ્રેકની ભલામણ અને સ્વીકાર થતાં દેખાય છે. બેલ્જિયમમાં નોકરિયાતોને ટાઈમ ક્રેડિટ એટલે કે એક વર્ષની રજા આપવામાં આવે છે. નાઈજિરિયામાં કૉલેજ પૂરી થયા પછી એક વર્ષ દેશનું કામ કરવાનું હોય છે. શરૂઆત ત્રણ અઠવાડિયાના કેમ્પથી થાય છે. ત્યાંથી દરેકને જુદા જુદા સરકારી વિભાગમાં મોકલવામાં આવે છે. દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં ગૅપ યર પ્રચલિત છે. વિદ્યાર્થીઓ પ્રવાસે જાય છે કે પછી પ્રાણીઓ-પર્યાવરણ માટે કામ કરે છે. અમેરિકામાં ભાગ્યે જ કોઈ ગૅપ યર લેતું, પણ હવે ગૅપ યર લેનારની સંખ્યા વધતી જાય છે અને યુનિવર્સિટીઓ પણ ગૅપ યર પ્લાન્સ અને પ્રોગ્રામ્સ ઑફર કરતી થઈ છે. એમેનમાં ગ્રેજ્યુએટ થયા પછી એક વર્ષની રાહ જોવાનું ફરજિયાત છે. 90ના દાયકા સુધી ત્યાંના છોકરાઓ લશ્કરમાં અને છોકરીઓ હોસ્પિટલો કે શાળાઓમાં સેવા આપે એવો નિયમ હતો.
ભારતમાં તેજસ્વી વિદ્યાર્થીઓ સતત ભયાનક તાણમાં જીવતા હોય છે અને માબાપો બેબાકળાં ફરતાં દેખાય છે ત્યારે જરા હટ કે, આઉટ ઑફ ધ બૉક્સ વિચારવાની જરૂર જણાય છે. પરંપરા અને ડરના ઘેરામાંથી બહાર નીકળીએ તો એ ઘેરાની બહાર પણ એક દુનિયા છે અને એ દુનિયા સુંદર છે તે ચોક્કસ સમજાય.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 જુલાઈ 2026
![]()

