આભ આખું જોને કેવું પ્રેમથી ન્હાયે છે વરસાદમાં,
મોર થઈને જીવ મારો આજ તો ગાયે છે વરસાદમાં.
ધૂળથી ખરડાયેલી આ સૃષ્ટિ આખી શુદ્ધ થઈ,
પાન પાન પર નવું એક રૂપ દેખાયે છે વરસાદમાં.
બંધ જે રાખ્યા હતા મેં દર્દના વાગોળવા,
એ બધાંયે આંસુઓ પાણીમાં ધોવાયે છે વરસાદમાં.
વાયરો લાવ્યો છે ભીની એ જ માટીની સુવાસ,
એક જૂની યાદ દિલમાં આવી ન્હાયે છે વરસાદમાં.
નાવ કાગળની બનાવીને ફરી કૂદ્યા બધા,
બાળપણ આખું જુઓ શેરીમાં છલકાયે છે વરસાદમાં.
કોઈના વિરહની અગન જે દિલ મહીં બળતી હતી,
જોઈ વાદળ એ નજર પણ આજ મલકાયે છે વરસાદમાં.
આખી ધરતી ઓઢીને બેઠી છે લીલી ચાદરો,
કુદરતનો ઠાઠ આખો ક્યાંય ના સમાયે છે વરસાદમાં.
e.mail : kinjalpanchal439@gmail.com
![]()

