Opinion Magazine
Number of visits: 9951429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

AIને માથે ચડાવવા જેવું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 June 2026

રવીન્દ્ર પારેખ

કોઈ પણ શોધ માનવ જાતના કલ્યાણ ને સુખાકારી માટે થતી હોય છે, પણ AI (આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ) કેટલું ઉપકારક નીવડશે તે પ્રશ્ન જ છે. કોઈ પણ યંત્ર માણસ માટે હોય છે ને માનવના કાબૂમાં તે રહે છે, પણ AI જતે દિવસે માણસને ખસેડીને પોતે જ સર્વેસર્વા બની રહે તો આશ્ચર્ય ન થાય. AI-નો અર્થ જ કૃત્રિમ બુદ્ધિમત્તા છે. તે કૃત્રિમ છે ને અસલને ખસેડીને તેની નકલમાં પડે તો તેને આવકારવાનું મુશ્કેલ છે. એમાં કોઈ શક નથી કે AI માણસની મદદમાં ઘણું રહે છે, પણ તેણે માણસના સદ્દગુણોને સત્કારવા જોઈએ, તેને બદલે તે અવગુણો શીખે તો, તે બરાબર નથી. આ અવગુણો શીખવામાં તેને શીખવનાર પરિબળોને અવગણી ન શકાય. AI માણસની ઉપરવટ જાય એવા દિવસો આવી રહ્યા છે. એ સાચું હોય તો તેનાથી ચેતવા જેવું છે.

હમણાં AIને લઈને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે AI માનવીના અવગુણો શીખી રહ્યું છે ને તે શીખે છે માનવી પાસેથી. AI માનવીના તમામ પ્રકારના ભેદભાવો શીખી રહ્યું છે. હાલના સંજોગોમાં માણસ વધુ હિંસક, વધુ આક્રમક, વધુ ભ્રષ્ટ થયો છે, ત્યારે AI તેની પાસેથી અનાચાર શીખે એ માનવ જીવન માટે કઈ રીતે ઉપકારક નીવડશે તે નથી સમજાતું. માણસ હિંસક, આક્રમક કે ભ્રષ્ટ ઓછો હતો તે હવે AI પણ એ જ દિશામાં આગળ વધી રહ્યું છે? આ કોઈ પણ રીતે ઇચ્છવા જેવું નથી.

સમાજમાં જે ભેદભાવ અને હિંસા ફેલાયેલાં છે, તેમાં AI વધારો કરી રહ્યું છે – એવી ચેતવણી પણ એ રિપોર્ટમાં આપવામાં આવી છે. તપાસ તો એ પણ થવી જોઈએ કે વિશ્વમાં યુદ્ધો, હત્યાઓ, ભ્રષ્ટાચાર વગેરે ચરમ સીમાએ છે તેમાં AIનો કોઈ ફાળો છે કેમ? એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ મશીન માનવ કલ્યાણ માટે અમલમાં આવ્યું હોય, તો તેનો હેતુ બદલાયો નથી, પણ AIની ભૂમિકા સંદિગ્ધ રહી છે. તે ઉપયોગી તો છે જ, તે સાથે જ તે જોખમી પણ છે. તે માણસના અવગુણો શીખે છે, તો તેનાથી માનવ જાતનું શું હિત સધાશે તે પર વિચાર થવો ઘટે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેષે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે AI કંપનીઓએ વીજળી, પાણી અને જમીનના ઉપયોગથી પર્યાવરણને શું નુકસાન પહોંચાડ્યું છે તેનો કાર્બન ઉત્સર્જનનો તથા પાણી, વીજળી,  જમીન વગેરેના ઉપયોગનો વિસ્તૃત અહેવાલ આવવો જોઈએ. ટૂંકમાં, એટલું તો નક્કી છે કે વીજળી, પાણી અને જમીનના ઉપયોગથી પર્યાવરણને નુકસાન તો થયું છે. જોવાનું એ રહે છે કે નુકસાન કેટલું થયું છે? યુ.એન.ના વડાના કહેવા મુજબ 12,000 ડેટા સેન્ટરો આવેલાં છે, તે આખા વિશ્વમાં વપરાતા વીજળી-પાણીનો બેથી ત્રણ ટકા હિસ્સો છે. આ બધાંને લીધે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. UNના મહાસચિવે AIને લીધે પર્યાવરણને થતાં નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે AI પર્યાવરણ સંલગ્ન પારદર્શિતા અને ઈનિશિએટિવ પર એક પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે.

વધારે દુખદ તો એ છે કે AI માનવીય વાણી વ્યવહારોની નકલ કરવા લાગ્યું છે. તે મનુષ્યના વ્યવહારોમાં પણ નબળા વ્યવહારોની નકલ કરે છે એ દુખદ છે. AI ગમે એટલું ઉત્તમ હોય તો પણ તે માણસની ઉપરવટ ન જાય એની કાળજી લેવાવી જોઈએ. તે માથે ચડી જાય તો તે ચલાવી શકાય નહીં. માણસે મશીન બનાવ્યું છે, મશીને માણસ બનાવ્યો નથી, પણ હવેની ગતિ મશીન માણસને બનાવે એ દિશાની છે. દેખીતું છે કે મશીન માણસ બનાવે તો તેના પર સૌથી વધુ કાબૂ મશીનનો રહે ને એમ માણસ બનતો હોય તો તેમ થવા દેવા જેવું ખરું? અત્યારે તો AI નબળા વ્યવહારો માણસ પાસેથી શીખે છે, પછી એ હત્યા, બળાત્કાર, ભ્રષ્ટાચાર વગેરે નહીં જ શીખે એની ખાતરી નથી. મશીનને નબળું મશીન બનાવવાથી કોને શું લાભ છે, એ પણ જોવાવું જોઈએ. માણસની નબળાઈ AI શીખે એથી માણસને તો કોઈ લાભ નથી.

AI મનુષ્યનાં વર્તનનો પડઘો પાડે એનાથી ખુશ થવા જેવું નથી. માણસ સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવ કરે જ છે. હવે એ જ કામ AI પણ કરવાનું હોય તો તેના હોવાનું કયું ગૌરવ લેવા જેવું છે? AI મહિલા-પુરુષ વચ્ચેના ભેદભાવો શીખે કે વંશીય ભેદભાવો શીખે, એમાં માણસને કોઈ લાભ નથી, એથી ઊલટું AI શીખે એથી એને પણ નથી, તો તે શું કામ ચાલુ રહેવું જોઈએ? જગત આટલું નબળું છે જ તેમાં AIની નબળાઈ ઉમેરવા જેવી ખરી? સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતો દ્વારા 133 AI સિસ્ટમનો અભ્યાસ કરવામાં આવ્યો તો, 44 ટકા સિસ્ટમ એવી નીકળી જેમાં મહિલાઓ પ્રત્યે પૂર્વગ્રહ જોવા મળ્યો, જ્યારે 30 ટકા સિસ્ટમમાં લિંગભેદની સાથે વંશીય ભેદભાવ પણ જોવા મળ્યો. સૌથી ખરાબ શીખવાનું AIનું મહિલાઓ માટે રહ્યું છે. લાર્જ લેન્ગવેજ મોડેલ્સ-એલ.એલ.એમ.માં મહિલાઓને ઘર, પરિવાર કે બાળકો સાથે જ જોડવામાં આવી છે, જ્યારે કેટલાક કેસમાં મહિલાઓને શારીરિક સંબંધ બાંધવાની વસ્તુ કે સંપત્તિ તરીકે કે પુરુષોને આધીન વ્યક્તિ તરીકે બતાવાઈ છે, જયારે પુરુષને બિઝનેસ, લીડરશિપ કે કારકિર્દીમાં સફળ બતાવાઈ રહ્યા છે. AI, પુરુષો દ્વારા સ્ત્રીઓ અંગેની માન્યતાનો પડઘો પાડીને પુરુષોને જ સાચા ઠેરવે છે, તેમાં ‘હા’માં ‘હા’ મેળવવા સિવાય બીજું કંઇ નથી. બનવું તો એવું જોઈએ કે AI પુરુષોની માન્યતા બદલે તો તે ઉપકારક નીવડે, પણ હાલ તુરત તો એ શક્ય નથી, કારણ AI પોતે જ માણસની કોપી કરે છે. માણસ સ્ત્રીઓ અંગેની માન્યતા બદલે, તો AIની માન્યતા બદલાય, મગર વો દિન કહાં કે –

અત્યારે તો એવું લાગે છે કે AI ભેદભાવ અને હિંસા વધારશે, કારણ મનુષ્યમાં એનું પ્રમાણ વધારે છે. આમ પણ AI ભારતમાં જ લાખો નોકરીઓ ગળી જઈ રહ્યું છે, ત્યારે તેની ઉપયોગીતા વિષે પ્રશ્ન જ છે. AIમાં નક્લખોરી એ રીતે પણ શક્ય છે કે તે મૂળ લેખકો, કલાકારો અથવા સર્જકોની પરવાનગી વગર તેમના કામનો ઉપયોગ, AI મોડેલને શીખવવા કરે છે. આનાથી કોપીરાઈટ અને નૈતિકતાના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

AIનો ઉપયોગ મુખ્યત્વે ઈમેઈલ લખવા, પ્રેઝન્ટેશન તૈયાર કરવા, કન્ટેન્ટ તૈયાર કરવા કે સવાલોના જવાબ આપવા થાય છે. આ દરમિયાન ભેદભાવવાળા એલ્ગોરિધમને કારણે AI પણ ભેદ કરતું થઈ ગયું છે. AI આ બધું ઈન્ટરનેટ પરથી શીખે છે. એનો ઉપયોગ માણસ કરે છે. માનવી ભેદભાવ ધરાવે છે એટલે AI પણ ભેદ કરતું થઈ ગયું છે. આમ પણ મહિલાઓ ઓનલાઈન ભેદભાવ અને અન્યાય વેઠી જ રહી છે ને AI એ અન્યાય કે શોષણને હવા આપી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ડિજિટલ ટેકનોલોજી પર મહિલા લીડ જયતમા વિક્રમનાયકે [Jayathma Wickramanayake] કહ્યું કે વર્ષો સુધી માનવીએ ભેદભાવવાળી માનસિકતા સાથે જે લખ્યું છે, તેની હવે AI કોપી કરી રહ્યું છે.

એમ લાગે છે કે AI અસાધારણ હોય તો પણ તે માણસને ઉપયોગમાં આવે તે કરતાં હાનિ વધારે પહોંચે તે રીતે વર્તે છે ને ગમ્મત એ છે કે તે ઉપયોગી છે એવો પ્રચાર વધુ થાય છે. કોઈ પણ શોધ આટલી પ્રખર નથી રહી, પણ આટલાં પ્રશ્નો પણ અન્ય શોધે નથી સર્જ્યા તે પણ હકીકત છે. અત્યારે તો AIનો એકડો નીકળે એમ નથી, ભલે પછી તે ઘણાં એકડાને કાઢીને શૂન્ય સર્જે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જૂન 2026

Loading

26 June 2026 Vipool Kalyani
← અપેક્ષા                                                 

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved