હું જે કઈં કહું છું તે પરંપરાથી કહેવાયું છે માટે ખરું માનશો નહીં. એ આપણા પવિત્ર ગ્રંથોમાં છે તેથી કે લૌકિક ન્યાય એવો છે તેથી એને ખરું માનશો નહીં. એ સુંદર, શ્રદ્ધાને અનુકૂળ કે શ્રવણપ્રસિદ્ધ છે માટે કે મને પૂજનીય ગણતા હો તેથી ખરું માનશો નહીં. પણ તમારી વિવેકબુદ્ધિથી જ્યારે મારું કથન તમને સાચું લાગે ત્યારે જ તેને ગ્રહણ કરજો.
— ભગવાન બુદ્ધ
ગુરુદેવ ટાગોર અને ભગવાન બુદ્ધ સાથે સાથે યાદ આવવાનાં બે કારણ. એક તો ટાગોરનો જન્મદિન અને બુદ્ધપૂર્ણિમા આ બે દિવસો વચ્ચે બહુ અંતર નથી હોતું. ટાગોરનો જન્મદિન 7 મેએ
આવશે અને બુદ્ધપૂર્ણિમા એટલે કે વૈશાખ મહિનાની પૂનમ આ વર્ષે 1 મેએ હતી. આ એક. અને બીજું એ કે ટાગોરને જાતકકથાઓ બહુ ગમતી. જાતકકથાઓ એટલે બુદ્ધના પૂર્વજન્મની વાર્તાઓ – માનવજીવનને સદાચાર તરફ વાળવાનો પ્રયાસ કરતી બોધકથાઓ. આ કથાઓની સંખ્યા 550 જેટલી છે અને મહાયાન અને હીનયાન આ બંને બૌદ્ધ સંપ્રદાયો જાતકકથાઓનો આદર કરે છે.
ટાગોરના પિતા ભગવાન તથાગતના ભક્ત હતા. ટાગોરના મોટા બે ભાઈઓએ બૌદ્ધ ચિંતન વિષે ઘણું લખ્યું છે. ટાગોરની શરૂઆતની કૃતિઓ પર બૌદ્ધ ફિલોસોફીની અસર છે. પોતે બ્રહ્મોસમાજી હતા એટલે મૂર્તિપૂજામાં ન માનતા, પણ ભગવાન બુદ્ધની મૂર્તિને ચરણે શીશ ઝુકાવતા અને એમને શ્રેષ્ઠતમ મહાપુરુષ કહેતા. બૌદ્ધ ચિંતન વિષે તેમણે લખ્યું છે અને પ્રવચનો પણ આપ્યાં છે. બૌદ્ધ ધર્મ જ્યાં જન્મ્યો તે સારનાથ ને બોરોબુદુરથી માંડીને એશિયન જે દેશોમાં તે વ્યાપ્યો તે મોટા ભાગનાં સ્થળે ટાગોર ગયા હતા, ત્યાંના વિદ્વાનોને મળ્યા હતા અને વ્યાખ્યાનો આપ્યાં હતાં. જે જાપાની-ચીની વિદ્વાનો બૌદ્ધ હસ્તપ્રતોની તલાશમાં આવતા તેમને ટાગોર મળતા અને ધર્મતત્ત્વની ચર્ચા કરતા. બૌદ્ધ ધર્મને ભારતમાં પુનર્જીવિત કરવામાં તેમને સારો એવો રસ હતો.
સુદાસ માળીની વાત આપણે બધા જાણતા જ હોઈએ, પણ ટાગોર લખે ત્યારે એ વાત જુદી થઈ જાય:
એ રાત્રે તોફાન અને ગાજવીજ સાથે વરસાદ થયો. સુદાસે વહેલી સવારે જોયું તો કમળતળાવડીનાં તમામ પુષ્પો નાશ પામ્યાં હતાં. ફક્ત એક કમળ તેના પર કમળપત્રોની કુદરતી છત્રી રચાવાથી બચી ગયું હતું. ‘આજે પુષ્પોની તંગી થશે. આ કમળ રાજાને આપીશ તો મોં માગ્યાં દામ મળશે.’ વિચારતો સુદાસ કમળ લઈને રાજાના મહેલે જવા નીકળ્યો. હજી મહેલના દરવાજે પહોંચે છે ત્યાં એક શ્રેષ્ઠી મળ્યા, ‘ભાઈ, આ કમળ મને આપી દે, સોનાનો સિક્કો આપીશ.’
ત્યાં તો રાજાની સવારી નીકળી, ‘હે માળી, સારું થયું તું મને આ સુંદર પુષ્પ સાથે મળ્યો. આપ મને.’
‘માફ કરો અન્નદાતા, આ પુષ્પ આ શ્રેષ્ઠી ખરીદી ચૂક્યા છે.’
‘તેઓ આપશે તે કરતાં પાંચગણું દ્રવ્ય આપીશ. પણ પુષ્પ મને આપ.’
શ્રેષ્ઠી બોલ્યા, ‘મહારાજ, બીજો વખત હોત તો હું જ આ પુષ્પ આપને અર્પણ કરી દેત. પણ અત્યારે હું ભગવાન બુદ્ધનાં દર્શને જઈ રહ્યો છું. તેમનાં ચરણે ધરવા માટે જ પુષ્પ ખરીદી રહ્યો હતો. અવિવેક માફ કરજો, ગમે તેટલું દ્રવ્ય આપીને પણ પુષ્પ તો હું જ લઇશ.’
‘શ્રેષ્ઠી, બીજો વખત હોત હું પણ એક પુષ્પ માટે તમારી સાથે ચડસાચડસીમાં ન ઊતરત. પણ હું પણ ભગવાન બુદ્ધનાં દર્શને જઈ રહ્યો છું. મારે પણ તેમનાં ચરણે ધરવા માટે જ આ પુષ્પ જોઈએ છે. ગમે તેટલું દ્રવ્ય આપવા હું પણ તૈયાર છું.’
સુદાસે વિચાર્યું, ‘જે મહાનુભાવને માટે પુષ્પ ખરીદવા આ બંને તત્પર છે એમને જો હું જ આ પુષ્પ આપું તો મને અનેકગણું દ્રવ્ય મળે.’ રાજા અને શ્રેષ્ઠીની માફી માગી એ ગામબહાર બુદ્ધવિહારમાં ગયો. ગામલોકોએ બુદ્ધ માટે સિંહાસન, છત્રચામર વગેરેની વ્યવસ્થા કરી હતી, પણ બુદ્ધ તો એક મોટા વૃક્ષની છાયામાં બેઠા હતા. સુદાસ એમના મોં પરની આભા અને આંખોમાંથી વરસતી કરુણા જોઈને પોતે અહીં શા માટે આવ્યો છે તે ભૂલી ગયો. ક્યાં ય સુધી તેને એમ જ ઊભેલો જોઈ બુદ્ધ બોલ્યા, ‘વત્સ, અહીં આવ.’ સુદાસે છલકતી આંખે બુદ્ધનાં ચરણમાં મસ્તક અને ફૂલ બંને મૂકી દીધાં.
‘કહે વત્સ, તને શું જોઈએ છે?’
‘આપશો? તો તમારાં ચરણનો એક રજકણ આપો. તેની સામે આખો સંસાર તુચ્છ છે.’
સુદાસ માળીની આ જાણીતી વાર્તા ટાગોરે કાવ્યરૂપે લખી છે. ગદ્યરૂપે લખાયેલી બીજી એક સુંદર વાર્તા જોઈએ:
પટાચારા નામની એક શ્રીમંત કન્યા પોતાની પસંદગીના ગરીબ પુરુષ સાથે લગ્ન કરી દૂરના ગામે રહેતી હતી. એક બાળકના જન્મ પછી બીજું બાળક અવતરવાનું હતું ત્યારે પટાચારાને પિતા પાસે આવવાનું મન થયું. બાળકને લઇ પતિપત્ની ચાલી નીકળ્યાં. રસ્તામાં પ્રસૂતિ થશે એમ લાગતાં તેને સલામત જગ્યાએ બેસાડી પતિ લાકડાં કાપવા ગયો. બેત્રણ દિવસ સુધી તે આવ્યો નહીં. અહીં પટાચારાને દીકરો થયો. જરા ઠીક થતાં તે બંને બાળકને લઇ પતિને શોધવા નીકળી. જંગલમાં તેનું શબ મળ્યું. સર્પે તેને દંશ દીધો હતો.
પતિને અગ્નિદાહ આપી બાળકોને લઇ તે પિતા પાસે જતી હતી ત્યાં રસ્તામાં નદી આવી. મોટા બાળકને કાંઠે બેસાડી તે નાના બાળકને લઇ નદીમાં ઊતરી. સામે કાંઠે બાળકને મૂકી તે પાછી ફરતી હતી ત્યાં એક બાજ નાના બાળકને માંસનો લોચો સમજી ઉઠાવી ગયું. પટાચારા બાજની પાછળ પાછી ફરી એ જોઈ માની રાહ જોતું મોટું બાળક નદી તરફ ખસવા લાગ્યું ને પાણીમાં પડી તણાઇ ગયું. તાજી પ્રસૂતિ ને એક સામટાં ત્રણ મૃત્યુ – પટાચારા પાગલ થઈ ગઈ. ન ખાવાપીવાનું ભાન રહ્યું, ન વસ્ત્રોનું. કલ્પાંત કરતી તે ભટકવા લાગી અને ભગવાન બુદ્ધ જૈતવનમાં ઉપદેશ આપતા હતા ત્યાં આવી ચડી.
તેનાં હાલહવાલ જોઈ લોકોએ તેને રોકી. ભગવાન બોલ્યા, ‘તેને આવવા દો.’ અને પટાચારાને કહ્યું, ‘તારી ચેતના પાછી લાવ, ભગિની.’ એ ભગવાનના ચરણોમાં પડી હૈયાફાટ રડી અને પછી બેભાન થઈ ગઈ.
ભાન આવ્યું ત્યારે તથાગત હાથપગ ધોઈ રહ્યા હતા. કહે, ‘જો, પુત્રી! આ ઢોળાતા પાણીને જો. પહેલા જે પાણી ઢળ્યું તે થોડું દૂર જઈને અટકી ગયું. બીજું પાણી તેથી થોડું દૂર અને ત્રીજું પાણી તેનાથી થોડું દૂર જઈને અટકી ગયું. જીવન આવું છે. કોઈનું થોડું વહેલું તો કોઈનું થોડું મોડું, પણ બધાનું જીવન અટકે છે. બધું મરણધર્મી છે, બધું અનિત્ય છે. તું પણ, હું પણ.’
ધીરે ધીરે પટાચારા શાંતિ પામી. તેણે પ્રવજ્યા લીધી અને પંડિતા થઈ.
ટાગોરને જાતકકથાઓ ખૂબ પ્રિય હતી. કહેતા, ‘જાતકકથાઓ દ્વારા બુદ્ધનું શ્રેષ્ઠ લોકોના હૃદય સુધી પહોંચ્યું છે. આ જ જ્ઞાન જો તેમણે સંસ્કૃતમાં અને શાસ્ત્રોની ભાષામાં આપ્યું હોત તો એક મોટો સમુદાય તેનાથી વંચિત રહ્યો હોત. બુદ્ધને લોકો સુધી પહોંચવું હતું માટે તેમણે કથાઓ દ્વારા, ત્યારની બોલાતી ભાષામાં વાત કરી અને સમાજમાં અનેક પરિવર્તન આણ્યાં.’
બુદ્ધ એમના સમયના મોટા રેશનાલિસ્ટ અને રિવોલ્યુશનરી બંને હતા. જાતિભેદ, વર્ણભેદ, યજ્ઞમાં પશુબલિ, માંસાહાર, સ્ત્રીઓને આત્મસાધના ન કરવા દેવી જેવી ત્યારની રૂઢિઓને તેમણે તોડી. ધર્મનો અર્થ અંત:કરણમાં શુભ વૃત્તિઓની સ્થાપના એવો કર્યો અને પોતાની મુક્તિ પોતે જ સાધવાની છે એમ કહી કર્મકાંડનો છેદ પણ ઉડાડી દીધો. એમનાં વચનો આજે પણ એટલાં જ પ્રસ્તુત છે જેટલાં ત્યારે હતાં. ટાગોરે સાચું જ કહ્યું છે, બુદ્ધ વિના પ્રબુદ્ધ નહીં થવાય.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 મે 2026
![]()

