
પંડિત રવિશંકર
ગાંધીજીની હત્યા થઈ તે દિવસે ૨૮ વર્ષના રવીન્દ્ર શંકરને આકાશવાણી પર કશુંક એવું સંગીત સંભળાવવાનું કહેવામાં આવ્યું જે લોકોનું દુ:ખ હળવું કરે. તબલા વિના સિતારવાદન કરવાનું હતું. રવીન્દ્ર શંકરે ગાંધી શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરી કોમળ ગ, ધ, નિ સાથે સા અને મ જોડી રાગ તૈયાર કર્યો. આ રાગ માલકૌંસની નજીકનો હતો. તેને નામ આપ્યું, મોહનકૌંસ. આ ઘટનાના એક વર્ષ પછી રવીન્દ્ર શંકર આકાશવાણી દિલ્હીમાં સંગીત નિર્દેશક હતા, ૧૯૫૬ સુધી ત્યાં કાર્યરત રહ્યા. રવીન્દ્ર શંકર નામ બોલવામાં લાંબું પડતું હોવાથી તેમણે ટુંકાવીને રવિશંકર કરી નાખ્યું. આ જ આપણા પંડિત રવિશંકર. 7 એપ્રિલે એમનો જન્મદિન છે, તે નિમિત્તે આ આંતરરાષ્ટ્રીય સંગીતપ્રતિભાને આદરપૂર્વક સ્મરીએ.
૧૯૮૨માં બ્રિટિશ ચલચિત્રકાર રિચાર્ડ એટનબરોએ જ્યારે ‘ગાંધી’ ફિલ્મ બનાવી ત્યારે તેનો સાઉન્ડ ટ્રેક પંડિત રવિશંકર પાસે જ સ્વરબદ્ધ કરાવ્યો. આ માટે એમણે ઓસ્કાર નોમિનેશન મેળવ્યું હતું. મોહમ્મદ ઇકબાલે રચેલું ‘સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા’ ગીત ઘણા વખત સુધી પરંપરાગત ઢાળમાં ગવાતું હતું. ૧૯૪૫માં પંડિત રવિશંકરે આ ધૂનને નવેસરથી રચી. નવી ધૂન એટલી બધી લોકપ્રિય બની ગઈ કે તે જ પરંપરાગત બની ગઈ. લોકો એ ભૂલી ગયા કે આ ધૂન પંડિત રવિશંકરે રચી હતી.
વિખ્યાત ફિલ્મસર્જક સત્યજિત રેની ફિલ્મો ‘પાથેર પાંચાલી’, ‘અપરાજિતો’ અને ‘અપૂર સંસાર’માં પંડિત રવિશંકરે જ સંગીત આપ્યું હતું. સત્યજિત રે જ્યારે દેહાંત પામ્યા ત્યારે પંડિતજીએ તેમની યાદમાં ‘ફેરવેલ માય ફ્રેન્ડ’ નામની એક ખાસ ધૂન રચી હતી. ઋષિકેશ મુખર્જીની ‘અનુરાધા’ અને ગુલઝારની ફિલ્મ ‘મીરાં’ જેવી જૂજ હિંદી ફિલ્મોમાં અને ‘ધ ફ્લ્યુટ એન્ડ ધી એરો’ તથા ‘ધ ચેરી ટેલ’ જેવી અંગ્રેજી ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું હતું પરંતુ ફિલ્મલાઇનનું મર્યાદિત ક્ષેત્ર અને કાવાદાવા એમને માફક આવે તેમ ન હતાં. તેઓ શાસ્ત્રીય સંગીતમાં જ સ્થિર રહ્યા.
વિશ્વમાં સંગીતનો સૌથી મોટો અવોર્ડ ગણાતો ગ્રેમી ઍવોર્ડ પંડિત રવિશંકરને ત્રણ વાર મળ્યો. પ્રથમ ગ્રેમી ૧૯૬૮માં તેમને પોતાના ગાઢ મિત્ર અને પશ્ચિમના વિખ્યાત સંગીતકાર યેહૂદી મેનુહિન સાથે ‘વેસ્ટ મીટ્સ ઇસ્ટ’ નામના આલ્બમ માટે મળ્યો હતો. સંગીતની જરાતરા જાણકારી હોય અને બે મિનિટ સમય કાઢી આ આલ્બમની એક નાનકડી ટ્યુન યુટ્યુબ પર સર્ચ કરીને સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે પંડિતજી તેમના સમયથી કેટલા આગળ હતા.
તેમણે માત્ર પૂર્વ અને પશ્ચિમને જ નહીં, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળને જોડવાના પણ પ્રયત્નો કર્યા હતા. ૧૯૭૧માં એમણે બાંગ્લાદેશના જન્મના થોડા જ દિવસોમાં વિખ્યાત મ્યુઝિક ગ્રુપ બિટલ્સના ગિટારિસ્ટ અને પોતાના શિષ્ય-મિત્ર જ્યોર્જ હેરિસન સાથે ત્યાં કોન્સર્ટ યોજવાની પહેલ કરી હતી. ગુરુભાઈ અને સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાં(ઉસ્તાદ અલ્લાઉદીન ખાંના પુત્ર)એ તેમની સંગત કરી હતી. તબલા પર હતા ઉસ્તાદ ઝાકિર હુસૈનના પિતા ઉસ્તાદ અલ્લારખ્ખા ખાં. એમણે જ્યારે પોતપોતાનાં વાદ્યોના સૂર મેળવ્યા ત્યાં તો સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો. બધાને એમ લાગ્યું કે સાંગીતિક પ્રસ્તુતિ પીરસવામાં આવી રહી છે. પંડિતજી હસીને બોલ્યા, ‘અમે સૂર મેળવ્યા તે જો તમને આટલું ગમ્યું તો આશા રાખીએ કે અમારું પરફોર્મન્સ વધારે પસંદ આવશે.’ આ ત્રણેએ મળીને દેશવિદેશમાં સિતાર અને સરોદની જુગલબંધીના અનેક કાર્યક્રમો આપ્યાં.
પંડિત રવિશંકરનો જન્મ વારાણસીમાં 1920માં થયો. તેમના ભાઈ ઉદયશંકર ચૌધરી વિખ્યાત નર્તક અને નૃત્ય નિર્દેશક હતા. કિશોર વયે રવિશંકર તેમની સાથે કામ કરતા અને નૃત્ય મંડળી સાથે ગામેગામ ફરતા. કોલકાતામાં એક સમારોહમાં અમિય કાંતિ ભટ્ટાચાર્યને સિતાર વગાડતા સાંભળ્યા. એટલા પ્રભાવિત થયા કે સિતાર શીખવાનું નક્કી કરી લીધું. ઓગણીસમા વર્ષે મેહરમાં ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સાહેબ પાસે તાલીમ લેવી શરૂ કરી. અલાઉદ્દીન ખાન સાહેબનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો. એક વખત રવિશંકર પર તેઓ એટલા ગુસ્સે થયા કે રવિશંકર વિદ્યાલય છોડીને જતા રહ્યા. નક્કી કર્યું કે આત્મહત્યા કરી લેવી. કોઈ પરિચિતે તેમને અટકાવ્યા અને ગુરુ પાસે પાછા મોકલ્યા. રોકનાર માણસને ખબર ન હતી કે તેણે સંગીતની દુનિયાના સૂર્યને ઊગતા પહેલા ડૂબતા બચાવી લીધો હતો. આખરે એ સૂરજ ઊગ્યો અને સદા ઝળહળતો રહ્યો.

અન્નપૂર્ણા દેવી
ઉસ્તાદ અલાઉદ્દીન ખાનને એક પુત્રી હતી, અન્નપૂર્ણા. આ નામ તેને મેહરના રાજાએ આપ્યું હતું. રવિશંકર અને અન્નપૂર્ણા સાથે સંગીત શીખતાં. 1941માં અન્નપૂર્ણાએ હિન્દુ ધર્મ અપનાવ્યો અને બંનેનાં લગ્ન થયાં. દંપતીને એક પુત્ર થયો, શુભેન્દુ, જે જાણીતો સિતારવાદક બન્યો પણ યુવાન વયે અકાળે મૃત્યુ પામ્યો.
રવિશંકર – અન્નપૂર્ણાએ થોડો વખત ભારતમાં સાથે કાર્યક્રમો કર્યા. રવિશંકરને આંતરાષ્ટ્રીય સ્તરે ઝલકવાની મહત્ત્વાકાંક્ષા હતી જ્યારે અન્નપૂર્ણાને કોન્સર્ટના રૂપિયા લેવામાં પણ સરસ્વતી દેવીનો દ્રોહ કર્યો એવું લાગતું. વળી જલસો પૂરો થયા બાદ અન્નપૂર્ણાદેવી પાસે વધારે ભીડ એકઠી થતી. મતભેદો ઝઘડા અને વિચ્છેદમાં પરિણમ્યા. ૧૯૫૬માં અન્નપૂર્ણાદેવીએ જાહેર પરફોર્મન્સ નહીં આપવાનો નિર્ણય કર્યો, મુંબઈમાં સ્થિર થયાં અને સંગીત શીખવતા રહ્યાં. કેટલોક સમય એન.સી.પી.એ.માં પણ શીખવ્યું હતું. સમય જતાં એમણે પોતાનાથી તેર વર્ષ નાના ઋષિકુમાર પંડ્યા સાથે લગ્ન કર્યાં હતાં.
દરમિયાન પંડિતજીની યાત્રા આંતરરાષ્ટ્રીય સ્તર પકડતી ગઈ. આકાશવાણીના મુખ્ય સંચાલક તરીકે તેમણે પોતાનું વાદ્યવૃંદ (ઓરકેસ્ટ્રા) ઊભું કર્યું. ત્યાર સુધી વાદ્યવૃંદ પાશ્ચાત્ય સંગીતનો જ ભાગ ગણાતું. 1949માં રવિશંકરે ‘યુનેસ્કો’ દ્વારા પૅરિસ ખાતે આયોજિત સંગીત-સમારોહમાં હાજરી આપી અને ત્યાં વિખ્યાત વાયોલિનવાદક યહૂદી મેન્યુહિન અને ડેવિડ ઑઇસ્ટ્રૅચ સાથે ભારતીય શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય સંગીતના મિશ્રણ(ફ્યૂઝન)નો કાર્યક્રમ રજૂ કર્યો, જે શકવર્તી સાબિત થયો. 1958માં રવિશંકરે અમેરિકાના લૉસ ઍન્જેલસમાં અને 1962માં મુંબઈમાં કિન્નર સ્કૂલ ઑફ મ્યૂઝિક શરૂ કરી હતી, કમભાગ્યે સંસ્થાકીય પ્રશ્નોને કારણે બંને થોડાં વર્ષમાં બંધ થઈ. 1967માં તેમની નિમણૂક કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ્સના ભારતીય સંગીત વિભાગના વડા તરીકે કરવામાં આવી. 1968માં તેમને સંગીત નાટક અકાદમીની ફેલોશિપ મળી. 1982માં દિલ્હી ખાતે આયોજિત ‘એશિયાડ’ રમતોત્સવમાં રજૂ થયેલા સંગીતનું નિર્દેશન રવિશંકરે જ કર્યું હતું.
રવિશંકરનું સિતારવાદન ઊર્જાસભર અને અદ્વિતીય ગણાય છે. લયકારી પર તેમનો અદ્દભુત કાબૂ હતો. તેઓ કોઈ પણ તાલ પર કુશળતાથી સિતારવાદન રજૂ કરી શકતા. ઉત્તર હિંદુસ્તાની તથા કર્ણાટક સંગીતના રાગોના મિશ્રણથી તેમણે કેટલાક નવા રાગોનો પ્રચાર-પ્રસાર પણ કર્યો છે. તેમને વિશ્વના ઘણા દેશોની યુનિવર્સિટીઓએ માનાર્હ ડૉક્ટરેટની પદવીઓથી નવાજ્યા છે. ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ અને ‘ભારતરત્ન’ આપી સન્માન્યા છે. અમેરિકામાં જઈને તેમણે સુકન્યા રાજન સાથે લગ્ન કર્યાં જેનાથી અમેરિકામાં પાછળથી જાણીતી બનેલી પુત્રી અનુષ્કા શંકરનો જન્મ થયો. ન્યૂયૉર્કની કોન્સર્ટ પ્રોડ્યુસર સૂ જોન્સ સાથેના સંબંધથી થયેલી દીકરી નોરા જોન્સ પોપ સંગીતમાં ખ્યાતિપ્રાપ્ત છે અને અનેક ગ્રેમી મેળવી ચૂકી છે.
પંડિતજીનાં બે આત્મકથાનકોનાં નામ છે ‘માય મ્યુઝિક, માય લાઈફ’ અને ‘રાગમાલા’. એમણે કહ્યું છે, ‘આપણી સંસ્કૃતિમાં સંગીતને લગભગ ઈશ્વર જેટલી શ્રદ્ધા અને આદરથી જોવાય છે એ કદી ભૂલવું જોઈએ નહીં. હું જે શીખ્યો છું અને શીખવું છું તે ઈશ્વરની ઉપાસનાથી ઓછું નથી. સંગીત મારી સાધના છે, મારી પ્રાર્થના છે. સિતારના સધાયેલા તાર ઉપર હું મારી જિંદગીને ઉજવું છું. મારી અને સંગીતની વચ્ચે કોઈ પડદો નથી.’
પ્રેમ હોય, જિંદગી હોય કે કલા – એક તબક્કે તે સાધના, ઉપાસના અને પ્રાર્થના બને છે ને ત્યાર પછી અસ્તિત્વ સાથે એકાકાર થાય છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 ઍપ્રિલ 2026
![]()

