Opinion Magazine
Number of visits: 9896097
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લેખકની જવાબદારી[1]—ઝડપથી પલટાતી દુનિયા

ઉમાશંકર જોશી|Opinion - Literature|7 June 2026

લેખકની જવાબદારીમાં કેટકેટલું આવે અને શબ્દોથી અભિવ્યક્ત થનારા જ્યારે ઊણા ઊતરે ત્યારે શું થાય તે માટે સમર્થ સાહિત્યકાર ઉમાશંકર જોશી વિશ્વવિખ્યાત ગ્રીક તત્ત્વચિંતક પ્લેટો[2]ના આદર્શ રાજ્યના ખ્યાલથી લખાયેલા ‘રીપબ્લિક’ ગ્રંથના શબ્દો ટાંકે છે. પ્લેટોએ તેમાં લખ્યું છે કે, ‘સુનિયંત્રિત રાજ્યમાં એને [લેખકને] ન પ્રવેશવા દેવામાં આપણે સાચે માર્ગે છીએ, કારણ કે એ લાગણીઓને જગાડે છે, પોષે છે અને બળવાન બનાવે છે તથા બુદ્ધિને વણસાડે છે.’ બીજી તરફ લેખકના પડકારની ય વાત ઉમાશંકર જોશીએ કરી છે. તેમના શબ્દો : ‘કલાકાર બનવું, લેખક બનવું, એ કાંઈ નાનીસૂની જવાબદારી નથી. ખાસ કરીને અત્યારના સમયની વૈષમ્યભરી સ્થિતિમાં. આપણો યુગ, જેને ચિંતાના યુગ તરીકે ઓળખવામાં આવે છે, તેનું જો કોઈ મુખ્ય આહ્વાન હોય તો તે છે સંપૂર્ણ રીતે શીર્ણવિશીર્ણ થઈ જવાનો સતત ભય.’ લેખકની જવાબદારીના સંદર્ભે વિગતે લખાયેલું આ લખાણ આજના સમયમાં જ્યારે લેખક-પત્રકારોની ભૂમિકા ડામાડોળ થઈ રહી છે ત્યારે તે વિશેની સ્પષ્ટતા આપે છે.

•

ઉમાશંકર જોશી

જે ઘડીએ કલાકના સત્તરેક હજાર માઈલની ગતિથી માનવનિર્મિત ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરી રહ્યો છે અને આ ગ્રહ ઉપરના રહેવાસીઓ પોતાને એક મજાની(!) પરિસ્થિતિમાં મુકાયેલા જુએ છે તે વખતે અહીં એકઠા થયેલા આપણે સૌ અત્યારે ઝડપથી પલટતી આ દુનિયામાં લેખકની જવાબદારી શી હોવી જોઈએ એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ.

દુનિયા પલટાઈ રહી છે અને બેશક ઝડપભેર પલટાઈ રહી છે, પણ બધાં પરિવર્તન એ શું અનિવાર્યપણે પ્રગતિ લેખાય? કદાચ એ કેવળ ગાંડી ગતિ કે આંધળો ધસારો હોય, એક અંધગલીમાંથી બીજીમાં નાસી છૂટવાનો પ્રયત્ન હોય, શંકાઓ અને અમંગળ આગાહીઓના વંકવોળામણા માર્ગ ઉપરની નિરર્થક રઝળપાટ હોય, અથવા તો જ્વાલામુખીના મોં તરફ ધપવાનું કૌતુકભર્યું પ્રલોભન હોય. આજે માણસ પોતાની જાતને જે પરિસ્થિતિમાં મુકાયેલો જુએ છે તે કાંઈક આ પ્રકારની છે. એ કદાચને લેખક હોય, તો એની જવાબદારી શી હોવી ઘટે?

હું સીધી વાત કરવાનું પસંદ કરું તો એ અંગે ક્ષમા યાચવાની ભાગ્યે જ જરૂર હોય. આરંભમાં જ કબૂલાત કરવાની રજા લઉં છું કે લેખક જો આજની ઘડીએ — અથવા તો કહો કે કોઈ પણ ઘડીએ—પોતાની જાતને સ્વસ્થ રાખી શકે અને લેખક—સાક્ષર (a man of letters)—સર્જક કલાકાર થઈ શકે તો એથી અદકા ભાગ્યની ખેવના હું ન રાખું.

લેખક એને રસ્તે જતો હોય એમાં કાંઈક કર્યા વગર જેને ચેન ન પડે એવા કેટલાક હોય છે—અને એ વર્ગમાં કેટલાક લેખકોનો પણ સમાવેશ થાય છે—એ હકીકત મારા ખ્યાલમાં છે. એ લોકો હંમેશાં લેખકને, એણે શું લખવું જોઈએ અને શું નહીં એ ચીંધ્યા કરતા હોય છે. આવા લોકો હોય છે એ લેખક માટે સારી વસ્તુ છે. એને તેઓ સજાગ રાખે છે, આત્મનિરીક્ષણની એને તકો પૂરી પાડે છે.

એ વર્ગમાંના કેટલાકની અપેક્ષા એવી હોય છે કે લેખક ભાટનો ભાગ ભજવે. ભૂતકાળનું આ એક વળગણ છે. પ્રાચીન સમયમાં કવિ ઘણી વાર ભાટચારણ કે વહીવંચાનો ભાગ ભજવતો ય તે. અર્વાચીન કાળમાં પણ, સામૂહિક અહમ્‌ને પંપાળે એ પ્રકારની રચના સાથે હાજર થવા કવિ તરફ અપેક્ષાભરી નજરે જોનારાઓનો તોટો નથી. જ્યારે કોઈ રાષ્ટ્ર દુ:શ્મન સાથે યુદ્ધે ચઢ્યું હોય છે ત્યારે લોકોને પાનો ચઢાવે એવાં ગીતો કવિએ લલકારવાં રહે. ગ્યુઈથે[3] જેવા સાક્ષરને આ કામ બજાવવાનું કહેવામાં આવ્યું હતું. પણ એ સ્વધર્મ સમજતા હતા. એમણે કહ્યું હતું કે પોતે ઢોલ-પીટુ ન હતા. દુ:શ્મન માટે જનતાના મનમાં ધિક્કારની લાગણી પ્રગટાવવા લેખકને કહેવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, સંગ્રામે ચઢેલી એક પ્રજાએ એક એવી રચના નિપજાવી હતી જેને ધિક્કારનું ખાસ્સું ઉપનિષદ કહીએ તો ચાલે. ફ્રેન્ચ સૈન્યો પોતાની ભૂમિ ઉપર ફરી વળ્યાં એ સમયે ગ્યુઈથેએ જે કહેલું તેનું સ્મરણ થાય છે. એમણે સ્પષ્ટ કર્યું હતું કે સંસ્કારિતાના ઘડવૈયા એવા ફ્રેન્ચ લોકોને માટે પોતાના હૃદયમાં એવું સ્થાન હતું કે તેમને પોતે ધિક્કારી શકે એ અસંભવિત હતું. દુનિયા ખરે જ રંક બની જાય, જો એના કવિઓ ઊંચાં નિશાન પર દૃષ્ટિ ઠેરવવાને બદલે જગતના ક્ષણિક આવેશોને વશ વર્તે.

કેટલાકો કવિની જે પ્રબળ અસર પડતી હોય છે તેને નિયમનમાં રાખવાની અથવા ઉપયોગમાં લેવાની ઇચ્છા ધરાવતા હોય છે. સર્જકશક્તિવાળા લેખકની લોકો ઉપર જે ભૂરકી હોય છે તેની પ્લેટો[4]ને દહેશત હતી, અને આદર્શ નગરરાજ્યમાંથી એને એ હાંકી કાઢવા તૈયાર થયા હતા. પોતાના રિપબ્લિક(૧૦: ૬૦૫-૬૦૭)માં એ આદેશે છે કે : “સુ-નિયંત્રિત રાજ્યમાં એને ન પ્રવેશવા દેવામાં આપણે સાચે માર્ગે છીએ, કારણ કે એ લાગણીઓને જગાડે છે, પોષે છે અને બળવાન બનાવે છે તથા બુદ્ધિને વણસાડે છે. … આપણે આપણી એ માન્યતામાં મક્કમ રહેવું ઘટે કે દેવતાઓનાં સ્તોત્રો અને પ્રસિદ્ધ પુરુષોની પ્રશસ્તિઓરૂપ કવિતાને જ આપણે આપણા રાજ્યમાં અનુમતિ આપીશું…. આપણે એને (કવિતાને) આવકારવામાં આનંદ માનીશું — એની ભૂરકીથી આપણે અજાણ નથી; પણ એટલા ખાતર આપણે સત્યને દગો નહીં દઈએ.” અર્વાચીન સમયના કેન્દ્ર–નિયંત્રિત સામ્યવાદી રાજ્યે પ્લેટોની શિખામણમાં સુધારો કર્યો છે; જુઓ તો ખરા, લેખકને એ પહેલા ખોળાના ગણીને રાખે છે અને એમની ચોટલી પોતાના હાથમાં રાખે છે! જે દેવો અને દેવીઓનાં સ્તોત્રો કવિઓએ ગાવાનાં છે તે, આ દાખલામાં, છે પોલાદનાં કારખાનાં અને સામૂહિક કૃષિવિસ્તાર ઉપરની આદર્શ ગાયો. પણ પ્લેટો જેને ‘પ્રસિદ્ધ પુરુષોની પ્રશસ્તિઓ’ કહે છે તેની રચના કરવી એ અર્વાચીન કાળમાં એટલી સહેલી વસ્તુ નથી. દેશવટો ભોગવતા હંગેરિયન લેખક પાલકોઝી–હોરવાથે[5] સામ્યવાદી શાસન હેઠળ લેખક કેવી વિષમ સ્થિતિમાં મુકાય છે તેનું વર્ણન કર્યું છે. જાપાનમાં, ગયા સપ્ટેમ્બરમાં, ૨૯મા પી.ઈ.એન.[6] સંમેલન સમક્ષ એમણે કહ્યું હતુંઃ “મારો એક મિત્ર છે, અત્યંત કમનસીબ મિત્ર છે,—નામ ઝોલ્ટાન ઝાક. ૧૯૫૦માં હંગેરિયન લેખકો અને કવિઓને સ્તાલિન[7] અંગે પવાડા લખવાનું કહેવામાં આવ્યું. એણે રચ્યો ય તે સ્તાલિનનો પવાડો. ખ્રુશ્ચેવ[8]ના વ્યાખ્યાન બાદ, એને જ્ઞાનતંતુની બીમારી લાગુ પડી. છ મહિના એ આરોગ્યભવનમાં રહ્યો. અત્યારે એ જેલમાં છે. જેઓ લેખકોને રિબાવી રહ્યા છે તેમના પવાડા લખવાનું એને કહેવામાં આવી રહ્યું છે.”

લોકશાહી રાજ્યોમાં પણ એવા લોકો ખસૂસ છે, જેઓ લેખકને એને રસ્તે જવા ન દે. પહેલાંના સમયમાં રાજાઓ અને ધનિકો લેખકને આશ્રય આપતા. સંસ્કૃતમાં સુભાષિત છે કે निराश्रया न शोभन्ते पण्डिता वनिता लताः । પણ મુદ્રણયંત્રની શોધ પછી અને લોકશાહી રાજ્ય હેઠળ, લેખકને સારા એવા બહોળા વર્ગ તરફથી આશ્રય મળવા માંડ્યો. બે હજાર નકલોની આવૃત્તિ પ્રગટ થાય અને વેચાઈ જાય તો લેખકને જે રકમ મળે છે તે બે હજાર ગજવાંમાંથી આવી મળી હોય છે. જૂના સમયની પેઠે એનો કોઈ એક આશ્રયદાતા નથી, જે એને પોષતો હોય અને તેથી કયા સૂરમાં ગાવું તે ચીંધવાનો હક ધરાવતો હોય. પણ જાહેર રુચિ નામની એક વસ્તુ છે અને જુદાં જુદાં જૂથોના પૂર્વગ્રહો કામ કરતા હોય છે, જે ગ્રંથકર્તાના કાર્ય ઉપર કોઈ ને કોઈ પ્રકારનું દબાણ લાવ્યા વિના રહેતા નથી. આવા દબાણની સામે એ થાય તો એ નૈતિક રીતે બેજવાબદાર છે એમ કહેવામાં આવે. લોકશાહીમાં, વળી, એવા પણ કેટલાક માણસો હોય છે જેઓને હિંમતભેર લોકોની વતી બોલવાની આદત પડી હોય છે. લોકલટુઓ—થાળીપીટુ રાજકારણી માણસો અવારનવાર લેખકની રાજકીય જવાબદારીનો સવાલ ઉઠાવતા હોય છે. અમુક ચોક્કસ રાજકીય પક્ષનો પ્રચાર એ કરે તો જ તેઓ જંપે. એમ ન કરે તો એને જનતાના દુ:શ્મન તરીકે છાપ મારવામાં આવે. યુગોથી લેખક ઉપર બિનલોકપ્રિય ધાર્મિક કે નૈતિક ખ્યાલો સેવવા માટે અને અણગમતા રાજકીય પક્ષના હોવા બદલ પસ્તાળ પડતી રહી છે. વીસમી સદીના મધ્યકાળમાં રાજકીય ક્ષેત્રમાં ડાકણોની જેમ વિરોધીઓનો પીછો પકડવાની પ્રવૃત્તિ આપણે સૌએ જોઈ. સાહિત્યક્ષેત્રમાં પણ એના છાંટા ઊડ્યા. શ્રી એઝરા પાઉન્ડ[9] ધરી સત્તાઓ માટે થાળી પીટતા પકડાયા. [જો કે પાઉન્ડદાદા ૧૯૫૭માં ઈલ તેમ્પો(રોમનું અખબાર)ના ખબરપત્રીને કહે : “બુઢ્ઢા મુસ(મુસોલિની)ને હું એક જ વાર મળેલો અને અમારા વાર્તાલાપથી ન તો એને ખુશી ઊપજેલી, ન મને. મેં રેડિયો-પ્રવચનો કરેલાં—રૂઝવેલ્ટ[10]ની મૂર્ખાઈઓ ઉપર; પણ એક અમરિકી તરીકે મારા અંતરાત્મા વિરુદ્ધ મેં કદી કશું કહ્યું ન હતું.”] ગમે તેમ પણ તે અત્યારે સેઈન્ટ એલિઝાબેથ ઇસ્પિતાલમાં નજરકેદ છે. શ્રી એલન ટેઈટે[11] ૧૯૫૧માં આખી વાત સુરેખ રીતે રજૂ કરી હતી. એમણે કહેલું : “હું જે વસ્તુ માટે એમને સહેજે માફ કરી શકતો નથી તે તો એ છે કે એમણે કોઈને પણ ખાતર થાળી પીટવાનું પસંદ કર્યું,” અને પછી ભૂલભરી ન હોય એવી રાજકીય ભૂમિકા કવિએ સ્વીકારવી જોઈએ એવો અનુરોધ કરનાર કવિશ્રી મૅકલીશ[12] વિશે એમણે બે શબ્દ ઉમેર્યા છે. શ્રી ટેઈટ કહે છે: “હું જ્યાં સુધી એમના રાજકીય સિદ્ધાંતો–(એમના सिद्धांतोને એમના अभिप्रायोથી હું જુદા પાડું છું)–ને સમજી શકું છું ત્યાં સુધી તે શ્રી પાઉન્ડના સિદ્ધાંતો કરતાં મને વધુ રોચક લાગે છે, પણ એ હકીકતને હું અપ્રસ્તુત લેખું છું. આ કવિઓના તાત્કાલિક अभिप्रायो મને એકસરખા અનુરોધકારી, અર્ધ–ભાવગીતોદ્ગાર જેવા અને સાચી ભૂમિકા વિનાના લાગે છે …. કાર્યની બે મહાન પરિપાટીઓ—કાવ્ય અને રાજકારણ—એના મિશ્રણ અને દુરુપયોગ માટે સમાજ જો કવિઓ સામે તહોમતનામું બજાવે અને કામ ચલાવે તો પાઉન્ડને આપણે, સંભવતઃ સ્વિફ્ટે[13] સર્જેલ કોઈક સમાજરચનામાં બની આવે એમ, બીજી વાર તહોમતદાર બનાવવા પડે, અને ન્યાયની ખાતર આપણે પાઉન્ડની પડખે એક ખોલી શ્રી મૅકલીશને માટે પણ ફાજલ રાખવી રહે.”

લેખક એ પયગંબર હોય એ રીતે જોવાનું પણ વલણ હોય છે અને પયગંબરના પાઠમાં પણ ઘણાએક દાખલાઓમાં એ જરૂર દીપી ઊઠેલો છે. આથી, જ્યારે જ્યારે લોકો કોઈ મહાપત્તિમાં ફસાઈ પડે છે ત્યારે ત્યારે લેખક પ્રત્યે દોષારોપણ-પૂર્વક તર્જની લંબાવીને બોલી બેસે છે: “આ માણસે અમને છેહ દીધી! એને તો સૂઝવું જોતું’તું!” આ કદાચ આદરબુદ્ધિના ઉદ્ગાર છે, પણ એની રીત કઢંગી છે. લેખક માટે ઊંચી માનબુદ્ધિ હોય છે, સૃષ્ટિનાં રહસ્યોની સમજ એની પાસે છે એવો એને વિશે ખ્યાલ ઘર કરી બેઠેલો હોય છે, માનવજાતિના અંતરાત્મા તરીકે એની ગણના થતી હોય છે અને એ રીતે એ વર્તે એવી અપેક્ષા રખાતી હોય છે.

પરંતુ લેખક, કવિ, એને માથે ધર્મગુરુ કે પયગંબર અથવા ભાટ કે પ્રચારકની કામગીરી બજાવવાની ફરજ હોવી ન જોઈએ. સમકાલીન જીવન ઉપર એની કાંઈ ગણનાપાત્ર અસર પડતી જોવા મળે તો પણ એ એની હસ્તીને ન્યાય્ય ઠેરવનાર વસ્તુ નથી. એક અર્થમાં કલા માત્ર પ્રચાર છે, કોઈ ને કોઈ કાળે એની અમુક પ્રકારની અસર પડતી હોય છે એ હકીકત લક્ષમાં લઈએ તો. પણ એની અંદરનું પ્રચારમૂલ્ય તે જેને આધારે એ જીવે અથવા મરે એવી વસ્તુ નથી: કદાચ એની આગવી જે કાંઈ અસરકારકતા છે — જે રોકડા તૈયાર ઉકેલો આપવાને બદલે વસ્તુસ્થિતિનું એની પૂરેપૂરી સંકુલતામાં પ્રતિનિર્માણ રજૂ કરવામાં રહેલી છે—તેની ધાર પ્રચારમૂલ્યને લીધે બૂઠી થવા સંભવ છે. “મારી ઉપર સીધી કે આડકતરી કાંઈક અસર પાડવા કરતી હોય એવી કવિતાનો મને તિરસ્કાર છે,” એમ કીટ્સ[14] કહેતો. સાહિત્યિક કૃતિની મૂલ્યવત્તાનો આધાર લેખક ભૂલવગરની સૈદ્ધાન્તિક ભૂમિકા સ્વીકારે અથવા સુપ્રતિષ્ઠિત ધર્મશ્રદ્ધાનો આશરો લે એની ઉપર નથી. બર્કન[15] વિશે હૅઝલિટ[16] કહેતો તેમ, “તેની મુખ્ય દલીલમાં એણે થાપ ખાધી હોય, તેમ છતાં ખોટા તારણ સુધી પહોંચવામાં એણે પચાસ સત્ય આપણને આપ્યાં હોય.” કેટલીયે કલાકૃતિઓમાં અભિપ્રેત એવી ધર્મશ્રદ્ધાઓ સાથે સહાનુભૂતિ દાખવવી આપણે માટે શક્ય નથી (તે તે ચોક્કસ માન્યતા કે ધર્મશ્રદ્ધાની ગેરહાજરીમાં એ કલાકૃતિઓ શક્ય બની હોત એ જાતના કથનથી આ જુદું જ કથન છે), અને તેમ છતાં આપણે એમનો આનંદ માણી શકીએ એ સ્થિતિમાં છીએ. જે કલાકાર કલા સિદ્ધ કરવામાં સફળ નીવડે છે તે પોતાની પ્રત્યેની તેમ જ સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરી છૂટે છે. આપણા સમયનું સૌથી શોકજનક લક્ષણ હોય તો તે એ કે કલાકાર પોતાના કલા સિદ્ધ કરનાર સ્વભાવ કરતાં બીજી વસ્તુઓની મદદથી સમાજ આગળ પોતાના અસ્તિત્વને ન્યાય્ય ઠેરવવા ચિંતાતુર જેવો મળે છે; જ્યારે, ખરું જોતાં, એ જો પોતાની કલા દ્વારા વસ્તુસ્થિતિની નવેસરથી પ્રતિનિર્મિત રજૂ કરી શકે અને એ રીતે એક સમૃદ્ધતર સૃષ્ટિ આપણામાંના પ્રત્યેકની પહોંચમાં છે એવો સધિયારો આપી શકે તો એ પૂરતું છે.

કલાકાર બનવું, લેખક બનવું, એ કાંઈ નાનીસૂની જવાબદારી નથી, ખાસ કરીને અત્યારના સમયની વૈષમ્યભરી સ્થિતિમાં. આપણો યુગ, જેને ચિંતાના યુગ તરીકે ઓળખાવવામાં આવેલ છે, તેનું જો કોઈ મુખ્ય આહ્વાન હોય તો તે છે સંપૂર્ણ રીતે શીર્ણવિશીર્ણ થઈ જવાનો સતત ભય. જેમ જેમ વિજ્ઞાન અને યંત્રશાસ્ત્ર આગળ વધતાં જાય છે તેમ તેમ સભ્યતા અને સંસ્કૃતિનો હ્રાસ થતો જતો લાગે છે. યંત્રશાસિત સમાજ વૈયક્તિકતાને ભૂંસવા કરે છે, વ્યક્તિના લગભગ લોપની દશા હાથવેંતમાં છે. સમૂહ-માનવનું ઉત્થાન માનવીના ગૌરવને હાનિ પહોંચાડી રહ્યું છે. સમૂહ-વિચારસંક્રાન્તિનાં સાધનો બૌદ્ધિક જીવનના ટુકડા ટુકડા કરી રહ્યાં છે અને માણસને એક નવીન પ્રકારનો બર્બર (અસંસ્કારી, અનાર્ય) બનાવી રહ્યા છે; દેખીતો તો એ કલાના ગંજ ઉપર અને જીવન અંગેની અઢળક માહિતી ઉપર જીવતો હોય છે પણ સૌન્દર્ય એ પોતાને પોસાતી એક શોખની વસ્તુ કરતાં કાંઈક વિશેષ છે અને જ્ઞાન એ યંત્રશાસિત સમાજજીવનમાં સગવડભર્યા ગુજારા માટે સજ્જતા આપનાર વસ્તુ કરતાં કાંઈક વધારે છે એ વાત એના સમજવામાં આવી હોતી નથી.

આવા આહ્વાનનો સામનો કરીને જે કલા સિદ્ધ કરી શકે તે, ખરે જ, ઘણુંબધું વધારે સિદ્ધ કરે છે. પોતાની કલાની સરજત દ્વારા પોતાની માનવતાની સ્થાપના કરીને એ માનવગૌરવની પતાકા ફરફરાવે છે. સુગ્રથિત અસ્તિત્વની શક્યતા એ ચીંધે છે અને પોતાના યુગની સમગ્ર ચિંતાની પાર ઉત્સાહભેર એ ટકી રહે છે તેથી કરીને એ—બલકે એની કૃતિ—સંસ્કૃતિની આશાની મૂર્તિ બની રહે છે.

આધુનિક ઉદ્યોગવાદ અને એના અનુસંધાનમાં પ્રગટેલી યંત્રશાસન-વ્યવસ્થાએ માણસને એક ચોક્કસ ઢાંચામાં નાખ્યો છે અને એકેએક એનાં આંતરલક્ષણોને છોડવાની એને ફરજ પાડી છે, પરિણામે એ આધ્યાત્મિક રીતે માંડ માંડ ગુજારો કરતો જોવા મળે છે. માનવજાતિની આવી દશામાં, જે કોઈ, સુગ્રથિત પ્રતિનિર્મિતિ દ્વારા, માનવજીવનનું એની ગૂંચવણ-ભરી સંકીર્ણતાપૂર્વક સંગતતાભર્યું ચિત્રણ રજૂ કરી શકે, તેની જવાબદારી વધારાની અર્થમયતા અને અગત્ય ધારણ કરે છે. માનવીદુનિયાની છુપાયેલી શક્યતાઓનું ચિત્ર કલાકાર રજૂ કરે છે. નિર્ભીક સત્યશોધક તરીકે એ દેખા દે છે. ઉપલક રીતે ગૂંચવાડાભરેલ લાગતા વિશ્વક્રમમાં સંભવતઃ જે અંતિમ સંવાદ-વ્યવસ્થા રહેલી છે તેના પુરાવા-રૂપ—બહુ ભાર મૂક્યા વિના કહીએ તો, સૂચનરૂપ—એની કૃતિ બની રહે છે. બ્રાઉનિંગ[17] કહે છે:

What is art,

But life upon a larger scale, the higher,
When, graduating up in a spiral Line
Of still expanding and ascending gyres,
It pushes toward the intense significance
Of all things, hungry for the Infinite?

—સારાંશમાં, કલા એ ઊંચે ને ઊંચે બઢતા, અસીમ માટે ક્ષુધા ધરાવતા; વસ્તુમાત્રની સઘન સાર્થકતાને આંબવા કરતા બૃહત્તર ઉચ્ચતર જીવન સિવાય બીજું શું છે?

અંતમાં, ભૂતકાળને જઈ જઈને વળગવાની વૃત્તિ, જેનો ખાસ કરીને હિંદના લેખકોના મન ઉપર ઘણોબધો ભાર લાગે છે, તેને વિશે બે શબ્દ ઉમેરવાની રજા માગું છું. આપણી પાસે અત્યંત સમૃદ્ધ વારસો છે, અને એમાંનો સારો એવો અંશ જીવંત અને સક્રિય છે. એક બાજુ આપણે કોઈ જાતની સંકુચિત સંસ્કૃતિવિષયક પ્રાદેશિકતાથી પીડાવા માગતા નથી, તેમ બીજી બાજુ આપણે પશ્ચિમના એક સાંસ્કૃતિક સંસ્થાનની જેમ ન જીવ્યાં કરીએ એ પણ આપણે જોવા માગીએ છીએ. એનો અર્થ હરગિજ એવો નથી કે પશ્ચિમની પરંપરાઓમાં જે કાંઈ ઉત્તમ છે તેને આત્મસાત્ કરતાં આપણે ખંચકાઈશું. જો આપણું મુખ્ય ધ્યેય નવ-જાત, પુનર્જાત ભારતની વાઙ્મય પ્રતિનિર્મિતિ એ હોય, તો આપણે પ્રાચીન હિંદની આધ્યાત્મિકતા ઉપર લગાતાર મુસ્તાક રહેવાનું હોય નહીં. એટલું જ નહીં, આપણી આસપાસના અને અંદરના નરકમાં ડોકિયું કરતાં પણ આપણે અચકાઈએ નહીં. હાર્ડી[18] કહે છે તેમ, “બહેતર વસ્તુ તરફનો જો કોઈ રસ્તો હોય તો તે ખેડવા માટે બદતર વસ્તુ પૂરેપૂરી નજરમાં હોય એ જરૂરી થઈ પડે છે.” આપણે એ પણ ચકાસીશું કે આપણી આધ્યાત્મિકતામાંથી કેટલી આધુનિક જીવનસંદર્ભમાં ટકી શકે છે. કાંઈ નહીં તો દેશમાં અને પરદેશમાં આપણે આપણી આધ્યાત્મિકતાનો વાવટો ફરકાવવાનો લોભ ખાળીશું, છેવટે એટલા કારણે કે એમ કરવું એ સારી રીતભાત નથી. જેઓને આ પ્રશ્નમાં સાચો રસ હોય તેઓ આપણી આધ્યાત્મિકતાનો સારભાગ શોધવા પ્રયત્ન કરશે અને તે સમગ્ર માનવજાતિની મિલકત છે એ બાબત ખાતરી કરશે. ટાગોરે ‘ગોરા’માં આ વસ્તુ પ્રશસ્ય રીતે કરેલી છે. ગોરા ભારતીય ધર્મપરંપરામાં જે કાંઈ ઉત્તમ છે તે બધાનો હિમાયતી હતો. એકાએક એને ખબર પડે છે કે પોતે યુરોપીય છે. આ નવલકથામાં ટાગોરે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે તે આ છે : ભારતે હવે ગોરાને—એક બહારની વ્યક્તિને આપવા જેવું કાંઈ છે નહીં? અને એમણે આનંદમયી અને પરેશબાબુનાં પાત્રો દ્વારા ઉત્તર પણ પૂરો પાડ્યો જ છે. તેઓ બંને ક્યારનાં ય પોતપોતાના વર્તુળ બહાર નીકળી ગયાં હતાં (પરેશબાબુ તો હિંદુમાંથી ખસી બ્રહ્મોમાં ગયેલા તેમાંથી પણ હવે બહાર નીકળી ગયા જેવા હતા) અને ગોરા તો નાછૂટકે બહારનો બન્યો હતો જ્યારે એ બંને સ્વેચ્છાથી બહાર જઈને બેઠાં હતાં. પરંપરાગત અથવા તો ક્રાંતિકારી ધાર્મિક સમાજોમાંથી ખસીને બહારનાં બનવાનું એમણે પસંદ કર્યું તે પ્રેમની એક પરમ ઝંખનાને વશ વર્તીને જ. કદાચ ટાગોર આ બે પાત્રો દ્વારા અને ગોરાને જે ખાસ પરિસ્થિતિમાં મૂક્યો છે તે દ્વારા એમ સૂચવે છે કે સાચું ભારત ભારતીયતાને વટી જાય છે (अतितिष्ठाति दशाकुलम्). આ રીતે જોતાં આપણા આધ્યાત્મિક વારસાનું સારતત્ત્વ તે એક પાશ્ચાત્ય કવિ, શ્રી ઑડન[19], “આપણે એકબીજા પ્રત્યે પ્રેમવર્તાવ રાખવો જોઈએ અગર મૃત્યુ વહોરવું જોઈએ” એમ કહે છે તેથી કઈ રીતે જુદું પડે છે ખરું?

[“સંસ્કૃતિ”, નવેમ્બર 1957માંથી]

o

[1].  ભારતીય પી. ઈ. એન.ના ચોથા અધિવેશન—વડોદરામાં તા. ૨૭–૧૦–’૫૭ને દિવસે મૂળ અંગ્રેજીમાં વંચાયેલું.

[2]. પ્લેટો [ઈ. સ. પૂર્વે ૪૨૭–ઈ. સ. પૂર્વે ૩૪૭], વિશ્વવિખ્યાત ગ્રીક ચિંતક.

[3]. જૉન વૂલ્ફગેંગ ગ્યુઈથે [૧૭૪૯-૧૮૩૨], જર્મન ભાષાના બહુમુખી પ્રતિભા ધરાવનારા સાહિત્યકાર.

[4]. પ્લેટો [ઈ.સ.પૂર્વે ૪૨૭-ઈ.સ.પૂર્વે ૩૪૭], વિશ્વવિખ્યાત ગ્રીક ચિંતક.

[5]. જ્યૉર્જ પાલકોઝી-હોરવાથ [૧૯૦૮-૧૯૭૩], હંગેરીના જાણીતા લેખક, આત્મકથાનક થકી જાણીતા થયેલા સર્જક.

[6]. લેખકોનું વૈશ્વિક મંડળ, જેની સ્થાપના ૧૯૨૧માં લંડનમાં થઈ હતી.

[7]. જૉસેફ સ્તાલિન [૧૮૭૯-૧૯૫૩], રશિયાના ક્રાંતિકારી નેતા અને રશિયાને સોવિયેત સંઘમાં રૂપાંતરિત કરનાર.

[8]. નિકિતા ખ્રુશ્ચેવ [૧૮૯૪-૧૯૭૧], સ્ટાલિનના અવસાન બાદ રશિયામાં સત્તા પર આવનારા. સ્ટાલિનના પ્રખર ટીકાકાર.

[9]. એઝરા પાઉન્ડ [૧૮૮૫-૧૯૭૨], અમેરિકન કવિ અને વિવેચક.

[10]. થિયોડૉર રૂઝવેલ્ટ [૧૮૫૮-૧૯૧૯], અમેરિકાના પ્રમુખ (૧૯૦૧-૧૯૦૯).

[11]. એલન ટેઇટ [૧૮૯૯-૧૯૭૯], અમેરિકાના જાણીતા કવિ અને નિબંધકાર, સામાજિક નિસબતથી જોડાયેલા સર્જક.

[12]. આર્ચિબાલ્ડ મૅકલીશ [૧૮૯૨-૧૯૮૨], અમેરિકન કવિ અને લેખક.

[13]. જોનાથન સ્વિફ્ટ [૧૬૬૭-૧૭૪૫], આયર્લેન્ડના નિબંધકાર, કવિ. વ્યંગ માટે જાણીતા. 

[14]. જૉન કીટ્સ [૧૭૯૫-૧૮૨૧], ઇંગ્લૅન્ડના જાણીતા કવિ.

[15]. એડમન્ડ બર્કન [૧૭૨૯-૧૭૯૭], આયર્લેન્ડના રાજકીય આગેવાન. લેખક, વક્તા અને દાર્શનિક.

[16]. વિલિયમ હૅઝલિટ [૧૭૭૮-૧૮૩૦], ઇંગ્લૅન્ડના જાણીતા નિબંધકાર, વિવેચક અને ફિલસૂફ..

[17]. રૉબર્ટ બ્રાઉનિંગ [૧૮૧૨-૧૮૮૯], ઇંગ્લૅન્ડના કવિ અને નાટ્યલેખક. 

[18]. થૉમસ હાર્ડી [૧૮૪૦-૧૯૨૮], ઇંગ્લૅન્ડના નવલકથાકાર અને કવિ. 

[19]. વિન્સ્ટન એચ. ઑડન [૧૯૦૭-૧૯૭૩], બ્રિટિશ-અમેરિકન કવિ.

e.mail : kirankapure@gmail.com 
પ્રગટ : “नवजीवन”નો અક્ષરદેહ”; એપ્રિલ 2026; પૃ. 111-117 

Loading

7 June 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—344 
સિતારના સધાયેલા તાર પર હું મારી જિંદગીને ઉજવું છું : પંડિત રવિશંકર  →

Search by

Opinion

  • અટેન્શન ઇકોનોમીઃ આપણે ટેક જાયન્ટ્સનાં ગ્રાહક નથી રહ્યા, પ્રોડક્ટ બની ગયા છીએ
  • સિતારના સધાયેલા તાર પર હું મારી જિંદગીને ઉજવું છું : પંડિત રવિશંકર 
  • ચલ મન મુંબઈ નગરી—344 
  • છૂપા લો યું દિલ મેં પ્યાર મેરા … 
  • માણસે પોતાની જ કેદમાંથી મુક્ત થવાનું છે : થોમસ પેઈન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved