આગલા દિવસે વરસાદ પડ્યો હતો, એટલે ગઈકાલે પાર્કમાં ચાલતાં આ ત્રણ સગડ (પગેરાં) જોવાં મળ્યાં.

પહેલી ટ્રેક્ટરના પૈડાંની છાપ તો કોન્ક્રિટના રસ્તા પર પડી હોવાના કારણે જલદી નીકળી જશે. પણ કાદવમાં પડેલાં બીજાં બે પગલાં હવે પછી સૂર્યના તડકામાં સૂકાઈને સચવાઈ રહેશે.
આમ તો આ સાવ સામાન્ય ઘટના છે પણ કોણ જાણે કેમ એણે મનમાં વિચારોનાં ટોળેટોળાં ખડાં કરી દીધાં. આપણે સામાન્ય જીવો આવા સગડ અજાણે જ છોડી જતાં હોઈએ છીએ. એની કોઈ યાદ આપણા દિમાગમાં રહેતી નથી. પણ, અમારા ગામથી પચાસેક માઈલ દૂર આવેલા એક સ્થળમાં કરોડો વર્ષ પહેલાં નદીના પટમાં ચાલેલા ડાયનોસોરના આવા સગડ હજુ આજે પણ જોવા મળે છે.

પ્રચંડ ધરતીકંપોના કારણે તહસ નહસ થઈ ગયેલી ધરતીના પડનાં આવાં દૃશ્યો પણ એવી કુદરતી ઘટનાનાં સગડ છે.

પણ કોઈક અસામાન્ય વીરલાઓ અને હીરલાઓને પોતાનાં સગડ કાયમી રીતે સચવાઈ રહે તેવા અભરખા હોય છે! દુનિયાને જીતી લેવાના અભરખાવાળા અમૂક તો બીજાંની સલ્તનતો અને મહાલયોને તહસ નહસ કરી ખંડેરમાં ફેરવી લેવામાં ગૌરવ માણે છે. નાલંદાનાં આ ખંડેર એવા જુલમીઓના સગડ છે.

ઘણા માંધાતાઓ પોતાના જીવન બાદ પણ લોકો એમને યાદ કરે – એ માટે પોતાની પ્રતિમાઓ જેવાં સગડ છોડી જતા હોય છે. અથવા એમના અવસાન બાદ એમના પ્રશંસકો આવાં શિલ્પ બનાવી એમની યાદ સાચવી રાખે છે. એ પણ સગડ જ ને?!

અવકાશી પદાર્થો અને ઘટનાઓ વર્ણવતું એક પુસ્તક વાંચતાં પ્રચંડ ધડાકાથી નષ્ટ થઈ જતા તારાઓની વાત વાંચવા મળી.

આપણા સૂર્ય કરતાં અનેક ગણા વિશાળ તારાના નષ્ટ થઈ ગયાના આ સગડ!
અમાપ બ્રહ્માંડની સરખામણીમાં સાવ રજકણ જેવી પૃથ્વી પર રજકણથી પણ નાના એવા આપણા માનવજીવોની ક્ષુદ્રતા પર હસવું કે રડવું?
e.mail : surpad2017@gmail.com
![]()

