દાયકાઓ સુધી વોશિંગ્ટન માનતું રહ્યું કે વૈશ્વિકીકરણ અંતે બેઇજિંગને પશ્ચિમી મૂલ્યો તરફ દોરી જશે. પરંતુ તેનાથી સાવ વિપરીત, ચીને વૈશ્વિક પૂંજીવાદી વ્યવસ્થામાં પારંગતતા મેળવી, અને તે પણ પોતાની રાજકીય સર્વભૌમતાનું સમર્પણ કર્યા વગર.

ચિરંતના ભટ્ટ
દાયકાઓ સુધી અમેરિકન સત્તાની કોરિયોગ્રાફી એક સરખી રહી છે. વૉશિંગ્ટનની સીનમાં એન્ટ્રી થાય તે પહેલાં બીજા દેશો પોતાની ભાષા સાચવી લેતા. અમેરિકાના સાથી દેશો પોતાની ટીકા નરમ પાડતા. પ્રતિસ્પર્ધીઓ પોતાના શબ્દો જોખીને બોલતા. આટલું ઓછું હોય તેમ વિરોધી દેશો પણ વૈશ્વિક સત્તાના ક્રમના વ્યાકરણને સમજી ગયા હતા, કડવો ઘુંટડો હતો પણ તો ય ગળે ઉતાર્યો હતો. વિરોધીઓ જાણતા હતા કે ગમે કે ન ગમે પણ અમેરિકા બીજા દેશોને ચેતવણી આપી શકે, પ્રતિબંધ મૂકી શકે, તેમને અલગ પાડી શકે, પણ એમાં અમેરિકાને કોઈ આડે ન આવી શકે. બહુ ઓછા દેશો જાહેરમાં અમેરિકાએ શું કરવું અને શું નહીં તે કહી શકતા. એટલા માટે જ ડોનાલ્ડ ટ્રમ્પની બેઈજિંગની મુલાકાતની આસપાસ વિંટળાયેલી પ્રતીકાત્મકતા રાજદ્વારી મંચ પરના પરફોર્મન્સથી ઘણી અલગ અને આગળ વધેલી ઘટના છે.
ટ્રમ્પ બેઇજિંગ પહોંચે તે પહેલાં જ ચીની દૂતાવાસે જાહેરમાં કહી દીધું હતું કે અમેરિકા ચીન-અમેરિકા સંબંધોની કહેવાતી “ફોર રેડ લાઇન્સ”ને પડકારવી નહીં; જેમાં તાઇવાન, લોકશાહી અને માનવાધિકાર, ચીનની રાજકીય વ્યવસ્થા અને ચીનનો પોતાના વિકાસનો અધિકાર સામેલ હતા. આ સંદેશો શાંતિથી બૅકચેનલ રાજદ્વારી શૈલીમાં નહોતો અપાયો. આ વાત ખુલ્લેઆમ એક ટ્વીટ તરીકે X પર પ્રસારિત કરવામાં આવી. એક એવું પ્લેટફોર્મ જેની પર ચીનમાં પ્રતિબંધ છે. આ પગલામાં ચીનનો વ્યૂહાત્મક ઇરાદો સ્પષ્ટ દેખાતો હતો.
આ ઘટનાનું મહત્ત્વ માત્ર ચેતવણીમાં નથી, પરંતુ તેની પાછળ રહેલા આત્મવિશ્વાસમાં છે. એક સમય એવો હતો જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિને આવી ભાષામાં સંબોધવું કોઈપણ દેશ માટે; પરમાણુ ક્ષમતા ધરાવત સમકક્ષ દેશોને છોડીને, લગભગ અકલ્પનીય હતું. પહેલાં પણ, શીત યુદ્ધ દરમિયાન મોસ્કોની ચેતવણીઓ મોટે ભાગે સીધી સૈન્ય અથડામણના સંજોગોમાં સંભળાતી. પણ ચીનનું આ નિવેદન એવા રાજકીય પ્રવાસ પહેલાં આવ્યું, જેનો હેતુ દેખીતી રીતે યુ.એસ.એ.-ચીનના સંબંધોને સ્થિર બનાવવાનો હતો. એ તફાવત ઐતિહાસિક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. બેઇજિંગે કોઈ નબળા રાષ્ટ્ર તરીકે આ વાત બચાવ માટે નહોતી મૂકી પણ તે સમકક્ષ સ્થિતિમાં રહી વાટાઘાટ કરી રહ્યું હતું.
આ એક બાબત જ 21મી સદીના સૌથી મોટા ભૂરાજકીય પરિવર્તનોમાંની એકને ચિહ્નિત કરે છે. ચીનના ઉદયને અત્યાર સુધી GDPના આંકડા, સૈન્ય ક્ષમતા, સેમિકન્ડક્ટર સ્પર્ધા, બેલ્ટ એન્ડ રોડ કોરિડોર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તામાં કરાયેલા રોકાણોથી માપવામાં આવ્યો છે. પરંતુ સત્તા માત્ર ભૌતિક નથી હોતી; તે માનસિક પણ હોય છે. કોઈ દેશ ત્યારે સાચા અર્થમાં સુપરપાવર બને છે, જ્યારે તે વૈશ્વિક પ્રભુત્વ ધરાવતા દેશનું પોતાને કેવું વર્તન સ્વીકાર્ય છે તેની મર્યાદાઓ નક્કી કરવા લાગે. ચીન હવે માત્ર અમેરિકન દબાણ પર પ્રતિક્રિયા આપતો દેશ નથી રહ્યું; તે હવે અમેરિકન વર્તનની સ્વીકાર્ય સીમાઓ નિયત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માત્ર વ્યૂહરચનાનો ફેરફાર નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળ વ્યાકરણમાં થતો ફેરફાર છે.
ચીની ચેતવણીઓ ખાસ કરીને એટલા માટે વધુ નોંધપાત્ર હતી કારણ કે તે માત્ર વ્યૂહાત્મક મુદ્દાઓ સુધી મર્યાદિત નહોતી; તેણે વિચારધારાત્મક ક્ષેત્રને પણ સીધો સ્પર્શ કર્યો હતો. બેઇજિંગે “લોકશાહી અને માનવાધિકાર” જેવા વિષયોને પણ એવી બાબતોમાં ગણાવ્યા, જેને અમેરિકાએ હથિયાર તરીકે ઉપયોગમાં ન લેવા જોઈએ. ટૂંકમાં, ચીને આડકતરી જાહેરાત કરી કે એકતરફી નૈતિક ઉપદેશોના યુગનો અંત આવી રહ્યો છે. વિશ્વ ચીનની આ સ્થિતિ સાથે સહમત છે કે નહીં, તે અહીં લગભગ ગૌણ બાબત છે. મહત્ત્વની વાત એ છે કે ચીન હવે પોતાને આ વાત ખુલ્લેઆમ કહેવા જેટલો શક્તિશાળી દેશ અનુભવે છે; અને અમેરિકા પણ હવે એ જ માળખા કે મર્યાદામાં રહીને સંબંધો સાચવવા મજબૂર છે.
અહીં માત્ર આ નિવેદન નહીં પણ એ કહેવા માટે જે પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો એ પણ મહત્ત્વપૂર્ણ છે. ચીને સોશિયલ મીડિયા રાજદ્વારીનો આક્રમક અને ગણતરીપૂર્વક ઉપયોગ કર્યો, અને વાટાઘાટો શરૂ થાય તે પહેલાં જ X પર પોતાની “રેડ લાઇન્સ” જાહેર કરી દીધી. આ માત્ર કોમ્યુનિકેશન નહોતું; આ પૂર્વ-સ્થાપિત માનસિક મંચ તૈયાર કરાયો હતો. બેઇજિંગ સમજી ચૂક્યું હતું કે મુલાકાતની શરતો જાહેરમાં ઘોષિત કરવાથી ટ્રમ્પ બેઇજિંગ પહોંચે તે પહેલાં જ વૈશ્વિક માહિતી અને સંજોગોને પ્રભાવિત કરી શકાય. આ સંદેશાના ઑડિયન્સમાં માત્ર વોશિંગ્ટન નહોતું પણ દરેક વિકાસશીલ અર્થવ્યવસ્થા, દરેક અસ્થિર સાથી દેશ અને દરેક એવા રોકાણકાર હતો, જેને જોવું હતું કે અમેરિકા ચીનમાં કમાન્ડર તરીકે પહોંચે છે કે અરજદાર તરીકે. ટૂંકમાં ચીને અમેરિકાને તેનો રોલ પોતાને ઘરે પધારે તે પહેલાં સમજાવી દીધો.
ટ્રમ્પ સાથે આવેલા પ્રતિનિધિમંડળની છબી પોતે જ આ પ્રશ્નનો જવાબ આપી રહી હતી. ટ્રમ્પ સાથે ઇલોન મસ્ક, જેન્સન હુઆંગ, ટિમ કુક, લેરી ફિંક, ડેવિડ સોલોમન જેવા અમેરિકાના સૌથી પ્રભાવશાળી કોર્પોરેટ ચહેરાઓ હાજર હતા. આ દૃશ્ય અસાધારણ હતું અને ઘણું કહી જતું પણ હતું: ટ્રમ્પ બેઈજિંગ પહોંચ્યા ત્યારે વિશ્વમાં સૌથી શક્તિશાળી સૈન્ય શક્તિ ધરાવતા દેશના નેતા નહીં પણ ચીનના બજારમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા એક વ્યાપારી મિશનની આગેવાની કરતા અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે પહોંચ્યા.
અગાઉના માનવામાં આવતું કે આર્થિક એકીકરણ અંતે ચીનને રાજકીય રીતે ઉદાર બનાવશે. હવે આ સિદ્ધાંત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે. દાયકાઓ સુધી વોશિંગ્ટન માનતું રહ્યું કે વૈશ્વિકીકરણ અંતે બેઇજિંગને પશ્ચિમી મૂલ્યો તરફ દોરી જશે. પરંતુ તેનાથી સાવ વિપરીત, ચીને વૈશ્વિક પૂંજીવાદી વ્યવસ્થામાં પારંગતતા મેળવી, અને તે પણ પોતાની રાજકીય સર્વભૌમતાનું સમર્પણ કર્યા વગર. વોશિંગ્ટન જેને અશક્ય માનતું હતું, ચીને એ જ હકીકત બનાવી બતાડી દીધું. ચીને આર્થિક આધુનિકીકરણ કર્યું, પરંતુ સાથે સાથે પાર્ટી-સ્ટેટ નિયંત્રણને જાળવી રાખ્યું, એટલું જ નહીં પણ તેને મજબૂત પણ બનાવ્યું. બેઇજિંગે વૈશ્વિકીકરણનો ઉપયોગ પશ્ચિમીકરણનો વિરોધ કરી શકે તેવું જ લૅવરેજ એકઠું કરવા માટે કર્યો.
આ વિરોધ હવે માત્ર રાજકીય નથી રહ્યો; તે સંસ્થાગત, તકનીકી અને વિચારધારાત્મક રૂપ ધારણ કરી ચૂક્યો છે. આ કારણે ટ્રમ્પની આ મુલાકાત પાછળની અસલ કહાની એક સાચા અર્થમાં બાયપોલર એટલે કે બે ધ્રુવ ધરાતી વૈશ્વિક વ્યવસ્થાની શરૂઆતની છે. શીત યુદ્ધ બાદ અમેરિકા જેને વિદ્વાનો “યુનિપોલર મોમેન્ટ” કહે છે તે સ્થિતિમાં કામ કરતો દેશ હતો; બેજોડ સૈન્ય શક્તિ અને તેની પહોંચ પણ મજબૂત, રિઝર્વ કરન્સી તરીકે ડૉલરનું પ્રભુત્વ, ટેક્નોલોજીકલ સર્વોચ્ચતા, સાંસ્કૃતિક પ્રભાવ અને મજબૂત સાથી દેશોની રચના. દેશોને અમેરિકાપ્રધાન વૈશ્વિક વ્યવસ્થામાંથી બહાર ફેંકાઈ જવાનો ભય રહેતો હતો. ટૂંકમાં અમેરિકા ક્લાસનો એ છોકરો હતો જેના સર્કલમાં રહેવું દરેક માટે જરૂરી હતું.
સોવિયેત સંઘના પતન પછી લગભગ ત્રણ દાયકા સુધી દુનિયા પોતાને અમેરિકન પસંદગીઓ મુજબ ઢાળતી રહી. આજે દૃશ્ય બદલાઈ ગયું છે: મલ્ટીનેશનલ કંપનીઓના CEO, રોકાણકારો અને અમેરિકાના સાથી દેશો સુદ્ધાં હવે ચીનની “રેડ લાઇન્સ”ને ધ્યાનમાં રાખીને પોતાનો વહેવાર નક્કી કરે છે. દુનિયા હવે માત્ર એક જ રાજધાનીની પરિક્રમા કરતી રહી નથી.
આજે ચીન એક વૈકલ્પિક આકર્ષણ-કેન્દ્ર બની ચૂક્યો છે, ઓછામાં ઓછો આર્થિક રીતે તો ચોક્કસ, ભલે વિચારધારાત્મક રીતે હજી ચીન સર્વવ્યાપક દેશ ન બન્યો હોય.
બેઇજિંગ હવે કોઈ ઊગતા દેશની માફક પોતાને સમાવી લેવા માટે અરજી નથી કરતું. બલકે, એક સ્થાપિત શક્તિની જેમ પોતાના સર્વભૌમ ક્ષેત્રનું રક્ષણ કરતું હોય તેમ જ વર્તે છે. ચીની અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તાઇવાન મુદ્દે ખોટી રીતે આગળ વધવામાં આવશે તો સમગ્ર દ્વિપક્ષીય સંબંધ અસ્થિર થઈ શકે છે. આ ભાષા એવા દેશ જેવી લાગે છે જેને વિશ્વાસ છે કે સમય તેની તરફેણમાં છે, અને આમ થવાનાં કારણો પણ યોગ્ય છે.
વર્ષોથી ચાલતા ટ્રેડ વોર, પ્રતિબંધો અને “ડિકપલિંગ”ની ચર્ચાઓ છતાં અમેરિકાનો કોર્પોરેટ વર્ગ બેઇજિંગને અવગણી શકતો નથી. સિલિકોન વેલી, વૉલ સ્ટ્રીટ, મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇન્સ અને રેર અર્થ પરની નિર્ભરતા જેવી બધી જ બાબતો હજુ ચીન સાથે ઊંડે સુધી જોડાયેલી છે. ટ્રમ્પ સાથે વિમાનમાં બેઠેલા CEOઓ જ આનો જીવંત પુરાવો હતા.
સૈન્ય દૃષ્ટિએ પણ ચીન હવે માત્ર કોન્ટિનેન્ટલ પાવર નથી રહ્યો. તેની નૌકાદળ ક્ષમતા, મિસાઇલ શક્તિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતી હાજરીએ વ્યૂહાત્મક સમીકરણ જ બદલી નાખ્યું છે. અમેરિકા આજે પણ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક સૈન્ય શક્તિ પ્રદર્શિત કરી શકે છે, પરંતુ ચીન હવે પોતાના પ્રાદેશિક ક્ષેત્રમાં અમેરિકન પ્રભુત્વને આત્મવિશ્વાસથી પડકારી શકે એટલી તાકાત ધરાવે છે. એ આત્મવિશ્વાસ પણ એક પ્રકારનું પ્રતિરોધક બળ છે.
આનો અર્થ એવો કોઈ કાળે નથી થતો કે ચીને અમેરિકાનું સ્થાન લઇ લીધું છે. અમેરિકા પાસે આજે પણ કોઈ આંબી ન શકે તેવું અલાયન્સ નેટવર્ક છે, રિઝર્વ કરન્સી તરીકે ડૉલરની શક્તિ છે, ઇનોવેશન સિસ્ટમ છે અને મિલિટરી પ્રોજેક્શન તેવું એવું છે કે તેનો કોઈપણ વિરોધી દેશ તેની સાથે ટક્કર લઇ શકે તેવી સ્થિતિમાં નથી. પરંતુ વૈશ્વિક નિયમો અને મૂલ્યો નક્કી કરવાનું જે એકચક્રી સૂકાન અમેરિકા પાસે હતું તેમાં હવે તિરાડ પડી છે એ ચોક્કસ.
કદાચ આ તિરાડ આપણા સમયની સૌથી અગત્યની જિઓપૉલિટિકલ કથા બને! શી જિનપિંગે ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કર્યું, પરંતુ આ રાજદ્વારી કોરિયોગ્રાફીમાં કઠોર વાસ્તવિકતા છુપાયેલી હતી. સત્તાનું સંતુલન એટલું બદલાઈ ચૂક્યું છે કે ચીન હવે અમેરિકન રાષ્ટ્રપતિની મુલાકાત માટે જાહેરમાં રાજદ્વારી પૂર્વશરતો મૂકી શકે છે, અને તે પણ એવા પ્લેટફોર્મ પર, જે પોતાના દેશમાં પ્રતિબંધિત છે. કદાચ આ એક જ વિગત આખી ઘટનામાં રહેલા ચીનના ખાસ આત્મવિશ્વાસને કોઈપણ સંયુક્ત નિવેદન કરતાં વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે.
બાય ધી વેઃ
ટ્રમ્પની આ મુલાકાતમાંથી કરારો બની શકે છે, સિમ્બોલિક પહેલ પણ થાય અને થોડા સમય માટે સંબંધો સ્થિર થાય એમ પણ બને પણ ખરી હેડલાઈન તો કોઈ સંયુક્ત નિવેદનથી ઘણી મોટી છે. શીત યુદ્ધ પછીના સમયમાં પહેલીવાર અમેરિકા એવા પ્રતિસ્પર્ધી સાથે સંવાદ કરે છે જેને હવે પરંપરાગત અર્થમાં અમેરિકાને ખોટું લાગશે તો શું થશે એવો ડર નથી રહ્યો. વિશ્વની રાજકીય વ્યવસ્થા બદલાઇ રહી હોય ત્યારે તેમાં કોઈ નાટકીય ક્ષણ હોય એવું જરૂરી નથી. આ શાંતિથી ખેલાતો ખેલ છે. જેમાં એક દેશ બીજા દેશને જાણે કહી રહ્યો છે કે હવે એક જ મહાસત્તા હોય એવી વિશ્વ વ્યવસ્થા નથી રહી. પાસાં પલટાઇ રહ્યાં છે, સંજોગો બદલાઇ રહ્યાં છે અને ક્લાસમાં સૌથી અગત્યના ગણાતા છોકરાની દાદાગીરીના દિવસો પૂરાં થઇ રહ્યાં છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 મે 2026
![]()

