૧૬

પ્રબંધચિંતામણીના અનુવાદની હસ્તપ્રત (ફાર્બસના હસ્તાક્ષરમાં)નું એક પાનું
૧૮૫૬માં પ્રગટ થયેલ અંગ્રેજી રાસમાળાની પ્રસ્તાવનામાં એક વાક્ય આવું જોવા મળે છે :
“પ્રબંધ ચિંતામણીની એક નકલ મને ભેટ આપવા માટે અને તેના અનુવાદમાં અનિવાર્ય એવી મદદ કરવા માટે હું પીરચંદજી ભૂધરજીનો ખાસ આભારી છું. તેઓ મારવાડના વતની હતા અને જૈન હતા. તેઓ હતા તો વેપારી, અને વેપારીઓ મોટે ભાગે સાહિત્ય પ્રત્યે ઉદાસીન હોય છે. પણ પીરચંદજી પ્રશિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય બંનેના સારા જાણકાર હતા.૩૬
આનો અર્થ એ થયો કે ફાર્બસે ‘પ્રબંધ ચિંતામણી’નો અનુવાદ પણ કર્યો હતો. પણ પ્રસ્તાવનામાંના આ વાક્ય ઉપર આજ સુધી ભાગ્યે જ કોઈએ ધ્યાન આપ્યું છે. તેનું એક કારણ એ હોઈ શકે કે આભાર દર્શનના ફકારામાંનાં આવાં વાક્યો ઘણા વાચકો વાંચતી વખતે કૂદાવી જતા હશે – એમાં તે શું વાંચવું, એમ વિચારીને. રત્નમાળાનો ફાર્બસે કરેલો અનુવાદ એશિયાટિક સોસાયટીના જર્નલમાં પ્રગટ થયો ત્યારે જસ્ટિસ ન્યૂટને સાથે એક નાની નોંધ ઉમેરી હતી. તેમાં તેમણે પણ ફાર્બસે કરેલા પ્રબંધ ચિંતામણીના અનુવાદનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહિ, ફાર્બસે પોતાના અનુવાદને અંતે મૂકેલી નોંધ પણ તેમણે શબ્દશઃ ટાંકી હતી :
“જો આ પુસ્તક બીજા કોઈના હાથમાં આવે તો મારે સ્પષ્ટતા કરવી જોઈએ કે આ અનુવાદ સો ટકા સાચો છે એવો મારો દાવો નથી. મારા પોતાના ઉપયોગ માટે જ મેં આ અનુવાદ તૈયાર કર્યો છે.”૩૭
આનો અર્થ એ થયો કે ફાર્બસે કરેલો પ્રબંધ ચિંતામણીનો અનુવાદ જસ્ટિસ ન્યૂટને જોયો હતો. નહિતર તેમણે ફાર્બસે લખેલી નોંધ અહીં શબ્દશઃ ટાંકી હોત નહિ. પણ પ્રબંધ ચિંતામણીનો ફાર્બસે કરેલો અનુવાદ ક્યારે ય પ્રગટ થયો હતો ખરો? બ્રિટિશ લાયબ્રેરી, અમેરિકાની લાયબ્રેરી ઓફ કાઁગેસ, બીજાં કેટલાંક પુસ્તકાલયો, અને ઈન્ટરનેટ પર તપાસ કર્યા છતાં ફાર્બસનો આ અનુવાદ પ્રગટ થયાની માહિતી ક્યાંયથી આ લખનારને મળી નહિ. પણ તો પછી જસ્ટિસ ન્યૂટને અનુવાદની જે હસ્તપ્રત જોઈ હતી તે ક્યાં ગઈ? ફાર્બસે પોતાના સંગ્રહમાંનાં કેટલાંક પુસ્તકો મુંબઈની એશિયાટિક સોસાયટીને ભેટ આપ્યાં હતાં, પણ એ સોસાયટી પાસે એ હસ્તપ્રત નથી. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ (હાલની ગુજરાત વિદ્યા સભા) પાસે નથી. ફાર્બસના અવસાન પછી હસ્તપ્રતો અને પુસ્તકોના તેમના સંગ્રહનો મોટો ભાગ ‘ફાર્બસ ગુજરાતી સભા’એ ફાર્બસનાં પત્ની પાસેથી ખરીદી લીધો હતો. પછીથી મેળવેલી હસ્તપ્રતોની સાથે એ સંગ્રહ પણ આ સંસ્થાની લાયબ્રેરીમાં પ્રમાણમાં સારી રીતે આજ સુધી જળવાયો છે. આ લખનારે એ સંગ્રહમાં ખાંખાંખોળાં કરવાનું શરૂ કર્યું. અને એક દિવસ આનંદનો પાર ન રહ્યો. સાચા ચામડામાં બાંધેલો એક ચોપડો. સારા, જાડા કાગળ. અને તેમાં ફાર્બસના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલો પ્રબંધ ચિંતામણીનો અનુવાદ! દોઢસો વર્ષ કરતાં ય વધુ જૂનો ચોપડો, ફાર્બસના પોતાના મરોડદાર રનિંગ હેન્ડ અક્ષરો! એ પાનાંને અડતાં પણ રોમાંચ થાય! ફાર્બસના અવસાન પછી થોડા વખતમાં જ આ બધી સામગ્રી ‘ફાર્બસ ગુજરાતી સભા’એ મેળવી હતી અને ત્યારથી આજ સુધી આ ચોપડો તેની પાસે જ રહ્યો છે, એટલે ફાર્બસના અવસાન પછી આ અનુવાદ કોઈએ છાપ્યો હોય એ સંભવિત નથી. પણ પછી એક સવાલ થયો : જસ્ટિસ ન્યૂટને જે હસ્તપ્રત જોઈ હતી તે આ જ હસ્તપ્રત? હા ચોક્કસ. પણ ખાતરીથી કેમ કહી શકાય? કારણ જસ્ટિસ ન્યૂટને ફાર્બસની જે નોંધ પોતાની પાદ ટીપમાં ટાંકી છે તે અક્ષરશઃ આ અનુવાદને અંતે જોવા મળે છે.

પ્રબંધ ચિંતામણીના અનુવાદની હસ્તપ્રતને અંતે ફાર્બસે મૂકેલી નોંધ
અનુવાદના પહેલા પાને પોતે આ અનુવાદ કરવાનું કામ ૧૮૪૯ના મે મહિનાની ૨૨મી તારીખે શરૂ કર્યું હોવાનું ફાર્બસે નોંધ્યું છે. એટલે કે રાસમાળા પ્રગટ થઇ તેના કરતાં સાત વર્ષ પહેલાં તેમણે આ અનુવાદ કર્યો હતો. હસ્તપ્રતને છેલ્લે પાનાની નીચે ફાર્બસે તારીખ નાખી છે : ૧૫ ઓગસ્ટ, ૧૮૪૯. એટલે કે ફાર્બસે આ અનુવાદ ત્રણ મહિના કરતાં ય ઓછા સમયમાં કર્યો હતો. પ્રબંધ ચિંતામણી જેવી કૃતિનો અનુવાદ આટલા ટૂંકા સમયગાળામાં કરવો એ સહેલી વાત નથી. ઈ.સ. ૧૩૦૪માં વર્ધમાન પૂરમાં જૈન સાધુ મેરુતુંગાચાર્યે લખેલા આ પ્રબંધમાં સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ, અને કેટલીક સ્થાનિક બોલીઓનો ઉપયોગ થયો છે. આમ, એક કરતાં વધુ ભાષાને કારણે તેનો અનુવાદ કરવાનું કામ વધુ મુશ્કેલ બને છે. ગુજરાતના અને તેની આસપાસના પ્રદેશના રાજાઓ, તેમનાં જીવન, શાસન, યુદ્ધો, તેમાં મળેલા વિજયો કે પરાજયો વગેરેની વાત આ ગ્રંથમાં થઇ છે. જુદા જુદા રાજાઓને લગતા ઘણા રસપ્રદ કિસ્સાઓ પણ તેમાં વણી લેવાયા છે. રાજ દરબારની રીતભાત, કવિઓ વચ્ચે યોજાતી સ્પર્ધાઓ, વગેરેની વિગતો પણ તેમાં વણી લેવાઈ છે.
આ અનુવાદ કરવા પાછળનો ફાર્બસનો હેતુ રાસમાળાના લેખનમાં ઉપયોગી થાય તેવી સામગ્રી એકઠી કરવાનો હતો. તેથી તેમણે સમગ્ર કૃતિનો અનુવાદ કર્યો નથી. તેના પાંચ પ્રકાશમાંથી પહેલા બેનો અનુવાદ ફાર્બસે કર્યો નથી. માત્ર ત્રીજા, ચોથા, અને પાંચમાં પ્રકાશનો અનુવાદ કર્યો છે. ચોપડાના કદના દરેક પાનાને ફાર્બસે બે કોલમમાં વહેંચ્યું છે. ડાબી બાજુની કોલમ મોટે ભાગે કોરી રાખી છે. માત્ર કેટલીક નોંધ કે સંસ્કૃત શબ્દોના અર્થ ડાબી કોલમમાં નોંધ્યા છે. અનુવાદ જમણી કોલમમાં લખ્યો છે. આમ કેમ કર્યું હશે? એક કારણ એ હોઈ શકે કે પછીથી મૂળ કૃતિનો પાઠ બીજા કોઈ પાસે ડાબી કોલમમાં લખાવી લેવાનું તેમણે વિચાર્યું હોય. પણ વધુ સંભવિત કારણ એ છે કે હાથે લખાતી હસ્તપ્રતમાં પાનાની નીચે પાદ ટીપ લખવાનું ફાવે નહિ. તેથી પાદ ટીપ જેવી નોંધો લખવા માટે તેમણે ડાબી કોલમ રાખી હોય.
આજ સુધી હસ્તપ્રત રૂપે જળવાઈ રહેલો આ અનુવાદ વહેલી તકે ‘ફાર્બસ ગુજરાતી સભા’એ કે બીજી કોઈ સંસ્થાએ પ્રગટ કરવો જોઈએ.
(ક્રમશ:)
e.mail : deepakbmehta@hotmail.com
 






 આ કામ લીધે લગભગ એક વરસ થવા આવ્યું તે બદલ મુ. ઝીણાભાઈની માફી માંગવી રહી. એમણે કદી ઉઘરાણી તો નથી કરી પણ સોંપ્યું ત્યારથી વહેલું છપાય તેમ તેઓ ઇચ્છતા એમ મને સમજાતું રહ્યું હતું. વાસ્તવમાં ઝીણાભાઈ ઘણા સરળ માણસ છે. એમને ઝટ ઓળખી શકાય છે. રાજકારણનો ઓછાયો એમના જીવન પર પડ્યો છતાં છળકપટ તેમને ભાવતાં નથી. મૂળે ઝીણાભાઈ એક લાગણીપ્રધાન જીવ છે. જુગતરાભાઈના સ્પર્શથી સામાન્યજન પ્રત્યેની હમદર્દી વધુ મેળવી અને જાતે રાષ્ટ્રીયત્વ ખીલવ્યું. તેથી જ ઉદારતા સહજ મેળવી લીધી છે. અને તેથી જ મારા જેવા વખત – કવખતે તેમની ટીકા કરનાર, એમની સાથે સજાગ રહી વર્તનારને કામ સોંપવામાં તેમને થડકાર થતો નથી. “મીનુભાઈવાળું પુસ્તક તમારે કરવાનું છે” એમ એમણે કહ્યું ત્યાર પહેલાં મારા મનમાં હતું ખરું કે એ મારે જ કરવું જોઈએને ! એટલે ભાવતું તો મળ્યું. પણ તે સાથે ઝીણાભાઈ સાથેનો સંબંધ આ પુસ્તક તૈયાર કરવા મળવાથી વધુ સરળ અને સુદૃઢ થયાનું અનુભવું છું. આવી તેમને ય ઓળખવાની તક આપવા બદલ તેમનો આભાર માનું છું.
આ કામ લીધે લગભગ એક વરસ થવા આવ્યું તે બદલ મુ. ઝીણાભાઈની માફી માંગવી રહી. એમણે કદી ઉઘરાણી તો નથી કરી પણ સોંપ્યું ત્યારથી વહેલું છપાય તેમ તેઓ ઇચ્છતા એમ મને સમજાતું રહ્યું હતું. વાસ્તવમાં ઝીણાભાઈ ઘણા સરળ માણસ છે. એમને ઝટ ઓળખી શકાય છે. રાજકારણનો ઓછાયો એમના જીવન પર પડ્યો છતાં છળકપટ તેમને ભાવતાં નથી. મૂળે ઝીણાભાઈ એક લાગણીપ્રધાન જીવ છે. જુગતરાભાઈના સ્પર્શથી સામાન્યજન પ્રત્યેની હમદર્દી વધુ મેળવી અને જાતે રાષ્ટ્રીયત્વ ખીલવ્યું. તેથી જ ઉદારતા સહજ મેળવી લીધી છે. અને તેથી જ મારા જેવા વખત – કવખતે તેમની ટીકા કરનાર, એમની સાથે સજાગ રહી વર્તનારને કામ સોંપવામાં તેમને થડકાર થતો નથી. “મીનુભાઈવાળું પુસ્તક તમારે કરવાનું છે” એમ એમણે કહ્યું ત્યાર પહેલાં મારા મનમાં હતું ખરું કે એ મારે જ કરવું જોઈએને ! એટલે ભાવતું તો મળ્યું. પણ તે સાથે ઝીણાભાઈ સાથેનો સંબંધ આ પુસ્તક તૈયાર કરવા મળવાથી વધુ સરળ અને સુદૃઢ થયાનું અનુભવું છું. આવી તેમને ય ઓળખવાની તક આપવા બદલ તેમનો આભાર માનું છું.