11 માર્ચ, 2024ની સાંજથી સી.એ.એ. – સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ – નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે અને એ સંદર્ભે હવે સી.એ.એ. પોર્ટલ પણ સક્રિય છે. આ કાયદો લાગુ કરવાનો હેતુ એ છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળે. 11 ડિસેમ્બર, 2019ને રોજ બંને ગૃહોમાં ખરડો પસાર થયો ને 12 ડિસેમ્બરે રાષ્ટ્રપતિની સહી થતાં તે કાયદો બન્યો. હવેથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી ભારત આવેલા લોકો અરજી કરીને ભારતની નાગરિકતા મેળવી શકશે. નાગરિકતા અધિનિયમ 1955, ગેરકાયદેસર રીતે ભારતમાં આવેલ વસાહતીઓને નાગરિકતા આપતો નથી, પણ સી.એ.એ. 31 ડિસેમ્બર, 2014 પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાંથી 6 લઘુમતી ભારતમાં સ્થળાંતરિત થઈ હોય તો તે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકશે. સી.એ.એ. અગાઉ, સ્થળાંતર કરીને આવનારને નાગરિકતા મેળવવાની અરજી કરવા 11 વર્ષ ભારતમાં હોવું અનિવાર્ય હતું, એ ગાળો પણ હવે ઘટાડીને 5 વર્ષનો કરી દેવામાં આવ્યો છે. સી.એ.એ.થી મળતી નાગરિકતાને કારણે શરણાર્થીઓને સન્માનજનક જીવન મળશે ને આર્થિક તેમ જ ધંધાકીય અધિકારો મળશે. આમાં મહત્ત્વનું એ પણ છે કે સી.એ.એ. નાગરિકતા આપતો કાયદો છે, નહીં કે નાગરિકતા છીનવતો ! એટલે એને વિષે ગેરસમજ પાળવાની જરૂર નથી. બીજી કલમો પણ કાયદામાં છે, પણ મુખ્ય વાત નાગરિકતા આપવાની છે. નાગરિકતા સુધારા કાયદો આમ તો પાંચેક વર્ષથી તૈયાર હતો, પણ તેનો અમલ 6 મહિનામાં ન થતાં 8 વખત એક્સટેન્શન લેવું પડ્યું ને અંતે 11 માર્ચ, 2024થી તે લાગુ કરી દેવાયો છે.
સી.એ.એ. કાયદો થયો ત્યારથી જ તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો હતો. એ વિરોધ કરનારા આસામ સહિતનાં ઉત્તરપૂર્વી રાજ્યો હતાં ને તે સિવાય પણ અન્ય પ્રદેશના લોકો પણ કાયદાના વિરોધમાં સક્રિય હતા. ઉત્તર પૂર્વીય રાજ્યોને આ કાયદાનો ભય એ છે કે સ્થળાંતરિત પ્રજાનું પ્રમાણ વધશે તો તેમનાં ભાષા-સંસ્કૃતિ દૂષિત થશે ને નવી વાતનો ઉમેરો થશે. આસામમાં કાઁગ્રેસની આગેવાની હેઠળના 16 પક્ષોના વિપક્ષી મંચે સી.એ.એ. વિરુદ્ધ આંદોલનનું બીડું ઝડપ્યું છે. આ મંચના સભ્યોએ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને મળીને એવું નિવેદન આપ્યું છે કે આસામની પ્રજાને સી.એ.એ.થી દૂર રાખવામાં આવે. આસામમાં ગૃહ મંત્રી અને વડા પ્રધાનનાં પૂતળાં સળગાવવામાં આવ્યાં છે, તો અન્ય પ્રદેશોને વાંધો એ છે કે 6 લઘુમતીમાં મુસ્લિમ શરણાર્થીઓનો સમાવેશ નથી જે બંધારણની સમાનતાની કલમ 14નું ઉલ્લંઘન છે. સી.એ.એ.નો વાંધો તો મુખ્ય મંત્રી સ્ટાલિને પણ પાડ્યો છે ને તેમણે જાહેર કર્યું છે કે તામિલનાડુમાં સી.એ.એ. લાગુ નહીં થાય. ઇન્ડિયન મુસ્લિમ લીગે પણ સી.એ.એ. પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. જો કે, સરકાર તો સી,એ,એ, હેઠળ 2022થી જ નાગરિકતા આપવા નવ રાજ્યના 31 જિલ્લા મેજિસ્ટ્રેટોને અને ગૃહ સચિવોને મંજૂરી આપી ચૂકી છે અને એનાં પરિણામ સ્વરૂપ એપ્રિલ-ડિસેમ્બર-2021 દરમિયાન 1414 વિદેશીને ભારતીય નાગરિકતા આપવામાં પણ આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ તો 12 માર્ચે એવી વધામણી પણ ખાધી છે કે વડા પ્રધાને શરણાર્થીઓને નાગરિકતા આપીને તેમનું સન્માન કર્યું છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના રેકોર્ડ પ્રમાણે તો ત્રીસેક હજાર શરણાર્થીઓને સી.એ.એ.નો તાત્કાલિક લાભ મળે એમ છે, જેમાં પચીસ હજારથી વધુ તો હિન્દુઓ જ છે.
એ પણ છે કે અહીં સૂચવ્યા તે દેશો અને તે લઘુમતી સિવાય કોઈ દેશને કે લઘુમતીને આ કાયદો લાગુ પડતો નથી. શરણાર્થીઓ જે ત્રણ દેશમાંથી આવેલ છે તે મુસ્લિમ રાષ્ટ્રો છે ને મુસ્લિમ બહુલતા ધરાવે છે, તો મુસ્લિમો લઘુમતીમાં કેવી રીતે ગણાય એવો તર્ક પણ લડાવાય છે. બીજી ખાસ વાત એ પણ છે કે જે લોકો આ દેશના જન્મથી જ નાગરિક છે, ભલે પછી એ મુસ્લિમ જ કેમ ન હોય, તેને આ કાયદો કોઈ રીતે નડતર ઊભું કરે એમ નથી, એટલે મુસ્લિમોએ કોઈ રીતે ભય કે દબાણમાં રહેવાની જરૂર નથી, એવું ગૃહ મંત્રી ગાઈ બજાવીને કહી રહ્યા છે. એ પણ ધ્યાન રહે કે સી,એ,એ, વિદેશીઓને તગેડી મૂકવા માટે નથી. એવા ગેરકાયદે કોઈ શરણાર્થીઓ હોય તો પણ તેમને માટે પહેલેથી જ ફોરેનર્સ એક્ટ 1946 અને પાસપોર્ટ એક્ટ 1920 અમલમાં છે જ ! સી.એ.એ. એને માટે નથી.
આમ પણ સી.એ.એ.ને કારણે દિલ્હીમાં થયેલાં તોફાનોમાં 50થી વધુ લોકોનાં જીવ ગયા છે. હવે રાજકીય હેતુસર હિંસક કશું ન થાય તેમ ઈચ્છવા જેવું છે, પણ ઇચ્છવાથી કશું થતું નથી. અસદુદ્દીન ઓવૈસીને વાંધો છે તે છે જ ! તેમનું માનવું છે કે 6 લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા આપીને સેકન્ડ ક્લાસ સિટીઝન્સ તરીકેનો મુસ્લિમોનો દરજ્જો સરકાર ઘટાડવા માંગે છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના મતુઆ સમાજના પૂર્વ પાકિસ્તાનના શરણાર્થીઓએ, આ કાયદાથી જાણે બીજો સ્વતંત્રતા દિવસ મળ્યાની અનૂભૂતિ કરી. શિવસેના, કાઁગ્રેસના વિરોધ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીનો શરૂઆતનો વિરોધ શરતી રહ્યો. તેમણે કાયદાનો અભ્યાસ કરીને ખોટું કૈં હશે તો વિરોધ કરવાની વાત કરી હતી, પણ, વિરોધ તો તેમણે કરવો જ હતો, એટલે 13મી માર્ચે રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો. સી.પી.આઇ.(એમ.)એ પણ સી.એ.એ.ના વિરોધમાં રેલી કાઢી હતી.
મંત્રીઓ કે નેતાઓના શાબ્દિક વિરોધ દેખાવ ખાતર ઠીક છે. જો કે, વિરોધનું એક કારણ, સી.એ.એ. પછી એન.આર.સી. – નાગરિકોનાં રાષ્ટ્રીય રજિસ્ટર લાગુ થવાનું પણ છે. એક વાત સ્પષ્ટ છે કે સી.એ.એ.નો કાયદો લાગુ કરી દેવાયો હોય ત્યારે આવા શાબ્દિક વિરોધનું કોઈ મૂલ્ય રહેતું નથી. બંધારણના અનુચ્છેદ 256 અને 257 મુજબ રાજ્યોએ કાયદાનું પાલન કરવાનું રહે જ છે, કારણ કે નાગરિકતા કેન્દ્રનો વિષય છે ને તે અનુસાર ઘડાયેલ કાયદો રાજ્યને અનુસરવા બાધ્ય કરે છે. ધારો કે કોઈ રાજ્ય એમ કરવામાં નિષ્ફળ રહે તો કાયદો અને વ્યવસ્થાનો ભંગ થઈ શકે છે ને એ સ્થિતિમાં અનુચ્છેદ 356 અનુસાર તેનો છેડો રાષ્ટ્રપતિ શાસન તરફ નીકળી શકે છે. પશ્ચિમ બંગાળ, તામિલનાડુ ને કેરળ અત્યારે તો સી.એ.એ.ના વિરોધનું હવામાન બનાવી રહ્યાં છે, પણ તેમનો વિરોધ તેમને રાષ્ટ્રપતિશાસન તરફ દોરી ન જાય તે જોવાનું રહે. સરકારે સી.એ.એ. ચૂંટણી ટાણે જ અમલમાં લાવીને ભલે 2019માં આપેલું વચન પાળ્યું હોય ને એ દ્વારા રાજકીય લાભ ખાટવાનું પણ મનમાં હોય, પણ સી.એ.એ.નો વિરોધ કરીને વિપક્ષો પણ રાજકીય લાભ ન જ ખાટે એમ માનવાને કોઈ કારણ નથી, કારણ પાંચેક વર્ષ પર કાયદો બની ચૂક્યો હોય ત્યારે તેનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી, એવું બીજા કદાચ ન જાણે, પણ વિપક્ષો પણ ન જાણે એટલા ભોળા તો એ નથી જ ! એની સમાંતરે શાસકોએ પણ તેનાં પરિણામો વેઠવાની તૈયારી રાખવાની રહે જ છે. સાચું તો એ છે કે કાયદો લાગુ કરવામાં અને તેનો વિરોધ કરવામાં ચૂંટણીલક્ષી ગણતરીઓ જ છે એવું તો નાનકડું છોકરું ય હવે જાણે છે.
સવાલ તો એ પણ છે કે વર્લ્ડ ક્લાસ ઇકોનોમીની વાત કરતી સરકાર, 90 કરોડથી વધુ લોકોને વર્ષોથી મફત અનાજ પૂરું પાડતી હોય તો નવી નાગરિક્તા પામનારને તે પાલવી શકશે કે કેમ એ પ્રશ્ન જ છે. વળી એનો બોજો તો દેખીતું છે કે અહીંના નાગરિકોને માથે જ પડશે ને તે પણ તેમના કોઈ વાંકગુના વગર, તો એ અંગે સરકારે શું વિચાર્યું છે તેનો ખુલાસો થવો જોઈએ. આટલી મોંઘવારી, આટલી બેકારી, આટલી ભક્તિથી પ્રજા રઘવાઈ થઈ હોય, એ સ્થિતિમાં નવી નાગરિકતા મળવાને કારણે આંકડાઓ વધશે ને એ જે ભવિષ્ય સર્જશે તેમાં કોઈ વેઠ ઉતારે ને કોઈ વેઠે એમ બનવાનું. જો એમાં પ્રજાની જ ચામડી તડતડવાની હોય તો એ જ વાત યાદ આવ્યા કરશે કે વાલને વખાણવા જેવો નથી ને ચણાને ચાખવા જેવો નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 માર્ચ 2024