આ લેખ સાથે તમે જે તસવીર જુઓ છો, તે રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કની વાઘણની છે. સત્તાવાર રીતે તેનું નામ ટી-39 છે, 39 નંબરની ટાઈગ્રેસ, પરંતુ કોઈ તેને તે નામથી બોલાવતું નથી. તેનાં ત્રણ પ્રચલિત નામ છે; નૂર, માલા અને સુલતાનપુર. નૂર સૌની જીભે ચઢેલું નામ છે. નૂર એટલે ચમક. તેની ત્વચામાં એક અનોખી ચમક છે. તેના શરીર પર માળાના મણકા જેવી ભાત છે એટલે તેને માલા કહે છે. પાર્કના દક્ષિણી છેડા પર આવેલા સુલતાનપુરમાં તે મોટી થઇ હતી એટલે તેને સુલતાનપુરની વાઘણ પણ કહે છે.
નૂર આજે પણ રણથંભોરમાં સહેલાણીઓ અને ફોટોગ્રાફરોની આંખનાં તારા બનેલાં છે. તમે જે તસવીર જુઓ છો તે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર અને સંરક્ષક આદિત્ય ‘ડિકી’ સિંહના કેમેરાની કમાલ છે. આદિત્યના કેમેરામાંથી નીકળેલી આવી અનેક તસવીરો છે, જેણે દુનિયાને મંત્રમુગ્ધ કરી છે. હકીકતમાં, નૂરની આ તસવીર ડિકીના એક દસ્તાવેજી પુસ્તકના કવર પેઈજ પર છે. “નૂર : ક્વીન ઓફ રણથંભોર” નામનું એ પુસ્તક ડિકીએ એન્ડી રોઝ સાથે મળીને 2018માં પ્રકાશિત કર્યું હતું.
આદિત્યએ છેલ્લાં અઢી દાયકામાં આવા અનેક વાઘ પરિવારોનું દસ્તાવેજીકરણ કર્યું હતું, જે વન્યજીવનના દેશ-વિદેશના રસિકો અને રક્ષકો માટે માહિતીનો સમૃદ્ધ ખજાનો છે. રણથંભોર નેશનલ પાર્કના વન્યજીવન પર જો કોઈ એક વ્યક્તિનું પ્રભુત્વ હોય, તો તે આદિત્ય ‘ડિકી’ સિંહ હતા.
હા, હતા. હવે નથી. ડિકી હવે આ દુનિયામાં નથી. છઠ્ઠી તારીખે, લોકો જ્યારે ઇન્ડિયા વિરુદ્ધ ભારત નામના વિવાદમાં વ્યસ્ત હતા, ત્યારે ભારતના વાઘોને દુનિયાના નકશા પર મુકનારા ડિકીનું વાઘો વચ્ચે જ, રણથંભોર નેશનલ પાર્કની સીમા પર તેમના નિવાસ્થાને અવસાન થઇ ગયાના સમાચાર આવ્યા. ડિકીની ઉંમર માત્ર 57 વર્ષની હતી અને ઊંઘમાં જ હૃદયનો હુમલો આવ્યો હતો.
જે લોકો ડિકીનાં કામથી અને વન્યજીવનથી પરિચિત હતા, તેમના માટે એ સમાચાર આઘાતજનક હતા. જે માણસે વાઘોને અને વનને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું હોય, તે આવી રીતે અચનાક જતો રહે તે એક ન પુરાય તેવી ખાઈ હતી.
ડિકીનો જન્મ એક સૈનિક પરિવારમાં થયો હતો અને છઠ્ઠા ધોરણ સુધી પિતાના પોસ્ટીંગ સાથે ભારત ભરમાં ફર્યા હતા. એ પછી દિલ્હીની મોડર્ન સ્કૂલમાં સ્થાયી ભણતર મેળવ્યું હતું. સ્કૂલ પછી તેમણે બેંગલુરુમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. ભણવાનું જાણે હજુ ઓછું હોય તેમાં સિવિલ સર્વિસ પાસ કરી અને ભારત સરકારના સંચાર મંત્રાલયમાં નોકરી લીધી હતી.
ડિકી એ નોકરીમાં ઉબાઈ ગયા. છોડી દીધી. એ બેકારીમાં જ પૂનમ નામની છોકરી સાથે લગ્ન પણ થઇ ગયાં. ઘર ચલાવવા માટે બે વર્ષ સુધી કન્સ્ટ્રકશન કોન્ટ્રકટ તરીકે કામ કર્યું. એમાં પૈસાની બચત થઇ એટલે 1998માં કાયમ માટે રણથંભોરને ઘર બનાવી દીધું.
એક ઇન્ટરવ્યૂમાં ડિકીએ કહ્યું હતું, “1984માં સ્કૂલ ખતમ થઇ ત્યારે હું પહેલીવાર રણથંભોર આવ્યો હતો અને વન્યઅધિકારી ફતેહ સિંહ રાઠોડના આશીર્વાદથી એક આખો મહિનો રોકાયો હતો. તે વખતે ત્યાં વાઘ દેખાવા લાગ્યા હતા. મેં પદ્મિનીને તેના ત્રણ બચ્ચા સાથે જોઈ હતી. પછી, એક વાઘ ચંગીઝને જોયો હતો, જેણે પાણીમાં તેના શિકારનો પીછો કર્યો હતો. એક મહિના સુધી મેં લગભગ દરરોજ વાઘ જોયા હતા. હું ત્યારથી જંગલના પ્રેમમાં પડી ગયો હતો અને દર વર્ષે આવતો હતો.”
સરકારી નોકરીમાં કંટાળી ગયેલા ડિકીએ પત્ની સાથે સલાહ મશવરા કરીને કાયમ માટે રણથંભોરમાં સ્થાયી થઇ જવાનું નક્કી કર્યું. આ વાત ગજબની છે. એક આઈ.એસ.એસ. અધિકારી, દિલ્હી જેવું શહેર અને ભારત સરકારની નોકરી છોડીને, દેશના છેવાડે એક એવા જંગલમાં રહેવા જતો રહે, જ્યાં તેણે ઘર-જીવનને નવેસરથી ગોઠવવાનું હોય, તે વાત એટલી સહેલી નથી.
વાત એટલી પણ નથી. ડિકીએ તેના વાઘ પ્રેમને એક એવા વ્યવસાયમાં બદલ્યો કે ઘર પણ ચાલે અને જંગલ પણ જોવાય! ડિકી કહે છે, “તે સમયે, તે મારા માટે એક શોખ હતો, પણ મોંઘો હતો. વર્ષમાં 300 ટ્રીપ કરો તો 30 લાખ રૂપિયા થાય! હોસ્ટેલ વખતના મારા એક સિનિયર મિત્રએ મને ત્યારે કહ્યું કે આ શોખને પાળવો હોય તો ટુરિઝમ શરૂ કરાય. મેં ફોટોગ્રાફીને ઘડીક બાજુએ મૂકી અને રણથંભોર પાર્કના છેવાડા પર 40 એકર સરકારી જમીન લિઝ પર લીધી અને જંગલમાં આવતા સહેલાણીઓ, ફોટોગ્રાફરો અને સંશોધકો માટે લોજ બનાવાનું શરૂ કર્યું.”
પત્ની પૂનમ લોજનો વહીવટ સંભાળે અને ડિકી કેમેરા ભરાવીને સહેલાણીઓના ગાઈડ બનીને જંગલમાં જાય. એમાં પૈસાય મળવા લાગ્યા અને ફોટોગ્રાફી પણ ખીલી ઊઠી. પતિ-પત્નીને દરકાર અને પ્રેમના કારણે 40 એકરની એ જગ્યા ધીમે ધીમે એક લઘુ જંગલ બની ગઈ હતી. તમે સાંભળ્યું છે કોઈ માણસે જાતે જંગલ બનાવ્યું હોય? ડિકીએ એ કામ કર્યું હતું.
ખૂબ જ જુસ્સા સાથે, ડિકીએ એ જમીનમાં પુનઃવિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તેમથી જંગલી છોડને દૂર કરીને અને દેશી વૃક્ષોનું વાવેતર કરીને તેને નાનું જંગલ ઊભું કર્યું હતું. તેમણે વન્યજીવનનું રક્ષણ કરવાની તેમની પ્રવૃત્તિઓથી ઘણા લોકોને પ્રેરણા આપી છે. અમુક વાઘની નજીકથી દેખરેખ રાખવાની પરંપરા પણ ડિકીએ શરૂ કરી હતી.
આપણે નૂર નામની વાઘણની વાત કરી એ તો ડિકીનો લેટેસ્ટ પ્રોજેક્ટ હતો. એ પહેલાં નૂરની માતા ‘મછલી’ સૌથી પહેલાં ડિકીની નજરે ચઢી હતી. એની બે બાળકીઓ સાથેનો માછલીનો ફોટો આખી દુનિયામ પ્રસિદ્ધ થયો હતો.
મછલીનો સામનો કેવી રીતે થયો હતો તેને યાદ કરીને ડિકીએ કહ્યું હતું, “એકવાર બપોરે જમ્યા પછી અમે લોકો એક કૂવા પાસેથી પસાર થઈ રહ્યા હતા. બીજી બાજુ માછલી બેઠી હતી. અચાનક એ અમારા તરફ ત્રાટકી અને થોડાક જ અંતરે અટકીને પાછી વળી ગઈ. હું એના થૂકમાં પગથી માથા સુધી આખો ભીંજાઈ ગયો હતો ગયો.”
તેની માતા(એટલે કે નૂરની નાની)નું નામ પણ માછલી હતું. સિનિયર માછલીના ચહેરા પર માછલીના આકારનું નિશાન હતું. તેથી જ તે માછલીના નામથી પ્રખ્યાત થઈ. તેના એક બચ્ચાના કપાળ પર માછલીનું ચોક્કસ નિશાન જોવા મળ્યું હતું. આ માદા વાઘણ પાછળથી તેની માતાના નામ પરથી માછલી તરીકે ઓળખાવા લાગી.
માછલી દેશની પહેલી વાઘણ હતી જેના ફોટા સૌથી વધુ વખત લેવામાં આવ્યા હતા. તેના પર એક ફિલ્મ પણ બની હતી. તેનાં બચ્ચાને બચાવવા માટે તે મગર સાથે લડાઈમાં ઉતરી પડી હતી. તેના નામે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની સાથે એક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. તે 20 વર્ષ સુધી જીવતી રહી હતી. સામાન્ય રીતે વાઘ-વાઘણનું આયુષ્ય 12થી 15 વર્ષનું હોય છે.
જાણીતા સંરક્ષણવાદી અને મિત્ર વાલ્મીક થાપરે સિંહને રણથંભોરના ‘મહાન સેનાની’ તરીકે ઓળખાવીને કહ્યું હતું, “કોણ માની શકે કે લાર્જર ધેન લાઈફ આદિત્ય ડિકી સિંઘ હવે નથી રહ્યા. રણથંભોરને તેમની ગેરહાજરી બહુ સાલસે. તે રણથંભોરની એક એક દરેક ઇંચને પ્રેમ કરતા હતા. તેના માટે તે એક મહાન યોદ્ધા હતા. તેણે જે લાગ્યું તે કહ્યું અને સત્ય સાથે ક્યારે ય સમાધાન કર્યું નહોતું. હું તેમની હાસ્યવૃતિ અને વન્ય સંરક્ષણ માટેની તેમની ભાવનાને ક્યારે ય નહીં ભૂલું.”
57 વર્ષીય આદિત્ય ‘ડિકી’ સિંહ જંગલમાં થઇ રહેલા વિકાસનાં કામોથી નારાજ હતા. ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “કદાચ આપણી પેઢી છેલ્લી છે જે જંગલોમાં વાઘ જોશે. વાઘ ક્ષેત્રીય પ્રાણી છે. તે એક રક્ષિત ક્ષેત્રમાંથી બીજા રક્ષિત ક્ષેત્રમાં જાય છે- પરંતુ આપણા વાઘોના માર્ગોને ઘેરી લેવામાં આવ્યા છે. છેલ્લાં 20 વર્ષોમાં એમાંના ઘણાખરા મહત્ત્વના માર્ગો નષ્ટ થઇ ગયા છે. આપણે મૃત્યુના અંતિમ ચરણમાં છીએ.”
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 17 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર