પ્રકાશ ન. શાહ
સેંગોલ પ્રકરણમાં મુખડો જે રીતે બાંધ્યો અમિત શાહે અને નિર્મલા સીતારામને એમાં ચર્ચાની ગુંજાશ કમ અને ચકચારની સામગ્રી કે જામગરી ભારોભાર એવો ઘાટ હતો. માઉન્ટબેટન, જવાહરલાલ અને રાજગોપાલાચારીની કોઈ સત્તાંતર પ્રક્રિયાની મંત્રણા – અને એમાં સેંગોલનો સિંહ પ્રવેશ – એ કોઈ ઇતિહાસવસ્તુ હોય એનું સમર્થન એકે છેડેથી નથી મળતું, સિવાય કે જે તે અધિનમ(મઠ)નો પોતાનો દાવો. અન્નાદુરાઈએ તે દહાડે ઠીક જ કહ્યું હતું કે, અમે સત્તાંતરણ કરાવ્યું એવી છાપ ઊભી કરવાની કોશિશ મઠને પક્ષે આ સેંગોલ-ભેટની પૂંઠે છે.
ચકચારને ઓર વળી ને આમળો હાલનાં સત્તાવર્તુળોની એ મરોડમાસ્તરીથી મળ્યો કે આ સેંગોલ રાજદંડ / ધર્મદંડ / ન્યાયદંડ જવાહરલાલ નેહરુની વૉકિંગ સ્ટિક તરીકે અલાહાબાદ મ્યુઝિયમમાં કોચંડે પડ્યા જેવો હતો. ભાઈ, 1948-52નાં વરસોમાં ત્યાં ક્યુરેટર ને ડાઇરેક્ટર રહેલા અધિકારીએ એને ગોલ્ડન સ્ટિક (સુવર્ણ દંડ) એવી ઓળખ આપી હતી. સેંગોલની એથી વિશેષ ઓળખ સંશોધકના ક્ષેત્રમાં આવે છે, ક્યુરેટર-ડિરેક્ટરનું એ દાયિત્ય નથી. ગમે તેમ પણ એને વૉકિંગ સ્ટિક તો કહેવાઈ નહોતી. પણ આ રીતે મરોડમાસ્તરી ખેલાઈ એટલે તરત એમાંથી એ પણ નવનીત (આ કિસ્સામાં જો કે, વિપરીત વલોણે) આવી મળ્યું કે જવાહરલાલને ભારતીય સંસ્કૃતિ માટે કેવો દ્વેષ હતો, જુઓ.
ભારતે પોતે કેમ ચાહે છે, અને ઉત્તરોત્તર એ ખેંચાણ કેવું વધતું જાય છે તેમ જ જિજ્ઞાસા-અને-કૌતુક-વશ વિસ્મય જ વિસ્મય કેવો અનુભવાય છે એનું સ્વાધ્યાયયુત, સંવેદનસિક્ત ને સહૃદય અલબત્ત સમીક્ષા સજ્જ આલેખન જવાહરલાલની ભારતખોજ કિતાબમાં પાને પાને જોવા માટે છે. જેણે અશોક ચક્ર ને સારનાથના ત્રણ સિંહની પ્રતિષ્ઠા કરી એને સંસ્કૃતિની ખબર નહોતી ? કદર નહોતી ? અને ‘સત્યમેવ જયતે’ એ મુદ્રાલેખ તો મુંડકોપનિષદની દેણ છે. દેશભરમાં આ બાબતે ખોજ ચાલી હતી. પહેલા સ્પીકર ગ.વા. માવળંકરની રોજનીશીમાં પણ સાક્ષર અ.છો. પરીખ આદિ સાથે આ અંગેના પરામર્શની તપસીલ મળે છે.
જો કે, જેની ચર્ચા વહેલી ને વખતોવખત હાલનાં સત્તાવર્તુળોમાં ને અન્યત્ર થવી જોઈતી હતી તેવો એક મુદ્દો આ ગાળામાં જરૂર સામે આવ્યો – અને તે ધર્મની ભૂમિકા. રામ માધવના શબ્દોમાં ધર્મોક્રસી. ધર્મના સંપ્રદાયમુક્ત અર્થ પર ભાર મૂકવા સાથે સંઘ-વિચારકો આ ચર્ચામાં એ મુદ્દો પણ સાથેસાથ લઈ આવે છે કે સેંગોલ જેવા પ્રતીકમાં સભ્યતાની, સંસ્કૃતિની સોડમ ને સાતત્ય છે. ધર્મગુરુ અને રાજા વચ્ચેના વહેવારને માનો કે લોકશાહી અર્થઘટન સાથે સંક્રાન્ત કરવાની કોશિશ કરીએ – જેમ કે ‘યજ્ઞાત્ પર્જેન્યઃ’ વાળો યજ્ઞ આપણે નેત્રયજ્ઞ, સેવાયજ્ઞ એમ છૂટથી સંક્રાન્ત કરતા થયા છીએ – તો પણ એક પાયાનો પ્રશ્ન રહે છે જે સંઘવિચારકો કદાચ સમજી શક્યા નથી.
વાત એમ છે કે, સભ્યતાના ખયાલને અગ્રતા આપવાને ધોરણે વિચારીએ છીએ ત્યારે તે ‘નેશન ફર્સ્ટ’ની સંઘસમજ સાથે ટકરાય છે. સાવરકર-હેડ્ગેવાર-ગોળવલકર આદિ રાષ્ટ્રની વ્યાખ્યાં એમની સઘળી પ્રાચીનતાના દાવા સાથે હમણેના સૈકાઓના યુરોપની છે. સાવરકરની વિચારછાયા, મુંજે-મુસોલિની મુલાકાત, ગોળવલકર ગુરુજીનું ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ – ક્યાં ય, કશે ય બેઠકમાંડણી સિવિલાઇઝેશનલ નથી, છૂટપૂટ ઉદ્દગારો માફ, પણ એકંદર ચિત્ર તો આ અને આ જ.
અપવાદરૂપ સંભાવના ત્યારે કિંચિત ઊભી થઈ હતી જ્યારે દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવવાદનો થીસિસ મૂક્યો હતો. વસ્તુતઃ ઘણી બાબતોમાં એ સ્થાપિત ને પ્રણાલિગત સંઘવિચારથી ઓછોવત્તો પણ તત્ત્વતઃ જુદો પડતો અભિગમ હતો. ઉપાધ્યાયે ચંદ્રગુપ્ત ને શંકરાચાર્ય વિશે લખ્યું તે ઘણુંખરું સંઘના નિંભાડાનું જ આગલા જમાનાઓનું ચિત્રણ હશે, પણ એકાત્મ માનવવાદ સાથે એ દેખીતું જોડાણ ચાલુ રાખવા છતાં જુદા પડતા હતા. કોઈકે એ ક્વાયત કરવા જેવી છે. (જે દીનદયાલ ઉપાધ્યાયે ઉંબરે આવી છોડી દીધી છે) કે એકાત્મ માનવવાદમાં વ્યક્ત થયેલ સમજને ધોરણે ગોળવલકરના પુસ્તકને તપાસીએ બને કે આખા વિમર્શને ભલે ને સેંગોલને મિષે પણ કંઈક વિધાયક અવકાશ મળી આવે. કોરાધાકોર સેક્યુલર અભિગમને સભ્યતાસભાન થવાની જરૂર હશે તો કથિત, રાષ્ટ્રવાદને તો તળેઉપર, તળિયા ઝાટક એવી જરૂર છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “દિવ્ય ભાસ્કર”; 07 જૂન 2023
 
 ૧૯૬૭માં અમેરિકા અને વિએતનામ વચ્ચેનું યુદ્ધ તેની ચરમસીમાએ હતું ત્યારે ૨૫ વરસના મહમ્મદ અલીની બોક્સિંગમાં કેરીઅર પણ ચરમસીમા આંબી રહી હતી. આકાશ આંબવાના મનોરથ હતા અને ઝડપભેર રસ્તો બનતો જતો હતો. પણ એની વચ્ચે એક વિઘ્ન આવ્યું. અમેરિકામાં યુદ્ધભરતીનો કાયદો છે. અમેરિકાની સરકારને જો એમ લાગે કે આ યુદ્ધ માટે નાગરિકોની લશ્કરમાં ભરતી કરવી જરૂરી છે તો તે મિલીટરી કૉન્સ્ક્રીપશન એક્ટ હેઠળ કોઈની પણ (ખાસ કરીને યુવાનોની) ભરતી કરી શકે છે. વિએતનામ યુદ્ધમાં લડવા માટે અમેરિકન સરકારે મહમ્મદ અલીની પસંદગી કરી. મહમ્મદ અલીએ સૈન્યમાં ભરતી થવાની ના પાડી દીધી. મારો અંતરાત્મા યુદ્ધને કબૂલ નથી કરતો. તેના પર ખૂબ દબાણ આવ્યું, જેલમાં ધકેલવાની ધમકી આપવામાં આવી અને અને બોક્સિંગમાં કારકિર્દીનો અંત આવી શકે એમ હતો. પણ મહમ્મદ અલી ટસનો મસ ન થયો. હું વરખ ચડાવેલા અને નશીલા રાષ્ટ્રવાદને નામે કોઈની હત્યા નહીં કરું.