હૈયાને દરબાર

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઈ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમ જેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
• કવિ : તુષાર શુક્લ • સંગીતકાર-ગાયક : શ્યામલ-સૌમિલ મુનશી
———————–
વાત છે ૨૦૦૫ની આસપાસની. અમદાવાદના જાણીતા લોયરને ઘરે, નાનકડી સંગીત મહેફિલ હતી. સંગીત બેલડી શ્યામલ-સૌમિલ એક પછી એક ગીત લલકારતા હતા. શ્યામલ મુનશીએ એક રમતિયાળ ગીતથી મહેફિલનો આરંભ કર્યો, એમ પૂછીને થાય નહીં પ્રેમ. પહેલી જ પંક્તિમાં આખી ઘટના સમાઈ જાય એવી અર્થસભર પંક્તિઓ સાંભળતાં જ મન ઝૂમી ઊઠ્યું હતું. આગળ જતાં નરસિંહ મહેતાની, અંતે તો હેમનું હેમ હોયે પંક્તિ કેવી સહજતાથી ગોઠવાઈ ગઈ છે એ આખું કાવ્ય વાંચશો તો સમજાઈ જશે.
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’
એમ પૂછીને થાય નહીં પ્રેમ …
એ પછી આગળ જતાં જે પંક્તિ આવે છે કે
ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ, એનું સરનામું સામી અગાશી …
નિ:સ્વાર્થ તથા અનપેક્ષિત પ્રેમની વાત કવિએ બહુ નાજુકીથી કરી છે. આ ગીત શ્યામલ-સૌમિલે સ્વરબદ્ધ કર્યું છે અને મૂળ ગાયક શ્યામલ મુનશી. શ્યામલ, સૌમિલ અનેે આરતી મુનશીની ત્રિપુટીએ થીમ બેઝ્ડ અનેક કાર્યક્રમો કર્યા છે. ‘હસ્તાક્ષર’ નામના એમના અનોખા આલ્બમમાં આ ગીત લેવાયા પછી પાર્થિવ ગોહિલ સહિત અનેક કલાકારો સુગમ સંગીતના કાર્યક્રમમાં પ્રસ્તુત કરે છે. આ ગીત અત્યંત લોકપ્રિય છે, પરંતુ આ ગીતના એક્સટેન્શન સમું ગીત તારી હથેળીને…માં અગાધ ઊંડાણ છે.

આહાહા! શું અદ્ભુત ગીત છે! આજે આ બન્ને ગીત વિશે વાત કરવી છે કારણ કે મૂળ ભાવાર્થ એક હોવા છતાં કેવી રીતે બે તદ્દન ભિન્ન કૃતિઓ સર્જાઈ શકે અને લોકચાહના પામે એનું એ ઉત્તમ ઉદાહરણ છે.
ચાંદની રાત અજવાળું પાથરી રહી છે. સૌમિલ મુનશી બીજું ગીત શરૂ કરે છે;
તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી …
રાગ આહિરભૈરવની છાંટ ધરાવતા મુગ્ધ-મધુર ગંભીર સ્વરો હૃદય સોંસરવા ઊતરીને કસક જગવતા હતા અને શબ્દો તો જાણે સ્મરણોનું ઘોડાપૂર લઈને આવ્યા. આમે ય કહેવાય છે સુખનો આનંદ ક્ષણજીવી હોય છે, પરંતુ વિષાદ આપણને મજબૂત, મક્કમ અને સ્થિર બનાવે છે.
વિષાદના આનંદમાંથી પ્રગટતી હળવાશ કે પ્રસન્નતા અનુભવી છે તમે? આ ગીત તમને આવી હળવાશ આપે છે. ભૂતકાળની ખંડિત ક્ષણો ભલે વિષાદ જગવતી હોય છતાં આપણે ફરી ફરીને એ જ યાદ કરીએ છીએ. અરે, આનંદની ક્ષણો યાદ કરીને ય ઉદાસ થઈ જઈએ છીએ.
લગભગ દરેકના જીવનમાં આવી નાજુક પળ આવે છે જ્યારે સંબંધોની નૈયા સાવ કિનારે પહોંચી હોય અને ડૂબી જાય. અત્યંત વેદનાપૂર્ણ આ પરિસ્થિતિ હોય છે. કોઈ વ્યક્તિને ખૂબ ચાહતા હોઈએ, એને આપણા તમામ સુખ-દુ:ખ સોંપી દીધાં હોય અને એ વ્યક્તિ અચાનક રેતી ખંખેરી ઊભી થઈ જાય તો શું થાય? દરિયા જેટલો અગાધ પ્રેમ ઝંખતી વ્યક્તિને રેતીની ડમરીનો ડૂમો મળે એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ભગવાન ભરોસે જિંદગીની નાવ સોંપવા સિવાય આપણી પાસે કોઇ વિકલ્પ રહેતો નથી. બાકી, કેવી શ્રદ્ધાપૂર્વક આપણે આખી જિંદગી પ્રિયજનના ભરોસે છોડી દેતાં હોઈએ છીએ. એમાં ય આ પંક્તિઓ તો શિરમોર છે;
કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી …
સંબંધ કોઈક સોનેરી પળે શરૂ થાય, પાંગરે, ખીલે, વિકસે, પરિપક્વ બને તો ય ઘણીવાર અંતિમ ચરણ સુધી નથી પહોંચતો. સંબંધ ટકાવવા કેટકેટલાં હવાતિયાં માર્યાં હોય, કેટકેટલું સમર્પણ કર્યું હોય તો ય હાથમાં આવેલાં માછલાંની જેમ એને છટકી જતાં નિહાળવાની ગમગીન પળ આવે ત્યારે નસીબદોષ સિવાય બીજું શું કહી શકાય? એટલે જ કવિ કહે છે કે કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી …! પરંતુ, સર્વશ્રેષ્ઠ પંક્તિ તો હવે આવે છે ;
વરતારા મૌસમના ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની વ્હેતી …! બસ, આ એક ઝંખના જેવું જિંદગીનું ચાલકબળ એકેય નથી. આપણે કોઈકને ચાહીએ એમાં જ પચાસ ટકા માર્કે પાસ થઈ જ ગયા હોઈએ છીએ.
પ્રતીકો અને કલ્પન શ્રેષ્ઠ કવિતાનાં લક્ષણો છે, પરંતુ સામાન્ય ભાવક માટે એ સમજવા અઘરા હોય છે તેથી જ આ કાવ્યોના અર્થઘટન માટે કવિ તુષાર શુક્લને અમે ફોન લગાડીએ છીએ.
બન્ને લોકપ્રિય ગીતના રચયિતા કવિ તુષાર શુક્લ કહે છે, "ગુજરાતી સુગમ સંગીતમાં લાંબી લાઈનો ધરાવતા અંતરાનાં ગીતો બહુ ઓછાં છે. તારી હથેળીને ગીત એમાંનું છે. હકીકતમાં તો એમ પૂછીને થાય નહીં પ્રેમ તથા તારી હથેળીને લગભગ સમાંતર સમયે લખાયેલાં ગીતો છે અને બંને ખૂબ લોકપ્રિય નિવડ્યાં. તમને આશ્ચર્ય થશે, પરંતુ આ ગીતો મેં મારી સરકારી ઑફિસના કાર્યાલયના ટેબલ પર બેસીને જ લખેલાં છે, પરંતુ દરિયો, મોજાં, રેતી એ બધું સતત મારા મનમાં ચાલતું હોવાથી આ બંને સુંદર ગીતોનું સર્જન થયું. એ વખતે નવલકથાકાર વીનેશ અંતાણી અને હું બંને એક જ ઑફિસમાં, આકાશવાણીમાં કામ કરતા હતા. વીનેશની ‘પ્રિયજન’ નવલકથાનો મારા પર ખૂબ પ્રભાવ હતો. એ નવલકથામાં દરિયો, મોજાં વગેરેને એમણે પ્રતીક તરીકે અદ્દભુત પ્રયોજ્યાં છે.
ઑફિસમાં લંચ પછી સાથે પાન ખાવા જઈએ ત્યારે એમના સાંનિધ્યમાં સાહિત્ય અને કવિતાની ઘણી વાતો ચાલે. સરકારી ઑફિસમાં તમને ખ્યાલ હોય તો એક વાક્ય બહુ પ્રચલિત હોય છે કે ‘ફોર યોર અપ્રુવલ, પ્લીઝ’. કોઈપણ પ્રોજેક્ટ હાથ પર લીધો હોય ત્યારે નીચે આ લાઈન લખવી જ પડે કે ‘અનુમોદનાર્થે સાદર’. એના પરથી મને ગીતની પહેલી પંક્તિ સૂઝી કે ઑફિસમાં દરેક વાતે પરવાનગી લેવી પડે પણ પ્રેમમાં થોડી પરમિશન લેવાની હોય? એ તો સહજ વહેતી સરવાણી છે. એમ પૂછી પૂછીને કંઈ પ્રેમ ન થાય! આપણે અહીં જ ગોથાં ખાઈએ છીએ. પહેલાં તો તમારે તમારા જ પ્રેમને ઓળખવાનો છે. આપણે કોઈના ગળાડૂબ પ્રેમમાં હોઈએ તો આપણને અપ્રુવલની એવી ટેવ પડી છે કે આપણે હંમેશાં પ્રિયજનને એમ જ પૂછીએ કે તમે મને ચાહો છો? અરે ભાઈ, તમે પોતે એમને ચાહો છો એ જ મહત્ત્વનું છે. આપણા તરફથી ૫૦ ટકા પૂરા થયા.
આ વાત મનમાં રમતી હતી એમાંથી પૂછીને થાય નહીં પ્રેમ ગીતનું સર્જન થયું અને યુવાનોને તો એટલું બધું ગમી ગયું કે દરેક જગ્યાએ મારે આ ગીતનો ક્યાંક ને ક્યાંક તો ઉલ્લેખ કરવો જ પડે છે. બેશક, તારી હથેળીમાં ગીતમાં થોડોક નિરાશાનો ભાવ છે એટલે એના ચાહકો પુખ્ત છે. ગીતનું સર્જન મને હંમેશાં પડકારજનક લાગ્યું છે. ગઝલમાં એક શેર પછી બીજો શેર સદંતર જુદા ભાવવિશ્વનો હોઈ શકે, પરંતુ ગીતમાં તો મુખડાને જ બે-ત્રણ અંતરા સુધી સાર્થક રીતે લઈ જવું પડે. સમાપન પણ એવી સરસ રીતે કરવું પડે કે ગીત આખું નિખરી ઊઠે. હું દ્રઢપણે માનું છું કે જે ગીત શ્રોતાના હૃદય સાથે કનેક્ટ કરી શકે એ જ ચાલે. એ જ રીતે સ્વરકારનું યોગદાન ખૂબ અગત્યનું છે. નહીં તો સારામાં સારું ગીત પણ કવિની ડાયરીનાં પાને રહી જાય. એ ગીત સ્વરબદ્ધ થાય અને શ્રોતાઓના ભાવપક્ષને ઉઘાડે તો જ લોકો સુધી પહોંચી શકે. એ જ ગીતને ચિરંજીવતા મળે." તુષારભાઈનું કથન સમજવા જેવું છે.
પ્રેમમાં મિલનની જેટલી મજા છે એનાથી બમણી મજા વિરહમાં છે, એવું પણ ઘણીવાર બને. વિરહમાં લાગણીનો ઘૂઘવતો દરિયો હૃદયમાં ઉછળે છે. પ્રિયતમ દૂર હોય ત્યારે એની સાથે વિતાવેલી પ્રત્યેક પળ જીવંત બની જાય છે.
મિલનનાં ગીત કરતાં વિરહનાં ગીત દિલને વધારે સ્પર્શે છે. આંસુ દ્વારા અંતરમાં ધરબાયેલી વેદનાની ખારાશ વહી જતી હોય છે. ગમે તેવી ઠંડીમાં માણસના આંસુ થીજતાં નથી. આંસુ ક્યારેક હૃદયની વાચા બનીને વહે છે. હજારો શબ્દો દ્વારા ન કહી શકાય તેવી વાત એક અશ્રુબિંદુ સામા માણસને કહી દે છે. પ્રેમ પામવો એ મનુષ્યનો સુગંધસિદ્ધ અધિકાર છે એવું ગુણવંત શાહ કહે છે એ સાચું જ છે.
કેટલીક વાર શબ્દો માનવીના મુખમાંથી નહિ પણ હૃદયમાંથી સરી પડે અને તે લાગણીઓથી ગૂંથાય ત્યારે બની જાય કાવ્ય. કહેવાય છે કે કાવ્યની પહેલી પંક્તિ ઈશ્વરની દેન હોય છે. આ બન્ને ગીતોની પ્રથમ પંક્તિઓ લાજવાબ અવતરી છે. યુટ્યુબ પર જરૂર સાંભળજો.
https://www.youtube.com/watch?v=0L_LL3vlSvY
————————–
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 25 જુલાઈ 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=543472
![]()


હમણાં ગુજરાત વિધાનસભામાં જણાવવામાં આવ્યું કે ટાટા મોટર્સે સાણંદ ખાતે આવેલા તેનાં કારખાનામાં છેલ્લાં બે વર્ષમાં માત્ર 2059 કારોનું જ ઉત્પાદન કર્યું!