હૈયાને દરબાર
પોતાના શહેર માટેનો લગાવ દરેકને કેટલો બધો હોય એ કહેવાની જરૂર ખરી? આપણું ઘર, આપણું આંગણું, આપણું ગામ અને આપણા દેશ માટે કંઈક વિશેષ લાગણી આપણે સૌ ધરાવીએ છીએ. એટલે જ દરેક શહેરની ખાસિયતોને વર્ણવતાં ગીતો અપાર લોકચાહના મેળવે છે. પછી એ ગીત અમે અમદાવાદી હોય, આ વડોદરા છે મારું કે પછી અમે મુંબઇના રહેવાસી. રાજકોટ, સુરત અને જૂનાગઢનાં ગીત પણ બન્યાં છે. તો લંડન ને અમેરિકાવાસીઓ શા માટે રહી જાય?

યુનાઇટેડ કિંગ્ડમમાં વસતો કોઈ પણ સાહિત્ય કે સંગીતપ્રેમી ચંદુભાઈ મટ્ટાણીના નામથી અપરિચિત હોય એ શક્ય જ નથી. આર્થિક સમૃદ્ધિ સાથે અપાર સંવેદનસમૃદ્ધિ ધરાવતા ચંદુભાઈનું આતિથ્ય ગુજરાતી-હિન્દી સાહિત્ય-સંગીત જગતની લગભગ તમામ અગ્રગણ્ય હસ્તીઓ માણી ચૂકી છે. આપણા મલકના આ માયાળુ માનવીએ હજુ ગયા વર્ષે જ અચાનક આ જગતમાંથી વિદાય લીધી અને જાણે ખાલીપો ઘેરી વળ્યો. બે વર્ષ પહેલાં લંડનની મુલાકાત વખતે ટ્યુબ ટ્રેનમાંથી છેલ્લે ચંદુભાઈ સાથે વાત કરી હતી, ત્યારે એમણે લંડનથી બે કલાક દૂર આવેલા એમના રમણીય શહેર લેસ્ટર આવવાનું ભાવભીનું નિમંત્રણ આપ્યું હતું. સમયના અભાવે "ફરી આવીશ ત્યારે જરૂર મળીશ”, કહીને આ ઉમદા માનવીને એમના સ્વગૃહે મળવાનો મોકો મેં ગુમાવી દીધો હતો એનો રંજ હજુ ય છે. આ ૨૮ જુલાઈએ, પ્રથમ પુણ્યતિથિએ, એમના ગુજરાતી ભાષા પ્રેમ અને પ્રદાન યાદ કરીને જ ઉચિત અંજલિ આપી શકાય.
ચંદુ મટ્ટાણી એટલે કવિતાના, સાહિત્યના, સંગીતના માણસ. ભારતથી અનેક કલાકારોને આમંત્રે. આમ તો એમની ‘સોના-રૂપા’ નામે સાડીની દુકાન, પરંતુ એ તો ઘરની ગાડી સડસડાટ ચાલે એટલે. બાકી, જિંદગીમાં ઇંધણ પૂરે સંગીત. અવાજ મુલાયમ. પોતે ગીતો લખે, સંગીતબદ્ધ કરે અને જાહેર સમારંભમાં ગાય પણ ખરા. બ્રિટનમાં અનેકવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરનાર સ્વરકાર, ગાયક, સાહિત્યરસિક, ઉદ્યોગ- સાહસિક, ફોટોગ્રાફર, ક્રિકેટર અને ભારતના કલ્ચરલ એમ્બેસેડર કહી શકાય એવા ચંદુભાઈ મટાણીએ ૧૯૮૩માં ‘શ્રુતિ આર્ટસ’ની સ્થાપના કરી હતી.
ચંદુભાઈએ અમેરિકા, આફ્રિકા અને યુનાઇટેડ કિંગ્ડમવાસીઓની માનસિકતાનું વિચારબીજ કવિ સુરેન ઠાકર ‘મેહુલ’ આપ્યું હતું, જેમાંથી પરદેશીઓને મજા પડી જાય એવાં ત્રણ ગીતોનું સર્જન થયું. કાઠિયાવાડી લહેકામાં ઓર રાઈટ (ઓલરાઈટ) ઓર રાઈટ બોલતાં ગુજરાતીઓ, વિન્ટરમાં વોર્મ્થ મેળવવા દેશ તરફ દોટ મૂકતાં એન.આર.આઈ.ઝ, ડૉલર-સેન્ટમાં જ જેમને દેખાય અડસઠ તીરથધામ એવા વિદેશીઓને દેશની માયા કદી ન છૂટે એવી લાગણી દર્શાવતાં આ મજેદાર ગીતોને આશિત દેસાઈ અને બાલી બ્રહ્મભટ્ટ જેવા કલાકારોના કંઠનો સાથ મળ્યો. પછી પૂછવું જ શું?
આ ગીતો સંગીતબદ્ધ કરનાર આશિત દેસાઈ કહે છે, "ચંદુભાઈએ બ્રિટન, અમેરિકા અને આફ્રિકાના ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને એમનાં લક્ષણો નોંધી રાખ્યાં હતાં. ‘મેહુલ’ભાઈએ એને ગીત સ્વરૂપ આપ્યું. ગીતમાં ચમત્કૃતિ ઉમેરવા બાલી બ્રહ્મભટ્ટનો સાથ લેવાયો છેવટે ચંદુભાઈ, મેં અને બાલી બ્રહ્મભટ્ટે સાથે આ ગીત ગાયું, પરંતુ ચંદુભાઈએ સ્વરબદ્ધ કરેલાં અન્ય ગીતો, ખાસ કરીને રમેશ પારેખનું મારા સપનામાં આવ્યા હરિ, સુરેશ દલાલનું અખંડ ઝાલર વાગે, મહેશ શાહનું યમુના કિનારો સૂમસામ અને પન્ના નાયકનું તારા બગીચામાં ઉત્તમ અને સાંભળવા લાયક સ્વરાંકનો છે. પહેલાં બે ગીતો ચંદુભાઈએ પોતે ગાયાં છે તથા અન્ય બે હેમા દેસાઈએ. ગુજરાતી સુગમ સંગીત તથા ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રસારમાં ચંદુ મટ્ટાણીનું પ્રદાન ગુજરાતીઓએ યાદ રાખવું જ પડે.
ચંદુભાઈ કૃષ્ણભક્તિમાં તલ્લીન હોવાથી ભક્તિરચનાઓમાં પૂરેપૂરા લીન હતા. ૨૦૧૭માં બ્રહ્મલીન થયેલાં એમનાં પત્ની કુમુદબહેનની સ્મૃતિમાં ચંદુભાઈએ છેલ્લે આશિત-હેમા-આલાપ દેસાઈ, અનુપ જલોટા, હરિહરન તથા રાકેશ ચૌરસિયાના સંગીત સહયોગથી ‘જીવન ઉત્સવ’ આલબમ બહાર પાડ્યું, જેમાં મોટાભાગનાં ગીતો ચંદુભાઈએ સ્વરબદ્ધ કર્યાં છે. દસ ગીતોની આ ‘જીવન ઉત્સવ’ સી.ડી.માં નવ ગીતોમાં ૮૩ વર્ષે પણ પોતાનો સ્વર આપીને ચંદુભાઈએ પોતાનું અંતરને તળિયે ધરબાયેલું સ્વપ્ન સાકાર કર્યું હતું. રામનારાયણ પાઠક, ભગવતીકુમાર શર્મા, તુષાર શુક્લ, સુરેન ઠાકર, ચંદ્રકાંત સાધુ, પન્ના નાયક, પંડિત માધુર, રમેશ ગુપ્તા વગેરે જેવાં નામી-અનામી કવિઓની કવિતાઓ અને ગીતો જે અત્યાર સુધી પોતાના કંઠમાં જ ગણગણતા હતા, તેને સ્વરબદ્ધ અને સંગીતબદ્ધ કર્યા અને તેના પરિણામરૂપ આપણને મળ્યો, ‘જીવન ઉત્સવ’. તેમણે સ્વર્ગસ્થ સાથી કુમુદબહેનને અનુપમ વિદાય ભેટ આપી, અને ગાયું, જીવતર આખ્ખું ય જાણે એવું વરસ્યું, કે જાણે એવું વરસ્યું કે જાણે તરસ્યું ને તરસ્યું રે આપણે …’!
૧૯૭૭માં યુનાઇટેડ કિંગ્ડમમાં મટ્ટાણી પરિવાર આવ્યો ત્યારથી શરૂ કરી અત્યાર સુધી અગણિત સંગીતજ્ઞો અને સાહિત્યકારોને પોરસાવ્યા, સ્ટેજ આપ્યું અને કદરદાન શ્રોતાગણ આપ્યો. પરદેશમાં રહેતાં ભારતીયોમાં ભારતીય સંગીતની રુચિને સાંગોપાંગ સાચવવા જેમણે તન, મન અને ધનનો સદુપયોગ કરી સફળ અને અથાગ પ્રયત્નો કર્યા એ શ્રૃતિ આર્ટ્સનો ધબકતો પ્રાણ એટલે ચંદુભાઈ મટ્ટાણી.
પરદેશની ધરતી પર ભારતીય સંગીત પ્રત્યે અભિરુચિ કેળવવામાં ‘શ્રુતિ આર્ટસ’નો મોટો ફાળો છે. શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત અને નવરાત્રિને સતત ધબકતી રાખનાર ચંદુભાઈનું આતિથ્ય લતા મંગેશકર, જગજિત સિંહ, હરિપ્રસાદ ચોરસિયા, શિવકુમાર શર્મા, ઉસ્તાદ ગુલામઅલીખાં, ઉસ્તાદ ઝાકિર હુસૈન, હરિહરન, અનુપ જલોટા, સુરેશ વાડકર, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, નિરંજન ભગત, ચંદ્રકાંત બક્ષી, સુરેશ દલાલ, સુનિલ ગાવસ્કર તથા કેટલા ય સાધુ સંતો અને કથાકારોએ ભરપૂર માણ્યું છે. ‘સોનારૂપા’ મ્યુઝિક કંપનીના નેજા હેઠળ ૧૫૦ જેટલી સી.ડી.નું નિર્માણ તેમણે કર્યું છે. ચંદુભાઈ મટ્ટાણીની ષષ્ટિપૂર્તિએ સુરેશ દલાલે મટ્ટાણીને શ્રીનાથજીનાં આઠ પદ ભેટ આપ્યાં હતાં. ચંદુભાઈએ આશિત દેસાઈને એ સંગીતબદ્ધ કરવા આપ્યાં અને ‘જય જય શ્રીનાથજી’ નામની અત્યંત લોકપ્રિય સી.ડી.નું નિર્માણ થયું હતું.
ચંદુભાઈનો સ્વભાવ એટલે ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ’. તમે લંડન જાઓ અને ગુજરાતી પુસ્તકો કે ગુજરાતી સંગીતની તરસ લાગે તો ચંદુભાઈને ત્યાં સીધા પહોંચી જઈ શકો. અઢળક સાહિત્યિક સંપદા મળી આવે. સૂરના સાધક અને કળાના મરમી ચંદુભાઈ મટ્ટાણીએ અંતિમ શ્વાસ સુધી સંગીતની સેવા કરી હતી. અત્યારે એમનો સાંસ્કૃતિક વારસો દીકરો હેમંત મટ્ટાણી સંભાળી રહ્યા છે. ટૂંક સમયમાં જ આલાપ દેસાઈના સ્વર નિયોજનમાં અનુપ જલોટાનું આલબમ તેઓ બહાર પાડી રહ્યા છે. ઉચ્ચ ગુણવત્તા એ ‘શ્રુતિ આર્ટ્સ’ની પરંપરા રહી છે. સોના રૂપા યુટ્યુબ પર તમને એમની ઉત્તમ ગુજરાતી રચનાઓ સાંભળવા મળશે. સાથે ક્લાસિકલ અને સ્પિરિચ્યુઅલ સ્વરાંકન તો ખરાં જ. ગરવી ગુજરાતી ભાષાના રખેવાળો દુનિયામાં હજુ ય છે એ વાતનું ગૌરવ છે. સલામ આ સાંસ્કૃતિક દેવદૂતોને!
————————–
અમે યુ.કે.ના રહેવાસી
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી …
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી …
સ્ટર્લિંગ પાઉન્ડ ને પેન્સમાં ફરતા ફેરા લખ ચોર્યાસી
હે શિયાળે સોરઠ ભલો, ને ઉનાળે ગુજરાત રે
ચોમાસે વાગડ ભલો, ને કચ્છડો બારે માસ
કચ્છ ચરોતર ખેડા જિલ્લો કે ઉત્તર ગુજરાત
રહ્યા અહીં પણ વતન સાંભરે ભલો એ કાઠિયાવાડ
નોકરી ધંધો કરવા આવ્યા, થયા ભલે અહીં સધ્ધર
ઊંચા જીવે રહ્યા છીએ ને શ્વાસ રહ્યા છે અધ્ધર
અમે ભલે બ્રિટનમાં તો યે ભારતના નિત પ્યાસી
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી
ડાયટ પેપ્સી પિત્ઝા બર્ગર ફિશ એન ચિપ્સનો આનંદ
દુ:ખિયાના બેલી જેવાં ઇંગ્લિશ પબ ને મેક્ડોનલ્ડ .. Big Mac..!!
ઉત્સવ કરીયે ધરમ-કરમના મંદિરે પણ જઇએ
હરે ક્રિશ્ન હરે રામ.(૨) જય સ્વામી નારાયણ
મૂળ વતનના સંસ્કારોને જરી ન અળગા કરીએ
વોર્મ્થ મળે ના વિંટરમાં જાતાં વેધરથી ત્રાસી
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી …
ઓક્સફર્ડ સ્ટ્રીટ ને થેમ્સ નદી વળી બકિંગહામ પેલેસ
બેલગ્રેવ રોડ ને ઇલિંગ રોડ પર ગુજરાતીનો ગ્રેસ
સાડી સોનું કરિયાણું ને તેજ તમાકુ તમતમ
ભજિયાં ભાજી ભરે થેલીમાં ગુજરાતી આ મેડમ
ઓલ રાઇટ ઓલ રાઇટ કરતા ચાલે ગુર્જર યુરોપવાસી
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી …
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી …
https://www.youtube.com/watch?v=mTpXHQAZywU
——————————
અમે યુ.એસ.ના રહેવાસી
અમે યુ.એસ.એ.ના રહેવાસી, પણ છીએ દિલથી ભારતવાસી
અમેરિકા તો વર્લ્ડ-ક્લાસ છે, મનમાં એવો દમામ
ડૉલર-સેન્ટમાં દીઠા સૌએ, અડસઠ તીરથધામ
ન્યુજર્સી કે મેનહટન, વોશિંગ્ટન બાલ્ટીમોર
વેસ્ટકોસ્ટમાં હોલીવૂડ ને ડિઝની કેરો શોર
સાંજ પડે ને સાંભરે અમને ડેડ-મોમ ને માસી
અમે યુ.એસ.ના રહેવાસી, પણ છીએ દિલથી ભારતવાસી
મોટલવાળા પટેલ મગનભાઈ મેક થયા છે ભાઈ
નોખા રહેતા ઇંડિયન થઈ કહેવાયા એન.આર.આઈ.
સ્વિચ ઊંધી નળ ઊંધા ચાલે ગાડી ઊંધે પાટે
ક્રિકેટ ગિલ્લી-દંડા છોડી બેઝબોલ માટે બાધે
ગોટ-પિટ ગોટપિટ કરતા જો મોટેલ પર બેઠા માસી
અમે યુ.એસ.ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી
https://www.youtube.com/watch?v=XM_MxHSYe5Q
• ગીતકાર : સુરેન ઠાકર ‘મેહુલ’ • સંગીતકાર : આશિત દેસાઈ • ગાયક : ચંદુ મટ્ટાણી, આશિત દેસાઈ, બાલી બ્રહ્મભટ્ટ
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 18 જુલાઈ 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=532926
![]()


સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ ક્રાઈમ બ્યુરોના અહેવાલ અનુસાર ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬ દરમ્યાન દલિતો પર ૧,૧૯,૮૭૨ અને આદિવાસીઓ પર ૧૯,૬૭૧ અત્યાચારની ઘટનાઓ બની છે. આ તો સરકારી ચોપડે નોંધાયેલી ઘટનાઓ છે. મોટી સંખ્યામાં દલિતો અને આદિવાસીઓ બીકના માર્યા ફરિયાદ કરતા નથી. ફરિયાદ કરવા જાય છે તો પોલીસ ફરિયાદ નોંધતી નથી. પીડિતો પાસે અરજી લખાવીને રવાના કરે છે. પીડિતને બિચારાને એમ લાગે કે તેની ફરિયાદ નોંધવામાં આવી છે. આ સિવાય ભારતમાં દલિતોએ માથે મેલું ઊંચકવું પડે છે તેના આંકડાં તો નોંધવામાં પણ નથી આવતા. દર વરસે સો-બસો દલિતો ગટરમાં ઉતરતા ઝેરી ગેસના કારણે મરે છે તેને અકસ્માત ગણવામાં આવે છે, પરંતુ એ વહીવટીતંત્રો દ્વારા કરવામાં આવતાં ખૂન છે.