નફરતની સગાઈમાં ય પીડિત વ્યક્તિને આશાનું એક નાનકડું કિરણ દેખાય છે કે કદાચ આ નફરત એક દિવસ પ્રેમમાં તબદીલ થઈ જશે
અંજલિ બંસલ નામની મુંબઇની ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટે ‘ક્યુઓરા’ નામની સવાલ-જવાબની વેબસાઇટ પર પ્રશ્ન પૂછ્યો છે: સૌથી વધુ પીડા શેનાથી થાય? નફરતથી કે ઉપેક્ષાથી? આ સવાલની ચર્ચામાં બીજી એક મહિલાએ લખ્યું છે કે, ‘નફરત કરતાં ઉપેક્ષા વધુ કષ્ટદાયી હોય છે. નફરતમાં ખોટું તો ખોટું, પણ એક ઝૂનૂન, એક આવેગ હોય છે. ઉપેક્ષામાં તો માણસની મોજૂદગી કે અસ્તિત્વનો જ અસ્વીકાર થાય છે, જે નફરત કરતાં વધુ ઘાતક હોય છે.’
જેને પશ્ચિમમાં હોલોકાઉસ્ટ કહે છે તે યહૂદી કત્લેઆમમાંથી બચેલા નોબેલ વિજેતા પ્રોફેસર ઇલી વિઝેલે 1999માં વ્હાઇટ હાઉસમાં એક પ્રવચન આપતાં કહ્યું હતું, ‘ઉપેક્ષા એટલે શું? ઉપેક્ષા એટલે એવી પરિસ્થિતિ જ્યાં અંધકાર અને પ્રકાશ વચ્ચેની સીમા ભૂંસાઈ જાય છે. ઇશ્વરે અમને અમારા હાલ પર છોડી દીધા એ ઇશ્વરની સજા કરતાં ય ભયાનક હતું. એક નિષ્પક્ષ ઇશ્વરની જગ્યાએ અન્યાયી ઇશ્વર સારો. ઉપેક્ષા શરૂઆત નહીં, ધ એન્ડ છે. ઉપેક્ષા પાપ નહીં, પનિશમેન્ટ છે.’
પ્રેમનો વિરોધાર્થી શબ્દ નફરત નથી, ઉપેક્ષા છે. પ્રેમ અને નફરત બંનેમાં એક આવેગ, એક જોશ, એક સરગર્મી હોય છે. કોઈને નફરત કરવી હોય તો એક લગાવ, એક સગાઈ, એક સંબંધ અનિવાર્ય હોય છે. એ વ્યક્તિની હાજરી, એના અસ્તિત્વનો સ્વીકાર જરૂરી હોય છે. નફરતની એ સગાઈમાં ય પીડિત વ્યક્તિને આશાનું એક નાનકડું કિરણ દેખાય છે કે કદાચ આ નફરત પ્રેમમાં તબદીલ થઈ જશે. એટલે પીડિતને નફરતમાં ય જીવતા રહેવા, ટકી રહેવાનું એક કારણ મળી રહે છે.
ઉપેક્ષામાં ધ એન્ડ છે. સામે અંધકારની ખાઈ છે, સન્નાટાનો પ્રદેશ છે. ઉપેક્ષામાં આશા નથી. ઉપેક્ષામાં લાગણીની ભીનાશ નથી. સંજય લીલા ભણસાલી સાથે વણસી ગયેલા સંબંધની વાત કરતાં કરણ જોહરે એક વાર કહ્યું હતું કે, ‘એક સમયે અમારી વચ્ચે પ્રેમ અને પ્રશંસાનો સંબંધ હતો, પરંતુ ઉત્તરોત્તર એની અપેક્ષાઓ વધતી ગઈ જે હું પૂરી કરવા સક્ષમ ન હતો. એ અંધકારમાં ખોવાઇ ગયો છે અને હું અજવાળામાં જીવું છું. મારે એની સાથે કોઈ જ લેવા-દેવા રાખવી નથી. સંજય સાથે મારો સંબંધ ઉપેક્ષાનો છે.’
પ્રેમ અને નફરત બંનેમાં કોઈક તો લેવા-દેવા હોય છે. પ્રેમ અને નફરતમાં તમે બીજી વ્યક્તિના દિમાગ પર છવાયેલા રહો છો. હકીકતમાં, નફરત પ્રેમનું જ એક સ્વરૂપ છે. હિન્દી સાહિત્યકાર મુન્શી પ્રેમચંદે ક્યાંક લખ્યું છે કે, ‘ઘૃણા પ્રેમ કા વિલોમ નહીં હૈ, યહ પ્રેમ કા એક વિકૃત રૂપ માત્ર હૈ.’ આપણે સમાચાર પત્રોમાં પ્રેમમાં ગડબડ થાય તો ખૂન થવાના, આત્મહત્યા કરવાના, એકબીજાને બદનામ કરવાના કે એસિડ ફેંકવાના સમાચારો વાંચીએ છીએ. આ પ્રેમ જ છે, પરંતુ એ નફરતના રૂપમાં બહાર આવે છે.
શાસ્ત્રોમાં આને વિપરીત-ભક્તિ કહે છે. ભક્તિ શબ્દની વ્યુત્પત્તિ ‘ભજ’ ધાતુથી છે, જેનો અર્થ થાય છે ‘ભજવું’ અથવા ‘સેવા કરવી’. મતલબ કે શ્રદ્ધા અને પ્રેમપૂર્વકની આસક્તિ. આનાથી વિપરીત, નફરતની પણ આસક્તિ હોય એને વિપરીત-ભક્તિ કહે છે. ‘ડર’ ફિલ્મમાં શાહરુખ ખાન જુહી ચાવલાનો દિવસ-રાત પીછો કરે છે તે વિપરીત ભક્તિનું ઉદાહરણ છે: તું મારી ન થાય તો કંઇ નહીં, બીજાની પણ નહીં થવા દઉં. શાહરુખ જુહીને નફરત કરે છે અને એની નફરત પ્રેમમાંથી આવે છે. જુહી એના દિમાગ પર છવાયેલી રહે છે. કેમ? કારણ કે કૉલેજમાં જુહીએ એના પ્રેમની ઉપેક્ષા કરી હતી. એ ઉપેક્ષા શાહરુખને એટલી પીડે છે કે એ જુહીને નફરતના સંબંધમાં બાંધી લે છે. ‘ડર’ની ધુઆંધાર સફળતા એ બાબતની સાક્ષી છે કે દર્શકોને શાહરુખની ખૂની નફરતમાં ય ‘સાચો પ્રેમ’ દેખાય છે. આ ફિલ્મમાં બધી વાહવાહી શાહરુખ લૂંટી ગયો હતો જ્યારે સની દેઓલ, જે ખરા અર્થમાં ફિલ્મનો હીરો અને જુહીનો અધિકૃત પતિ છે, તે હાંસિયામાં ધકેલાઇ ગયો હતો.
પ્રસિદ્ધ અમેરિકન ટીવી સિરિયલ ‘ડેસ્પરેટ હાઉસવાઇફ’માં પતિ ગુસ્સામાં પત્નીને કહે છે કે ‘આઈ હેટ યુ’ ત્યારે પત્ની કહે છે, ‘પ્રેમની વિરોધી લાગણી નફરત નહીં, ઉપેક્ષા છે. તું મને નફરત કરે છે તેનો મતલબ તને હજુ ય મારી સાથે કંઈક લેવા-દેવા છે, આપણે હજુ ય બંધાયેલાં છીએ … અને તારી નફરતને ઠીક કરવાનો મને હજુ ય ચાન્સ છે.’ આપણી અંગત દુશ્મની કે બે પ્રજા-સમાજ-રાષ્ટ્રની દુશ્મનીમાં ય પ્રેમનું વિકૃત રૂપ જોવા મળે છે. પર્સિયન શબ્દ ‘દુ:શ્મન’ જેના પરથી આવ્યો છે તે સંસ્કૃત ‘દોષ’નો મતલબ જ જે બરાબર નથી, અયોગ્ય છે, અસ્વીકાર્ય છે તેને ઠીક કરવાનો છે. બે દુ:શ્મનો એકબીજાને ઠીક કરવાનો પ્રયાસ કરે છે (ઠેકાણે પાડવું) કારણ કે બંને એકબીજાની સુખાકારી કે સ્વાસ્થ્ય માટે ‘દોષરૂપ’ છે. દોષને ઠેકાણે પાડવો પડે, ઉપેક્ષા ન થાય.
દુ:શ્મન માટેનો અંગ્રેજી શબ્દ ‘એનિમી’ મૂળ લેટિન છે અને અર્થ થાય છે ‘નોટ-એમિક્સ’, અ-મિત્ર. વેબસ્ટર શબ્દકોશ ‘એનિમિટી’(દુ:શ્મની)નો અર્થ સમજાવે છે: ગહેરી પારસ્પરિક નફરત. આ નફરતમાં એકબીજાને કાયમ માટે બદલી નાખવાનો (ઠેકાણે પાડવું અથવા તો ખતમ કરવું) જુસ્સો છે. આ ઝૂનૂન ત્યારે જ મોક્ષ પામે જ્યારે બંનેમાંથી કોઈ એક ખતમ થઈ જાય. અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે એક સમયે આવી ગહેરી નફરતનો સંબંધ હતો. આજે સોવિયત સંઘ તહસ-નહસ થઈ ગયો છે અને અમેરિકા પ્રવર્તમાન રશિયા પ્રત્યે ઉપેક્ષા સેવે છે. રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને રશિયન પ્રજાની હતાશા આ ઉપેક્ષામાંથી પેદા થઈ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે દોસ્તીમાંથી તબદીલ થયેલી ‘વિપરીત-ભક્તિ’ છે. શાસ્ત્રો કહે છે કે વિપરીત-ભક્તિમાં તમે સમર્પિત ભક્તિની હદે દુ:શ્મનને સતત યાદ કર્યા કરો. ભક્તિ અને વિપરીત-ભક્તિ બંનેમાં એક સરખી તીવ્રતા હોય છે. મગજની ન્યુરલ સર્કિટને સ્કેન કરીને ન્યુરોલોજિસ્ટોએ શોધી કાઢ્યું છે કે અફલાતુન પ્રેમના અનુભવથી મગજના જે ભાગમાં ડ્રામેટિક ફેરફારો થાય છે, નફરતની લાગણીમાં ય એ જ ભાગમાં ‘દીવા-બત્તીઓ’ થવા લાગે છે. પ્રેમમાં જેમ માણસ મરવા કે મારવા પર ઉતારુ થઈ જાય છે તેવી જ રીતે નફરતમાં ય એ કોઈ પણ હદ સુધીનું પરાક્રમ કરવા સક્ષમ હોય છે. પ્રેમમાં માણસ આંધળો થઈ જાય છે. નફરતમાં ય સમજ કે તર્કશક્તિ પાંગળી થઈ જાય છે. એટલા માટે જ કવિઓ-શાયરોએ પ્રેમમાં ય પીડાની વાત કરી છે. દરેક સુખના અહેસાસની પોતાની પીડા છે.
સુખનો પોતાનો દંશ, પોતાની ચુભન, પોતાનો કાંટો છે. એવી જ રીતે પીડાનું ય સુખ હોય છે, મઝા હોય છે, નશો હોય છે. રાવણ રામને નફરત કરે છે અને એમાં જ એનું ચેન, સુખ અને આનંદ છે. કંસને કૃષ્ણ પ્રત્યે હાડોહાડ ઘૃણા છે અને એ ઘૃણા જ એને એના હોવાનો અહેસાસ કરાવે છે. રાવણ અને કંસ બંનેને જીવતા રહેવા માટે, જીવતા રહેવાના અહેસાસ માટે, જીવનના અર્થ માટે રામ અને કૃષ્ણને નફરત કરવી અનિવાર્ય છે. આ બંને દાનવોનો મોક્ષ પણ આ ઘૃણામાં જ થાય છે. આ વિપરીત-ભક્તિ છે.
અસલમાં, કોઈ એવો પ્રેમ નથી જ્યાં નફરત ન હોય. આપણે જેને પણ પ્રેમ કરીએ છીએ, એની ઘૃણા પણ કરીએ છીએ, અને ઘૃણા એટલા માટે કરીએ છીએ કારણ કે એની સાથે પ્રેમ પણ છે. શત્રુ સાથે પણ એક પ્રકારની મિત્રતા હોય છે, એક પ્રકારનો લગાવ હોય છે. મિત્ર સાથે ય એક પ્રકારનો અલગાવ હોય છે, શત્રુતા હોય છે. ખલિલ જિબ્રાનની એક વાર્તા છે: એક સ્ત્રીએ પુરુષને કહ્યું, ‘હું તને પ્રેમ કરું છું.’ પુરુષે કહ્યું, ‘તારો પ્રેમ મારું સૌભાગ્ય છે.’ સ્ત્રીએ પૂછ્યું, ‘તું મને પ્રેમ નથી કરતો?’ પુરુષ કશું ન બોલ્યો અને ટકટકી લગાવી જોતો રહ્યો. સ્ત્રી જોરથી ચિલ્લાઈ, ‘હું તને નફરત કરું છું.’ પુરુષે કહ્યું, ‘તારી નફરત મારું સૌભાગ્ય છે.’
e.mail : rj.goswami007@gmail.com
સૌજન્ય : ‘રસરંગપૂર્તિ’, “દિવ્ય ભાસ્કર” 14 ફેબ્રુઆરી 2016
http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5248848-NOR.html