આપણી બિરાદરીની ભાવના સાથે રૂપિયાનો વ્યવહાર જોડાયેલો છે એટલે ભ્રષ્ટાચારથી આપણે બહુ વિચલિત થતા નથી
પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી આક્રમણ થયું એમાં પાકિસ્તાનનું ભલું (અને ભારતને નુકસાન) થયું કે નહીં એ તો અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે ઊંચા અવાજે બૂમાબૂમ થઈ એમાં નરેન્દ્ર મોદીના દ્વિતીય આત્મા (ઓલ્ટર ઇગો) અરુણભાઇ જેટલીને ફાયદો થઈ ગયો. મોદી સરકાર એના શાસનકાળના સૌથી મોટા દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન કાૈભાંડનો સામનો કરી રહી હતી તે કૌભાંડ પઠાણકોટ હુમલાના શોરબકોરમાં ખોવાઇ ગયું.
અગાઉ સુષ્મા સ્વરાજ, સ્મૃિત ઇરાની, વસુંધરા રાજે અને શિવરાજસિંહ ચૌહાણ સામે ગડબડીના આક્ષેપ થયા ત્યારે ય મોદી સરકાર એમની પડખે ઊભી રહી હતી. નરેન્દ્ર મોદી ‘હું કોંગ્રેસ કરતાં વધુ પવિત્ર છું’ અને ‘હું ભ્રષ્ટાચારમુક્ત સરકાર આપીશ’ એવા વચન સાથે સરકારમાં આવ્યા હતા. એની કોઈ જવાદબારી લેવાને બદલે સરકાર જે રીતે આક્ષેપોને અવગણી રહી છે તેની ખાસ્સી ટીકા થઈ રહી છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં મોદીને પત્ર લખીને લોકપાલ આંદોલનના પ્રણેતા અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘મોદી સરકાર અને યુ.પી.એ.ની સરકાર વચ્ચે કોઈ ફર્ક દેખાતો નથી.’ હઝારેએ આ પત્રમાં એમ પણ લખ્યું હતું કે મનમોહનસિંહની સરકાર સામે મેં જ જબરદસ્ત આંદોલન છેડ્યું હતું, પણ મનમોહને મારા પત્રોનો જવાબ આપવાની તમા રાખી હતી જ્યારે તમે તો મન કી બાતમાં ય ભ્રષ્ટાચારની વાત કરતા નથી કે નથી મને જવાબ આપતા.
ભારતમાં સરકારો બદલાય છે અને સરકારોની ખાતરીઓ બદલાય છે, પણ ભ્રષ્ટાચારમાં કશું બદલાતું નથી. ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલનો એક તાજો અહેવાલ કહે છે કે ભારતમાં ભ્રષ્ટાચારમાં કોઈ કમી આવી નથી. ભારતના મુકાબલે પાકિસ્તાને એના કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં સુધાર કર્યા છે પણ ભારતની સ્થિતિ 2014 જેવી જ છે. ભારત ત્યારે ય 38 નંબરે હતું અને આજે ય ત્યાં જ છે. આ સંસ્થાના એશિયા પ્રદેશના ડાયરેક્ટરે એક ઇ-મેઈલમાં કહ્યું હતું કે ભારતમાં સામાન્ય ચૂંટણી અને દિલ્હીની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર વિરોધી બહુ ખાતરીઓ આપવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નથી.
રિઝર્વ બેંકના ચેરમેન રઘુરામ રાજને એક વક્તવ્યમાં કહેલું કે, ‘ભારતમાં એક વિષચક્ર છે. ગરીબ અને જરૂરતમંદ લોકોને રાજકારણીની મદદની જરૂર હોય છે. ચોર રાજનેતાને વેપારીના ફંડની જરૂર હોય છે. વેપારીને સરકારના કોન્ટ્રાક્ટ અને દયા-નજરની જરૂર હોય છે. રાજકારણીને સત્તામાં આવવા ગરીબ અને જરૂરતમંદોના વોટની જરૂર હોય છે. એકબીજા પરની આ નિર્ભરતા એટલી મજબૂત છે કે એને તોડવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.’ ભારતમાં ભ્રષ્ટાચારનું જીન (વંશાણુ) શોધાય તો એ કેન્સર જેવું નીકળે. ભ્રષ્ટાચાર ભારતીય સમાજના ડીએનએમાં વણાયેલો છે, એવો તર્ક વાહિયાત નથી.
દુનિયાનાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં ભારતમાં ધર્મ ટ્રાન્સેક્શનલ (લેતી-દેતી) છે. આપણે ભગવાનને રૂપિયા-પૈસાની ભેટ ચઢાવીએ છીએ અને ઇચ્છા રાખીએ છીએ કે ભગવાન આપણને આઉટ-ઓફ-ટર્ન મદદ કરે. મંદિરની અંદર આને પ્રસાદ કે ભેટ કહેવાય, મંદિરની બહાર રિશ્વત. જેની જેટલી શક્તિ, ગરીબ માણસ રૂપિયા-દસ રૂપિયાની ભેટ મૂકે, ધનવાન હોય એ સોનાના બિસ્કિટ ચઢાવે. ભારતમાં દરેક ધાર્મિક સેવાના બદલામાં પૈસાનો વ્યવહાર થાય છે. એટલા માટે જ ભારતીય સંસ્કૃિતમાં પૈસાનો વ્યવહાર હંમેશાં શુભ જ મનાયો છે. સ્ત્રી લગ્ન કરીને ઘરમાં આવે ત્યારે સાથે રોકડ રૂપિયા અને કીમતી વસ્તુ લઈને આવે એ માત્ર વિનિમય જ નથી, એ લેતી-દેતી પવિત્ર સંકેત પણ મનાય છે. આપણા દરેક વ્યવહારમાં પૈસાનો વિનિમય છે. સંબંધી મહેમાન ઘરના વડીલને ચરણસ્પર્શ કરે તો બદલામાં રૂપિયા અપાય છે. દિવાળીમાં પરિવારના સભ્યોને રોકડ નોટો અપાય છે. વિવાહ કે લગ્નની વિધિ રૂપિયાની લેવડ-દેવડથી પાકી થાય છે.
આપણી બિરાદરીની આ ભાવના સાથે રૂપિયાનો વ્યવહાર જોડાયેલો છે. એટલે ભ્રષ્ટાચારથી આપણે બહુ વિચલિત થતા નથી. બિરાદરીની આ જ ભાવનાથી ભ્રષ્ટાચારના આરોપો છતાં જયલલિતાને લોકો પુન: સત્તાસ્થાને બેસાડે છે. આપણે જેને ડાકુ, લૂંટારા કે ઠગ કહીએ છીએ એ સૌ પોતે પોતાની બિરાદરી કે સમુદાયમાં હીરો રહ્યા છે. એક્ચુઅલી આપણે ભ્રષ્ટ કે પાપી વ્યક્તિને બરદાસ્ત કરી લઇએ છીએ તેનું બીજું એક કારણ પુનર્જન્મની આપણી ધારણા છે. આપણે માનીએ છીએ કે જીવન સાઇકલની જેમ ચાલતું રહે છે અને એ ચક્રમાં માણસ વિકસિત થતો રહે છે, હાલત બદલાતી રહે છે. આપણી ધારણામાં પ્રત્યેક વ્યક્તિ એનાં આ જન્મનાં કર્મોનાં ફળ બીજા જન્મમાં ભોગવે છે એટલે આ જન્મનો પાપી બીજા જન્મમાં પુણ્યશાળી બને છે અને આજે જે શ્રેષ્ઠ છે તે ભાવિમાં કનિષ્ઠ બને છે.
સાત પેઢી ખાય તેટલી સંપત્તિ ધરાવતા લોકો આપણી તાળીઓ મેળવે છે અને આપણા આદર્શ પણ છે. અતિ લોભ તે પાપનું મૂળ છે એવું કોણ માને છે? પૈસો હાથનો મેલ છે એવું કોણ બોલે છે? અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમણે સ્કૂલો બનાવી હતી. ભારતીયો પશ્ચિમમાં ગયા તો એમણે મંદિરો બાંધ્યાં. મંદિરો એ ઇશ્વર પ્રત્યેની ભક્તિ નથી. (જે ઘરની ચાર દીવાલો વચ્ચે પણ શક્ય છે.) મંદિરો ઇચ્છાપૂર્તિનું સ્થળ છે. જે દેશમાં લેતી-દેતીને ધાર્મિક અને સામાજિક સ્વીકૃતિ મળી હોય તે દેશમાં ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર થાય? મળીએ 2019ની સામાન્ય ચૂંટણીઓમાં.
e.mail : rj.goswami007@gmail.com
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 07 ફેબ્રુઆરી 2016