કર્ણાટકનાં પરિણામો અને વિરોધ પક્ષોની એકતા

રમેશ ઓઝા
08-11-2018

ભારતીય રાજકારણના સિનિયર મોસ્ટ નેતા શરદ પવાર, આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચન્દ્રબાબુ નાયડુ અને જમ્મુ અને કાશીરના પૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. ફારુખ અબ્દુલ્લા ભા.જ.પ.ની સામે રાષ્ટ્રીય મોરચો તૈયાર કરવા મેદાને પડ્યા છે. તેઓ ડૉ. લોહિયાએ ગેર-કૉન્ગ્રેસવાદની થિસીસ વિકસાવી હતી, એમ ગેર-ભા.જ.પ.વાદની થિસીસ વિકસાવવાની ભાંજગડમાં પડવા માંગતા નથી. ગઈકાલના લેખમાં કહ્યું હતું એમ ત્યારે ગેર કૉન્ગ્રેસી પક્ષો અને નેતાઓ અજમાયેલા નહોતા, એટલે પવિત્ર હતા. આજે સ્થિતિ જુદી છે. ફારુક અબ્દુલ્લા અને ચન્દ્રબાબુ નાયડુ ભા.જ.પ. સાથે ભગીદારી કરી ચુક્યા છે. એમ તો શરદ પવાર પણ ગેર કૉન્ગ્રેસવાદના યુગમાં મહારાષ્ટ્રમાં પુરોગામી લોકશાહી દળની રચના કરીને ભા.જ.પ .સાથે ભાગીદારી કરી ચુક્યા છે.

આ બધા પક્ષો અને નેતાઓ આવતીકાલે ભાગીદારી નહીં કરે એની કોઈ ખાતરી નથી. એટલે તેમનો વિરોધ નરેન્દ્ર મોદી-અમિત શાહ પ્રકારના રાજકારણ સામે છે, સીધો બી.જે.પી. સામે નથી. ગેર કૉન્ગ્રેસવાદમાં કૉન્ગ્રેસ ટાર્ગેટ હતી. અટલ બિહારી વાજપેયી કે તેમના જેવો બીજો કોઈ નેતા હોય, તો તેઓ બી.જે.પી. સાથે ભાગીદારી કરી પણ શકે છે, અત્યારે એન.ડી.એ.માં એવા ઘણા પક્ષો છે જેઓ બી.જે.પી.ની વિચારધારા સાથે સંમત નથી.

કેવું છે નરેન્દ્ર મોદી-અમિત શાહ બ્રેન્ડનું રાજકારણ? યેનકેન પ્રકારેણ બીજાની જગ્યા આંચકી જનારું. અરુણાચલ પ્રદેશમાં, ઉત્તરાખંડમાં, ગોવામાં અને કર્ણાટકમાં જે ઘટનાઓ બની એ તેનું પ્રમાણ છે. ગવર્નરોની મદદથી આ રાજ્યોમાં બહુમતી નહીં હોવા છતાં ગેરબંધારણીય રીતે ધરાર સરકારો રચવામાં આવી હતી. બીજું લક્ષણ છે વિશ્વાસઘાત કરવાનું. મહારાષ્ટ્રમાં શિવસેનાને, પંજાબમાં અકાલી દળને, જમ્મુ અને કાશ્મીરમાં પી.ડી.પી.ને અને આંધ્રપ્રદેશમાં ટી.ડી.પી.ને આનો અનુભવ થઈ ચૂક્યો છે. ત્રીજું લક્ષણ છે બોલવામાં કે પ્રહાર કરવામાં કોઈ પણ પ્રકારની મર્યાદા નહીં પાળવાનું. રાજકારણમાં અત્યાર સુધી રાજકીય પક્ષો અમુક રીતની લક્ષ્મણ રેખા પાળતાં આવ્યા છે, પરંતુ બી.જે.પી.નું અત્યારનું નેતૃત્વ આમાં માનતું નથી. ચોથું, બી.જે.પી. પાસે કુલ રાજકીય પક્ષોને મળેલા ડોનેશનનું ૮૦ ટકા ફંડ છે. બી.જે.પી. (મોદી-શાહ) કોઈ પણ માર્ગ અપનાવીને પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષો સામે અસ્તિત્વનું પેદા કરે એ પહેલાં સચેત થઈ જવું જોઈએ એ વિરોધ પક્ષોની તાત્કાલિક રણનીતિ છે.

શું છે રણનીતિ? એવો મોરચો રચવો જેમાં કૉન્ગ્રેસ સાથે હોય, સત્તામાં ભાગીદાર હોય; પણ વડા પ્રધાનપદ કૉન્ગ્રેસનું ન હોય. બીજી બાજુ જે રાજ્યોમાં કૉન્ગ્રેસ અગ્રેસર હોય એ રાજ્યોમાં કૉન્ગ્રેસની આણ માન્ય રાખવી. કૉન્ગ્રેસે પણ આ વખતે પ્રધાનપદનો આગ્રહ રાખ્યા વિના મોરચામાં જોડાવાની સંમતિ આપી દીધી છે. આનો અર્થ એ થયો કે કૉન્ગ્રેસના નેતૃત્વમાં યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સની રચના કરવામાં નહીં આવે, પરંતુ જે કોઈ નામનો મોરચો બનશે એમાં કૉન્ગ્રેસ એક ઘટક પક્ષ તરીકે ભાગીદાર હશે. આનો બીજો અર્થ એ થયો કે ત્રીજો મોરચો રચવામાં નહીં આવે. કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી દીધી છે કે કૉન્ગ્રેસને જો વડા પ્રધાનપદનો દાવો કરી શકાય એવી ગણનાપાત્ર બેઠકો મળશે તો જ કૉન્ગ્રેસ વડા પ્રધાનપદનો દાવો કરશે. કૉન્ગ્રેસ સૌથી મોટો પક્ષ હશે એમાં તો કોઈ શંકા જ નથી, પરંતુ અત્યારે એમ લાગે છે કે કૉન્ગ્રેસની બેઠકો સો-સવાસોની આસપાસ હશે તો કૉન્ગ્રેસ વડા પ્રધાનપદનો દાવો જતો કરશે. અત્યાર સુધી ત્રીજો મોરચો રચાતો હતો જેમાં કૉન્ગ્રેસ કે બી.જે.પી. ત્રીજા મોરચાને બહારથી ટેકો આપતા હતા અને પછી મોકો જોઇને ટેકો પાછો ખેંચીને સરકાર તોડતા હતા. આને કારણે ત્રીજા મોરચાને ખીચડા તરીકે ઓળખવામાં આવે છે. આમ કૉન્ગ્રેસે પોતાનું કદ સામે ચાલીને ઘટાડી દીધું છે.

ગણતરી આગળ કહી એવી જ છે. કોઈ પણ પ્રકારની લાજ-શરમ વિનાના અનૈતિક અને આક્રમક રાજકારણ કરનારાઓથી પોતાને બચાવવાનું. શરદ પવાર, ચન્દ્રબાબુ નાયડુ અને ફારુક અબ્દુલ્લા આ રણનીતિ વિરોધ પક્ષોના નેતાઓને સમજાવી રહ્યા છે. આ રણનીતિ તેમની પોલિટિકલ સ્પેસ બચાવવા માટેની છે, દેશની સેક્યુલર સ્પેસ બચાવવા માટેની નથી એ આ રણનીતિની મર્યાદા છે.

આની વચ્ચે કર્ણાટકમાં ત્રણ લોકસભાની અને બે વિધાનસભાઓની પેટા-ચૂંટણીનાં પરિણામો આવ્યાં છે. બી.જે.પી.નો બેલારીમાં લોકસભાની ચૂંટણીમાં અને જામખંડીમાં વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયો છે. ખાસ નોંધવા લાયક વાત એ છે કે બેલારીમાં કૉન્ગ્રેસે ઊભો રાખેલો ઉમેદવાર બહારનો હોવા છતાં ૨૦૧૪ની તુલનામાં વધારે સરસાઈ સાથે બેલારીની બેઠક જીતી લીધી હતી. બેલારી અને જામખંડી ઉત્તર પૂર્વ કર્ણાટકમાં આવ્યાં છે, જે બી,જે,પી,નો ગઢ ગણાય છે. ૨૦૦૪ પછી પહેલીવાર બી.જે.પી.નો બેલારીમાં પરાજય થયો છે. બી.જે.પી.નો બીજો ગઢ છે ઉત્તર પશ્ચિમ કર્ણાટક જ્યાંથી બી.જે.પી.ના નેતા યેદિયુરપ્પા આવે છે. તેમણે શિમોગાની લોકસભાની બેઠક ખાલી કરતાં પેટા ચૂંટણી યોજવામાં આવી હતી અને તેમણે પોતાના સગા દીકરાને ઉમેદવારી આપી હતી. શિમોગામાં બી.જે.પી.નો અર્થાત્ બી.જે.પી.ના સર્વેસર્વા યેદિયુરપ્પાનો વિજય તો થયો છે, પરંતુ સરસાઈમાં ત્રણ લાખ કરતાં વધુ મતનો ઘટાડો થયો છે. ૨૦૧૪માં યેદિયુરપ્પા ત્રણ લાખ ૬૬ હજાર મતની સરસાઈથી જીત્યા હતા, જે આ વખતે તેમના પુત્રને માત્ર બાવન હજાર મતની સરસાઈ મળી છે. ટૂંકમાં, પાંચ બેઠકોમાંની પેટા ચૂટણીઓ યોજાઈ એમાંથી ચાર બેઠકો પર કૉન્ગ્રેસ-જે.ડી.યુ.નો વિજય થયો છે અને એ પણ ગયા વખતની ચૂંટણી કરતાં વધારે સરસાઈ સાથે અને માત્ર એક બેઠક પર બી.જે.પી.નો વિજય થયો છે પ્રચંડ પ્રમાણમાં ઘટેલી સરસાઈ સાથે.

રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હવે કર્ણાટકની પેટા ચૂંટણીઓનાં પરિણામો પછી મેસેજ બધા માટે છે. વિપક્ષોને સમજાઈ ગયું છે કે જો સમજૂતી કરવામાં આવે તો ગમે એવી નાગાઈનું રાજકારણ કરવામાં આવતું હોય, લોકોની સામે મેદાનમાં બી.જે.પી.ને હરાવી શકાય એમ છે. અમિત શાહને પણ સમજાઈ ગયું છે કે માત્ર નાગાઈ અને ધન દ્વારા ચૂંટણી જીતી શકાય એમ નથી. તેમને એ પણ સમજાઈ ગયું છે કે વિરોધ પક્ષો વચ્ચે સંપૂર્ણ નહીં તો પણ ઠીકઠીક પ્રમાણમાં ચૂંટણી સમજૂતી થવાની છે. તેમણે પટણા જઇને નીતીશકુમાર સાથે સમજૂતી કરી છે જેમાં લોકસભામાં માત્ર બે બેઠકો ધરાવનારા જનતા દળ(યુ)ને અડધોઅડધ બેઠકો આપી છે. એન.ડી.એ.માં બિહારના હજુ બીજા બે પક્ષો છે તેને કોના હિસ્સામાંથી બેઠક આપવામાં આવશે એ પ્રશ્નનો ખુલાસો કરવામાં આવતો નથી. નીતીશકુમાર પણ અમિત શાહની મજબૂરી જાણે છે એટલે આવતા વરસે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી. કરતાં જે.ડી.યુ.નો ભાગ મોટો હશે એમાં કોઈ શંકા નથી.

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે પણ આવી જ મનામણાવાળી સમજૂતી થવાની છે. શિવસેનાના નેતાઓએ શસ્ત્રો મ્યાન કરી દીધાં છે એનું આ કારણ છે. મહારાષ્ટ્રમાં ૨૦૧૪ સુધી સેના-બી.જે.પી. વચ્ચેનો વહેવાર એવો હતો કે લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને વધારે બેઠકો ફાળવવામાં આવે અને વિધાનસભામાં શિવસેનાને. ૨૦૧૪માં બી.જે.પી.એ વિધાનસભાની ચૂંટણી વખતે અંચાઈ કરી હતી. શિવસેના આ વખતે લોકસભાની વધારે બેઠકો માગીને અથવા લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી કરાવીને અને તેમાં વધારે બેઠકો મેળવીને બદલો લેશે. ૨૦૧૪ની અનુકૂળતા ઝડપથી પ્રતિકૂળતામાં ફેરવાઈ રહી છે અને તેનો વિરોધ પક્ષો લાભ લઈ રહ્યા છે. આ બાજુ બી.જે.પી.માં નીતિન ગડકરીની રાજકીય સક્રિયતા વધી રહી છે એની પણ નોંધ લેવી જોઈએ. અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ અને નિર્મલા સિતારામન સરકારનો બચાવ કરી રહ્યાં છે ત્યારે નીતિન ગડકરી મોકો મળે ત્યારે સરકારને મૂંઝવણમાં મૂકી રહ્યા છે.

રાજકારણ આનું નામ!

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 નવેમ્બર 2018

Category :- Opinion / Opinion