સન્નાટો

નયના પટેલ
10-09-2018

‘ચાલ મોઢું ખોલ, માર્ટિન, ….’

‘અં …….. હં …..’

‘કમ ઑન, તારે સાજા થવું છે ને?’

‘પણ તને કોણે કહ્યું કે હું માંદો છું?’

‘જો તું માંદો નથી તો આ વોર્ડમાં કેમ આવ્યો?’

‘હું જાતે નથી આવ્યો ….મને …. પરાણે ….. મને કોણે અહીં ધકેલ્યો છે, તને ખબર છે, નર્સ?’

‘ધેર યુ આર, તારે યાદ કરવું છે ને કે તને કોણે અહીં મોકલ્યો?’

‘યા .. યા.’

‘ઓ.કે. તો ડાહ્યો થઈને આ દવા પી લે. આ દવા તને એ યાદ કરવામાં મદદ કરશે.’ કહી જીનાએ દવાની ગોળીઓ માર્ટિનને આપી. આંખમાં શંકા સાથે માર્ટિને દવા ગળી ગયો.

‘જો હવે ત્યાં કોમનરૂમમાં જઈને બધા સાથે બેસ. ઓ.કે.’ કહી જીના બીજા વોર્ડમાં ચાલી ગઈ.

મેન્ટલહેલ્થના વોર્ડમાં દરદીઓ માટે જીના ‘ફ્લોરેન્સ નાઇટિંગેઈલ’.

બીજા વોર્ડના પેલા ઇન્ડિયન દરદી - ધીરૂ પાસે ગઈ, એટલે ધીરૂએ ગુજરાતીમાં બોલવા માંડ્યું. એમાં ધીરૂનો વાંક નથી, ઇટાલિયન પિતા અને અંગ્રેજ માને પેટે જન્મેલી જીના ખબર નહીં પણ તડકામાં તપી ગયેલી ધોળી ચામડી, ડાર્ક બ્રાઉન વાળ અને એવી જ કથ્થઈ આંખોની કીકીને લીધે ઇન્ડિયન જેવી જ લાગે.

એટલે હમણાં જ નવા નવા આવેલા ધીરૂને ખાતરી જ હતી કે એ ઇન્ડિયન છે.

‘સ્ટોપ’નો ઈશારો કરી, જીનાએ રમણને જેને બધા ‘રે’ કહે છે એને બોલાવ્યો. એનું કામ પડતું મૂકી આવ્યો.

મોઢા પર અણગમો લીંપી એ આવ્યો, ‘યસ, જીના. હવી આજે શું કર્યું આણે?’ કહી ધીરૂ સામે થોડા તિરસ્કારથી જોયું.

ધીરૂ ભીંત તરફ મોં ફેરવી સૂઈ ગયો.

જીના નાના બાળકને સમજાવતી હોય તેમ, ‘જો ધીરૂ, તારે જે કહેવું હોય તે હવે આ રેને કહે, ઓ.કે?’

ધીરૂ ચુપચાપ ભીંત તરફ મોંઢું કરી સૂઈ રહ્યો.

જીના અંગ્રેજીમાં પૂછતી ગઈ અને રે એનું જેવું આવડે એવું ગુજરાતી કરતો ગયો, ‘તને અહીં રહેવાનું નથી ગમતું ને, ધીરૂ?’

મોં ભીંત તરફ જ રાખી એણે માથું હલાવી ‘ના’ કહી.

‘ઓ.કે તો હવે જલદી જવું હોય તો દવાની અસર કેટલી થાય છે તે જોવું પડે ને?’

‘જે કે’વું એ કે, પન લોહી ટો ઉં ની જ લેવા દેઉં.’ રે એ કહ્યું કે એ બ્લડ ચેક કરાવવાની ના પાડે છે.

‘તને વાંધો શું છે, ધીરૂ?’

એકદમ ગુસ્સામાં મોં જીના તરફ ફેરવી ધીરૂ હાથ બતાવતાં ઘાંટો પાડી બોલ્યો, ‘રાતના રોજ પેલો આવીને લોઈ પી જાય છે. મારામાં એણે લોઈ જ કાં રે’વા દીઢું છે?’

રે એ ફરી અનુવાદ કર્યો.

ભારોભાર કરુણાથી ધીરૂ સામે જીના જોઈ રહી. વળગાડ, ભૂત-ડાક્ણ જેવા અંધશ્રદ્ધાની દુનિયામાંથી આવેલા ધીરૂને લાગે છે કે કોઈ ખરાબ માણસ આવીને અનું લોહી રાત્રે પી જાય છે.

એને અપાતી દવાની માત્રા નક્કી કરવા માટે બ્લડ ચેક કરવું ખૂબ જ જરૂરી હતું પણ આને કેમ કરી સમજાવવું એ જીનાને પણ સમજાયું નહીં.

ત્યાં તો બહાર એકદમ બુમરાણ સાંભળી. આમ તો આ વોર્ડમાં એ કાંઈ નવી વાત નથી.

છતાં જીનાએ કોરિડોરમાં ડોકિયું કર્યું.

કોઈ આફ્રિકન-કેરેબિયન યુવાનને એડમિટ કરવા માટે લાવવામાં આવ્યો હતો. પોલીસ અને અમ્બ્યુલન્સવાળા લોકો એને માંડ માંડ પકડી રાખતા હતા. પડછંદ દેખાતા એ યુવાનને હવે ગમે-તેમ બળજબરી કરીને ઈંજેક્શન દ્વારા દવા આપવી પડશે. આ પ્રોસિજર કરવા માટે સોશિયલ વર્કર, ટ્રોમા યુનિટનાં સિનિયર્સ વગેરે સૌ હાજર હતાં.

આવું જોઈને હંમેશની જેમ આવતા આંસુને ખાળી, જીના માંડ માંડ સ્વસ્થ થઈ અને એનાં કામે વળગી.

વોર્ડનું કામ પતાવી એ ઓફિસમાં આવી અને રિપોર્ટ્સ લખવા બેઠી.

મનને સ્વસ્થ રાખવાનો ધરખમ પ્રયત્ન કરતી જીનાને એક નર્સ ઉતાવળે ઉતાવળે બોલાવવા આવી, ‘માઈ ગૉડ, જીના, કમ ઑન, જલદી ચાલ.’

જીનાને થયું કે કોઈ દરદી માનતો નહીં હશે એટલે, ‘આટલું લખવાનું પતાવી ….’ બોલવા જતી હતી, પરંતુ પેલી નર્સે વાક્ય પૂરું પણ કરવા ન દીધું, અને એને લગભગ ઘસડીને બહાર લઈ ગઈ.

શું છે? શું છે? - જીના પૂછતી રહી પણ એ નર્સ પણ એટલી અવાચક હતી કે શું કહેવું તે એને ખબર નહોતી પડતી અને ત્યાં તો એડમિશન રૂમ આવી ગયો.

જીનાને જોઈને ત્યાં ઊભેલા સોશ્યલ વર્કર, મેટ્રન, કન્સલ્ટંટ પણ પેલી નર્સની જેમ આશ્ચર્યચકિત બની એને તાકી રહ્યાં. 

આ બધાના મોંઢા પરના ભાવો જોઈને એ મૂંઝાઈ ગઈ. અને બીજી સેકંડે એની નજર દરદી પર પડી અને … અને એ પણ ….!

સામે સૂતેલો દરદી શૂન્યમાં જોતો હોય તેમ બારણાં તરફ કોરી ધકોડ આંખે જોતો હતો.

આંખમાં સન્નાટો!

આજુબાજુ શું બને છે તેનાથી બે-ખબર સૂતેલો એ દરદી નખશીખ ઇન્ડિયન હતો, વાળ કાબરચિતરા હતા, તે સિવાય આબેહૂબ જીનાનો જ ચહેરો! અરે, જમણા જડબા પર એવો જ મોટો તલ અને એ પણ એ જ જગ્યાએ!

પણ એ બને જ કેમ, એના પિતા તો ઈટાલિયન છે!

જીના દોડીને ખાટલા પાસે ગઈ પણ દરદી તો ગુમસૂમ ખુલ્લી આંખે સૂતો હતો.

જીનાએ ત્યાં ઊભેલાં સૌની સામે જોયું.

બધાએ ખભા ઉલાળ્યા.

આવા અણજાણ્યા મળેલા આઘાતથી શૂન્યમનસ્ક જીના રૂમ બહાર નીકળી ગઈ.

કળ વળી પછી થયું, હશે, કો-ઈન્સિડન્ટ.

ઘણીવાર બે જણના ચહેરામાં સમાનતા હોય …. પણ મોંનો શેઈપ, નાકનો આકાર, અરે, આંખોના પોપચાં પણ જીના જેવાં જ ભારે!

ચાલો બીજું બધું તો બરાબર પણ તલ એ પણ જડબા પર અને વળી જમણા જડબા પર અને એક્ઝેક્ટ એકસરખી જ જગ્યાએ !!!!

સ્વસ્થ રહેવાનો દેખાવ કરતી જીના પેનને હાથમાં રમાડતાં રમાડતાં સ્વસ્થ થવાના ધમપછાડા કરતી રહી, પણ ….

સોશ્યલ વર્કરે કહ્યું તે મુજબ દરદીનું નામ અવિનાશ. પરંતુ બધા એને ‘એવી’ કહેતાં. છેલ્લા ૨૫ વર્ષથી એને સીવિયર ડિપ્રેશન છે ..

ઈઅન એવીનો નિમાયેલો સોશ્યલ વર્કર છે. સામાન્ય રીતે એવી શાંત, ધીર-ગંભીર. જરૂર પૂરતી જ વાત. ઈઅનને એટલી ખબર હતી કે એવીની ગર્લ ફ્રેંડ એને મૂકીને ભાગી ગઈ હતી, ત્યારથી એનું ડિપ્રેશન શરૂ થયું હતું. સ્યુસાયડલ (આત્મઘાતી) દરદી તરીકે ઈઅને એનું ખાસ ધ્યાન રાખવું પડતું.

આ વખતે પણ એવીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ફરીથી દવા લેવાનું બંધ કર્યું હતું તે જ હતું.

પેલા દરદીને ફરી જોવાની અદમ્ય ઈચ્છા રોકી એ સુનમૂન બેસી રહી.

બીજાં સ્ટાફની જેમ જીના ક્યારે ય શિફ્ટ ક્યારે પૂરી થશેની રાહ ન જોતી. પરંતુ આજે તો મનમાં ઉલ્કાપાત મચ્યો હતો. એ અધીરી થઈ ગઈ હતી. એને ઘરે જઈને પાપાને આજના આ કો-ઈન્સિડન્ટની વાત કરવી હતી.

શિફ્ટ પૂરી થઈ અને પેલા દરદીને જે વોર્ડમાં રાખ્યો હતો, ત્યાં ડૉકિયું કરવાની પ્રબળ ઈચ્છાને યુનિફોર્મની સાથે એના લોકરમાં ટીંગાડી એ ઘર તરફ ભાગી.

પ્રેમાળ અને આનંદી પાપાનો એ પ્રાણ છે. જીનાની ઉદાસી ડીનોથી એક ક્ષણ માટે પણ સહન ન થઈ શકે.  મા અને બાપ બન્નેની બેવડી જ્વાબદારીઓ અને સાથે નાનકડું રેસ્ટોરંટ. બસ ડીનોની આ જ દુનિયા. જીના માટે પણ પાપા અને હોસ્પિટલ. આ બે જ દુનિયા.

આજે એનું મન એટલું બધું અસ્વસ્થ હતું કે કંઈ જ કરવાનું સૂઝ્યું નહીં. બસ, ઘરે જઈને અન્યમનસ્ક બેસી રહી.

પછી પાપાને ફોન કરવા જ ગઈ ત્યાં ડીનોનો જ ફોન આવ્યો, ‘કેમ છે મારી પ્રિન્સેસ?’થી રોજની જેમ એણે શરૂ કર્યું. જીનાએ મહામહેનતે અવાજને સ્વસ્થ  રાખવાનો પ્રયત્ન કરીને કહ્યું, ‘હું મઝામાં છું, પાપા’ અને આગળ કંઈ બોલે તે પહેલાં જ એના અવાજ પાછળ છૂપાયેલી અકળામણ ડીનો કળી ગયો હોય તેમ, ‘શું થયું ડારલિંગ? તારા અવાજ પરથી નથી લાગતું મઝામાં છે. હું અહીંથી કંઈ ખાવાનું લેતો આવું છું રાંધવાની માથાકૂટ ન કરતી, હવે ખુશને, મારી દીકરી?’ અને જીના સાચે જ ખુશ થઈ ગઈ, મનમાં થયું , ચાલ આજે જે વાત જાણવી છે તે પૂછવાનો હવે ટાઈમ મળશે.

ડીનોએ આવીને જીનાને કપાળે ચૂંબન કરી એના મોઢા પર રોજની જેમ પ્રેમથી હાથ ફેરવ્યો.

ને … ને .. જીનાની આંખમાંથી અચાનક શ્રાવણ-ભાદરવો ઊમટી પડ્યો.

ડીનો ઘડીભર તો અવાચક બની ગયો. જીના શાંત છે પણ ક્યારે ય આવી ઉદાસ તો હતી જ નહીં!

એને બાથમાં સમાવી માથે હાથ ફેરવતો રહ્યો.

કેટલી વારે જીનાના ડૂસકાં સમ્યા.

‘બોલ તો, મારી દીકરીને કોણે દુભવી?’

આટલા પ્રેમાળ પિતાને કઈ રીતે જીના પૂછે કે ‘તું જ મારો પિતા છે? મારી મા કોણ છે, ક્યાં છે?’

જો કે નાની હતી ત્યારથી એના ‘મારી મમ્મી ક્યાં છે’ના નિર્દોષ પ્રશ્નના જવાબમાં ‘તારી મમ્મી નથી’ જ સાંભળ્યું છે.

આજે એને સાંભળવું હતું સત્ય-કેવળ એના અસ્તિત્વનું સત્ય!

માથું હલાવી પહેલા તો, ‘સોરી, પાપા’ કહી સ્વસ્થ થઈ.

હજુ અવઢવમાં છે. સત્યની પાછળથી ભોરિંગ નીકળશે તો?

આખા દિવસના થાકેલા આ મિડલએઈજ માણસ જેણે એને આપ્યું જ છે ક્યારે ય કંઈ જ એટલે કંઈ જ લીધું નથી - અરે, અપેક્ષા સુધ્ધાં નથી રાખી તેને દુઃખી કરવાની જરા ય ઈચ્છા ન થઈ, પરંતુ પેલા દરદીનો ચહેરો પણ આંખ આગળથી હટતો નહોતો.

બન્ને જમી પરવાર્યાં ….

જીના આ મા-કમ –બાપ સામે જોઈ રહી.

એણે ગળું ખંખેર્યું, ‘ ઓ.કે. પાપા, મારે જે પૂછવું છે એનાથી આપણા પ્રેમમાં જરાકેય ફેર પડવાનો નથી એની હું ખાતરી આપું છું.’

ડીનોને વર્ષોથી જેનો ડર હતો તે ક્ષણ આવી પહોંચેલી જોઈ, ‘પૂછ બેટા, આજે હું જે કહીશ તે સાચું જ કહીશ.’ કહી જીનાને માથે હાથ ફેરવ્યો.

પેલો આવનારી પળથી ડરતો - ધ્રૂજતો અવાજ એકદમ સ્વસ્થ ક્યારે થઈ ગયો, જીનાને ખબર ન પડી, ‘પાપા, મને જન્મ આપીને જતી રહેલી સ્ત્રી કોણ હતી? મારે એ પણ નથી જાણવું કે એ જીવે છે કે મરી ગઈ.’

ડીનો પળ-બે પળ એની સામે જોઈ રહ્યો. કઈ રીતે શરૂ કરવું તે હજુ તો મનમાં ગોઠવતો હતો અને જીનાએ ફરી બોલવાનું શરૂ કર્યું, ‘પાપા, આજે કેમ અચાનક પૂછ્યું, એમ થાય છે ને તમને? તમે કાંઈ કહો તે પહેલાં આજે શું બન્યું તે કહી દઉં,’ પછી ઊંડો શ્વાસ લીધો, ‘આજે એક દરદી મારા વોર્ડમાં એડમિટ થયો, એનું નામ ‘એવી - અવિનાશ’ છે - ઇન્ડિયન છે, પાપા.’

આવા કોઈ સંજોગો ડીનોએ કલ્પ્યા જ નહોતા, એટલે એ પણ આશ્ચર્યથી જીનાને તાકી રહ્યો.

‘પાપા, હું એકલી જ નહીં મારા વોર્ડનો આખો સ્ટાફ એના ચહેરામાં અને મારા ચહેરામાં સામ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો છે - એટલે સુધી કે આ તલ પણ’ કહી એના જમણા જડબા પરનો તલ બતાવ્યો.

ડીનો ભૂતકાળની એ દોઝખ જેવી ગર્તામાં ડૂબી ગયો.

જીના પણ કંઈ જ બોલી નહીં, એને ખબર છે કે આ પ્રેમાળ પિતાએ ભૂતકાળનો કોઈ ખૂબ મોટો ઘા મનમાં ધરબી રાખ્યો છે. એને ફરી ખોતરવા એ બેઠી હતી. મલમ લગાડવાની જગ્યાએ એના પ્રેમના બદલામાં એના દૂઝતા ઘા પર નીમક છાંટવા બેઠી હતી! પરંતુ એ પણ મજબૂર છે.

એને થયું કે પેલો કમનસીબ માણસ જો વોર્ડમાં ન એડમિટ થયો હોત, તો આ રીતે દુનિયાના સૌથી પ્રેમાળ પાપાને આમ પીડતે નહીં, પણ હવે એમના જવાબ પર કરોળિયાની જેમ ટિંગાતી જીનાએ ડીનોનો હાથ પોતાના હાથમાં લીધો.

એ સ્પર્શમાં માફી, પ્રેમ, ઋણ અને કંઈ કેટલું ય હતું.

જીના સામે ડીનો જોતો રહ્યો, પછી ભૂતકાળ ખંખેરતો હોય, તેમ જોરથી ડાબે-જમણે માથું હલાવ્યું, ‘બેટા, એ વાત સાંભળવી જ છે?

જીનાએ આંખોથી હા કહી.

મોઢું નીચું રાખી થોથરાતા અવાજે કહ્યું, ‘તારા પ્રશ્નનો જવાબ એ છે કે હું જ્યારે એને મળ્યો ત્યારે ….. એ …. રેડલાઈટ એરિયામાં રહેતી હતી’.  રેડલાઈટ એરિયામાં જનાર વ્યક્તિને કદાચ શરમ ન આવે, પણ એક બાપને એની દીકરીને કહેતાં શું થયું હશે એ ડીનો જ જાણે!

‘ઓ, એટલે કે એ વેશ્યા હતી?’ ડીનો ચુપચાપ ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની તૈયારી સાથે ફ્લોરને જોતો રહ્યો.

આખા રૂમમાં એક સેકંડ માટે રેડ લાઈટ ઝબકી …. જીના એના પિતાને જોતી રહી પછી ભારો ભાર સહાનુભૂતિ સાથે બોલી, ‘પાપા તમે ઇટલીથી ત્યારે નવા નવા જ આવ્યા હતા ને?’

ડીનોએ નીચું માથું રાખી ધીમે ધીમે માથું હલાવી ‘હા’ કહી.

‘પાપા. તમે એકદમ યુવાન હતા, અને એકદમ હેન્ડસમ હતા ..’ પછી જીભ કચરી બોલી, ‘અરે હજુ પણ છો જ…’

‘બસ, બેટા, મને કહેવા દે એ મારા પતનની વાત. એકલો હતો, કામ કરવા જ આવ્યો હતો, પરંતુ યુવાનીને ઉંબરે પગ દીધો હતો અને શરીર,….’

‘બસ, પાપા, હું સમજી શકું એટલી યુવાન છું, છું ને?

જીના વાતાવરણને હળવું કરવા મથામણ કરતી હતી, ડીનો મ્લાન હસ્યો.

‘તને ખબર છે છોકરી, મને ઊંડી ગર્તામાં જતો તેં બચાવી લીધો હતો?’

‘એ કેવી રીતે, પાપા?’

‘કોઈ પણ સ્ત્રી પાસેથી મળતાં છીછરાં આનંદ કરતાં મને મારી દીકરીનાં વહાલની કિંમત સમજાઈ. અને પછી ક્યારે ય એ તરફ ફરીને જોયું નથી.’

ભૂતકાળનો પોપડો ઉખડ્યો, અસહ્ય પીડાને દબાવી એ બોલ્યો, ‘જ્યારે હું એને પહેલીવાર મળ્યો ત્યારે એણે મને કહ્યું કે એને જુદી જુદી નેશનાલિટીના લોકો અંગ્રેજ લોકો કરતાં વધારે ગમે છે. હું ઇટાલિયન હતો એટલે એને મારામાં રસ પડ્યો, એમ કહ્યું એટલે મેં માન્યું કે એ મારા પ્રેમમાં પડી છે. થોડા દિવસ રોજ મળ્યા, અને એક દિવસ બિસ્ત્રા-પોટલાં સાથે મારા ઘરના ઉંબરે આવી ઊભી. મને તો પાછળથી ખબર પડી હતી કે ભાડું નહોતું ચૂકવ્યું એટલે વગર પૈસે મારા છાપરા નીચે આશ્રય લેવા જ આવી હતી પણ મેં મૂર્ખાએ માન્યું એ મને પ્રેમ કરે છે એટલે સાથે રહેવા આવી.’

બોલીને એણે જીના સામે જોયું. જીના કરુણાથી વાત સાંભળતી હતી.

‘એ ઉંમર અને એકલતાએ મને ભોળવ્યો હતો ….. હું એનો વાંક નથી કાઢતો.’

પછીની કડવી વખ જેવી વાત કરતાં ડીનોને ખૂબ જહેમત પડતી હોય, તેમ ધીરે ધીરે વાત આગળ વધારી, ‘થોડા દિવસ તો ખૂબ જ આનંદમાં પસાર થયા. પછી એને મોર્નિંગ સિકનેસ શરૂ થઈ. એ બહાવરી બની ગઈ.’

ડીનોને હવે આગળની વાત કરવા માટે સહારો જોઈતો હોય તેમ જીનાનો હાથ પકડી રાખ્યો, ‘એ જ સવારે જઈને એ પ્રેગ્નન્સી ટેસ્ટ્નું કીટ લઈ આવી.

ટોયલેટ્માંથી મોટેથી ગાળ સાંભળી. મને ખ્યાલ આવી ગયો એ પ્રેગ્નન્ટ હતી.’

હું ખુશ થઈ ગયો, પરંતુ એણે તો બહાર નીકળી ડોક્ટરની ઈમર્જન્સી એપોંઈટમેન્ટ લીધી. એને ચોથો મહિનો પૂરો થવામાં હતો. કોઈ મેડિકલ કારણ વગર એબોર્સન આમ તો ઇંગ્લેંડમાં મોટે ભાગે ન કરે અને હું તો એબોર્સનનો પાક્કો વિરોધી.’

તે દિવસે હું ચૂપ રહ્યો ….’ ડીનોને હવેની વાત કહેતા તકલીફ પડતી હતી, પરંતુ હવે ભૂતકાળને ખોદ્યો જ છે તો ભૂતાવળથી કેટલું બીવાનું?

‘હું તો એને મળ્યો હતો માત્ર બે મહિના પહેલાં જ… હું કાંઈ ન બોલ્યો, એટલે એણે માની લીધું કે હું મૂર્ખ છું. તને જ્યારે તાજી જ જન્મેલી જોઈને, ત્યારે સાચું કહું, બેટા, મને બાપ કરતાં ય અદકેરું વહાલ છૂટ્યું. બીજે દિવસે ઘરે આવ્યા. મને થયું કાંઈ નહીં, હવે તારો જન્મ થયો છે એટલે કદાચ એનો ધંધો છોડી દેશે. પણ …. એ તને છોડીને ત્રીજે જ દિવસે જતી રહી.’

‘અવિનાશ’ની આંખમાં હતો એ જ સન્નાટો, જીનાની પાછળ પાછળ છાનોમાનો આવીને રૂમમાં જ ધામા નાંખી બેસી ગયો.

****************

[પ્રગટ : “મમતા”, અૉક્ટોબર 2017]

(“મમતા”ના નવેમ્બર 2017ના અંકમાં સમિક્ષક ઉષાબહેન ઉપાધ્યાયે આ વાર્તાને ઑક્ટોબર અંક્ની શ્રેષ્ઠ વાર્તા કહી છે.)

e.mail : ninapatel47@hotmail.com

Category :- Opinion / Short Stories