એક રિક્ષાવાળા, એક મહિલા અને એક કૅબવાળા થકી ગરીબ બાળકો માટે ચાલતી ફૂટપાથ શાળા

સંજય શ્રીપાદ ભાવે
31-08-2018

ગાંધીનગરનાં સેક્ટર 3માં, સવા બે વર્ષથી, સાંજે બે કલાક માટે વેકેશન વિના ચાલતી શાળા એ પ્રભુભાઈ કબીરા, તેમ જ હસુમતી-સંજય દંપતીની સક્રિય સામાજિક નિસબતનું પરિણામ છે

ગાંધીનગરનાં સેક્ટર ત્રણમાં, પૂછપરછની ઑફિસની પાછળની બાજુ ,ગરીબોનાં બાળકો માટેની એક શાળા ગયાં સવા બે વર્ષથી ચાલે છે. આ સાંજ-શાળામાં ભણવા આવતાં બધાં બાળકો પાટનગરનાં સેક્ટર ત્રણ અને ચારમાં આવેલાં છાપરાંના રહીશો છે. તેમનાં અભણ મા-બાપ છૂટક મજૂરી તેમ જ ઘરઘાટીનાં કામ થકી પેટિયું રળે છે. શાળા સાઈબાબા મંદિર પાસેના એક ફૂટપાથ પર ઉપર આભ ને નીચે ધરતીના આશરે છ વાગ્યાથી બે કલાક માટે ભરાય છે. તેમાં આઠમા ધોરણ સુધીનાં પચાસેક બાળકો આવે છે. તે બધાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ છે. તેમની એ શાળાની જેમ આ શાળામાં તહેવારોની રજાઓ તેમ જ  દિવાળી અને ઉનાળાનાં વેકેશન હોતાં નથી, ફક્ત રવિવારની જ રજા હોય છે. પાથરણાં પર બેસીને બધાં ધોરણની છોકરીઓ અને છોકરાઓ ભેગાં ભણે છે. શિક્ષકો તેમને ભણાવે છે, તેમની નોટો જુએ છે, તેમને ચિત્રો દોરાવે છે, ઘડિયાંનાં ગીતો ગવડાવે છે. દરરોજ પ્રાર્થના હોય છે. અઠવાડિયામાં એકાદ દિવસ નાસ્તો અને એક સાંજે લૅપટૉપ પર કમ્પ્યુટરનાં ક્લાસ. માંદગીમાં સારવાર. કાંકરિયા અને અડાલજ, વૈષ્ણોદેવી અને સેક્ટર અઠ્ઠ્યાવીસના બગીચામાં ઉજાણીઓ, તહેવારોની ઉજવણીઓ હોય છે. દૂરનાં બાળકોને લેવાં-મૂકવાં એક વાન આવે છે. યુનિફૉર્મ પહેરવાનો નથી, ફી ભરવાની નથી. મકાન નથી, વર્ગો નથી, પાટલીઓ નથી, વીજળી નથી, પાણી નથી. પણ છતાં શાળા ચાલે છે, તેનું કારણ તેને ચલાવનારાંની ધખના છે. 

એ ધખના પાટનગરનાં ત્રણ સાદાં પણ સમર્પિત નાગરિકોની છે. તેમાંથી વાલ્મીકિ સમાજના પ્રભુભાઈ ભીખાભાઈ કબીરા રિક્ષા ચલાવે છે. હસુમતીબહેન ધમેરિયન રાજ્ય સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગમાં કૉન્ટ્રાક્ટ પરના કર્મચારી તરીકે કૉમ્પ્યુટર ઑપરેટર છે, અને તેમના પતિ સંજયભાઈ કૅબ ચલાવે છે. મર્યાદિત આવકવાળાં આ ત્રણેય પોતાના પૈસા, સમય અને શક્તિ ખરચીને શાળા ચલાવે છે. તેમણે ‘શ્રી જયભીમ વિવિધલક્ષી ટ્રસ્ટ’ નામે નોંધણી કરાવેલી છે. પણ છતાં તેઓ રોકડ રકમની મદદ લેવાનું ટાળે છે, કારણ કે તેમને ડર છે કે લોકો એમ આળ લે કે ‘પૈસા કમાવા માટે અમે આ કરીએ છીએ’. કબીરા સાંજના ત્રણેક કલાક રિક્ષાની પોતાની કમાણી જતી કરે છે. ગૃહિણી હસુમતીબહેન ઑફિસ પૂરી કરીને ઘર તરફ દોટ મૂકવાને બદલે, રિક્ષામાં નિશાળે પહોંચે છે. તેમના પતિ સંજયભાઈ સાંજના ત્રણેક કલાક કૅબનું બુકિન્ગ લેતા નથી. તેને બદલે, ભણવા આવનારાં બાળકોમાંથી કેટલાંકને વાનમાં શાળાએ લઈને આવે છે, અને રાત્રે મૂકી જાય છે. તે કહે છે: ‘આ બધાં બે કિલોમીટર દૂરથી આવે છે, રસ્તા ઓળંગવામાં જોખમ રહે છે. રાત્રે અંધારું હોય છે.’ બાળકો ‘મુસ્લિમ, રાવળ, ભરવાડ, મરાઠી, ઠાકોર’ સમાજનાં છે એવી માહિતી હસુમતીબહેન આપે છે. પાકાં પૂંઠાંનાં રજિસ્ટરોમાં નોંધાયેલાં નામો સાથે કાલિયા, ખાવડિયા, પનારા, પવાર, પારધી, પિંજારા, બજાણિયા જેવી અટકો દેખાય છે. દરરોજ બાકાયદા હાજરી લેવાય છે. ગેરહાજર રહેનારને ઘરે પહેલાં સંદેશો જાય છે અને પછી હસુમતીબહેન જાય છે.

ગુજરાતી સાથે બી.એ. થયેલાં હસુમતીબહેન કહે છે : ‘આમાં કન્ટિન્યુઇટી બહુ જરૂરી છે. મારે મા-બાપ સાથે સતત સંપર્ક રાખીને તેમને સમજાવતાં રહેવું પડે છે કે બાળકોને શાળાએ મોકલો, નહીં તો એમની જિંદગી પણ તમારી જેમ મજૂરીમાં જશે. બાળકોને ઘરે ઘરે જઈને બોલાવી લાવવાં પડે.’ આવું કરનારા ગામડાંની સરકારી શાળાઓનાં શિક્ષકો દિલીપ રાણપુરાના ‘શિક્ષકકથાઓ’ પુસ્તકમાં મળે છે. તેમાં તો ભાંગી-તૂટી પણ પણ એક શાળા હોય છે. અહીં તો છાપરું પણ અક્ષરશ: નથી, અને છતાં હસુમતીબહેન બાળકોને ભેગાં કરી-કરીને ભણાવે છે. તેમને આ મિશનમાં કબીરાએ જોડ્યા છે.

કબીરા ધંધુકાની નજીકના સરવાડ ગામમાં સફાઈકામ કરતાં પરિવારના  છે. ત્યાં ત્રણ ચોપડી ભણ્યા, પણ મા-બાપ સાથે મજૂરી મેળવવા ગાંધીનગર આવ્યા. પહેલાં સફાઈ કામ કર્યું, પછી છૂટક મજૂરી કરી, ‘પંદરસો રૂપિયા ભરીને’ ડૃાઇવિન્ગ શીખ્યા, ‘ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં 2010 થી પાંચ વર્ષ દરરોજના એકસો સત્તર રૂપિયા પગારે રોજમદાર  ડૃાઇવર’ રહ્યા. એ નોકરી છૂટી અને કબીરા બેકાર થયા. 2015માં રિક્ષા લાવ્યા અને એ જ વર્ષે એપ્રિલમાં શાળા શરૂ કરી. સુઘડ વ્યક્તિત્વ અને સંસ્કારી વર્તન ધરાવતાં ચોંત્રીસ વર્ષના કબીરા કારણ આપે છે : ‘મારું ભણવાનું છૂટી ગયું હતું. પણ મને થયું કે મારી જેમ બીજાનું ન થવું જોઈએ. મને ખબર છે કે લગભગ બધાં બાળકોને શાળા ઉપરાંત ટ્યૂશન કે કોચિન્ગ ક્લાસની જરૂર પડે છે. પણ ગરીબ મા-બાપ પાસે તેના માટે પૈસા હોતા નથી.’ એટલે તેમણે શાળા શરૂ કરવાનું નક્કી કર્યું.

તેમાં તેમનાં જ ડિપાર્ટમેન્ટમાં કૉમ્પ્યુટર ઑપરેટર તરીકે કામ કરતાં હસુમતીબહેન અને તેમનાં પતિ સંજયભાઈને સામેલ કર્યા. જગ્યા નક્કી થઈ તે કબીરાનાં, પાણી અને લાઇટ વિનાનાં, મકાનની બહાર, એક ઝાડ અને બત્તીના થાંભલાની નીચે. પ્રસન્ન વ્યક્તિત્વનાં હસુમતીબહેન સતત આવે છે. તેમની મોટી દીકરી જાહ્નવી તેની બી.એસ્સી.ની કૉલેજનાં ગ્રુપ સાથે અનુકૂળતા મુજબ અંગ્રેજી ભણાવવા આવે છે. તેની આઠમામાં ભણતી બહેન ઝરણાં ઘણી વાર આવે છે. અહીંની વિદ્યાર્થિનીઓ સાથે તેનાં બહેનપણાં દેખાય છે. ભાવનાબહેન નામનાં એક શિક્ષક ક્યારેક આવે છે. વીરેન્દ્ર મોદી ગયાં એકાદ મહિનાથી નિયમિત આવે છે. તે કાંકરેજ તાલુકાના સિહોરી ગામની સરકારી શાળાના પૂર્વ શિક્ષક છે. દલિત ચળવળ સાથે સંકળાયેલા ઘનશ્યામભાઈ કબીરા, મનોજભાઈ સાકરિયા અને મનોજભાઈ મકવાણા જુદાજુદા પ્રકારે મદદ કરતા રહે છે. તેમાં જમીન, વીજળી અને પાણી માટે સરકારમાં રજૂઆતો આવી જાય છે. મદદ તરીકે એક ટ્રસ્ટ તરફથી કૂલર મળ્યું છે, પણ પાણીનું જોડાણ જ નથી. ગયા શનિવારે ગાંધીનગરના પાર્થભાઈ, પ્રશાન્તભાઈ અને સાથીઓ આ વરસાદમાં આ આકાશી શાળાને ઢાંકવા માટે પ્લાસ્ટિકની તાડપત્રી આપી ગયા. તેમના પછી એક અધિકારી સજોડે આવ્યા. તેમણે પણ લાઇટ માટેની મદદની ખાતરી આપી. પણ એકંદરે સહાય જૂજ છે. લોકોને શાળા વિશેની માહિતી, તેના સમય સાતત્ય અને તેના નિસ્વાર્થ કામનાં પ્રમાણમાં, ઘણી ઓછી છે.

શિક્ષણ ઉપરાંતનાં કેટલાંક કામ પણ નોંધપાત્ર  છે. જેમ કે, મજૂર પગી પુનાભાઈ ભરવાડની દીકરી કિંજલનો એક પગ જન્મથી વાંકો હતો, તે માંડ ચાલી શકતી હતી. શાળાએ પોલિયો ફાઉન્ડેશનની મદદ લઈને તેના પગનું ઑપરેશન કરાવીને તેને સારી રીતે ચાલતી કરી. કિરણ નામનાં એક બાળકની હાલત હાથનાં પરુને કારણે ચિંતાજનક થઈ ગઈ હતી. કબીરા અને સાથીઓએ તેને  સિવિલ હૉસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી. ગયા મહિને ડૉક્ટર કલ્પેશ પરીખ અહીં મેડિકલ કૅમ્પ કરી ગયા. દીપક અને મોહમ્મદને હૃદયના વાલ્વની તકલીફ છે, તેમની સારવાર માટેની કોશિશો શરૂ થઈ ચૂકી છે. ખુશીમાં એ કે શાળામાં આવતી વિધિ અને કૃપાલીએ ગરબામાં રાજ્ય કક્ષાનું ઇનામ મેળવ્યું છે. શાળાનાં ઘણાં બાળકો ‘જય ભીમ !’ બોલતાં થયાં છે. ડૉ. ભીમરાવનો વિશ્વવિખ્યાત સંદેશ છે ‘ભણો-સંગઠિત થાઓ-સંઘર્ષ કરો!’ તેમાંથી ભણતરનો સક્રિય ફેલાવો શ્રી જય ભીમ વિવિધલક્ષી ટ્રસ્ટની શાળાના સમાજસુધારકો અસાધારણ નિસબતથી કરી રહ્યાં છે. બુધવારે આવતા શિક્ષક દિને સમાજે તેમની કદર કરવાની છે.

********

29 ઓગસ્ટ 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 31 અૉગસ્ટ 2018

Category :- Samantar Gujarat / Samantar