આપણા ઉત્તમ મનાયેલા સાહિત્યકારોને જાગતિક પ્રશ્નોમાં રસ નથી, ચિન્તા તો દૂરની વાત હૅપિ એન્ડિન્ગ

સુમન શાહ
18-06-2018

આ રીપ્રેઝન્ટટેટિવ નહીં પણ વાયરલ ડાયરેક્ટ ડૅમોક્રસી છે જેમાં કાચી સામગ્રીના કચરાની સુનામી ઊછળી રહી છે

મનુષ્ય હમેશાં ખુશ રહેવા માગે છે. હમેશાં આનન્દની ફિરાકમાં રહે છે. કેમ કે એ મનુષ્યસ્વભાવ છે. જીવન એ વડે રસાયું છે. પણ એમ બનતું નથી. કેટલી ય બાબતો સુખદ નથી હોતી બલકે દુ:ખજનક પુરવાર થાય છે. કેટલીયે પરિસ્થિતિઓ કરુણાન્ત હોય છે. માણસ કચવાયા કરે, દુમાયેલો, દુભાયેલો જીવ્યે રાખે. જો કે એના આ સ્વભાવની બીજી બાજુ એ છે કે એ એટલો જ આશાવાદી છે. મને કહેવા દો કે એ રીઢો આશાવાદી છે. રાહ જોઈ શકે છે કે આ દા'ડા પણ ચાલી જશે. આ સંજોગ પણ બદલાઇ જશે. આ કરુણાન્ત જે છે, સુખાન્ત થઇ જશે.

પણ આશા ફળે ત્યાં લગી રાહ જોવી પડે છે. જો કે કેટલી? એ કોઇ નથી જાણતું. એટલે બને છે એવું કે એ વચગાળાની અવસ્થામાં જ જીવનસમય ખરચાયા કરે છે. સમજવા માગીએ તો લાગશે કે સુખી કે દુ:ખી હોવા કરતાં આ વચગાળાની અવસ્થા જ આસ્વાદ્ય છે.

ફિલસૂફો વિજ્ઞાનીઓ કલાકારો કે સાહિત્યકારો મનુષ્યજીવન પરત્વે સંવેદનશીલ હોય છે. વ્યક્તિની વ્યથાઓ, પરિવારની મુશ્કેલીઓ, સામાજિક વિષમતાઓ, રાષ્ટ્રની બેહાલી, પ્રકૃતિની અવહેલના, દુનિયાની બરબાદી, વગેરે દુ:ખદાયી પરિસ્થિતિઓથી સાહિત્યકારો ખિન્ન રહેતા હોય છે. કેટલાક ટ્રેજેડી - કરુણાન્તિકાઓ લખે. જીવન વિશે વિચારતા કરે. કેટલાક કૉમેડી લખે. એવું સાહિત્ય હસાવે. પરન્તુ બૅકેટ જેવા સમર્થો આશા અને નિરાશાના અન્તિમોને છોડીને 'વેઇટિન્ગ ફૉર ગોદો' લખે છે - ન ટ્રેજેડી, ન કૉમેડી, પણ બન્ને. એટલે કે વચગાળાની અવસ્થાનું સાહિત્ય. પેલા સર્જકો કરુણરસ સરજે, હાસ્યરસ સરજે, પણ બૅકેટ આશાને નિરાશામાં અને નિરાશાને આશામાં જકડી રાખે. ઘૃણાસ્પદ વર્તમાનને ઓળખાવે પણ માણસની રાહ જોવાની તાકાતને તેમ જ એની આશાવાદી રહી શકવાની જિગરને ટકાવી રાખે.

સર ટૉમસ મૂરે પંદરમી સદીમાં 'યુટોપિયા' નામની કથા લખેલી. એમાં ગરીબી વગેરે યાતનાઓથી મુક્ત એવા એક કલ્પનામય આદર્શ સમાજની નિરૂપણા છે. પણ એવા 'યુટોપિયન' સાહિત્યનો ક્રમે ક્રમે ધ્વંસ થયો. આજે તો એથી અવળા 'ડિસ્ટોપિયન' સાહિત્યની માંગ થઇ રહી છે. પણ બન્ને અન્તિમોની વચ્ચેનું સાહિત્ય, 'વચગાળાની અવસ્થા'-નું સાહિત્ય, એટલું જ આવકાર્ય છે.

આજે મને આવા જુદી જાતના વિચારો આવ્યા એનું કારણ છે, અમેરિકન સાહિત્યકાર, ઍની પ્રૂવ. ગયા વર્ષે એમને ૨૦૧૭-નો 'લાઈફ ટાઇમ ઍચિવમૅન્ટ અવૉર્ડ' અપાયો. અવૉર્ડ સ્વીકાર-પ્રસંગે એમણે જે પ્રવચન કર્યું એ આપણા સમયનું સ્મરણીય પ્રવચન હતું. પ્રૂવ પ્રસન્નતાથી પણ ઉદાસીથી ભારે વ્યંગમાં બોલેલાં. જો કે સૌને લાગેલું કે એમની ઉદાસી ઉપર ઉપરની નથી, સ-મૂળી અને નક્કર છે. પ્રવચનના વાચક તરીકે મને એમ લાગ્યું છે કે પ્રૂવની વાતમાં વર્તમાનની કડક સમીક્ષા છે પણ સુખાન્તની અપેક્ષા છે. ઊંડા અર્થમાં એઓ મને આશાવાદી લાગ્યાં છે.

પ્રૂવ (1935- ) ૮૨ વર્ષનાં છે. ૫૮-નાં થયાં પછીથી લખવાનું શરૂ કરેલું છે. ફિક્શન રાઈટર છે. સાથે, તેઓ પત્રકાર છે. એમને 'પેન / ફૉકનર', 'પુલિત્ઝર' જેવા સુખ્યાત અવૉર્ડ અપાયા છે. 'ધ શિપિન્ગ ન્યૂઝ' નવલકથા પરથી ફિલ્મ બની છે. 'બ્રોકબૅક માઉન્ટેઇન' ટૂંકીવાર્તા 'ઍકેડૅમિક અવૉર્ડ BAFTA માટે ઍડપ્ટ થયેલી અને ૨૦૦૫-માં 'ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ-વિનિન્ગ મેજર મોશન પિક્ચર' રૂપે રજૂ થયેલી.

પ્રવચનમાં શરૂમાં જ એમણે કહ્યું કે આપણે 'કાફ્કાશાઇ' સમયમાં છીએ. કહેવાનો મતલબ, કાફ્કાની સૃષ્ટિમાં છે એ જાતનો દમનકારી ઢંગધડા વિનાનો તર્કહીન અને દુ:સ્વપ્નશીલ સમય છે આ. પ્રૂવ કહે છે : જાતીય સતામણીનાં દૃશ્યો અને તિરસ્કરણીય રાજકારણી ગમારોની છબિઓથી ટીવી ઝગમગે છે : આપણને ન્યૂક્લીયર વૉરની ભભૂકતી ધમકીઓ આપીને ભડકાવવામાં આવી રહ્યાં છે : આપણે રીપ્રેઝન્ટટેટિવ ડૅમોક્રસીથી ખસીને વાયરલ ડાયરેક્ટ ડૅમોક્રસીના સમયમાં જીવી રહ્યા છીએ, જેમાં કાચી સામગ્રીના - રૉ ડેટાના - કચરાની સુનામી ઊછળી રહી છે. (પ્રૂવે રાજકીય બાબતો અમેરિકાને અનુલક્ષીને છંછેડી છે. એ કારણે મેં કેટલીક વીગતો છોડી દીધી છે. પરન્તુ વાચકો સરખાવી શકશે કે ભારતમાં ય એથી ખાસ કશું જુદું નથી. યાદ કરો, આપણી ન્યૂઝ-ચૅનલોના ઍન્કરોને 'ઉત્તરો' આપતા ચાર-પાંચ રાજકરણીઓની કાગારોળસમી ઇ-કૉન્ફરન્સો). પ્રૂવ કહે છે, બધી વસ્તુઓને કાં તો 'લાઇક્સ'-ના ઉતાવળા પ્રતિભાવો મળે છે કે પછી જડબાંતોડ વિરોધોની ધમાચકડી મચી હોય છે. કેટલાક આને ટૅક્નોલૉજીકલ નવતાઓનો ઉત્તેજનાસભર સમય ગણે છે ને કહે છે કે એથી આપણે એક નૂતન વિશ્વમાં દાખલ થશું. જ્યારે બીજાઓ માટે આ એક આડેધડ લખાયેલા કોઇ અઘરા પુસ્તકનો પ્રારમ્ભ છે. એવું પુસ્તક, જેનો અન્ત સુખદ નથી -નો હૅપિ એન્ડિન્ગ !

પ્રૂવ કહે છે : નેચરલ વર્લ્ડનો તેજ ગતિએ થઈ રહેલો વિનાશ, મને ક્ષુબ્ધ કરે છે, પીડે છે. સમજી લેવાયું છે કે જીવવાનો અવિભાજ્ય અધિકાર એકમાત્ર મનુષ્યનો છે. ભગવાને જાણે એને પરવાનગી આપી છે કે હે મનુષ્ય, પ્રકૃતિમાંથી તું ઈચ્છે તે આરામથી લઇ શકીશ. પ્રૂવે કહ્યું કે - પૃથ્વીને વનસ્પતિ અને જીવોવિહોણી, નગ્ન, કરવાનો ધંધો મને ત્રાસ આપે છે.

નોબેલ-વિનર સુખ્યાત પોલિશ સ્ત્રીકવિ વિસ્વાનું વચન યાદ કરીને પ્રૂવે પોતાના વક્તવ્યનો મૂળ સૂર વળી પકડી લીધો ને જણાવ્યું કે લેખકો નકરી વાસ્તવિકતા અને સુખદ અન્તને વિશેની ઝંખનામાં અટવાયેલા રહે છે. એ એમની દુવિધા છે. પણ એ એક પ્રકારનું આશ્વાસન પણ છે. કેમ કે એમાં હૅપિ એન્ડિન્ગનો ઇશારો છે. કેમ કે, ગમે એમ પણ, વગોવાયેલાં મૂલ્યો હજી ટકી રહ્યાં છે. સત્ય, આદર, સ્વાભિમાન, ન્યાય, સમુચિત સહભાગીતા, જેવા જરીપુરાણા ખયાલો વિશે હજી આપણને મૃદુ લાગણીઓ છે. વિયોગી પ્રિયજનો ફરીથી મળે છે. પરિવારો સમાધાનો સાધી શકે છે. શંકાઓનાં નિવારણ થઇ શકે છે. ઘમંડી પડોશીઓ પોતાની રીતભાતો સુધારે છે. સારાં નામોનો મહિમા સચવાય છે. મુશ્કેલીમાં મૂકનારાઓને હાંકી કાઢી શકાય છે. અનાથોને શરણ આપી શકાય છે. દુ:ખદર્દની પ્યાલીઓને દરિયામાં ઢોળી દઇ શકાય છે. હજી આપણે હૅપિ એન્ડિન્ગની આશા ગુમાવી નથી.

આપણા ઉત્તમ ગણાયેલા ગુજરાતી સાહિત્યકારોને આવા જાગતિક પ્રશ્નોમાં રસ નથી. ચિન્તા તો દૂરની વાત. મેં જોયું છે કે એઓ વાસ્તવ અને ઝંખનાને વિશેની દુવિધા તો અનુભવે છે, પણ દુવિધામાં ઝાઝી વાર ટકી રહેવાનું એમને પાલવતું નથી. કશો ને કશો તોડ કાઢીને દુવિધામાંથી નીકળી જાય છે. એટલે કે વચ્ચે રહેવાનું જે આશ્વાસન હતું એને વટાવી ખાય છે. પરિણામે એમની સૃષ્ટિ રણકાર વિનાની પોલી રહી જાય છે. એમની સર્જકતામાં એ જાતની તિતિક્ષા અને ધૈર્યની અછત છે. એ ખોટ વિશે એમને કોઇ કહેતું નથી. અને કહે તો તેઓ સાંભળતા પણ નથી. આખી વાતમાં કલાનું મહત્ સત્ય છુપાયેલું છે. એ કે પૂરું નિરાશાવાદી ચિત્ર દોરો કે પૂરું આશાવાદી, તો એ ઠીક નથી. વચ્ચેની સ્થિતિને પણ સેવો, નીરખો, ને રસપૂર્વક એનું આલેખન કરી બતાવો. સંસ્કૃિતના કે તમારા કોઇપણ સંદર્ભના તમે દેવાદાર નથી કે ઉકેલો આપીને છૂટા થઈ જાવ. ઉકેલમાત્ર તકલાદી અને કામચલાઉ હોય છે. તમારે હાજરજવાબી નથી થવાનું, પ્રશ્નકાર રહેવાનું છે.

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 16 જૂન 2018

Category :- Opinion / Literature