PROFILE

કપાસીસાહેબ, હિમ્મતભાઈ કપાસી. અમદાવાદના કલાજગત તથા શિક્ષણજગતનું એક આગવું અને અનોખું નામ. પોતાનું સંપૂર્ણ જીવન સંગીત, સિનેમા, નાટક અને શિક્ષણના વિકાસ માટે ચુપચાપ મથતો રહેતો એ જીવ. એક એવું વ્યક્તિત્વ જેણે નાના-મોટા કે ઊંચ-નીચના ભેદભાવને કદી ઓળખ્યો જ નહોતો. તેમની શ્રી વિદ્યાનગર હાઇસ્કૂલનો વિદ્યાર્થી હોય કે ઊગતો કલાકાર, તે હંમેશાં તેની સાથે મિત્રવત્‌ વર્તન જ કરતા. ‘સપ્તક’ (રાષ્ટ્રીય સ્તરનો સંગીત-સમારોહ), ‘ન્યુ ફિલ્મ સોસાયટી’, ‘આકંઠ સાબરમતી’ (નાટ્યસર્જકોની પ્રયોગશાળા) જેવી અમદાવાદના કલાજગતને ‘આધુનિકતા’ તરફ લઈ જનારી અવિધિસરની સંસ્થાઓના એક સ્થાપક સ્થપતિ. અલબત્ત, આમ અમદાવાદીઓ માટે એમનું નામ હંમેશાં અજાણ્યું જ રહ્યું, કેમ કે - તેઓ હંમેશાં પાયાનો પથ્થર રહેતા, ઇમારતનું શિખર કદી નહીં. એ સાર્થક રીતે એક આધુનિક માણસ હતા અને સમાજમાં આધુનિકતા આવે, પ્રસરે તે માટે સતત મથામણો કરતા.

મારો એમની સાથેનો પ્રારંભિક પરિચય શરૂ થયો, ૧૯૭૦ના જૂનમાં. મેં આઠમા ધોરણમાં તેમની શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. હું સવારની પાળીમાં અભ્યાસ કરતો હોવાથી આખું વર્ષ એમને માત્ર પ્રિન્સિપાલસાહેબ તરીકે જ ઓળખતો રહ્યો. વર્ષાંતે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર ભારતનો પ્રવાસ આયોજિત થયો. આઠમા ધોરણમાંથી અમે માત્ર બે જ વિદ્યાર્થી સામેલ હતા, જ્યારે બાકીના તમામ વિદ્યાર્થીઓ ૯-૧૦-૧૧ ધોરણના હતા. પ્રવાસ માટે રેલવેની એક બોગી બુક થઈ હતી. દર-દસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક એમ કુલ પાંચ ટુકડીઓ પાડવામાં આવેલી અને દરેક ટુકડીને એક-એક કમ્પાર્ટમેન્ટમાં વહેંચી દેવાયેલ. હું કપાસીસાહેબની ટુકડીમાં નહીં. શ્રીનગરમાં અમારે દસ દિવસ મિલિટરી હૉસ્ટેલમાં રહેવાનું હતું. એક રાત્રે મનોરંજના કાર્યક્રમ યોજાયો. હું અત્યંત ગભરુ અને શરમાળ પ્રકૃતિનો હતો, પરંતુ મને જોક્સ રજૂ કરતા આવડે. એ રાત્રે કાર્યક્રમમાં અણધારી રીતે હું છવાઈ ગયો. એ સમયે કપાસીસાહેબ તો ત્યાં ઉપસ્થિત નહોતા, પરંતુ અમારા શિક્ષકોએ શક્ય છે કે એ સંદર્ભે વાત કરી હોય. પઠાણકોટથી પરત ફરતાં બીજા દિવસે એમણે મને એમના કમ્પાર્ટમેન્ટમાં બોલાવ્યો અને મારી સાથે મિત્રવત્‌ વાતો શરૂ કરી. પ્રવાસ વિશે, મારા રસરુચિ વિશે, ઇતિહાસ વિશે વગેરે. લગભગ બેથી ત્રણ કલાક એમણે મારી સાથે ગોઠડી કરી. આ મારા એમની સાથેના ઘનિષ્ઠ પરિચયની શરૂઆત.

નવમા ધોરણથી તો હું પણ બપોરની પાળીમાં આવી ગયો. નવમા-દસમા દરમિયાન તેઓ પ્રત્યક્ષપણે તો નહોતા ભણાવતા, પણ સતત સંપર્કમાં રહેતા. સ્કૂલમાં દર અઠવાડિયે એકાદ વિષયની પચીસ માર્કની પરીક્ષા લેવાતી. એક શનિવારે અંગ્રેજીની પરીક્ષા હતી. હું આંખમાં ઇન્ફેક્શનને કારણે ગેરહાજર રહ્યો. સોમવારે અંગ્રેજીના શિક્ષકે પરિણામ જાહેર કર્યું. હું ગેરહાજર હોવા છતાં એમણે મને શૂન્ય માર્ક મળ્યાની જાહેરાત કરી. મેં વર્ગમાં ઊભા થઈને વિરોધ કર્યો. તેઓ મને એલફેલ સંભળાવવા માંડ્યા અને પછી મને વર્ગમાંથી બહાર ઊભા રહેવાની શિક્ષા કરી. હું બહાર ઊભો હતો અને કપાસીસાહેબ પ્રિન્સિપાલ તરીકે રાઉન્ડ પર આવ્યા. મને બહાર ઊભા રહેવાનું કારણ પૂછ્યું, મેં વિગતે વાત કરી. પિરિયડ પૂરો થયા પછી એમણે મને અને પેલા શિક્ષકને એમની કૅબિનમાં બોલાવ્યા. મારી અને શિક્ષકની રજૂઆતો શાંતિથી સાંભળી અને પછી મારી ઉપસ્થિતિમાં જ શિક્ષકને એમણે એમની વર્તણૂક માટે ઠપકો આપ્યો.

નવમા ધોરણના અંતે ફરીથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો અજન્તા-ઇલોરા, નાસિક-ત્ર્યંબક, અહમદનગર વગેરે સ્થળોનો. આ વખતે પ્રવાસ માટે બસ બુક થઈ હતી. હું સૌથી આગળની સીટ ઉપર બારી પાસે બેઠો હતો. કપાસીસાહેબ મારી સામેની સીટ ઉપર બેઠા. સાત દિવસના એ પ્રવાસમાં એ વાતો મજાક કરતાં કરતાં મારું અવિધિસરનું શિક્ષણ પણ કરતા રહ્યા. મહારાષ્ટ્રમાં ફરતાં એક દિવસ અચાનક એમણે મને પૂછ્યું, ‘હિરેન, ગુજરાતની ગાયો અને મહારાષ્ટ્રની ગાયો વચ્ચે શું-શું તફાવત છે? બારીમાંથી ગાયોને ઑબ્ઝર્વ કર, સાંજે મને કહેજે.’ મને અજાણપણે જ શીખવા મળ્યું કે શૈક્ષણિક પ્રવાસ માત્ર જાણીતાં સ્થળો, ઇમારતો માટે જ નથી હોતો, વિવિધ સ્થળોની પ્રકૃતિ, સંસ્કૃિત અને જીવનને સમજવા માટે પણ હોય છે. ત્યાર પછી તો હું શાળા - શિક્ષણ સમાપ્ત કરી કૉલેજમાં અભ્યાસ કરવા માંડ્યો. બી.કૉમ.ની સાથે ડિપ્લોમા ઇન ડ્રામા પણ પૂરું કર્યું.

ડ્રામા ડિપ્લોમા ૧૯૭૫માં પૂર્ણ કરી ‘દર્પણ’ અકાદમીમાં કલાકાર તરીકે જોડાયો. છએક મહિનામાં બે-ત્રણ નાટકોમાં અભિનય કર્યો, પરંતુ મારા વિદ્રોહી વ્યક્તિત્વને કારણે ત્યાંના સંચાલકો કૈલાસભાઈ પંડ્યા અને દામિનીબહેન મહેતાએ મને દિવાળી પછી હળવેકથી ‘આકંઠ સાબરમતી’તરફ રવાના કર્યો. ‘આકંઠ’ એ મધુ રાય, સુવર્ણા રાય, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, કપાસીસાહેબ વગેરે નાટ્યલેખકોએ શરૂ કરેલી એક અનોખી નાટ્યપ્રયોગશાળા હતી, જ્યાં અઠવાડિયામાં બે દિવસ રાત્રે શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલમાં એ નાટ્યલેખક મિત્રો મળતા. કોઈ લેખકને કોઈ પણ તુક્કો આવે, તો એ મિત્રો વચ્ચે મૂકતા અને મિત્રો એ તુક્કા ઉપર ઊભા થઈ અલગ-અલગ પાત્રો બની નાટક બનાવવા મથતા. હું તો લેખક નહોતો, અભિનેતા હતો. વળી, એ સૌ સર્જકોનાં સંતાનોની ઉંમરનો. એમને તો મારી સાથે ગમ્મત પડવા લાગી. મને પણ મઝા પડતી. તે ગાળામાં કપાસીસાહેબ સાથેની મિત્રવત્‌ ઘનિષ્ઠતા વધવા માંડી. મારી સાથે સિગારેટથી માંડીને સિનેમાઓ વિશે શેરિંગ કરતા. વર્લ્ડ સિનેમાના તેઓ ખાસ્સા જાણકાર. અમે અમદાવાદની ‘તરંગ’ ફિલ્મ સોસાયટીના પણ સભ્ય, એટલે કોઈ પણ ફિલ્મ જોયા પછી અમે સાથે ગલ્લા ઉપર ચા-સિગારેટ પીતાપીતા ફિલ્મ વિશે રાત્રે બેએક વાગ્યા સુધી ચર્ચાઓ કરતા. ત્યાર પછી ‘તરંગ’ બંધ થતાં એમણે અને એક સિનેરસિક ગિરાબહેન દારૂવાલાએ સાથે મળી ‘ન્યૂ ફિલ્મ સોસાયટી’ શરૂ કરી. એ સોસાયટી દસેક વર્ષ સુધી ધમધમતી રહી. અમદાવાદની સિનેરસિક જનતા માટે એ એક અનોખી સોસાયટી હતી જ્યાં વિશ્વના નીવડેલા ફિલ્મ-દિગ્દર્શકોની ફિલ્મોના ‘ફૅસ્ટિવલ્સ’ યોજાતાં.

‘ન્યૂ ફિલ્મ સોસાયટી’ માત્ર ફિલ્મો બતાવતી. અમને (મને, સાથી સરૂપ ધ્રુવને અને અમારા મિત્ર મનીષી જાનીને) લાગતું કે આવી સુંદર ફિલ્મો અને ફિલ્મ ફૅસ્ટિવલ્સ પછી ફિલ્મ સોસાયટી દ્વારા વર્ષમાં બે-ત્રણ વાર એના વિશે સભ્યો વચ્ચે વિગતવાર ચર્ચાસભાઓ પણ યોજાવી જોઈએ. અમે રજૂઆત કરી. કપાસીસાહેબ સૂચન સાંભળતાં જ ખડખડાટ હસી પડ્યા. કહે કે ‘કોઈ સભ્ય આવશે નહીં’. પણ અમે જીદ કરી. એમણે ગોડાર્ડની ફિલ્મોના ફૅસ્ટિવલ પછી ચર્ચાની જાહેરાત કરી. સ્થળ હતું શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ. ચર્ચાસભાના દિવસે અમે પાંચ જ જણ હાજર. કપાસીસાહેબ - ગિરાબહેન અને અમે ત્રણ. અમે કલાકેક વાતો કરી, પણ અન્ય કોઈ ન આવ્યું. છેવટે એમણે મરકાતાં - મરકાતાં સ્કૂલની સામેની ડેરીમાંથી દૂધનો હલવો મંગાવી અમને ખવડાવ્યો અને અમારી જીદની અને માણસ પારખવાની એમની જીતની ત્યાં જ પૂર્ણાહુતિ થઈ ગઈ.

‘આકંઠ’માં એક વાર થોડા મોડા આવ્યા. અમે એક લીલાનાટ્ય વિકસાવવા મથતા હતા. આવીને ખુરશી ઉપર બેઠા. સિગારેટ સળગાવી અને હળવેકથી ચપટી વગાડી બોલ્યા, “બાકી સ્વિચ ઑફ જ થઈ ગઈને!” અમને કાંઈ ન સમજાયું. બધા એમની સામે જોઈ રહ્યા. પછી ગંભીરતાથી બોલ્યા, ‘મારાં બા (મમ્મી) આજે બપારે ગુજરી ગયાં’. અમે સૌ સ્તબ્ધ. પછી કહે, ‘એ તો એમનું કામ કરીને ગયાં, આપણે આપણું ચાલુ રાખવાનું’. યુવાવયે જ જીવનની કઠોર ઠોકરોએ એમને ત્યાં સુધીમાં કઠોરમાં કઠોર વાસ્તવિકતાઓને સહજપણે સ્વીકારી લેતાં શિખવાડી દીધું હતું.

એક વાર, અમદાવાદમાં પ્રખ્યાત સિતારવાદક નિખિલ બૅનર્જીનો કાર્યક્રમ ગોઠવાયો હતો. મને કહે કે - ‘ચાલ, મારી સાથે ટેસડો પડી જશે’. મારે ને સંગીતને બારમો ચંદ્રમા. મેં ખૂબ ના પાડી, પણ મને પરાણે લઇ ગયા. લગભગ કલાકેક પછી નિખિલજી અટક્યા. મને એમ કે - ‘હાશ, પૂરું થયું’. મેં ઊભા થવા માંડ્યું. એમણે હાથ પકડીને બેસાડી દીધો. મને કહે, ‘હજુ તો હવે જ ‘રાગ’ની શરૂઆત થશે. આ તો હજી પંડિતજીએ રાગની ભૂમિકા જ બાંધી છે’. હું નાછૂટકે ડાફોળિયાં મારતો બેસી રહ્યો.

‘આકંઠ’ બંધ થયા પછી અમારો રૂબરૂ સંપર્ક ખાસ્સો ઓછો થઈ ગયેલો. પણ એક અંતિમ નોંધપાત્ર પ્રસંગ આજે જ્યારે દેશ ‘હિન્દુત્વવાદી ફાસીવાદ’ના ઓછાયાથી અંધકાર ભણી ધસી રહ્યો છે, ત્યારે મને કપાસીસાહેબના સંદર્ભે અચૂક યાદ આવે છે. ૨૦૦૨નો જનસંહાર લગભગ એની સમાપ્તિ તરફ જઈ રહ્યો હતો. મેં, સરૂપબહેન અને સાથી વિલ્ફ્રેડે ૨૫ જૂનના ‘કટોકટી’ના દિવસે દેશભરમાંથી અત્યંત જાણીતા જનવાદી કવિઓને આમંત્રિત કરી ‘કવિસંમેલન’નું આયોજન કર્યું હતું. એચ.કે. કૉલેજના ઑડિટોરિયમમાં સાંજે એ સંમેલન, જેનું નામ અમે આપ્યું હતું, ‘મૌત કે ખિલાફ કવિતા, ખૌફ કે ખિલાફ કવિતા’. કપાસીસાહેબને રાજકારણ સાથે રજમાત્રનો સંબંધ નહીં, પરંતુ કલા સાથે એટલો ગાઢ સંબંધ કે સમયસર કવિસંમેલનમાં ઉપસ્થિત થવા આવી ગયા. હું અને સરૂપબહેન તો મૂઢ! એમણે આખું કવિ સંમેલન માણ્યું અને પૂરુ થતાં મળીને કહેતા ગયા, ‘આજના વાતાવરણમાં તમે આ ઉત્તમ આયોજન કર્યું. ખૂબ-ખૂબ અભિનંદન’. વર્ષોના પરિચય પછી મારા માટે એમના વ્યક્તિત્વના આ પાસાનો એ પહેલો પરિચય હતો.

મોજીલા કપાસીસાહેબની ભાષા પણ તદ્દન આગવી. એમણે લખેલ એક એકાંકીમાં એક સંવાદ આવે, ‘અલમસ્ત કૂવો’, સિગારેટ લાવવી હોય તો કહે, ‘એક પ્રત લઇ આવ’. તેઓ અમદાવાદના કલાજગતના મહાનુભાવો માટે બોલતા, ‘બાકી જોવાલાયક જગ્યા’. મારી દૃષ્ટિએ તો કપાસીસાહેબ પોતે જ વાસ્તવમાં ‘અમદાવાદની જોવાલાયક જગ્યા’ હતા. એમના મૃત્યુના સમાચાર મળતાં જ મેં અને સરૂપબહેને શેર કર્યું - ‘અમદાવાદના શિક્ષણ અને કલાજગતનો એક યુગ બાકી સમાપ્ત જ થઈ ગયોને’.

અલવિદા કપાસીસાહેબ! દસ્યૂદાન્યા!

E-mail : darshan.org@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2017; પૃ. 12-13

Category :- Profile

પોંક ઓટલા પર બેસીને, અને લાડુ હીંચકા પર બેસીને પડિયામાં લઈને ખવાય …

અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી વિદ્યાનગર સ્કૂલના અનોખા પ્રસન્નચિત્ત પૂર્વ આચાર્ય અને બહુવિધ કલાઓના અત્યંત રસિક જાણતલ હિમ્મતલાલ કપાસીનું 89 વર્ષની ઉંમરે, વૃદ્ધાવસ્થાને કારણે, 20 જુલાઈએ તેમના નિવાસસ્થાને અવસાન થયું. ગઈ અરધી સદીના અમદાવાદના ક્રિકેટ, ફિલ્મ, નાટક, સંગીત જેવાં અનેક ક્ષેત્રોનાં સિતારાઓના' કે શોખીનોના ઘડતરમાં કપાસી સાહેબનો અણદીઠ ફાળો હતો. તે ડોકાઈ જતો ક્યારેક તેમના ચાહકોના મોંએ વારંવાર સહેજ જુદી ‘ગુનગુની’ ઢબે બોલાયેલા કેટલાક શબ્દપ્રયોગોમાં – જલસોં, આનંદ, મજોં, ગમ્મત, અદ્દભુત, અલમસ્ત કૂવો, વાત એંકદમ જામી ગઈ, ક્યા બાત હૈ .....

અત્યારે અમદાવાદમાં અતિ પ્રતિષ્ઠિત બની ગયેલી સંગીતસંસ્થા ‘સપ્તક’ના તેઓ પાયાના પથ્થર હતા. આપણા શહેરના લોકોને દેશ-વિદેશની ઉત્તમ ફિલ્મો જોવા મળે તે માટે વર્ષો સુધી કાર્યરત રહેલી ફિલ્મ સોસાયટીના પણ તે સ્થાપક હતા. અમદાવાદીઓ ફિલ્મ ફેસ્ટીવલ્સની મહત્તાથી વાકેફ થતા રહ્યા તે પણ કપાસીસાહેબને કારણે. અલગ પ્રકારના નાટકો કરનાર ‘આકંઠ સાબરમતી’ નામની મંડળી શરૂ કરવામાં તેમની પહેલ હતી. તેમના વિદ્યાર્થીઓને સાહેબનાં જગજુદાં સંભારણાં માંડવાં ગમે છે. ડાબેરી કર્મશીલ હિરેન ગાંધી કહે છે : ‘ કપાસી સાહેબ કલાજગતના મહાનુભાવ માટે બોલતા ‘બાંકી જોવા લાયક જગ્યા’. મારી દૃષ્ટિએ કપાસી સાહેબ પોતે જ વાસ્તવમાં અમદાવાદની જોવાલાયક જગ્યા હતા.’

કપાસી સાહેબના આચાર્યપદ હેઠળનાં વર્ષોમાં તેમની નિશાળમાં ઘંટની જગ્યાએ સંગીત વાગતું. ક્યારેક શરણાઈ તો ક્યારેક સારંગી, સિતાર ને સંતુર, બાખ ને બિથોવેન. અમદાવાદમાં ક્રિકેટની ટેસ્ટ કે કોઈ મહત્ત્વની મૅચ હોય ત્યારે સ્કૂલનું ટાઇમ-ટેબલ બદલાતું. સવારની સ્કૂલ પણ વહેલી છૂટી જતી – ‘બાળકોંએ નેટ પ્રૅક્ટિસ જોંવા તો જવું જ પડે નેં !’ શાળાની મૅચો જોવા વિદ્યાર્થીઓ તો જાય, પણ કપાસી સાહેબ ગ્રાઉન્ડ પર ખેલાડીઓથીય વહેલા પહોંચી જાય. શાળામાં ત્રણ દિવસ રમતોત્સવ અને ત્રણ દિવસ કલાઉત્સવ ઉજવાય. વાતો કરવાની સજા તરીકે શિક્ષકે જે વિદ્યાર્થીને વર્ગની બહાર ઊભો રાખ્યો હોય તેને કપાસી સાહેબ એમની ઑફિસમાં લઈ જાય અને તેની સાથે સિનેમા, ક્રિકેટ કે એવી કંઈ પણ વાત કરે. તેમની ઑફિસમાં રેડિયો હોય તેની પર બી.બી.સી. સંભળાવે. વિશ્વ સિનેમા પરનાં પુસ્તકોની લાઇબ્રેરી પણ ત્યાં જ.

શાળાનો પરિસર એટલે રાતદિવસ ધબકતું કલાનું ધામ. સપ્તકનું સંગીત અહીં સંભળાય.  લાભશંકર ઠાકર, ચિનુ મોદી, સુવર્ણા, મધુ રાય વગેરે ‘રે મઠ’ની સાહિત્યિક પ્રવૃત્તિ અને ‘આકંઠ’ની પ્રયોગશીલ નાટ્યપ્રવૃત્તિ માટે અહીં ભેગા થતા. લીલાનાટ્યો અને આધુનિક ગરબીઓ, માતબર સંગીતકલાકારોની બેઠકો અને કલાવિદોનાં વ્યાખ્યાનો, નાટ્યવાચન ને કાવ્યપઠન. વિદ્યાનગર શાળાની પ્રવૃત્તિઓનો ચિતાર આપીને રઘુવીર ચૌધરી ‘તિલક કરે’ પુસ્તકમાં કપાસી સાહેબના વ્યક્તિચિત્રમાં બાલમુકુંદ દવેના શબ્દો ટાંકે છે : ‘કોને કરું યાદ, કોને વિસારું, કિતાબ થાય.’ કપાસી સાહેબની ઔપચારિક નિવૃત્તિ નિમિત્તે ઑગસ્ટ 1988માં લખાયેલા ‘એક અનોખા ગુજરાતી’ લેખમાં ઉમાશંકર જોશી કહે છે : ‘એમનો ખ્યાલ કરું છું ત્યારે રાતે મોડે સૌ જંપી ગયું હોય ત્યારે બી.બી.સી. પરથી ભજવાતાં નાટકને ટગર ટગર સાંભળી રહેલા રંગભૂમિના રસિયા જીવની  મૂર્તિ નજર આગળ ખડી  થાય છે. બધાં ઇંગિતો અવાજ દ્વારા એમના કાન ગ્રહણ કરી રહ્યા છે.’

કાનસેન તરીકે કપાસી સાહેબ અસામાન્ય કોટિએ પહોંચેલા હતા. તેઓ પાશ્ચાત્ય સંગીત સહિત સંગીતના અનેક પ્રકારના રસજ્ઞ હતા. ‘સ્વરલોક’ પુસ્તકમાં તેમણે પોતાના સાંગિતીક ભાવજગતનાં સંભારણાં અને કેટલાક સંગીત કલાકારોનાં શબ્દચિત્રો આલેખ્યાં છે. પ્રતિષ્ઠિત સંદર્ભગ્રંથ શ્રેણી જ્ઞાનગંગોત્રીમાં યુરોપિય સંગીત વિશેનાં પચાસ પાનાં તેમણે લખ્યા છે. ‘સંગીત એ મારા માટે પ્રથમ પ્રેમ છે. આ એક એવી કલા છે જેની પાસે જવાથી સદાય આનંદ જ પ્રાપ્ત થાય છે’, આવું તેમણે મનહર મોદીને એક મુલાકાતમાં કહ્યું છે. આ મુલાકાત ‘સિનેરાગ’ પુસ્તકની શરૂઆતમાં વાંચવા મળે છે. આ સંગ્રહના 132 લેખોમાં કપાસી સાહેબે હળવાથી સિનેમા સંબંધી અનેક બાબતોની છણાવટ કરી છે. જેમ કે, દેશ અને દુનિયાની ઉત્તમ ફિલ્મો, ફિલ્મ સર્જનની પ્રક્રિયા, ફિલ્મો જોવા-સમજવાની રીત, ફિલ્મ અપ્રિસિએશન, પ્રાદેશિક ફિલ્મો, રેડિયો-દૂરદર્શન-ચૅનલોના સંદર્ભમાં સિનેમા, ફિલ્મોમાં સંગીત, ફિલ્મ સોસાયટી મૂવમેન્ટ અને બીજા ઘણા વિષયો. કપાસી સાહેબનો પાયાનો વિચાર આ છે : ‘બધી કળાનો સામટો સરવાળો છે ફિલ્મ. ઉત્તમ ફિલ્મો જુઓ એટલે બધું જ આવી જાય. સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, તે ઉપરાંત જે કંઈ ઉત્તમ હોય તે બધું જ સાચી ફિલ્મમાં આવી જતું હોય છે …. ઇન્દ્રિયે ઇન્દ્રિયે આનંદ થઈ જાય.’

આ આનંદ કપાસી સાહેબનો સ્થાયી ભાવ હતો. એ આનંદ એમને ગમે ત્યાં મળી શકતો – પાન, પોંક, પુસ્તકો, પેઇન્ટિન્ગ્સ, દિલ્હીના પકોડા, ગાજરનો હલવો, સંગીત, મહેફિલો, ક્રિકેટ, મિત્રોનો સંગ. એમણે લખ્યું છે : ‘ઉપરાઉપરી બે સુંદર કલાત્મક ફિલ્મો જોયા પછી હાઇ જમ્પ કરવાનું મન થઈ જાય’, અથવા ‘હૈદરાબાદમાં ‘ડેસ્પરેટલી સિકીંગ સુઝાન’ જોયા પછી એટલો આનંદ આવેલો કે ઉત્તમ પદાર્થ સાથે છએક માઇલ બસ ચાલ્યા જ કર્યું.’

કપાસી સાહેબ આચાર્ય હતા તે વર્ષોમાં, અભિજાત જોશી વિદ્યાનગર સ્કૂલમાં પાંચમાથી બારમા ધોરણ સુધી ભણ્યા હતા. ‘ગાંધીગીરી’ જેવો શબ્દ અને ‘પીકે’ જેવી ફિલ્મ  આપનાર આ વિખ્યાત કથા-પટકથા લેખકે લાગણી અને કૃતજ્ઞતાના ભાવ સાથે કપાસી સાહેબનાં સંભારણાં કહ્યાં. તેમણે કહ્યું : ‘કપાસી સાહેબે મારી જિંદગીને ઘણી રીતે ઘાટ આપ્યો છે. સિનેમામાં મને જે રસ છે તેનું શ્રેય હું કપાસી સાહેબને આપું છું.’ કપાસી સાહેબના ખાવા પીવાના શોખની કેટલીક ખાસ વાતો તે  યાદ કરે છે. જેમ કે, કપાસી સાહેબ એમ માનતા ‘પોંક ઓટલા પર બેસીને ખવાય, લાડુ હીંચકા પર બેસીને પડિયામાં લઈને ખવાય અને લસ્સી ઉત્તર ભારતના કોઈ ગામડામાં ઘોડાગાડીમાં બેસીને  પીવાય.’ અભિજાત કહે છે : ‘નાની નાની વસ્તુઓમાંથી મોટો આનંદ મેળવવાની એમની ક્ષમતા બહુ અદ્દભુત હતી. વળી એમના આનંદ એક્સપેન્સિવ કે એક્સ્ટ્ર્ર્વૅગન્ટ, મોંઘા કે ઉડાઉ ન હતા.’

અંગ્રેજી–મરાઠી-ગુજરાતી સાહિત્યના મોટા વાચક અભિજાત કપાસી સાહેબના સંદર્ભમાં, મહાન  મરાઠી લેખક-પરફૉર્મર પુ.લ. દેશપાંડેને યાદ કરે છે: ‘કપાસી સાહેબની આનંદ લેવાની તાકાત પુ.લ. જેવી હતી. પુ.લ.ને ‘આનંદયાત્રી’ કહ્યા છે. કપાસી સાહેબ પણ આનંદયાત્રી હતા ...  તેમની આનંદ માણવાની ક્ષમતા બહુ મોટી હતી. સાધારણ માણસ પણ કેવી આનંદમય જિંદગી જીવી શકે એ એમના ટેમ્પરામેન્ટમાં હતું. એમણે ક્યારે ય કોઈ એક્સપર્ટીઝનો, નિપુણતાનો ક્લેઇમ કહેતાં દાવો કર્યો ન હતો. એ જાણકારીનો દેખાડો ન કરતા, એની બડાશ ન હાંકતા, જજમેન્ટલ ન બનતા. એમનો ક્લેઇમ એ ક્લેઇમ ઑફ લવ હતો. લવ ફૉર ફિલ્મ્સ, લવ ફૉર મ્યુિઝક, ફૉર ક્રિકેટ, ફૉર ફૂડ ...’ અભિજાતની ‘થ્રી ઇડિયટસ’ ફિલ્મે શિક્ષણ તરફ જોવાનો અલગ નજરિયો ભારતના લોકોને આપ્યો. તેમાં કપાસી સાહેબ હતા. અભિજાત કહે છે: ‘મારી ‘થ્રી ઇડિયટસ’ ફિલ્મમાં  ફ્રી-થિન્કર  રૅન્ચોના પાત્ર પાછળ કપાસી સાહેબનું શિક્ષણ દર્શન છે. તેમના માટે શિક્ષણ બંને હતું – એન્જૉયમેન્ટ ઍન્ડ ઇનવૉલ્વમેન્ટ !’

++++

27 જુલાઈ 2017

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 28 જુલાઈ 2017

Category :- Profile