આપણી આરત તો અહિંસક, યુદ્ધ રહિત સમાજની કે ‘યુદ્ધ નહીં બુદ્ધ સહી’ના વિશ્વની છે. પરંતુ દુનિયા તો જમીનના ટુકડા કે વર્ચસ માટે યુદ્ધરત અને યુદ્ધગ્રસ્ત છે. સમ્રાટ અશોકને કલિંગના યુદ્ધમાં થયેલી હિંસા પછી કલિંગબોધ લાધ્યો હતો અને તેઓ હથિયારો હેઠા મૂકી બુદ્ધની કરુણા, અહિંસા તથા શાંતિના માર્ગે વળ્યા હતા. પરંતુ આજની લોકશાહી સરકારોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ કલિંગબોધ થતો નથી. એટલે વિશ્વમાં યુદ્ધો ખેલાતા રહે છે. જીનેવા એકેડેમીના અહેવાલ પ્રમાણે આજે દુનિયામાં છવ્વીસ મોટા યુદ્ધો અને સશસ્ત્ર સંઘર્ષો ચાલી રહ્યા છે. તેમાં સૌથી વધુ બાર મધ્ય પૂર્વમાં, છ યુરોપમાં, પાંચ એશિયામાં અને ત્રણ દક્ષિણ અમેરિકામાં ચાલે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ ત્રણ વરસથી તો ઈઝરાયેલ –હમાસ યુદ્ધ એક વરસથી અવિરામ ચાલે છે. તેમાં નવા દેશો ઉમેરાતા રહે છે. ઈરાન, પેલેસ્ટાઈન, લેબેનોન, સીરિયા અને બીજા દેશો ઉપરાંત જગત જમાદાર અમેરિકા પણ આ બધામાં ખૂબ જ સક્રિય છે. યુદ્ધોને કારણે હજારો લોકોના મોત થયા છે. લાખો વિસ્થાપિત થયા છે અને અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે પરંતુ યુદ્ધનો કાયમી અંત તો ઠીક, કામચલાઉ યુદ્ધ વિરામ પણ ક્ષિતિજે ક્યાં ય જોવા મળતો નથી.
યુદ્ધની અનેક વિપરીત અસરો છે. દુનિયાના ઘણા દેશોનો સૈન્ય ખર્ચ વધતો જાય છે. ચીન અને પાકિસ્તાન જેવા વસમા પાડોશીથી ઘેરાયેલા ભારતનું સંરક્ષણ બજેટ સતત વધતું રહ્યું છે. એકવીસમી સદીના આરંભના વરસે, ૨૦૦૧માં, ભારતનું સંરક્ષણ બજેટ ૧૪.૬ અબજ ડોલરનું હતું. દાયકા પછી ૨૦૧૧માં તેમાં સાડા ત્રણ ગણી વૃદ્ધિ થઈ અને તે ૪૯.૬૩ અબજ ડોલર થયું હતું. તેના બીજા દસ વરસ પછી ૨૦૨૦માં ૭૨.૯૪ અબજ ડોલર હતું. ભારતનું સૈન્ય બજેટ પાકિસ્તાનથી તેર ગણું વધારે છે. શિક્ષણ, આરોગ્ય અને લોકકલ્યાણના અન્ય કામોમાં ખર્ચવા યોગ્ય નાણાં સરહદો સલામત રાખવા વાપરવા પડે છે. આ કડવી વાસ્તવિકતા બંને દેશોએ સ્વીકારવી પડશે.
ડિફેન્સ થિંક ટેન્ક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસના રિપોર્ટ મુજબ લશ્કરી ખર્ચની બાબતમાં આપણો દેશ વિશ્વમાં ત્રીજું અર્થાત અમેરિકા અને ચીન પછીનું સ્થાન ધરાવે છે. ગાંધીની અહિંસા અને નહેરુના પંચશીલ તથા વિશ્વશાંતિને વરેલા ભારત માટે આ સ્થાન લગીરે હરખાવા જેવું નથી. ૨૦૨૧માં અમેરિકાનો આર્મી પાછળનો ખર્ચ ૮૦૧ અબજ ડોલર, ચીનનો ૨૯૩ અબજ ડોલર, ભારતનો ૭૬.૬ અબજ ડોલર, યુનાઇટેડ કિંગ્ડમનો ૬૮.૪ અબજ ડોલર, રશિયાનો ૬૫.૯ અબજ ડોલર અને જર્મનીનો ૫૬ અબજ ડોલર હતો. રશિયા કરતાં ભારતનો લશ્કરી ખર્ચ વધારે છે તો આ ખર્ચમાં પ્રથમ ક્રમે રહેલા અમેરિકા અને અન્ય ક્રમના દેશો વચ્ચેનું અંતર અનેક ગણું વધારે છે.
અમેરિકા અને અન્ય શસ્ત્ર ઉત્પાદક દેશોનું હિત વિશ્વ યુદ્ધરત રહે અને તેમના હથિયારોનું બજાર ગરમ રહે તેમાં રહેલું છે. એટલે હાલના યુદ્ધોને અટકાવવાના કોઈ ગંભીર પ્રયાસો થતા નથી. વિશ્વનું શસ્ત્ર બજાર જે ગઈકાલ સુધી ૧૮૩ લાખ કરોડનું હતું તે તાજેતરના યુદ્ધોથી વધીને હવે ૨૫૦ લાખ કરોડનું થવાની સંભાવના છે. શસ્ત્ર બજારમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. તે પછીના ક્રમે ફ્રાન્સ, રશિયા, ચીન, જર્મની, ઈટલી, યુ.કે. અને સ્પેન છે. હવે તેમાં સ્વીડન, તુર્કી, દક્ષિણ કોરિયા અને ભારતનો પણ પ્રવેશ થયો છે. ભારતનું લક્ષ્ય શસ્ત્રોની આયાત લગભગ ઘટાડીને યુદ્ધ હથિયારોમાં સ્વાવલંબી થવાની અને વધારાના હથિયારોની નિકાસ કરવાની છે. યુદ્ધ કોઈને પાલવે નહીં, આ યુદ્ધનો સમય નથી, યુદ્ધને બદલે સંવાદ જરૂરી છે એમ માનતું ભારત યુદ્ધ હથિયારોની નિકાસ કરશે કે શાંતિનું નોબેલ આપનાર સ્વીડન પણ યુદ્ધ હથિયારો વેચે છે તે કેટલું આઘાત અને આશ્ચર્યજનક છે, નહીં?
હાલમાં જે દેશોમાં યુદ્ધો ચાલે છે તેમની યુદ્ધ હથિયારોમાં એ.કે. ૪૭ (એસોલ્ટ કલાશ્વિન કોવ) રાઈફલ અને ફાઈટર ડ્રોનની સવિશેષ માંગણી હોય છે. એટલે ડ્રોનનું હાલનું બજાર, તેની માંગણીમાં વૃદ્ધિને જોતાં, રૂ. પાંચ લાખ કરોડનું છે તે વધીને રૂ.પચીસ લાખ કરોડનું થવાનું છે. આધુનિક યુદ્ધ લડાકુ વિમાનો અને મિસાઈલોથી લડાય છે તેથી તેની પણ માંગ છે. યુદ્ધો કેટલાં મોંઘા હોય છે તેનો ખ્યાલ કેટલાક યુદ્ધ હથિયારોની કિંમત પરથી આવે છે. ઈઝરાયેલે આટલી મિસાઈલો છોડી અને ઈરાનની આટલી વિફળ કરી તેવું વાંચી – સાંભળીને મિસાઈલ માનવ જીવ લેવા ઉપરાંત કિંમતમાં કેટલામાં પડે છે તેનો ખ્યાલ આવતો નથી. અમેરિકાની ટોમહોક મિસાઈલ પંદર લાખ ડોલરની તો પૈટ્રિયટ મિસાઈલ ૪૦ લાખ ડોલરની હોય છે. એફ-૧૫ અને એફ-૩૫ લડાકુ વિમાનમાં ઉડાન દરમિયાન દર કલાકે અનુક્રમે ૩૦ અને ૪૨ હજાર ડોલરનું ઈંધણ વપરાય છે. લડાકુ વિમાનોમાં રાખવામાં આવતી જી.પી.એસ. આધારિત બોમ્બ કીટની કિંમત ૨૫ હજાર ડોલર છે.
હથિયાર ઉત્પાદક દેશો અને કંપનીઓ યુદ્ધો અટકવા દેતા તો નથી જ પણ તેનો હાઉ પણ ફેલાવે છે. તાઈવાનને ચીનનો ખતરો છે એમ ઠસાવીને અમેરિકાએ તાઈવાનને આ વરસોમાં જ ૧૭ લાખ કરોડના હથિયારો પધરાવ્યા છે. હવેના યુદ્ધો જેમ વધુ નિર્મમ છે અને અંધાધૂધ બોમ્બમારો કરવામાં આવે છે તેમ તેમાં બે સૈનિકો સામસામે લડતા હોય તેવું બહુ ઓછું બને છે. એટલે મિસાઈલો તેમાં ય ડ્રોન મિસાઈલો અને મશીનોનું આ યુદ્ધ છે. જે દેશોના યુદ્ધ હથિયારો વધુ આધુનિક અને ટેકનોલોજીની દૃષ્ટિએ આગળ હોય તે જીતે છે. હાલના નાણાંકીય વરસ(૨૦૨૪-૨૫)ના આરંભ પહેલાં ફેબ્રુઆરી-૨૦૨૪માં ભારત સરકારે સશસ્ત્ર દળોની ક્ષમતામાં વૃદ્ધિ માટે ૮૫ હજાર કરોડના શસ્ત્ર સરંજામની ખરીદીને મંજૂરી આપી હતી. આ ખરીદીમાં એવા હથિયારો લેવાના છે જે અત્યાધુનિક ડિફેન્સ ટેકનોલોજીથી બનેલા હોય અને યુદ્ધ ક્ષેત્રમાં નજર સામે ના હોય તેવા લક્ષ્ય પર નિશાન સાધી શકે. આ બધી બાબતો યુદ્ધની વિભીષિકાને ઓર વળ ચડાવે છે.
યુક્રેનનો દૈનિક યુદ્ધ ખર્ચ ૧૩.૬ કરોડ ડોલરનો છે. આ એ યુક્રેન છે જે ૧૯૨૨થી ૧૯૯૧ સુધી સોવિયેત સંઘનો ભાગ હતું. અમેરિકાએ તેને ૧૧૩ અબજ ડોલર અને યુરોપિય દેશોએ ૯૧ અબજ ડોલરની સૈન્ય અને અન્ય નાણાંકીય સહાય કરી છે. અફઘાનિસ્તાન અને ઈરાક્ના યુદ્ધોમાં અમેરિકાએ ૮૦ ખરબ ડોલર વાપર્યા હતા. બીજી તરફ ગાઝામાં દર દસે સાત લોકો વિશ્વની મદદ પર જીવે છે. જેની રોજની આવક ૨.૧૫ ડોલર કરતાં ય ઓછી છે તેવા વિશ્વમાં ૭૦ કરોડ લોકો (વિશ્વની વસ્તીના આશરે દસ ટકા ) બેહદ ગરીબીમાં જીવે છે. ત્યારે યુદ્ધો કોના લાભમાં હોઈ શકે?
બે વિશ્વ યુદ્ધોની અકથ્ય પીડા આજે પણ વેઠી રહેલું વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધના ઓથાર હેઠળ જીવી રહ્યું છે. પરમાણુ હથિયારોના ઉપયોગની આશંકાએ તે હર પળ ડરેલું છે. હથિયારોની હોડ અને તકનિકીકરણની દોડે માનવજાતને એવા અંધારા ખૂણે ધકેલી દીધી છે જ્યાંથી પાછા ફરવું અશકયવત લાગે છે. ભયભીત માનવજાત યુદ્ધ અને હથિયારોની વિભીષિકાથી મુક્તિ ઝંખે છે. આ આરત કોઈને સંભળાય છે?
e.mail : Maheriyachandu@gmail.com