કળા અને સંસ્કૃિતને લગતી બાબતો પોલીસ સત્તાવાળાઓ કે સ્થાનિક વહીવટકારો પર છોડી દઈ શકાય નહીં
પહેલા ‘ઉડતા પંજાબ’ને ધરતી પર આસમાન મળ્યું, અને હવે ‘લિખતા મુરુગન’ને પંખાળો ઘોડો મળ્યો, ક્યા કહના. તમિળ નવલકથાકાર પેરુમલ મુરુગને ફેસબુક પર પોતાને એક લેખક તરીકે વિધિવત્ મૃત જાહેર કર્યા એ ઘટનાને (અને અપઘટનાને) ખાસા અઢાર મહિના થઈ ગયા: ‘લેખક મુરુગનનું નિધન થયું છે. એ કંઈ ઈશ્વર નથી કે પુનર્જીવન પામી શકે. આજથી જીવિત રહેશે અધ્યાપક માત્ર અને માત્ર અધ્યાપક પી. મુરુગન.’ પણ મુરુગન સામેની ક્રિમિનલ ફરિયાદ કાઢી નાખતાં સાફ સાફ અને સરસ કહ્યું મંગળવારે મદ્રાસ હાઇકોર્ટે કે લેખક પુનર્જીવન પામો અને જેમાં તે પોતાનું ઉત્તમોત્તમ રેડી શકે છે એ કામ કરો … લેખન!
અહીં થોડી વિગત સ્પષ્ટ કરવી જોઈએ. મુરુગનની એક નવલકથામાંથી, એમાં રૂઢિદાસ્ય અને જીર્ણમત તેમ જ ધાર્મિક-સામાજિક પ્રથા અંતર્ગત તરેહવાર શોષણ તથા ભેદભાવની નિરૂપણાથી, વાંચ્યેવણવાંચ્યે પણ ઉશ્કેરાવામાં ધર્મ જોતાં સ્વધર્મી સમુદાયે એમની સાથે જોરજુલમનો વહેવાર કર્યો ત્યારે એમના કસબા નમક્કડના તંત્રે કલેક્ટરની પહેલથી યોજેલી શાંતિબેઠકમાં એક સમજૂતી(સેટલમેન્ટ)નો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ સમજૂતી છેક જ એકતરફી હતી, કેમ કે તે મુજબે મુરુગને બિનશરતી માફી માગવાની હતી, નવલકથામાંથી વાંધાજનક અને વિવાદાસ્પદ અંશો કાઢી નાખવાના હતા, બજારમાંથી નવલકથાની નકલો પાછી ખેંચી લેવાની હતી.
આટલેથી ધરવ ન હોય એમ, અધૂરામાં પૂરું, સ્થાનિક ‘ધર્મપ્રેમી’ તત્ત્વોએ મુરુગન સામે શાંતિ ડહોળવા અને લાગણી દૂભવવાથી માંડીને ઉશ્કેરણી કરવા લગીને મુદ્દે ફોજદારી રાહે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ કાઢી નાખતાં મદ્રાસ હાઇકોર્ટના વડા ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલના વડપણ હેઠળની બેન્ચે પોતાના આદેશમાં કહ્યું છે કે સદરહુ સેટલમેન્ટ ફોક થાય છે, કેમ કે ચોક્કસ જોખમ અને ભય વચ્ચે મુરુગનને એ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હતી. આ સંજોગોમાં તંત્રે એમને રક્ષણ આપવાની અગ્રતા નહીં આપતાં સમજૂતી(શરણાગતી)નો રાહ લીધો તે અદાલતના મતે ટીકાપાત્ર છે.
કાનૂની સ્પષ્ટતા અને સાહિત્યિક સજ્જતા જોતાં આ ચુકાદો એક પ્રતિમાન કાયમ કરે એ બરનો બની આવ્યો છે. એકસો ચોત્રીસ પાનાંમાં પથરાયેલા આ ચુકાદાના થોડા અંશો: ‘લેખક, પ્રો. મુરુગને ભય હેઠળ શા સારુ જીવવું પડે? તેઓ પોતાના લેખનફલકને સુપેરે વિસ્તારી શકે એવું સુવાણ એમને મળી રહેવું જોઈએ. એમનાં લખાણો સાહિત્યિક પ્રદાનરૂપ બની રહેશે. ભલે એવા બીજાઓ પણ હોય જે એમની વસ્તુ અને શૈલીથી જુદા પડતા હોય. પણ તેનો ઉત્તર એ નથી કે પોતાને લેખક તરીકે મૃત જાહેર કરવાનો નિર્ણય એમનો (મુરુગનનો) પોતાનો હતો. એ નિર્ણય કોઈ મુક્તતાપૂર્વક લેવાયેલો નિર્ણય ન હતો, પણ એ તો જે પરિસ્થિતિ સરજવામાં આવી હતી એનું પરિણામ હતું.’ અને વળી ‘સમાજમાં કોઈક હિસ્સાને અસ્વીકાર્ય લાગે એવાં સઘળાં લખાણોને કંઈ અશ્લિલ ગંદા ને અનૈતિક જેવાં લેબલ ન ચોંટાડી શકાય … કેમ કે, આખરે તો ‘સૌંદર્ય જેમ જોનારની નજરમાં વસેલું છે તેમ એ જ અર્થમાં શ્લીલ-અશ્લીલની પણ (જોનારની આંખમાં) રહેલી છે.’
ચુકાદામાં વધુ કહેવાયું છે: ‘વાંચવું કે ન વાંચવું એ પસંદગીની સ્વતંત્રતા વાચકને કને હંમેશાં હોય છે. તમને કોઈ પુસ્તક ન ગમે તો એ પડતું મૂકો. તમે એ વાંચવા અનિવાર્યપણે બંધાયેલા નથી. સાહિત્યિક કસોટીઓ અલગ અલગ અને જુદી પડતી હોઈ શકે છે. કોઈકને સારુ જે સાચું અને સ્વીકાર્ય હોય તે બીજાને સારુ ન પણ હોય. તેમ છતાં, લખવાનો અધિકાર તો અપ્રતિહાર્ય છે.’ હકીકતે આ પરિચ્છેદનો સંદર્ભ સદરહુ ચુકાદામાં જ સલમાન રશ્દીના જે ઉદ્દગારો ટાંકવામાં આવ્યા છે એમાં પડેલા છે: ‘ કોઈ ચોપડીથી તમારે દુભાવું ન હોય તો એ તો સાવ સહેલું સટ છે. તમે એ બંધ કરી દો એટલે પત્યું!’
ન્યાયમૂર્તિ કૌલના વડપણ હેઠળની બેન્ચે રશદીને ટાંક્યા તે સાથે થોડા વખત પર જયપુર લિટરરી ફેસ્ટિવલમાં એ પહોંચી શક્યા નહોતા તે યાદ આવ્યું. લિટફેસ્ટમાં રશદી વિધિવત્ નિમંત્રિત હતા. પણ રાજસ્થાન પોલીસે એમને ભળતીસળતી પૂર્વસૂચના આપીને સલામતીના મુદ્દે ગેરરસ્તે દોર્યા (અને નિમંત્રકો પણ સમો વરતીને કોકરવરણા થઈ ગયા) એટલે રશદીનું આવવાનું બંધ રહ્યું. મુરુગનના કિસ્સામાં મદ્રાસ હાઇકોર્ટે પોલીસ અને તંત્રની (બે)જવાબદારી બાબત ઊહાપોહભેર કહ્યું છે તે પ્રદેશાન્તરે અહીં લાગુ પડે છે.
રશદી નિમિત્તે થોડીક બીજી નુક્તેચીનીમાં જાઉં તે પૂર્વે આ જ લિટફેસ્ટ સબબ એક અન્ય વિગત સંભારી લઉં. એમાં આશિષ નંદીની કોઈક દરમ્યાનગીરી દલિત મુદ્દે વિવાદાસ્પદ બનતાં એમની સામે દેખાવોનો (અને કદાચ લિટફેસ્ટમાંથી રવાનગીની હદે) જે દોર ચાલ્યો એની વચ્ચે દલિત વિદ્વાન કાંચા ઈલય્યાનો પ્રતિભાવ જુદો તરી આવ્યો હતો. એમણે કહ્યું હતું કે કોઈને બળજોરીથી બંધ નહીં કરતાં દલીલ સામે વળતી દલીલ મૂકી શકીએ એટલા અમે સજ્જ છીએ. સ્વાભાવિક જ, ‘મેન ઑફ ધ મેચ’નું માન રળી આપે એવી ભૂમિકા ઈલય્યાની હતી.
હવે રશદી વિશે અને મિશે. કૉંગ્રેસ શાસનમાં ‘સેતાનિક વર્સીઝ’ પર પ્રતિબંધ મૂકાયો હતો એ જાણીતું છે. જામિયા મિલિયાના તે વખતના પ્રો-વાઇસ ચાન્સેલર મુશિરુલ હસનને જ્યારે રશદીની કિતાબ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે નિ:સંકોચ કહ્યું હતું કે મને એ પુસ્તક ટીકાપાત્ર જરૂર લાગ્યું છે, પણ હું એક અભિગમ તરીકે કોઈ પણ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં નથી. અરુણ શૌરીના ‘વર્શિપિંગ ફૉલ્સ ગૉડ્ઝ’ની નકલો એમના જ પક્ષ(ભાજપ)ની અનુસૂચિત સેલે બાળી હતી એ યાદ કરીએ ત્યારે પોતપોતાને છેડેથી કાંચા ઈલય્યા અને મુશિરુલ હસન જરૂર માનાર્હ અને ધ્યાનાર્હ બની રહે છે. પણ જો શૌરીના કેસમાં ભાજપે પોતાના કાર્યકરોને વારવાપણું જોયું નહોતું તો મુશિરુલ સામે જામિયા મિલિયાના છાત્રોને હવા આપતા સલમાન ખુરશીદને વારવાપણું પણ કૉંગ્રેસ શ્રેષ્ઠીઓએ જોયું નહોતું.
મદ્રાસ ચુકાદાએ ત્રણ મહિનાની અંદર રાજ્ય સરકારને જે એક વ્યવસ્થા અમલી બનાવવા આદેશ આપ્યો છે તે સુપ્રતિષ્ઠ સર્જકોની સમિતિ રચવાનો છે, જે આવા વિવાદી સંજોગોમાં ન્યાયતંત્ર તરફથી ઉત્તરોત્તર આવતા ચુકાદાઓ થકી પરિમાર્જિત કાનૂનને લક્ષમાં રાખી શું કરવા જોગ છે એને અંગે સ્વતંત્ર અભિપ્રાય આપી શકે. કળા અને સંસ્કૃિતને લગતી આવી બાબતો પોલીસ સત્તાવાળાઓ કે સ્થાનિક વહીવટકારો પર જ છોડી દઈ શકાય નહીં. અલબત્ત, સૂચિત સમિતિનાં રૂપરંગ અને રંગઢંગ જોવાં રહેશે, પણ હમણાં મુરુગન તરફે રાજીપા સાથે એક વાત તો અંકે કરીએ કે લોકશાહી સંસ્કૃિતમાં ‘વાદે વાદે જાય તે તત્ત્વબોધ’ની સંસ્કૃિત છે- કોઈ રાજકારણીઓ હસ્તકની પોલીસની, કે લુમ્પનમંડિત મોરલ પોલીસની સંસ્કૃિત એ નથી. ‘લૉ એન્ડ ઓર્ડર’ની સાંકડી પરંપરીણ નેળની બહાર આ પ્રશ્નને જોવાપણું છે એ પાયાનો મુદ્દો છે.
એ દૃષ્ટિએ સમિતિ અને ગાઇડલાઇન્સ ઠીક છે, તો પણ, ખરેખર તો, પુસ્તક પ્રતિબંધને બદલે ‘ન વાંચવાની સ્વતંત્રતા’ દરમ્યાન, પ્રકાશક અને વકીલ બધો વખત લેખકની સાથે રહ્યા એની કદર સાથે મદ્રાસ હાઇકોર્ટને આપણા કૃતજ્ઞતાપૂર્વક છતાં સવિનય કહીશું કે તમે આખા પ્રશ્નને ‘લૉ એન્ડ ઓર્ડર’ની સાંકડી નેળમાંથી કાઢી આપ્યો એ રૂડું કીધું, પણ સમિતિ ય શીદને – તમે રશદીને ટાંકીને કહ્યું એ જ બરાબર છે: ન વાંચવાની છૂટ તો છે જ.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : ‘વાદે વાદે’, “દિવ્ય ભાસ્કર”, 09 જુલાઈ 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-a-writers-resurrection-between-controversy-article-by-prakash-n-shah-5368478-NOR.html