કુદરતી
આપત્તિનું
આજનું નામ છે
કોરોના વાયરસ.
જડ હોય કે ચેતન
દૂર રહેવું.
હોય ભલે ઘરનો
કે, બ્હારનો
એના સ્પર્શ માત્રથી
લઈ લેવી પાણીની છાંટ.
જેમ લેતા હતા
ખાસ ધર્મના લોકો,
એના જ ધર્મના લોકોથી.
ત્યારે પણ હતો
જનતા કર્ફ્યૂ.
જાહેર રસ્તા પર ચાલવાનું બંધ હતું.
દુકાનોમાં પ્રવેશ બંધ હતો
ને, દરવાજા
બંધ હતા મંદિરોના.
આમ તો ગામના લોકોની બિમારી હતી.
પણ અસર ગામ છેવાડેના લોકોને થતી હતી.
વાયરસ એટલો
ખતરનાક હતો.
કે, એની અસરથી
જીવતા માણસો
મરેલા લાગતા હતા.
ને,
ધર્મના ઠેકેદારો
તો, કહેતા હતા
કે, વાયરસ ઈશ્વર નિર્મિત છે.
નામ આભડછેટ છે.
પછી તો વાયરસે
એવી બરબાદી કરેલી.
કે,
આજે ય એના જંતુ
મળી આવે છે કેટલાક માણસોમાંથી.
કુદરતી આપત્તિ
કોરોના તો કાલ દૂર થશે
પણ,
માણસ સર્જિત
આપત્તિ આભડછેટ
કયારે દૂર થશે?
જૂનાગઢ
e.mail : nileshkathad1960@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 09 ઍપ્રિલ 2020