દિલ્હીની વાત છે.

જૈનેન્દ્રકુમાર
મેં કહ્યું, ‘બાપુ, સત્યનો આગ્રહ તો જીવનની સાથે જડાયેલો છે. કોઈ ક્ષણે અટકતો નથી કે અનાવશ્યક ઠરતો નથી. સત્યનું અનુગમન કરતાં કરતાં એક ક્ષણે આપની સમક્ષ અસહયોગ આવી ઊભો .. સંઘર્ષ આવી ખડો થઈ ગયો હતો. સત્યનો એ પડકાર તો આજે ય મોજૂદ જ છે ને ? વિદેશી હકૂમત માથા પર બેઠેલી જ છે. ને છતાં એવું શું બની ગયું કે એક વરસને માટે સંઘર્ષથી ને રાજકારણથી આપે પોતાની જાતને તારવી લીધી ? હું ધારું છું કે કાં તો એ ય સત્યાગ્રહનું જ એક રૂપ હશે પરંતુ …’
આંખ ઊંચી કરી મારી સામે નજર માંડી તેઓ બોલ્યા, ‘તું એવું માને છે ખરો કે, એ ય સત્યાગ્રહનું રૂપ હશે ?’
‘માનવું તો પડશે જ. કારણ એ વિના આપના આ શ્વાસપ્રાણ ટકે શાના ? પણ આપ એ કેવી રીતે ‘ડિટરમિન’ કરો છો કે, જે આગ્રહ આજે પ્રવૃત્તિ – સંઘર્ષમાં વ્યક્ત થઈ રહ્યો છે, તેનું જ સ્વરૂપ એવે વખતે નિવૃત્તિમય ને નિતાન્ત સેવામય હશે ?’
આ એ દિવસોની વાત છે, જ્યારે ગાંધીજીને એમની તબિયતને કારણે સરકારે જેલમાંથી છોડી મૂક્યા હતા. ને એમણે સ્વેચ્છાએ પોતાની સજાના એ સમગ્ર ગાળા દરમિયાન હરિજન સેવા સિવાયનાં તમામ રાજનૈતિક કાર્યોથી અળગા રહેવાનો નિર્ણય કરી લીધો હતો.
મારો પ્રશ્ન સાંભળી લઈ તત્ક્ષણ ગાંધીજી બોલી ઊઠેલા, ‘હું વળી ‘ડિટરમિન’ ક્યારે કરું છું … હું તો મારી જાતને ‘ડિટરમિન્ડ’ પામું છું.’

સુભદ્રાબહેન ગાંધી
એમનો જવાબ સાંભળી હું સ્તબ્ધ બની ગયો. આવો ઉદ્ગાર એક ગાંધીને મુખેથી જ ઉદ્ભવી શકે. મેં જોઈ લીધું કે, એને ક્યાં ય શુમાર નથી. કારણ કેવળ ‘સ્વયં’માં એ સીમિત નથી … નામના જ ‘સ્વયં’ છે. બસ એટલા પૂરતા કે સંસાર સાથેનો વ્યવહાર નભી રહે. બિંદુ તો એને જ કહીશું ને કે જે ઠાંય જ ન માગે? ગાંધી જાણે ભૂમિતિનું એક આદર્શ બિંદુ જ હતા. રજમાત્ર પણ અવકાશ એ ‘પોતાને’ કાજે યાચવા તૈયાર નથી. એમને મન બધું જ ‘એ’નું છે, જે સર્વમાં વ્યાપીને બેઠેલો છે. એમની પોતાની અસ્મિતા જે કંઈ છે, તે પણ એ ગુરુતમનો જ અંશ છે. અર્થાત્ પોતે સર્વમાં પ્રાણ પરોવી સર્વના બની રહે છે!
ત્યારે જ તો એમના મુખે આ શબ્દો આવ્યા : ‘ડિટરમિન’ કરતો નથી … પોતાને ‘ડિટરમિન્ડ’ પામું છું.’
એમણે સદાને માટે ‘હું’-ને પોતામાંથી દેશવટો દઈ દીધો હતો, પોતાના ‘અહમ્’ને નિઃશેષ બનાવી, શેષમાં મિલાવી દીધો હતો!
એમના એ ઉત્તરના સ્પર્શે મને દિગ્મૂઢ બનાવી દીધો. હું સંકોચાઈ ગયો. થોડી વાર લગી તો શું બોલું તેનીયે સૂઝ ન પડી. જાણે વ્યક્તિમાં સમાયેલ વિરાટ પ્રગટ થતાં એનાં આકસ્મિક દર્શને મારી સૂધબૂધ હરી લીધી! કશું બોલાયું નહિ. ક્યાં ય લગી અવસન્ન શો બેઠો રહ્યો. ને થોડા સમય બાદ બસ, ઊઠીને ચૂપચાપ ચાલ્યો આવ્યો. અવસન્નતાની એ તીવ્ર અનુભૂતિને આજે ય યાદ કરી શકું છું. એની ગાઢ છાયા ઘણા લાંબા સમય સુધી મારી સાથે જીવતી રહેલી.
19 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 338.