પહેલી ગુજરાતી બોલતી ફિલ્મ કઈ? લગભગ તમામ સ્રોત પ્રમાણે, ગુજરાતના પ્રખ્યાત સંત ભજનિક નરસિંહ મહેતાના બાયોપિક સાથે બોલતી ગુજરાતી ફિલ્મોની શરૂઆત થઇ હતી. નાનુભાઈ વકીલ (1904-1980) નામના નિર્દેશકે ‘નરસિંહ મહેતા’ નામની ફિલ્મ બનાવી હતી. તે 9મી એપ્રિલ 1932ના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ હતી (પહેલી રંગીન ગુજરાતી ફિલ્મ ‘લિલુડી ધરતી’ 1968માં આવી હતી).
મૂળ વલસાડના, નાનુભાઈ વકીલે લગભગ 55 ફિલ્મો બનાવી હતી. તેમની પહેલી ફિલ્મ ‘મૃગનૈની’ 1929માં અને અંતિમ ફિલ્મ ‘ઈદ કા ચાંદ’ 1964માં આવી હતી. મુંબઈમાં કાયદાનું ભણેલા નાનુભાઈએ શારદા ફિલ્મ નામની કંપનીમાં દૃશ્યો લખવાના કામમાંથી ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. ‘નરસિંહ મહેતા’ તેમણે સાગર મૂવીટોનના બેનર તળે બનાવી હતી.
ફિલ્મો સમાજમાંથી પ્રેરણા લે છે તે વાત સાચી છે. 40 અને 50ના દશકમાં હિન્દી અને અન્ય ભાષી ફિલ્મોમાં સંતોનો વિષય લોકપ્રિય હતો. જેમ કે, 1935માં હિન્દી અને મરાઠીમાં (મહારાષ્ટ્રના સંત એકનાથ પર) ‘ધર્માત્મા,’ 1936માં મરાઠીમાં ‘સંત તુકારામ,’ 1941માં હિન્દી-મરાઠીમાં ‘સંત ધ્યાનેશ્વર,’ 1964માં હિન્દીમાં ‘સંત જ્ઞાનેશ્વર’ વગેરે.
એવું કહેવાય છે કે નાનુભાઈએ મહાત્મા ગાંધીના પ્રભાવમાં આવીને ગુજરાતીમાં ‘નરસિંહ મહેતા’ બનાવી હતી. એટલા માટે તેમાં ભજનો પર જોર વધુ હતું, નહીં કે નરસિંહએ કરેલા ચમત્કારો પર (આ ફિલ્મમાં જાણીતા ચિત્રકાર રવિશંકર રાવળે સેટ્સ બનાવ્યા હતા). તેમાં માસ્ટર મનહર નામના હિરોએ મહેતાનો, ઉમાકાંત દેસાઈએ કૃષ્ણનો અને ખાતૂને કુંવરબાઈની ભૂમિકા કરી હતી. આ ફિલ્મ ના ચાલી.
એટલે આઠ વર્ષ પછી, 1940માં, બીજા એક મશહૂર ગુજરાતી નિર્માતા-નિર્દેશક વિજય ભટ્ટે, તેમની પ્રકાશ પિક્ચર્સ ફિલ્મ કંપની માટે, ભજનિક નરસિંહ મહેતાના જીવન પર ફિલ્મ (‘નરસી ભગત’) બનાવાનું નક્કી કર્યું ત્યારે તેમણે ભજનોને બદલે ચમત્કારો પર ધ્યાન આપ્યું હતું. ‘નરસી ભગત’ ફિલ્મ ચાલી. નરસિંહ મહેતા પર કુલ ત્રણ ફિલ્મો બની છે. એક તો નાનાભાઈની, બીજી વિજય ભટ્ટની ‘નરસી ભગત’ અને એ બંને પહેલાં 1920માં ‘નરસિંહ મહેતા’ નામની એક મૂંગી ગુજરાતી ફિલ્મ આવી હતી. એટલે તેનો વિષય ‘સંત ફિલ્મો’ માટે ઉપયુક્ત હતો.
આ વિજય ભટ્ટ એટલે જેમણે ‘રામ રાજ્ય’ (જે ગાંધીજીએ જોઈ હતી), બૈજુ બાવરા, ગુંજ ઊઠી શહેનાઈ અને હિમાલય કી ગોદ મેં બનાવી હતી તે. ગુજરાતના પાલીતાણામાં રેલવે ગાર્ડની નોકરી કરતા જનેશ્વર ભટ્ટના દીકરા વ્રજલાલ ભટ્ટ એટલે વિજય ભટ્ટ. તેમના ભાઈ સાથે એ મુંબઈ આવેલા અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઇન્ટરમીડિયેટ કાર્યપ પછી બેસ્ટ બસ સર્વિસમાં ઈલેક્ટ્રીશિયન તરીકે જોડાયા હતા. શોખથી ગુજરાતી નાટકો લખતા હતા. એમાં તે પહેલી બોલતી હિન્દી ફિલ્મ ‘આલમ આરા’ના નિર્માતા-નિર્દેશક અરદેશર ઈરાનીની આંખે ચઢ્યા અને એ રીતે હિન્દી ફિલ્મોમાં તેમની કારકિર્દી શરૂ થઇ.
વિજય ભટ્ટના જીવન અને કામને સમર્પિત વેબસાઈટ ‘વિજયભટ્ટ ડોટ ઇન’માં આપેલી માહિતી અનુસાર નરસિંહ મહેતા પર ફિલ્મ બનાવાનું સૂચન મહાત્મા ગાંધી તરફથી આવ્યું હતું, જેમનું ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ગાંધીજીનું પ્રિય હતું. વલસાડમાં વિજય ભટ્ટ અને એમના મિત્રો ગાંધીજીને મળવા ગયા હતા. એમાં ગાંધીજી એ પૂછ્યું હતું કે શું કામ કરો છો ત્યારે ભટ્ટે કહ્યું હતું કે ફિલ્મો બનાવું છું. “નરસી મહેતા પર ફિલ્મ બનાવાનું ક્યારે ય વિચાર્યું છે?” ગાંધીજીએ બીજો પ્રશ્ન પૂછ્યો. “બાપુજી, બનાવા પ્રયાસ કરું,” ભટ્ટે જવાબ આપ્યો હતો.
તેમની પ્રકાશ પિક્ચર્સ ત્યારે જામેલી કંપની હતી અને તેમની ‘સંત તુકારામ’ ફિલ્મ સારી એવી લોકપ્રિય થઇ હતી. ભટ્ટે નરસિંહ મહેતા પર હિન્દી-ગુજરાતીમાં ફિલ્મ બનાવાનું નક્કી કર્યું. તેમાં મુખ્ય ભૂમિકા માટે મરાઠી રંગભૂમિના અભિનેતા વિષ્ણુપંત પાગનીસ(1892-1943)ને લીધા હતા. પાગનીસ સંત વિદુર, સંત તુલસીદાસ અને સંત તુકારામની ભૂમિકા કરીને ‘સંત અભિનેતા’ તરીકે જાણીતા થયા હતા. નરસિંહ મહેતાનાં પત્ની માણેકબાઈની ભૂમિકામાં દુર્ગા ખોટે હતાં.
નરસી ભગત કે ભક્ત નરસૈયો જેવા લોકપ્રિય નામથી આપણે જેને ઓળખીએ છીએ તે ગુજરાતી ભાષાના આદિકવિ કે ભક્તકવિ નરસિંહ મહેતાએ 500 વર્ષ પહેલાં ઊર્મિકાવ્યો, આખ્યાન, પ્રભાતિયાં અને ચરિત્રકાવ્યો રચીને ઇતિહાસમાં અમર સ્થાન મેળવ્યું છે.
૧૫મી સદીમાં ભારતમાં જે ભક્તિ અંદોલનની શરૂઆતમાં નરસિંહ મહેતાએ ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગના રહસ્યોને સૌપ્રથમ વાર કવિતાઓ અને ભજનો દ્વારા સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડ્યા હતા. ઉચ્ચ નગર જ્ઞાતિમાં જન્મ્યા હોવા છતાં તે લોકોમાં સૌ હરિના જન છે તેવું સમજણ આપતા હતા અને એટલે જ ગાંધીજીના સામાજિક વિચારોમાં મહેતાનું સ્થાન ઊંચું છે. અસ્પૃશ્યો માટે ગાંધીજીએ ‘હરિજન’ શબ્દ પ્રયોજ્યો હતો તેની પ્રેરણા નરસિંહ મહેતા હતા.
ફિલ્મમાં, ભાવનગર પાસેના તળાજા ગામના બેરોજગાર અને કૃષ્ણપ્રેમી નરસિંહ મહેતાને તેમની પત્ની માણેકબાઈ, પુત્રી કુંવરબાઈ અને પુત્ર શામળશા સાથે તેમના ભાઈ (બંસીધર) અને ભાભી(ઝવેરબાઈ મહેતી)ને ત્યાં રહેતાં બતાવ્યા હતા. એક રાતે તેઓ કોઈ ગરીબ દુ:ખિયારાને મદદ કરવા ઘર બહાર જાય છે, ત્યારે ભાભી કાયમ માટે તેમનો દરવાજો બંધ કરી દે છે.
નરસિંહ નજીકના શિવ મંદિરમાં આશરો લે છે અને સાત દિવસ સુધી ખાવા-પીવાનું છોડીને તપસ્યા કરે છે. તેમના તપથી ખુશ થઇને શિવજી તેમને ગોલોક(સ્વર્ગ)માં કૃષ્ણ પાસે મોકલે છે. ત્યાં ગોપીઓ અને ગોપીઓ સાથે નૃત્ય કરવાનું નરસિંહનું સ્વપ્ન પૂરું થાય છે. પૃથ્વી પર આવીને તે અસ્પૃશ્યો વચ્ચે કૃષ્ણનો સંદેશો લોકોને આપે છે. એ કહે છે, ‘ભાઈઓ ડરશો નહીં, તમે મારા જેવા જ છો, હું તમારી વચ્ચે સમાનતા અને ડહાપણનો સંદેશ લઈને આવ્યો છું.’ એ કપાળ પર ‘વૈષ્ણવ’ લખીને ગામમાં ફરે છે અને લોકોના ઉપહાસનો ભોગ બને છે. એ ધરમશાળામાં આશરો લે છે અને કૃષ્ણ પર વિશ્વાસ રાખીને કુંવરબાઈના મામેરાની તૈયારી કરે છે.
લોકોને આ વાર્તા પસંદ આવી હતી અને એ અમુક ઠેકાણે તો સિલ્વર જ્યુબિલી (25 સપ્તાહ) ઉજવી હતી. કરાચી અને લાહોરથી પ્રગટ થતા ટ્રેડ પેપર ‘ધ ફિલ્મોત્સવ એન્યુઅલ’માં એક રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘ફિલ્મ સોનાનો ખજાનો છે અને દરેક સ્ટેશન પર ધૂમ ધંધો કરી રહી છે.’
વિજય ભટ્ટે ફિલ્મમાં માનવજાતના કલ્યાણના ગાંધીવાદી વિચારને નરસિંહના સંતત્વ સાથે જોડ્યો હતો. ભગવાનની ભક્તિ માણસોની ભક્તિથી અલગ નથી એ એનો કેન્દ્રીય વિચાર હતો. વિજય ભટ્ટે નરસિંહ મહેતાને અમુક ઘટનાઓ અને દેખાવમાં ગાંધીજી જેવા રજૂ કર્યા હતા. કમનસીબે, ફિલ્મ માટે પ્રેરણારૂપ મહાત્મા ગાંધી આ ફિલ્મ જોઈ શક્યા નહોતા. જો કે વિજય ભટ્ટે 1943માં તેમની બીજી ફિલ્મ ‘રામરાજ્ય’નો વિશેષ શો જુહુમાં ગાંધીજી માટે યોજ્યો હતો.
(પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ” 28 જૂન 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર